નીતિન મહેતાનાં કાવ્યો/એ જ એ જ

એ જ એ જ

મારી પાસે વાત કરવા જેવું કશું નથી
હું એક જ લૉકમાં
નંબરોવાળી ચાવી માત્ર ફેરવ્યા કરું છું
મારી પાસે વાત કરવા જેવું મારું કશું નથી

રસ્તા, મકાન, હોટેલનાં ટેબલો પર
ઊડતી વરાળ અને
શિયાળાના ધુમ્મસમાં ફેલાતી
અવાજની કચ્ચરોથી
વિશેષ હું કશું પામી શકતો નથી
મારી પાસે વાત કરવા જેવું તમારું કશું નથી

મારા હોવાપણાનો દંભ હવે નથી જીરવાતો
અપરાધ અહીં આવ્યાનો કર્યો છે
એવી લાગણી પણ સાંજ થઈ મારામાં
આથમતી નથી
કેમ કે મારી પાસે વાત કરવા જેવું
કોઈનું કે મારું કશું નથી
અસંગત વાતો કર્યા પછી પણ
મોસમી વિષાદ હું કેળવી શકતો નથી
મારાં શણગાર કરેલાં સુખદુઃખો લઈ
પાર્ટીમાં પણ હવે હું વાતો નથી કરી શકતો
મારી સાઇકોલૉજીનાં શરદીખાંસીની
ફરિયાદ મોઢા પર રૂમાલ દઈ
હવે નથી કરી શકતો
મારી પાસે વાત કરવા જેવું કશું નથી
હું નંબરોવાળી ચાવી હવામાં
ફેરવ્યા કરું છું
મારી પાસે શું ખરેખર
વાત કરવા જેવું કશું નથી?

તો ખોડાયેલા વ્યંજનો જેવા
આપણે ક્યાં જઈશું?
આપણને ‘મનુષ્ય’નું અવતરણ
આપી છોડી મૂકવામાં આવ્યા છે
આપણને નામ આપી, ગુણ નક્કી કરી
કામ આપી છોડી મૂકવામાં આવ્યા છે
તરસ્યા ખેતર જેવા આપણે
ઉનાળાની આ બપોરે ક્યાં જઈશું?
હવે મારી પાસે
હવે તમારી પાસે
હવે આપણી પાસે
વાત કરવા જેવું કશું નથી રહ્યું
છતાં હવામાનની, પુસ્તકોની, ચિત્રોની,
મીનાના કાકાની ને મનુની માસીની
શિવામ્બુ ને ઉપવાસ ને જૈનદર્શનની
વાતો, અડધી રાતે બારણાં ખખડાવતા
દરિયાની વાતો ને કવિતાનાં
પ્રતીક ને ક્લિયોપેટ્રાનાં સ્તનની વાતો
વાતો ખણકતી ખાંસી ને સ્વપ્નસ્રાવની
વાતો કર્યા જ કરીએ છીએ
ખંડિત દર્પણ જેવાં આપણાં
વર્ષો વાતોથી સંધાયા જ કરે છે
નંબરો બદલી બદલી વાત થયા જ કરે છે
હું પ્રેમ કરું છું, પ્રયત્ન કરું છું
ચૂપકીદીભરી બપોર થઈ રાહ જોયા જ કરું છું
પણ એક ને એક આંગળી
માત્ર ૦ ૦ ૦માં ફર્યા જ કરે છે
આ-આ-તે-તે-ની વાતો
ગોળાયા જ કરે છે
છતાં મારી પાસે વાત કરવા જેવું?
હું હોઠના પડદા ખોલી
વેણનાં દૃશ્ય ભજવ્યા કરું છું
હું લાગણીનું મ્યૂઝિયમ બની
જીવ્યા કરું છું
ચાવી ફેંકી દીધા પછી પણ
વાતો શોધ્યા કરું છું
અને આમ તો
મારી પાસે વાત કરવા જેવું?
વસૂકી ગયેલા શબ્દો પર
છતાં વારંવાર ચઢી જવાય છે



રેતીના કણમાં ઊછળતા દરિયાને પીવા
આંખો તરસી થઈ ઊઠી છે
કોઈને કશું કરવું નથી છતાં
કોઈ કશું ને કશું કરતું જ હોય છે
જે કરવાનું છે તે નથી કર્યા કરતોની
વાતો કર્યા કરું છું
એક જ લૉકમાં
ખોટા નંબરોવાળી ચાવી
ફેરવી ફેરવી વાતો કર્યા કરું છું
ચાવી ફેંકી દીધા પછી પણ
નવી નવી ચાવી બનાવું છું
હવે તો વાત કરવાનો
કાચી વયમાં થાક લાગ્યો છે
છેલ્લાં વીસ વર્ષથી આ શરીર
ઊંચકી હું નીતિન હું નીતિનની
દંતકથાઓ રચ્યા કરું છું
ચાવીઓ તૂટ્યા કરે છે
મારી બીજાથી રચાતી કથા લઈ
વાંકો વળી ગયેલો મારો વર્તમાન
પીઠ પર મૂકી હું ચાલી નીકળું છું
ચાવીઓ ખોટા લૉકમાં
લટકતી લટકતી મારી વાતો
કર્યા કરે છે.