નીતિન મહેતાનાં કાવ્યો/દ્વિધા

દ્વિધા

નાખી દીધા જેવી વાતમાં
ઘણી વાર મૂંઝાઈ જવાય છે
કાલે મહેમાન ઘરે છે
તો કેટલું દૂધ લેશું?
સૌંદર્યશાસ્ત્રીઓને જોકે હસવું આવે
તેઓ કૃતિના અર્થઘટનની વાતો કરે
તેને સ્ટ્રક્ચર ને શૈલીની દૃષ્ટિએ
તપાસે, કાપે, વાઢે, અથવા
તો ફિનોમિનોલૉજી, ડી-કન્સ્ટ્રક્શનનાં
ચશ્માં પહેરાવે
માર્ક્સ કહે હું ચશ્માંની દાંડી બનીશ
ગાંધી કહે કાન પર તો હું જ
પણ આમાં હું શું કરું?
ટેબલનાં ખાનાં બે-ચાર વાર ખોલું
પાકીટના પૈસા ત્રણ વાર ગણું
લૉટરીની ટિકિટ પર આંગળી
ફેરવ્યા કરું કે મંગળની વીંટી
ને રુદ્રાક્ષની માળા, ને ઓમ્‌-બોંબ....
એક વિવેચક ભાઈ કહે
જોયું ને ગ્રેગરનું આમ જ મેટામૉરફૉસિસ
થયું હતું
લોહીમાં પવન પડી જાય
ઇતિહાસ મારી નસો ખેંચી કાઢે
નાર્સિસસ યાદ આવે
મારું પૈડું જમીનમાં ખૂંપતું જ જાય
પછી બધા કહે કે
સાલ્લો સું વાંચતો યાર
દેરિદા ને બાર્થ, ને ફુકો
ને ભરત ને ભવાઈ
જોકે ક્લાસમાં એવું બધું
બોલવાની આમ તો મનાઈ
પગમાં ખાલી ચડી જાય
ચશ્માંના નંબરો વધે
રોલાં બાર્થ કહે યાર ‘સર્જક
ક્યાં લખે છે જ એ તો
સમાજની ભાષા વાપરે છે
માટે એનું ગૌરવ કરાય જ નહીં.’
હું તો ખુશ થઈ જાઉં
પણ અભિનંદન કરવા
તાર કરવો પડે
પોસ્ટમાં જોવું પડે
ને પછી સમજી જાવ ને યાર...
તો કાલે સવારે દૂધવાળાને
શું આપું?
બસ આટલી ચિંતા છે
કશું ચાહી કે ધિક્કારી
શકતો નથી
માર્ક્સ ને ગાંધી સાચા છે
તો માર્લોપોન્તિ ને દેરિદાથી
પણ મન છલકાઈ જાય છે
ચામડી નીચે અંધારામાં
એક પતંગિયું પાંખો ફફડાવે છે
બાળપણ ક્યારનું ફ્યૂઝ થઈ ગયું છે
સૂરજની કલ્પનાથી મારું
ઘર અને મન વાંચું છું
દીવાલ બારીના સળિયા
સળવળ સળવળ થયા કરે છે
સવારે ફિક્કા અવાજે પૂછું છું
એક બોટલ જ્યાદા દૂધ હૈ ક્યા?
પછી તૈયાર થઈ
વર્ગમાં જઈ
ખાંસી ખાતાં બોલું છું,
‘કવિતા અસ્તિત્વ છે.’