નિરંજન/૭. પુત્રીનું પ્રદર્શન


૭. પુત્રીનું પ્રદર્શન

સુનીલા આવી પહોંચી. સાથે અઢારેક વર્ષની એક કુમારી હતી. એના કેશ ઉપર કાંસકીના દાંતા હજી બે મિનિટ પૂર્વે જ ફરેલા હોય એવું દીસતું હતું. ને નિરંજને અટકળ કરી લીધી કે આ પોતે જ દીવાનસાહેબની દીકરી સરયુ, જેની કુમારી અવસ્થાનો ઉલ્લેખ પિતાજીના એક પત્રમાં હતો. ``આવો, સરયુબહેન! બેસો અહીં. પિતાજીએ ખુરશી બતાવી. સુનીલા પણ બાજુમાં જ બેઠી. સરયુનો ચહેરો સુંદર હતો. પિતા કૉલેજમાં જે વેળા વર્ડઝવર્થનું કાવ્ય `સોલિટરી રીપર' (અકેલી ખેડુકન્યા) ભણતા હશે, તે સમયની કલ્પના જાણે દેહ ધરીને દુનિયા પર ન ઊતરી હોય! ``કેમ સરયુબહેન! નીચું કાં જોઈ રહી? દીવાનસાહેબે લાડ કર્યાં. પણ સરયુના જાણે કે શ્વાસ ઊડી જતા હતા. સરયુ જાણતી હતી કે પિતાજીના કંઠમાં અત્યારે જે મીઠો રણકાર ગુંજે છે, તે કોઈ કોઈ વાર જ સંભળાય છે. પિતાનાં આવાં મીઠાં સંબોધનો છેલ્લાં એક વર્ષ દરમિયાન સરયુએ ચારેક વાર સાંભળ્યાં હતાં – ચાર જુદા જુદા મુરતિયાને પિતાએ સ્વયંવર સારુ તેડાવેલા તે તે વખતે. સરયુ સમજી ગઈ હતી – સુનીલાબહેને વાળ ઓળવાનું કહ્યું તે જ ક્ષણે – કે હમણાં પોતાનું પાંચમું પ્રદર્શન ભરાવાનું હોવું જોઈએ. એ પ્રદર્શનની શરમે સરયુની દેહપાંદડીઓને લજામણીનાં પાંદ માફક સંકેલી ચીમળાવી દીધી. આજનું પ્રદર્શન ખુલ્લું મૂકવાની ક્રિયા કોના માનમાં થઈ રહેલ છે એનું સરયુને ભાન નહોતું. અતિથિની સામે ત્રાંસી નજરે નીરખવાની પણ એની હામ નહોતી. એના અંતરમાં પાંચમા સ્વયંવરનો ઉલ્લાસ નહોતો. નિરંજનની સામે ન જોવા છતાં ઉઘાડી બારીમાં તાકતી તાકતી સુનીલા હસતી હતી. સુનીલાનું હાસ્ય નિરંજનના પ્રાણને કળીએ કળીએ કાપી રહ્યું હતું. સુનીલા આ સ્વયંવરની કેવી ઠેકડી પોતાના મનમાં મનમાં કરી રહી હશે! સુનીલાના મનોવ્યાપાર, પોતે જે આકાશની સામે જોઈ રહી હતી તેની નીલિમા જેટલા અનંત, અગાધ અને નિગૂઢ હતા. સંધ્યા નમતી હતી. ગગનની શ્યામલતા ધીરે ધીરે, તારલે તારલેથી અકેક નવરંગી હાસ્ય નિતારતી હતી. સુનીલાના સહેજ ભીનાવરણા મોં ઉપરથી પણ સ્મિતના તારલા બહુરંગે ટમટમતા હતા. ``સરયુબહેન, તમારે તો `ફોર્થ'નું ભણતર ચાલે છેને? દીવાનસાહેબને