નિરંજન ભગતના અનુવાદો/ચિત્ત ને જ્યાં ભય ન હોય

ભારતીય સાહિત્ય


રવીન્દ્રનાથ ટાગોર

પદ્ય (બંગાળી)

ચિત્તને જ્યાં ભય ન હોય

[રવીન્દ્રનાથ ટાગોર | બંગાળી | ૧૯૫૩ | પરબ]

ભૂમિકા

૧૯૦૧માં પ્રકાશિત રવીન્દ્રનાથના કાવ્યસંગ્રહ, નૈવેદ્ય માં ૭૨મા કાવ્યની પ્રથમ પંક્તિ હતી : ચિત્ત જેથા ભયશૂન્ય, ઉચ્ચ જેથા શિર. ચતુર્દશાક્ષરી ૧૪ પંક્તિનું — બંગાળી પયાર છંદમાં સૉનેટ કહી શકાય? — આ કાવ્ય બંગાળીમાં પ્રચલિત જરૂર થયું. પણ તેનો રવીન્દ્રનાથે કરેલો અંગ્રેજી અનુવાદ — અંગ્રેજી ગીતાંજલિનું ૩૫મું કાવ્ય : વ્હેર ધ માઇન્ડ ઇઝ વિધાઉટ ફિયર — આંતરરાષ્ટ્રીય સ્તરે કદાચ રવીન્દ્રનાથની સૌથી વધારે પ્રચલિત રચના હોઈ શકે.

અમદાવાદની રચના સ્કૂલના સંસ્થાપક, પન્નાબહેન શ્રેણિકભાઈ લાલભાઈના અનુરોધથી નિરંજન ભગતે આ કાવ્યનું ગેય અનુસર્જન કર્યું હતું અને તે શાળાના ગીત તરીકે સૌ વિદ્યાર્થીઓ આજ સુધી રોજ ગાતા આવ્યા છે. શાળાના તે સમયના સંગીતશિક્ષક, સુરેન્દ્ર જેટલી, જેઓ અમદાવાદમાં રવીન્દ્ર સંગીત પણ શીખવતા હતા, તેમણે આ અનુસર્જનના શબ્દોનું ભૈરવી રાગમાં સ્વરાંકન કર્યું છે.

ચિત્તને જ્યાં ભય ના હોય

ચિત્તને જ્યાં ભય ના હોય
ઉન્નત શિર રહે
જ્ઞાન સૌ કોઈ મુક્ત લહે.
ભીંતો જહીં ઘર કેરી
જગને ના વળે ઘેરી
જેવી હૈયે તેવી જહીં
હોઠ પરે વાણી વહે… ચિત્તને.
સફળ જ્યાં કર્મધારા
છલકાવે ચારે આરા
વાસનાનો વહ્નિ જહીં
મનને ના સહેજ દહે.
આનંદ ચિંતાના નેતા —
રૂપે જહીં તમે રહેતા,
એવા સ્વર્ગે જાગે સહુ
પ્રભુ! ભલે ઘાત સહે… ચિત્તને