નીરખ ને/ગાંધીજી : એક બહુમુખી વિદ્યાકીય સાહસ


એક ગાંધીવાદી તરીકે સોવિયેટ યુનિયન માટે મને કોઈ ભ્રમણા નથી. વિશ્વ ઉપર પ્રભુત્વ ધરાવતાં ગંજાવર રાષ્ટ્ર-રાજ્યો, પછી એમની સામાજિક પદ્ધતિ ગમે તે હોય, શાંતિ માટે બાંયધરી આપી શકે નહીં. વિશાળ કુરૂપ કહેવાતું હોય તો એ સૌથી વધુ આધુનિક રાજ્યોને લાગુ પડે છે જેમાં અમેરિકા, રશિયા, ચીન વગેરેનો સમાવેશ અલબત્ત છે; એમનું કદ, સાધન-સામગ્રી ઉપરનું નિયંત્રણ, લશ્કરી સત્તા અનિવાર્યપણે એમને પ્રતિસ્પર્ધા, વધુ ને વધુ લશ્કરીકરણ, અવેજી-યુદ્ધો અને ભીતિ તરફ ધકેલે છે. મહાત્મા ગાંધીએ કહ્યું છે એમ જો વિશ્વ-સરકાર ન રચાય અથવા રાષ્ટ્રોનું વૈશ્વિક સમવાયતંત્ર ન રચાયું કે વિશાળકાય રાષ્ટ્રો-રાજ્યોને નાનાં કદનાં રાજ્યોમાં વિભાજિત ન કરવામાં આવે તો શાંતિની શક્યતા નથી. છતાં સોવિયેટ યુનિયનના મહામંત્રી મિખાઈલ ગોર્બાચેવ જે કંઈ કહી રહ્યા છે એ મને ખૂબ અસાધારણ લાગે છે. એમના સામાન્ય અભિગમમાં મને વિચારણીય ગાંધીવાદી તત્ત્વો કે સંકલ્પનાઓ દેખાય છે. મને નથી લાગતું કે ગોર્બાચેવે ગાંધીનો આભ્યાસ કર્યો છે; પણ જો એ કરે તો એ અભ્યાસમાંથી એમને ઘણો લાભ થાય. ગોર્બાચેવના અભિગમમાં સૌ પ્રથમ મને સંભવતઃ અત્યંત મહત્ત્વનું ગાંધીવાદી તત્ત્વ છે એમનો સત્ય માટે પ્રચંડ આદર અને આગ્રહ. જે સમાજમાં સત્ય વર્ગ-સત્ય તરીકે વ્યાખ્યાયિત થયું હોય અને જ્યાં પ્રચારાત્મક સત્ય કે અસત્ય લાંબા વખત સુધી આચરણમાં હોય ત્યાં આ અદ્ભુત ગણાય... બીજું ૧૯૮૬માં દિલ્હીમાં જાહેરનામા ઉપર સહીસિક્કા થયા ત્યારે અહિંસા શબ્દને ખાસ વાપરવામાં આવ્યો. ગોર્બાચેવે બતાવી આપ્યું છે કે જૂની સામ્યવાદી રીતો એમણે છોડી દીધી છે.... ગોર્બાચેવ વિકેન્દ્રિત લોકશાહીની સંસ્થા – સોવિયેટોને રશિયાના રાજકારણના મુખ્ય વહેણમાં લાવવાનો ઈરાદો સેવે છે. વીસમી સદીમાં માત્ર ત્રણ વિકેન્દ્રિત લોકશાહી અને હિસ્સેદારીનાં પ્રતિમાનો (મોડેલ) આપણી સમક્ષ મૂકાયાં છે; રશિયામાં સોવિયેટો, ચીનમાં કોમ્યુનો અને મહાત્મા ગાંધીના ગ્રામપ્રજાતંત્રો.... સોવિયેટો અને કોમ્યુનોને કેન્દ્રશાસિત શાસનસંસ્થા અને નોકરશાહી ઓહિયાં કરી ગયા; ગામપ્રજાતંત્રોને તો કોઈ દિવસ આચરણમાં મૂકવાની તક જ ન આપવામાં આવી. મારે માટે તો ગાંધીવાદ સ્તાલિનવાદ તેમજ લેનિનવાદ બન્નેનું પ્રતિપક્ષી (એન્ટી-થીસિસ) છે, પણ માર્ક્સવાદનાં મૂલ્યોના હાર્દનું નહીં. અંતમાં ગોર્બાચેવની સફળતા આ માર્ક્સવાદના હાર્દમાં રહેલાં મૂલ્યોના, જેમને ગાંધીએ શાશ્વત સત્યો કહ્યાં છે અને જે ગાંધીવાદી તત્ત્વો ગોર્બાચેવના દર્શનમાં મને દેખાયાં છે. એમના બચાવમાં રહી છે.

