નીતિન મહેતાનાં કાવ્યો/ટ્રેન વિશે

ટ્રેન વિશે




ટ્રેન વિશે એટલું તો
સાચું છે કે તે આપણા વિશે
કદી વિચારતી નથી
કોઈ આવે કે જાય
બારણા પાસે ઊભે
કે બારી પાસે બેસે
ખાંસી ખાય કે સીંગ ખાય
કે ઝોકાં ખાય
કે અડધી આંખ મીંચી લાઇન મારે
ગાળો બોલે કે ખિસ્સું કાપે
પણ ટ્રેનને શું?
જ્યાં સ્મૃતિ નથી ત્યાં સુખદુઃખ નથી
તે સત્યનું બીજું નામ ટ્રેન છે.



બહેનને કહ્યું હતું
અગિયાર વાગ્યે આવી જઈશ
પણ ટ્રેન ચૂકી ગયે
બેના નારાજ થઈ
શું કરું?
કોને કહું?
ટ્રેન છે ને?



ચળકતી ફ્લડ્‌ લાઇટમાં
૮૧ નંબરની
પીળા ચૉકલેટી પટાવાળી
ટ્રેન આવે છે.
સહદેવ લખલખાની જેમ
લોહીમાંથી પસાર થઈ ગયો
પહેલાં તો હસ્યો
‘જગ્યા મળે તો સારું’
ને ઊગ્યું એક પૂંછડું
કૂદ્યો
મ્યાઉં... મ્યાઉં... હાઉ... અરે હાઉ...
એય ઉં ઉં... હટ, ચલબે ગાંડૂ...
સાલ્લી ભયંકર ગરદી છે
અરે હાથ કાયકો બીચ મેં નાખતા હૈ
એય ગાંડૂ સાલે ઉતરને દો
બાજુ ખસ, બેં બેં બેં
મગનભાઈ અહીં, એય લાલિયા ઇધર આ
અરે મેરા પાસ
ચીકી દસ પૈસા
સી... સી... સી...
ટ્રેનમાં બેઠો
ફરી માણસ?



પ્રિયે
તું અને ટ્રેન બંને
ઘણી વાર તો સાથે જ
યાદ આવો છો
વિચારું છું
સવારે નવ ને એકવીસની
બડા ફાસ્ટ સમયસર તો હશે ને?
હાડકાંમાંથી
એક ટ્રેન અડધી રાતે
પસાર થઈ જાય છે
તું યાદ આવે છે ટ્રેન જેવી.



બોરીવલીથી
સાડાનવની ફાસ્ટ ટ્રેન
ભીંસ
ધક્કામુક્કી
સંસાર હૈ એસા ચલતા હૈ
ઓહો ઘણા વખતે મળ્યા નહીં?
કેમ મજામાં?
શું હેં... હેં... હેં...
હા... હા... હા... ખી ખી ખી
હાક્‌ થૂ...
સાલા ઔરત કી મશ્કરી કરતા હૈ
ગરમી વધુ પડે છે
સાલી ગવર્નમેન્ટ ખરાબ છે
હાક્‌ છીં
અંબે માત કી જે
છાપાનું જરા બીજું પાનું આપો ને?
એય ગાંડૂ તેરી માબેન હૈ કિ નહીં
બારણા પાસે
સળિયો પકડી ઊભું
સાડી ફરફરે
પંખા વાતો છેદે
ગાવસ્કરની સ્ટ્રેટ ડ્રાઇવ તોડી નાખે એવી
ઉસકા તો એવું ને નાના પણ
મને કાય બઘતો! ના મીના, એવું નહીં
અચ્છા... અરે મેરા પાકીટ,
આવજે શું કરું યાર!
સાલા દાદર ચલા ગયા
સોતા થા અબતક... આવીશ
ગાળો
રમીની રમત રૂપિયે પૉઇન્ટ વીસ
સ્ટેશને સ્ટેશને સ્તનોનું ટોળું
ગૉગલ્સવાળો
ચહેરો લઈ
ઊતરું
ચર્ચગેટ સ્ટેશન
સમય દસ ને દસ.