શું પાકી ખાતરી નહોતી, કે પછી શું સરયુના અભ્યાસ વિશે નિરંજનને વાકેફ કરવો હતો, તે આ કૉલેજના સ્વપ્નવિહારી જુવાનને બરાબર ન સમજાયું. ``શ્લોકો કેટલા, પચાસ તો મોંએ કર્યા, ખરું? પેલો रात्रिर्गभिष्यति भविष्यति सुप्रभातम्વાળો શ્લોક તો ગાઓ! મને એ બહુ પ્રિય લાગે છે. સરયુ એ શ્લોક બોલવા લાગી. ``નહીં, એમ નહીં; ગાઈને સંભળાવો. સરયુએ શ્લોક ગાયો. શરમ ગળાને રુંધતી હતી છતાં સ્વર મીઠો હતો. ``હવે પેલું અંગ્રેજી પોએમ (કાવ્ય) બોલશો? – તમે હાઇનેસની જન્મગાંઠના મેળાવડામાં જે બોલીને ઇનામ લીધું હતું તે. દીવાનસાહેબ દેવકીગઢના ત્રીજા વર્ગના દરબારને `હાઇનેસ' તરીકે જ ઓળખાવતા ને એમ કરી પોતાનો દરજ્જો વધારી મૂકતા. સરયુની દેહપાંદડીઓ વધુ સંકોડાઈ ગઈ. ``અરે હા. પિતાને યાદ આવ્યું, ``પેલું `લિટલ ડીડ્ઝ ઓફ કાઇન્ડનેસ'વાળું પોએમ. બોલો હવે. એ પણ પિતાએ કોઈ ગુજરાતી રાગમાં ગવરાવ્યું. તે પછી એક ગાંધીજીનો ફકરો, ત્રીજું દ્વિજેન્દ્રલાલ રોયના ગીત પરથી ગુજરાતીમાં ઉતારેલું `અમારી જન્મભૂમિ' અને છેલ્લે `ગોડ સેવ ધ કિંગ'નું રાજગીત. એક કલાક પહેલાં દાદર પરનો માર પડ્યાથી પાંસળીઓ દુખતી હતી તેનું દુ:ખ તો નિરંજન ક્યાંયે ભૂલી ગયો. એક બિનગુનેગાર કન્યાને એણે અહીં કચડાતી દેખી. આ દુ:ખની સામે પોતાની શરીરવેદના એને વિસાત વગરની લાગી. ``શાબાશ! પિતાજીએ પુત્રીને ધન્યવાદ આપ્યા; સુનીલા તરફ જોઈ કહ્યું: ``કેમ સુનીલાબહેન! કેમ લાગે છે? ``શાનું? સુનીલા બેધ્યાન હતી. અથવા કહોને, કે એનું ધ્યાન નીલ ગગનમાં રમતું હતું. ``સરયુબહેનનો પ્રોગ્રેસ કેમ લાગે છે? કેવી કઢંગી સ્થિતિ! અભિપ્રાય, બસ અભિપ્રાય જ દુનિયામાં મંગાય છે! ન બોલો તો મોંમાં આંગળાં નાખીને, જબાન ઝાલીને પણ તમને બોલવાની ફરજ પાડવામાં આવે છે; ને જો તમારો બોલ અણગમતો પડે તો તમારી જબાન ખેંચી કાઢવા સુધીનું ઝનૂન તમે જગતના હૃદયમાં જગાડો છો. સુનીલાએ હાસ્યમાં વીંટાળેલા અર્ધસ્પષ્ટ શબ્દો ઉચ્ચાર્યા: ``એમાં બોલવા જેવું શું હોય? દીવાને વધુ સ્પષ્ટ કર્યું: ``ઘેર માસ્તર આવે છે – સ્કૂલમાં નથી મોકલતા. બે જ વર્ષમાં સરયુએ ચાર ધોરણ કર્યાં. ``ત્યારે હું હવે રજા લઈશ. કહેતો નિરંજન