જે. ડી. શેઠીર



ગાંધીજી : એક બહુમુખી વિદ્યાકીય સાહસ

ગાંધીજીનું મહાપ્રતિભા ધરાવતું વિરલ સંકુલ વ્યક્તિત્વ આપણા માટે હમેશાં પડકારરૂપ રહ્યું છે. એમની પ્રતિભા સંજોગવશાત્ વિકસી હતી વિશ્વના મહા ફલક ઉપર. આપણા સાહિત્યકાર કરસનદાસ માણેકે યથાર્થ વાત કહી હતી કે આપણે ગાંધીજીને જોયા એટલે માની શકીએ કે બુદ્ધ અને મહાવીર પણ થઈ ગયા હશે. દર બે-અઢી હજાર વર્ષે પાકતી આવી વ્યક્તિ જિજ્ઞાસુ અભ્યાસીઓ માટે અભ્યાસનો વિષય બને એમાં નવાઈ નથી. એમ. એસ. યુનિવર્સિટી, વડોદરાના એક વખતના ઉપકુલપતિ, માર્ક્સવાદ ઉપર ઑથોરિટી ગણાતા ડૉ. ભીખુભાઈ પારેખનું ‘Colonialism, Tradition and Reform : An Analysis of Gandhi’s Political Discourse’ - પુસ્તક ૧૯૮૯ની સાલમાં બહાર પડ્યું છે. ગાંધી ઉપરનું આ એક અતિ મહત્ત્વનું મેજર વર્ક છે. લેખક કહે છે કે પરંપરા સાથેની લડાઈઓમાં એમની અનન્ય નૈતિક અને રાજકીય ઑથોરિટીનો ગાંધીજીએ કઈ રીતે ઉપયોગ કર્યો તેની શોધ આ પુસ્તકમાં અમને કરવી છે; એમનો પરંપરા સાથેનો સમીક્ષાત્મક સંવાદ, સુધારો કરવાની એમની શૈલી, અસ્વીકાર્ય માન્યતાઓ અને આચરણ સામેની ઝુંબેશ, જે રીતે એ બધામાંથી રસ્તો કાઢતા અને ક્યારેક સંરચનાકીય બંધનોને કારણે નિષ્ફળ જતા – આ બધાની તપાસ પણ આ પુસ્તકની નેમ છે એમ લેખક જણાવે છે. લેખકે આ પુસ્તકમાં ખૂબ જહેમત ઉઠાવી ગાંધીજીની મહત્ત્વની સંકલ્પનાઓને, એમને લાગતા પ્રાણપ્રશ્નોને (જેવા કે અહિંસા, અસ્પૃશ્યતા, સેક્સ, હિંદુ પરંપરા વગેરેને) પશ્ચાદ્ભૂમાં સંપૂર્ણ ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય આપી ખૂબ વિગતે તપાસ્યા છે. ઉપરાંત બ્રિટિશ શાસન પ્રત્યેની હિંદુ પ્રક્રિયાઓ, ગાંધી અને યુગધર્મ, ગાંધીજીની આત્મકથાના સંદર્ભમાં આત્મકથાના સ્વરૂપને ચર્ચતાં પ્રકરણો પણ પુસ્તકમાં છે. આ વિદ્યાકીય અભ્યાસમાં ગાંધીજીનાં વ્યક્તિત્વના અનેક પાસાંઓ પૂરા પરિપ્રેક્ષ્યમાં સમજવાનો યત્ન લેખકે નિષ્ઠાપૂર્વક કર્યો છે, છતાં એમનાં કેટલાંક વિધાનો far-fetched અને ચિન્ત્ય લાગ્યા વગર રહ્યા નથી. દૃષ્ટાંતરૂપે આમુખની શરૂઆતમાં જ લેખક કહે છે કે ગાંધીને ગીતાનો ‘સંભવામિ યુગે યુગે’ શ્લોક ખૂબ પ્રિય હતો. ગાંધીએ પોતાને અવતાર તો નહીં પણ પોતાના લોકોને અંધકારના અને ગુલામીના યુગમાંથી સત્ય અને સ્વતંત્રતાના યુગમાં દોરી જવા માટે આતુર યુગપુરુષ તરીકે જોયા છે. ગાંધીજીની આત્મકથામાં ગીતાના જે બે શ્લોકો આવે છે અને જેમની એમના ઉપર ઊંડી અસર હતી. તે ‘સંભવામિ યુગે યુગે’ નહીં, પણ ‘ધ્યાયતો વિષયાન્પુંસઃ સંગસ્તેષૂપજાયતે’ અને ‘વિષયા વિનિવર્તતે નિરાહારસ્ય દેહિનઃ’ – એ બે શ્લોકો છે. ગાંધીજી યુગપુરુષ બની ગયા એમ કહેવું એ એક વાત છે, અને ગાંધીજીએ પોતાને યુગપુરુષ તરીકે જોયા એમ કહેવું વગરવિચાર્યું વિધાન છે. ગાંધીજી એમની આત્મકથાની પ્રસ્તાવનામાં લખે છે, ‘રાજ્યપ્રકરણી ક્ષેત્રમાંના મારા પ્રયોગો હવે તો હિંદુસ્તાન જાણે છે, એની કિંમત મારે મન ઓછામાં ઓછી છે. અને તેથી એ પ્રયોગોની મારફતે જ મને ‘મહાત્મા’નું પદ મળ્યું છે એની કિંમત પણ જૂજ છે. કેટલીક વેળાએ તો એ વિશેષણે મને અતિશય દુઃખ પણ દીધું છે. એ વિશેષણથી હું ફુલાઈ ગયો હોઉં એવી એક પણ ક્ષણ મને યાદ નથી... મારે જે કરવું છે, જેની હું ૩૦ વર્ષ થયાં ઝંખના કરી રહ્યો છું, તે તો આત્મદર્શન છે, તે ઈશ્વરનો સાક્ષાત્કાર છે, મારું ચલનવલન બધું એ જ દૃષ્ટિએ છે, અને મારું રાજ્યપ્રકરણી ક્ષેત્રની અંદર ઝંપલાવવું પણ એ જ વસ્તુને આધીન છે.’ આ જ યુગપુરુષની વાત લેખકે ફરી ‘ગાંધી અને યુગધર્મ’ના પ્રકરણમાં કરી છે. લેખકના જ શબ્દોમાં જોઈએ : ‘Gandhi Saw himself as the Yugapurusha, a moral legislator or law-giver giving his country a new Shastra or Smriti.’ આ વાત જે રીતે મુકાઈ છે એ ગાંધીજીની આપણી સમજણ સાથે બંધબેસતી થતી નથી. આ સંદર્ભમાં ગાંધીજી પોતાના પ્રયોગો વિશે શું કહે છે તે જોવું પ્રસ્તુત થશે. ગાંધીજી કહે છે, ‘મારા પ્રયોગો વિશે હું કોઈ પણ પ્રકારની સંપૂર્ણતા આરોપતો જ નથી. વિજ્ઞાનશાસ્ત્રી જેમ પોતાના પ્રયોગો અતિશય નિયમસર, વિચારપૂર્વક અને ઝીણવટથી કરે છે, છતાં તેમાંથી નિપજાવેલાં પરિણામોને તે છેવટનાં ગણાવતો નથી, અથવા તો એ એનાં સાચાં જ પરિણામ છે એ વિષે પણ સાશંક નહિ તો તટસ્થ છે, તેવો જ મારા પ્રયોગોને વિષે મારો દાવો છે. મેં ખૂબ આત્મનિરીક્ષણ કર્યું છે, એક એક ભાવને તપાસ્યો છે, તેનું પૃથક્કરણ કર્યું છે. પણ તેમાંથી નીપજેલાં પરિણામ એ સહુને સારુ છેવટનાં જ છે એવો દાવો હું કોઈ દિવસ કરવા ઇચ્છતો નથી. હા, એક દાવો હું અવશ્ય કરું છું કે મારી દૃષ્ટિએ એ ખરાં છે, અને અત્યારે તો છેવટનાં જેવાં લાગે છે.’ પુસ્તકમાં લેવામાં આવેલો દરેક વિષય એટલા વિસ્તારથી અને એટલી બાજુઓથી તપાસાયો છે કે ભાગ્યે જ એ બધાની અહીં ઝાંખી પણ કરી શકાય કે પ્રતિભાવો આપી શકાય. એટલે અહીં પ્રકરણોમાંથી અમુક વાતો જ લેવાનું શક્ય ધાર્યું છે. ‘બ્રિટિશ શાસન પ્રત્યેની હિંદુ પ્રતિક્રિયાઓ’ પ્રકરણમાં લેખકે ૧૮૨૦થી ૧૯૨૦નો ગાળો લીધો છે – ૧૮૨૦માં રાજા રામમોહન રાય ફૂલબહારમાં હતા અને ૧૯૨૦માં ભારતીય આઝાદીની નેતાગીરી ગાંધીજીએ સંભાળી લીધી ત્યાં સુધીનો કાળ છે. તે સમયના હિંદુ આગેવાનોની પ્રતિક્રિયાઓને લેખકે આ રીતે ચારમાં વિભાજિત કરી છે. એક, પરંપરાવાદી જેમને પોતાના સમાજમાં ખાસ કંઈ ખોટું લાગતું નહોતું. એટલે કાં તો એમને બ્રિટિશ શાસનમાં કંઈ રસ ન લીધો કે બિનમહત્ત્વનું ગણી