નિરંજન/૩૫. જુવાનોનાં હૈયાંમાં


૩૫. જુવાનોનાં હૈયાંમાં

પ્રોફેસરોનું વાતાવરણ તો એને ગૂંગળાવી મારત, પણ જીવનભરી લહેરખી જુવાનોમાંથી આવી. પોતે ફેલો હોઈને કૉલેજના છાત્રાલયના નિરીક્ષક તરીકે પોતાને છાત્રાલયમાં જ રહેવાનું હતું. મોડા ઊઠનાર વિદ્યાર્થીઓ જાગીને જોતા તો એકાદાની રૂમના મેજ પર ચોપડીઓ વ્યવસ્થિત કરેલી હોય, એનો લોટો અથવા પ્યાલો પાણીભર્યો મેજ પર મંડાયો હોય, ને ઉપર અક્કેક ફૂલ ચડ્યું હોય. પૂછપરછ કરતાં પાડોશી છોકરા હાંસી કરે કે, ``તારી સ્વપ્ન-પ્રિયા મૂકી ગઈ હશે! ``તેં જ રાત્રિએ કોઈકની રાહ જોતાં કોઈકના સ્વાગત માટે એ ફૂલદાન શણગાર્યું હશે! પછી જાણ પડે કે સવારે વહેલા નિરંજન ઓરડીઓ જોવા ભમતા હતા, ને એમના હાથમાં આ ફૂલની ડાંખળી કોઈકે દીઠી હતી. કોઈ કોઈ ઓરડીના વાસીઓને પાછલી બારીના સળિયા પરથી પ્રભાતના વાયરામાં લહેરાતો સ્વચ્છ રૂમાલ મળતો. ઉપર ચિઠ્ઠી ચોડી હોય કે, ``તમારે સારુ મસોતું: નિરંજન તરફથી ભેટ. `મસોતું' શબ્દ અગમ્ય બન્યો હતો. એના અર્થની કાળી શોધ ચાલુ થતી. કોઈકે જઈને નિરંજનને પૂછ્યું: ``સાહેબ, મસોતું શબ્દનો માયનો? ``યસ સર, વી ઇન ઇંગ્લાંડ કોલ ઇટ `ડસ્ટર'! (જી, અમે અમારા વિલાયતમાં એને `ડસ્ટર' કહીએ છીએ.) એવો માર્મિક જવાબ મળતાં મીઠી લજ્જા સર્વને મલકાવી મૂકતી. પોતે ચાબાઈ કરે છે એવું નિરંજન ન કળાવા દેતો. વળતા દિવસે એ મસોતાનો પ્રભાવ પેલા જુવાનનાં મેજ અને ખુરસી ઉપર અંકાઈ જતો. નળની ચકલીઓ ઉપર નિરંજને ગળણાં બંધાવ્યાં. બબ્બે ઓરડીઓ વચ્ચે કચરાની ટોપલીઓ મુકાવી. ``વ્હેન ઈઝ યોર બર્થ-ડેટ, મિ. લાલવાની? નિરંજને એક સિંધી જુવાનને પૂછેલું. પૂછીને લાલવાણીની જન્મગાંઠનો એ દિવસ પોતે પોતાની રોજનીશીમાં લખી રાખ્યો. જન્મગાંઠની આગલી રાત્રીએ લાલવાણીના મેજ પર એક કચકડાની રકાબી પડી હતી. અંદર ચિઠ્ઠી હતી કે, ``પ્રિય મિત્ર, આ ભેટ તમને મારી સ્મૃતિ નહીં જ વીસરવા આપે, દર પાંચ મિનિટે યાદ તાજી કરાવશે. એ રકાબી હતી `એશ-ટ્રે' (સિગારેટની રાખ ખંખેરવાની રકાબી). લાલવાણી સમજી ગયો. સિગારેટનો એ હરેડ બંધાણી હતો. એની ઓરડીમાં દિવસરાત રાખની ઢગલીઓ તથા બીડીનાં ખોખાંની રંગોળી પુરાયેલી રહેતી. લાલવાણી રાતે ને રાતે નિરંજનની પાસે પહોંચ્યો, શરમાયો, બહુ જ સંકોચે કહી શક્યો કે, ``શું કરું! જૂની આદત છે. ત્રણ પેઢીની જૂની. ``તમને કશીક ગેરસમજ થઈ છે, મિ. લાલવાણી! નિરંજને કહ્યું, ``એ ગેરસમજ ટાળવા માટે હું વહેલી પરોઢે તમારા ખંડમાં આવીશ. જન્મગાંઠની ચા મને પાશો ને? વહેલો ઊઠીને નિરંજન ગયો. લાલવાણીની જોડે એણે ચા પીધી. પછી કહ્યું: ``હવે એ રકાબીની ઉદ્ઘાટનક્રિયા મારા જ મુબારક હસ્તે કરવી છે. ``કેવી રીતે? ``મને એક સિગારેટ આપો. લાલવાણી અજાયબ થયો. થોથરાતે હાથે એણે