ઊઠ્યો. ``રહો, રહો, આપણે નક્કી કરી નાખીએ: સુનીલાબહેન, સરયુબહેનને ક્યારે, રવિવારે જ ફેરવી લાવશોને? તમારી યુનિવર્સિટી, મ્યુઝિયમ, એકાદ સિનેમા – કોઈ બૈરાંને બતાવવા જેવો હોય તો જ હો કે! ને તમને જે જે ઠીક લાગે તે બધું પરચૂરણ બતાવી આવોને! આ મિસ્તરનેય ભેળા લો. પેલા ભાઈ સેક્રેટરી આવેલા તેમને મેં કહ્યું છે. પણ મિસ્તર, તમે એમને જરા ના કહી દેશો? બિચારાને દુ:ખ ન લાગવું જોઈએ. ``વારુ. નિરંજન ગયો; પણ બહાર ગયા પછી જ એને સૂઝ પડી કે પોતે કેવો ભયાનક ગોટાળો કરી મૂક્યો છે! નિરંજન ગયા પછી દીવાનસાહેબે કહ્યું: ``સુનીલાબહેન, આ મિસ્તર અને અમે એક જ ન્યાતના છીએ. મૂળ અમારી ન્યાત ભારદ્વાજ ઋષિમાંથી ઊતરી આવેલી. સરયુ ઊભી થઈ. એને ભણકારા વાગી ગયા કે બાપુજી હવે કયા વિષય પર આવી પહોંચેલ છે. પિતાએ પૂછ્યું: ``કેમ બહેન? સરયુએ જવાબમાં ફક્ત પિતાની સામે જોયું. એનો ચહેરો લાલ મરચાંના સંભારમાં ઝબોળેલી સંભારી કેરી જેવો ઉશ્કેરાયેલો હતો. એની આંખો લાલ-લાલ, ચકળવકળ જોતી ને ધગધગતાં આંસુથી છલોછલ હતી. ``કેમ? કેમ? શું થયું, સરયુ? ``કંઈ નહીં – તમે... એટલું બોલતાં તો એને કંઠે ડચૂરો વળ્યો, ને લગભગ દોટ કાઢ્યા જેવી ચાલે એ અંદરના ખંડમાં ચાલી ગઈ. પિતા ખસિયાણો પડી ગયો. સુનીલાની સામે જોઈને એ ગરીબડા વદને બોલ્યો: ``હું તો ઊલટાનો એના સારાને માટે કરવા ગયો. સુનીલાએ ફક્ત એટલું જ કહ્યું: ``મામા, સરયુબહેન હવે નાની નથી. એ સમજે છે, એથી જ ત્રાસ પામે છે. અંદરના ખંડમાંથી સરયુનાં હીબકાં સંભળાતાં હતાં. દીવાને સુનીલાને વીનવી: ``તમે એને શાંત પાડશો? દીવાન એકલા બેઠા બેઠા, હજુય જાણે કોઈકને સંભળાવતા હોય તેમ, આત્મવિવેચન કરવા લાગ્યા: ``શેક્સપિયર! શેક્સપિયર! તું ભૂલ્યો છે. અનઇઝી લાઇઝ ધ હેડ ધૅટ વેર્સ ધ ક્રાઉન (તાજ પહેરનાર રાજવીના મસ્તકને નિદ્રા ન હોય) એમ નહીં પણ અનઈઝી લાઇઝ ધ હેડ હુઝ ગર્લ હૅઝ ગ્રોન (જુવાન બનેલી કન્યાના બાપને નિદ્રા ન હોય) એમ તારે લખવું જોઈતું હતું. પણ તું જુવાન દીકરીનો બાપ નહીં હોય! દીકરી જુવાન બની છે, એ વિચારે દીવાનને દીવાનપણું વીસરાવી દઈ કેવળ પિતા જ બનાવી નાખ્યો. પલવારમાં પિતાએ જીવનની પામરતા અનુભવી. સરયુની પાસે પોતે જે નાટક ભજવાવ્યું તેની એને હવે શરમ ઊપજી: દીકરી જેવી દીકરીનો મેં તેજોવધ કર્યો! દીકરીને અભણ રાખી હોત તો એને દુ:ખ ન થયું હોત. દીકરીને પૂરું ભણતર ભણાવી નાખ્યું હોત તો દીકરી જ પોતાના સ્વમાનની હાનિનો કોઈ પ્રસંગ ન સાંખી રહેત. પણ સરયુને તો મેં બંને અવસ્થાઓમાંથી રખડાવી મૂગો મૂઢ માર માર્યો છે! ન્યાત નાનકડી, તેને હું ત્યજી શકતો નથી. જે યુનિવર્સિટી-શિક્ષણે ક્રાંતિકારો જન્માવ્યા, તે જ શિક્ષણની કૂખે હુંય જન્મ્યો, છતાં એક નાનકડા ન્યાતગોળનું કૂંડાળું ભેદવા જેટલીય મારામાં હિંમત નથી! કેમ નથી? કેમ નથી? હું જબરા રાજપ્રપંચોનો કરનારો, હું આજ સુધી મારી ચોપાસ ગૂંથાયેલી ખટપટની જાળોને પણ ઉચ્છેદી કેવળ મારા વટને ખાતર રાજનું દીવાનપદ સાચવી જાણનારો, હું એક મનમોજી રાજ્યકર્તાની મુનસફીમાત્રના જ્વાલામુખી પર વણધડક્યે કલેજે બેસી જાણનારો – તે છતાં મારાથી આ ન્યાતના કૂવાની બહાર શા માટે નીકળાતું નથી? એ કૂવામાં હું દીકરીને દોરડું બાંધીને કાં ઉતારી રહ્યો છું? મારી સરયુએ કયે દહાડે મને કહ્યું અથવા સૂચવ્યું કે મને ઝટ પરણાવી નાખો! સરયુ તો એના વિદ્યાભ્યાસમાં તલ્લીન છે, છતાં હું શા માટે નક્કી કરી નાખું છું કે એનું શ્રેય ઝટ પરણી લેવામાં જ છે! પરણવું એ જો સ્ત્રીને માટે પરંપરાની રૂઢિ જ ન બની ગયું હોત, તો હું સરયુના લગ્નનો વિચાર લાવત ખરો? ના, હું તો ભૂખ ન હોય છતાં બાર વાગ્યે જેમ પાટલા પર જમવા બેસું છું તેટલી જ બિનજવાબદાર રીતે, સરયુ પરણવા તૈયાર હોય ન હોય છતાં, સરયુને ક્યાંક ઠેકાણે પાડી નાખવા નીકળ્યો છું! હું કેટલો પામર છું! સરયુનાં હીબકાં મંદ પડ્યાં હતાં. એ હવે સુનીલાના શયનખંડમાં હતી. આસમાની રંગના પારદર્શક હોજમાં કોઈ બે મત્સ્ય-કન્યાઓ ઝૂલતી હોય, તેવી એ બેઉ યુવતીઓ સુનીલાના શયનખંડના વાદળિયા દીપક નીચે બેઠી હતી. સુનીલાનો જમણો હાથ સરયુના માથા પર ફરતો હતો. સુનીલા સરયુને વિનોદે ચડાવવા લાગી: ``એક વાત રહી ગઈ. ``કઈ? ``હાર્મોનિયમ બજાવવાની! આ મારી હાથપેટી તો અહીં જ પડી છે. ``તમારે બજાવી બતાવવી પડતી હશે, ખરું? સરયુએ સામો પરિહાસ કર્યો. ``હા જ તો. ભણેલા વર અમસ્તા નથી મળતા, બેનસાહેબ! ``ત્યારે