ગણકાર્યું નહીં. પરંતુ મોટાભાગના નેતાઓ પોતાના સમાજની અવસ્થાથી સારા એવા વિક્ષુબ્ધ થયા હતા અને બ્રિટિશ શાસન એ સમાજને પુનર્જિવિત કરવામાં મદદ કરે કે કેમ અને કરે તો કેવી રીતે કરે એમ વિમાસતા. છતાં એમનામાં અવનતિનાં કારણો અંગે અને સંસ્થાનિક શાસન એમાં કેટલો પ્રાણ પૂરી શકે એ અંગે મતભેદો હતા. એમને ત્રણ વર્ગોમાં વિભાજિત કરી શકાય – ૧. આધુનિકતાવાદ, ૨. ટીકાત્મક આધુનિકતાવાદ, ૩. ટીકાત્મક પરંપરાવાદ. આધુનિકતાવાદીઓની માન્યતા એવી હતી કે હિંદુ સમાજના પુનર્જીવનની કોઈ આશા નથી. એની તો પૂરેપૂરી યુરોપીય રીતિ ઉપર સંરચના થવી જોઈએ. ટીકાત્મક આધુનિકતાવાદીઓ બન્ને સંસ્કૃતિઓના સર્જનાત્મક સમન્વયની તરફેણમાં હતા. ટીકાત્મક પરંપરાવાદીઓએ પોતાની સ્વદેશી સાધનસામગ્રીને જ એકત્ર કરવાનું મુનાસીબ માન્યું અને યુરોપમાંથી જ્યાં જ્યાં જરૂર પડે, સમાજને લાભદાયી હોય તે તે ઉછીનું લેવું તેવો અભિગમ રાખ્યો. મોટા ભાગના હિંદુઓ માનતા કે બ્રિટિશરોએ એમને રાજકીય સ્થિરતા, મિલકત અને જીવનની સલામતી ભલે મર્યાદિત, પણ કાયદાનું શાસન, પ્રમાણમાં નિષ્પક્ષપાતી વહીવટ અને ધાર્મિક સ્વતંત્રતા આપ્યાં છે. બધી મર્યાદાઓ છતાં બ્રિટિશ શાસને દેશ જાગૃત કર્યો છે, એમાં પ્રાણ પૂર્યા છે. ટીકાત્મક આધુનિકતાવાદના પુરસ્કર્તાઓમાં રાજા રામમોહન રાય, કે. સી. સેન, ગોખલે વગેરે ગણાયા છે. ટીકાત્મક પરંપરાવાદીઓમાં વિવેકાનન્દ, અરવિંદ ઘોષ વગેરે આવરાયા છે. ‘ગાંધી અને યુગધર્મ’ પ્રકરણમાં ગાંધીજી ટીકાત્મક પરંપરાવાદીઓની વધુ નજીક હતા એમ લેખકે બતાવ્યું છે. પૂર્વગામીઓની પરંપરા સાથે ગાંધીની વિચારધારાએ સાતત્ય પણ જાળવ્યું અને એનો ભંગ પણ કર્યો. મોટા ભાગના પૂર્વગામીઓ સાથે ગાંધી સહમત હતા કે અંગ્રેજોએ ભારત જીત્યું નથી, આપણે એમને ધરી દીધું છે. હિંદવાસીઓમાં એકતા નહોતી અને એકબીજાનો અવિશ્વાસ કરતા હતા એટલે શસ્ત્રધારી વેપારીઓનું નાનું જૂથ હિંદવાસીઓની વચ્ચે ભાગલા પડાવી શક્યું, હલાવી શક્યું, અને પોતાની સત્તા જમાવી શક્યું. એમની જેમ ગાંધીજી ભારતીય સંસ્કૃતિને આધ્યાત્મિક અને યુરોપી સંસ્કૃતિને ભૌતિકવાદી માનતા, પણ એ શબ્દોની ગાંધીજીની વ્યાખ્યા જુદી હતી; ગાંધીજી એમનાથી અનેક બાબતોમાં જુદા પણ પડ્યા. આધુનિક કેન્દ્રિત ઉદ્યોગીકરણ એમને મંજૂર નહોતું; એમને શારીરિક શ્રમને – શ્રમના ગૌરવને પોતાના વિચારોમાં અગ્રસ્થાન આપ્યું. લેખકના જ શબ્દોમાં થોડુંક જોઈએ : ‘Some of Gandhi’s ideas had no parallels in the Hindu tradition. His emphasis on the dignity of manual labour was new to it... When he took it to its logical conclusion and advocated cleaning latrines as a way of identifying with the untouchables