નીરખ ને/કૃતિ-પરિચય


કૃતિ-પરિચય

નીરખ ને

ફાર્બસ ગુજરાતી સભાના ‘ત્રૈમાસિક’માં મંજુ ઝવેરીએ નિયમિત રીતે સાહિત્ય વિશે, ઉત્તમ વિચારકો-ચિંતકો વિશે, કેટલાંક વિચારણીય પુસ્તકો વિશે જે સંપાદકીય લેખો કરેલા એ ‘નીરખ ને’માં ગ્રંથરૂપ પામ્યા છે. મંજુબહેને જે કંઈ વાંચ્યું-વિચાર્યું એ આ લખાણોમાં તર્કનિષ્ઠતાથી ને છતાં વિશદતાથી રજૂ થયું છે; વિચારને એમણે ચર્ચાની સરાણે ચડાવ્યો હોય ત્યાં પણ એ મતાગ્રહમાં બંધાઈ જવાને બદલે મોકળાશવાળાં, નિખાલસ રહ્યાં છે. એથી એમની લખાવટ સ્પષ્ટ અને રસ પડે એવી બની છે. એમની વાચનરુચિ વ્યાપક રહી છે — મિલાન કુંદેરા, લેવિ સ્ટ્રાઉસ, ફ્રોઈડની સાથેસાથે પતંજલિ, કૃષ્ણમૂર્તિ, રવીન્દ્રનાથ, ગાંધીજી જેવા ચિંતકો-સર્જકો સુધી એ પ્રસરી છે ને આ લેખોમાં એનું વિમર્શાત્મક રૂપ ઊપસ્યું છે. એથી, હરિવલ્લભ ભાયાણીએ આ લેખોને ‘માર્મિક ખણખોદ’ તરીકે ઓળખાવ્યા છે. ‘સાચો સર્જક શું અનિવાર્યપણે વિદ્રોહી હોય છે?’, ‘દેવાલયો પરનાં રતિશિલ્પોનો વસ્તુલક્ષી અભ્યાસ’ જેવા લેખોમાં એમની ઉદારમતવાદી છતાં સ્પષ્ટ મત ઉપસાવી આપતી વિચારણા રજૂ થઈ છે. ભીખુભાઈ પારેખના પુસ્તક વિશેનો સુદીર્ઘ લેખ તથા એ અંગે ભીખુભાઈ સાથે થયેલી ઊંડી ચર્ચા મંજુબહેનની મૌલિક વિચારક તરીકેની મુદ્રા પ્રગટાવે છે. ‘પ્રત્યક્ષ’ને આપેલી મુલાકાતમાં એમણે જીવન વિશે, વાચન વિશે, પોતાની સંપાદક-પ્રવૃત્તિ વિશે ને માનવસંબંધો વિશે નિખાલસ ચર્ચા કરી છે. એ રીતે, મંજુ ઝવેરીના આ વિચારણીય લેખોમાંથી પસાર થવાનું સૌને ગમશે.

—રમણ સોની