તો સારું છે કે તમે મારા બાપુજી નથી. ``હું બાપુજી હોત તો તો તમારી પાસે નાચ પણ નચાવત. ``શા માટે? ``ગુજરાતના જુવાનો હમણાં હમણાં નૃત્યપ્રેમી બન્યા છે એ તમને ખબર નથી? દરેક જુવાન ઉદયશંકર બન્યો છે. દરેકને સિમ્કી જોઈએ! ``તો નાચેને એ પોતે જ! ``એ તો જેવી આપણી તાકાત. ભીલડીએ શંકરને ક્યાં નહોતા નચાવ્યા? ``તમે નચાવતાં હશો? ``હા, લગભગ પાંચસો જુવાનોને; ને વળી મહિનાના છવ્વીસે દહાડા. ``છવ્વીસ દહાડા! ``ચાર રવિવારો બાદ કરતાં. ``એટલે? ``અમારી કૉલેજમાં. ``આખી કૉલેજના જુવાનો તમારા ઉમેદવારો છે? ``હા, એ પોતે તો એમ માનતા લાગે છે. ``શાથી જાણ્યું? ``તેઓના નાચ પરથી. ``કેવુંક નાચે છે? ``શંકર ભીલડીની પાસે જેવું અણઘડ નાચેલા તેવું. ``તમે શરમાતાં નથી? ``ના. હું દીવાનની દીકરી નહીં ને! ``અકળાતાં નથી? ``જરાકે નહીં. પાંચસો છોકરા બાપડા તમાશો બતાવે એથી ઊલટાનું અકળાવું શાને? ``ઓ બા, હું તો ફાટી જ પડું! ``ફાટી પડવાની તો વાતો; બહુ બોલાવવું રહેવા દો! ``કેમ? ``પેલા મિસ્તરની સામે ત્રાંસી નજરે કોણ જોતું'તું! ``કોઈ નહીં, જરીકે નહીં. એનામાં શું બળ્યું'તું! માયકાંગલો હતો. હું ગાતી હતી, ને એ તો નાદાન તમારી સામે જ તાકી રહ્યો હતો. ``હું તમારાથી વધુ આકર્ષક હોઈશ! ``તો છોને તમને પરણે. હું ક્યાં તમારી આડે આવું છું? સુનીલા એકાએક જાગ્રત બની. વાર્તાલાપ વિનોદને પાટેથી ઊતરીને કોઈ બીજે પાટે જતો લાગ્યો. પોતે વાતને સમેટવા પ્રયત્ન કર્યો: ``લો હવે ઊંઘો નિરાંતે. ખબરદાર, જો કોઈ માયકાંગલો જુવાન સ્વપ્નમાં ન પ્રવેશી જાય! સરયુએ સુનીલાને ગાલ પર એક ટાપલી ચોડી દીધી ને એ ત્યાંથી નાસી બહાર જઈ ઊભી. ``ના, ના, પણ હેં સરયુબહેન! સુનીલાએ એ દૂર ઊભેલીને છેલ્લો પ્રશ્ન પૂછ્યો, ``તમને શું લાગ્યું? ખરું કહો, જીવના સમ. ``લાગ્યું કપાળ! સરયુ ચાલી ગઈ. સુનીલાએ પણ પોતાની લાકડાની પાટ ઉપર પાથરેલી જાજમમાં દેહ લંબાવ્યો. એને જલદી ઊંઘ ન આવી. સરયુ જોડેના હાસ્યાલાપમાં કંઈક એવું હતું: કંઈક હતું: કંઈક ઝીણા ડાભોળિયા જેવું: કંઈક મચ્છરના ડંખ જેવું: કંઈક પગ નીચેની ઝીણી કાંકરી જેવું: કશુંક અણછાજતું: સ્વપ્નહીન મીઠી નીંદરને નડે તેવું કશુંક.