નીતિન મહેતાનાં કાવ્યો/અનંત યાત્રા

અનંત યાત્રા

ચાલ્યા કર
બેસવાનું જ નહીં
ના
ઊભવાનું પણ નહીં
ના
ઊંઘવાનું
હા
પણ ચાલતા તો રહેવાનું જ
ઘર પાસેથી પસાર થવાનું
હા
પણ ઘરમાં જવાનું નહીં સમજ્યો
ચાલતા જ રહેવાનું
ક્યારેક અજાણ્યો ટાપુ
ક્યારેક હિમશિલા
બારીમાં તગતગતી બે આંખો
સમુદ્ર શું ઊછળ્યા જ કરશે
હા
મારે શું તરતા જ
રહેવાનું
હા
આકાશ સામે જોવાનું
ના
ઊડવાનું
ના
ઊડું તો
ઉડાવીશ
વૃક્ષ થવાનું
ના
થાઉં તો
કાપીશ
આમ શું ચાલ્યા જ કરવાનું
ફરી પૂછ્યું
હા હા હા
આંખો મનમાં ચાલ
મન ઘરમાં ચાલ
ઘરમાં મન ચાલ
પગમાં પાણી ચાલ
ચાલ ચાલ ચાલ
શ્વાસ સાંધતો ચાલ
પગમાં વહાણ ઉછાળતો ચાલ
મન બાંધતો ચાલ

ઝંખના કરવાની
ચલ સાલા માંદલા
છટ્‌ તે શબ્દ બોલ્યો છે તો ખબરદાર
જીભ ખેંચી કાઢીશ
ન ચાલું તો
શરીરમાં પવન વાવું
ન ચાલું તો
પિંડીએ અગ્નિ ચાંપું
ન ચાલું તો
નાભિમાં પાણીના રથ બાંધું
ચાલ ચાલ ચાલ
ટાપુ પર પગ મૂકું તો ટાપુ હોડી બને
આગળ આગળ
ચાલ ચાલ ચાલ
આ ઘર આવ્યું
જવાનું નથી યાદ રહે
આ તગતગતી આંખો
જોવાની
પણ ઘરમાં જવાનું નથી યાદ રહે
આ દેખાય તગતગતાં આંસુ
પડદો પાડ
આ દેખાય કાલોઘેલો અવાજ
પડદો પાડ
કૂદકો મારું હોડીમાંથી
પવન ઉડાવ દક્ષિણ તરફ
પડદો ઉપાડો
પડદો ઉપાડો

સામે દેખાય જંગલ
આ ઊગે
બેસું
ના
બેસું તો
મૂળસોતું કાપું
બેસું તો
બાળું
બેસું તો
ગબડાવું

શ્વાસ ખરડાય
હવા ઉઝરડાય
દરિયો વીંઝાય
મન વીખરાય
પણ આ શા માટે
પ્રશ્નો પૂછવા નહીં
શા માટે
સાચા સવાલો નથી
સાચા જવાબો છે
બોલ શું જોઈએ તારે
ઘર
નહીં મળે બીજું માગ
માગ માગ તે આપું
મને ગમતું આપું
નહીં તો તને શાપું
માગ માગ તે આપું
ઘર
નહીં મળે
બીજું માગ તે આપું
નહીં તો હવે શાપું
બીજું ન જોઈએ
તો ચાલતો રહે
આનો અંત ખરો
હા
શો છે શો છે
હોડીથી થાક્યો છે
હા
તો પથ્થર પહાડ પર મૂક
પછી
પથ્થર પહાડ પર મૂક
પછી
પાછો પથ્થર પહાડ પર મૂક
પણ કેમ
કાં તો પથ્થર કાં તો હોડી
જો બેની કેવી થઈ સરસ
મજાની જોડી
પણ આનો અંત છે
ખબર નથી
કંઈ વાંકગુનો તેની આ સજા
ખબર નથી
શા માટે ચલાવો છો
બસ એમ જ
આ તે કંઈ જવાબ છે
પસંદગી કરો અને ભોગવો
કોની પસંદગી
પ્રશ્ન પૂછનારની
જવાબ આપનારની નહીં
ના

ચાલ ચાલ ચાલ
હવા વીંઝતો ચાલ
પહાડ પહેરી ચાલ
સમુદ્ર બાંધી ચાલ
ચાલ ચાલ ચાલ
ઘર પાસે ચાલ
ઘરની બહાર સદા ચાલ
ચાલ ચાલ ચાલ ચાલ