નિરંજનને સિગારેટ આપી. ``તમે પણ લ્યો. ``તમારી સમક્ષ... ``નહીં, મારી સંગાથે. સળગાવો દીવાસળી. નિરંજનની બીડી સળગી. એક ક્ષણમાં તો એના કંઠમાં અઢાર અક્ષૌહિણી ખેલી ઊઠી. ઉધરસનું તાંડવ મચ્યું. સ્વચ્છ રૂપાળી રાખની રકાબીમાં એ આખી જ બીડીનું આરોપણ થયું. ખાંસી શમાવીને નિરંજને ખુલાસો કર્યો: ``મિત્ર, રકાબીની ભેટ મોકલવામાં મારો કટાક્ષ નહોતો, હાં કે? તમારી એ આદત છે. બીજાની બીજી હશે. મારામાંય વધુ ખરાબ ત્રીજા પ્રકારોની કુટેવો પડી હશે. નિર્વ્યસનીપણું પણ ઘણી વાર વ્યસનની જ અનિષ્ટતા ધારણ કરે છે. આપણને કોઈને કોઈના દોષોની ચોકી અથવા હાંસી કરવાનો હક નથી. હું ફક્ત એટલું ઇચ્છતો હતો કે એક જ એશ-ટ્રે વસાવવાથી તમારો ખંડ કેટલો બધો રૂપાળો બની રહે! ``તમને મારા ખંડને સુંદર બનાવવાનું કાં સૂઝ્યું? ``મને અહીં આવીને બેસવું ગમે છે, એટલા માટે. ``મારા જેવા વ્યસનીની, રઝળુની, ઠોઠની જોડે બેસવું ગમે એ વાત હું કેમ માનું, સાહેબ? ``લાલવાણી, તમે તમારા શાયર શાહ અબ્દલતીફની કાફીઓ ગાઓ છો તે મને મુગ્ધ કરી અહીં ખેંચી લાવે છે. ``એ તો જખમી દિલની કાફીઓ છે. ``ને એને તમે ગાઓ છો પણ જાણે જખમી દિલે. લાલવાણીના વીશેક વર્ષના રોશનદાર નમણા સિંધી ચહેરા પર ગલ પડી ગયા. એ ગાલોનાં ગલફૂલો ઉપર હમણાં જ જાણે ટપકી પડશે એવાં બે ઝાકળ-ટીપાં સમ આંસુ લાલવાણીની પાંપણો પર લટકી રહ્યાં. ``લાલવાણી, દોસ્ત, નિરંજન પોતાની ભૂલ સમજ્યો. પોતે આ યુવાનના કલેજાનું કોઈ મર્મસ્થલ હલાવ્યું હતું. પોતે લાલવાણીને માથે હાથ મૂક્યો, ``ભાઈ, દરગુજર કર. તારી જન્મગાંઠ પર કશી ગ્લાનિની છાયા પાડવાનો મારો હેતુ નહોતો. લાલવાણીની પાંપણેથી પાકેલાં ફળો જેવાં લટકતાં ટીપાં ખરી પડ્યાં. એણે આંસુને હાસ્યની થાળીમાં ઝીલ્યાં. નિરંજને દીવાસળી સળગાવી. જુવાનના મોંમાં પેલી બૂઝી ગયેલી બીડી મૂકી. પોતે જ એની બીડીને ચેતાવી દીધી. ``ચાલો હવે, આપણે આજે જોડે જ તમારી જન્મગાંઠ ઊજવીએ. પહેરો કપડાં. ``આ પહેરેલાં જ ઠીક છે, સાહેબ. ``નહીં, નહીં, ન ચાલે. જોવા દો મને. કપડાંની સૂટકેસ ઉઘાડી જ પડી હતી. એની અંદર એક સાદી જ જોડી ધોબીની ધોયેલી હતી. નિરંજને એક ખાલી ખોખામાં મેલાં કપડાંનો ગંજ જોયો. એક મહિના સુધીનો મેલ એકઠો થયો હતો. એ કપડાં ગંધાતાં છતાં એક સિંધી જુવાનની રસિકતાનો ઇતિહાસ કહેતાં હતાં. બાલોશિયાની ઝાલરિયાળી ચાદરો ઉપર `મને સંભારજો!' `મીઠી નીંદ!' વગેરે અર્થોવાળાં વાક્યોનું કોઈએ ગૂંથણ કર્યું હતું. સુરવાલ, ખમીસ, કબજા વગેરેમાં બુટ્ટા, વેલ અને ચીડિયાંથી ભરપૂર બાગનું ભરતકામ હતું. ``ખેર! નિરંજને એ મેલાં કપડાં પર નિ:શ્વાસ ઠાલવ્યો. પેલી સાદી ધોબી-ધોયેલી જોડી જુવાનને પહેરાવી. પછી એને પાલવા લઈ ગયો. ત્યાંથી થોડો મેવો ખરીદી લઈ નિરંજને મછવો બોલાવ્યો. બેઉ દરિયાને ખોળે અનંત સાગર-બાળ મોજાંઓના જેવાં બે મોજાં બની ગયા, ને ધીરે ધીરે લાલવાણીએ સિંધી પ્રેમકથાઓની કાફીઓ છેડી. સૂતો સૂતો નિરંજન એ શબ્દો અને સૂરો પીવા લાગ્યો. કાફીના ગાનમાં તલ્લીન બનેલા લાલવાણીએ થોડી વારે નિરંજન તરફ જોયું: નિરંજન પડખું ફરી ગયો હતો. નિરંજનનો એક હાથ, ચાલતે મછવે, દરિયાનાં કૂણાં કૂણાં પાંદડાં જેવાં લહેરિયાંને સ્પર્શી રહ્યો હતો. નાની તરંગાવલિ એનાં આંગળાંને ચૂમતી ચૂમતી ક્રીડા કરતી હતી. ``સાહેબ! લાલવાણીએ ધીરો સાદ દીધો. જવાબ ન જડ્યો. ``સાહેબ! સૂઈ ગયા? જવાબ ન આવ્યો. હલેસાં ચલાવનાર માછીએ લાલવાણીને ચૂપ રહેવા ઇશારત કરી. અને મૂંગી મૂંગી હાથચેષ્ટા વડે જ સમજાવ્યું કે નિરંજનનાં નેત્રો ઝરી રહેલ છે. માછી નિરંજનનું મોં જોઈ શકતો હતો. ફરી ફરીને મછવો કિનારે ભિડાયો ત્યારે નિરંજનનાં નેત્રો સમાધિમાંથી છૂટ્યાં. બેઉ જણા કિનારા પર આવ્યા. નિરંજને ફરી એક વાર દરિયાના અનંત પથરાવ પર દૃષ્ટિ કરી ને એણે મોજાંના સૂર સાંભળ્યા. એણે કહ્યું: ``દરિયા સમું દિલગીર સત્ત્વ બીજું એકેય નથી. વિશ્વનો મોટામાં મોટો વિજોગ દરિયો જ છે, લાલવાણી! ``સાચું છે. દરિયાના અવાજમાં મને તો હંમેશાં `ડીપ મોનિંગ' – ગંભીર રુદન – દેખાયું છે. કરોડો જહાજોની કબર છે દરિયો. અનંત વિલાપનું મૂર્ત સ્વરૂપ મને તો સાગર જ ભાસે છે. ``આજે આપણે દરિયામાં સફર કરવાની ભૂલ જ કીધી છે. ``દરિયો તો વીસરવાની વાતોને પણ યાદ કરાવી આપે છે. ``તમને શું ઘર યાદ આવે છે, લાલવાણી? ``નહીં જી, મારે ઘેર કોણ છે તે યાદ આવે! ``માતા, પિતા, ભાઈ, બહેન, કોઈ નહીં? ``કોઈ નહીં. ``ત્યારે અત્યારે તમારો વિદ્યાભ્યાસ વગેરે કોણ સંભાળે છે? ``એક દૂરના સગા મારા આશ્રયદાતા છે. ``તમને તો એ ખૂબ મોજ કરાવે છે ને શું? ``એ તો કરાવે જ ને? ``કેમ? કશી મતલબ? ``મારી વેરે એની પુત્રી પરણાવવાની. ``ઓહો, ત્યારે તો તમને બેવડો લાભ: પુત્ર તરીકે અને જમાઈ તરીકે. લાલવાણીએ કશો જવાબ ન આપ્યો. ``સુખી લાગો છો, પૂરા સુભાગી લાગો છો તમે, લાલવાણી! તમને વિનોદ, ટીખળ, તોફાન કરતા જોઈને હું વિચાર્યા જ કરતો કે આ કઈ દુનિયાનો મોરલો હશે! લાલવાણી ન બોલ્યો. ``પણ તમે દર્દભરી કાફીઓ ગાઓ છો ત્યારે તદ્દન બદલાઈ જાઓ છો. તમારી ઉચ્છૃંખળ પ્રકૃતિના ઊંડાણમાં કશુંક દર્દભર્યું તત્ત્વ પડ્યું હોવું જોઈએ: આપણા દોસ્ત આ દરિયાની માફક. લાલવાણીના ચંપલના ચપચપાટ સિવાય એનું આખું શરીર ચુપકીદી જ ધરી ચાલ્યું આવતું હતું. ``છો પડ્યું. મારે એને નથી અડકવું. તમે ન ગભરાશો. તમને જન્મગાંઠના દિને મારી પ્રેમભરી મુબારકબાદી છે. ફરી મળશું. હું આવું કે? ``જરૂર આવો. ``પેલી રકાબીમાં જ રાખ પાડશો કે? લાલવાણી લજવાઈ ગયો. બેઉ છૂટા પડ્યા.