and dissolving all traces of egoism, he frightened away even Gokhale’s servants of Indian society. His equation of religion with social service had been anticipated by only a few nineteenth century leaders and his view that a total and lifelong commitment to wiping away every tear from every eye was the only path to Moksha was almost entirely new. His insistance that every man was a publicly accountable trustee of his time, talents and wealth, that he should only use them for socially beneficial purposes, and that lack of panctuality and failure to answer letter represented violations of a moral trust finds no echo in Hindu tradition. His emphasis on struggles against injustices, his intense concern for personal integrity, his fierce loyalty to his conscience, his acute sense of personal responsibility for the actions of his countrymen, and the notions of vicarious atonement and redemptive power of suffering love underlying his fasts had no analogues in the Hindu tradition either.’ લેખકના જ શબ્દોમાં મૂકવાનું પ્રલોભન હું રોકી શકી નહીં કારણ કે ગાંધીજીના અંતરતમ સહજસ્ફૂર્ત સત્યને લેખક અભૂતપૂર્વ રીતે તાદૃશ કરી શક્યા છે. ‘અહિંસાનો સિદ્ધાંત’ પ્રકરણમાં લેખક કહે છે કે ગાંધીજીના અહિંસાના સિદ્ધાંત ઉપર હિંદુ, જૈન, બૌદ્ધ, ખ્રિસ્તીનો ખાસ્સો પ્રભાવ હતો છતાં ગાંધીજીનો સિદ્ધાંત એથી તદ્દન નિરાળો હતો. એ માત્ર એમના મૂળ ગૃહીતો અને નિસ્બતોથી જ જુદો પડતો હતો એમ નહીં – એનું મૂળ અને તાર્કિક વિશિષ્ટતા પણ અલગ હતાં. ગાંધીજીને મન અહિંસા ઉચ્ચતમ મૂલ્ય ધરાવનારી વસ્તુ હતી અને એ રીતે જીવવાનો એમનો નિષ્ઠામય પ્રયત્ન હતો. વિકટ પરિસ્થિતિઓનો અને દર્દમય ધર્મસંકટોનો એમને અનેક વાર મુકાબલો કરવો પડ્યો હતો. લેખકે અહિંસાની પારંપરિક સંકલ્પના અને ગાંધીજીની અહિંસાની ભૂમિકાની સરખામણી તથા તફાવતો બતાવ્યાં છે. અને કેવી કેવી ઘટનાઓને લઈને ગાંધીજીને પોતાની અહિંસાની સંકલ્પનાને મૂર્ત કરતા રહેવું પડ્યું એનો પોતાનું અર્થઘટન કરતા રહી લેખકે રોચક અહેવાલ આપ્યો છે. એમાંનું એક દૃષ્ટાંત જોઈએ, એ દૃષ્ટાંત લઈએ એ પહેલાં એટલું જાણવું જરૂરી છે કે લેખકના કહેવા પ્રમાણે ગાંધીજીએ સ્વાર્થ અને સ્વહિત વચ્ચે ભેદ કર્યો હતો. સ્વહિત એટલે કે માણસ અમુક સ્થિતિ પ્રાપ્ત ન કરે તો પૂરેપૂરું માનવીય જીવન જીવી નથી શકતો. સ્વાર્થ એટલે કે પોતાની જાતને બીજાથી ઉપર મૂકવી અને બીજાને ભોગે પોતાના લાભો જોવા. ૧૯૨૦ની સાલમાં અસહકાર ચળવળ દરમ્યાન ગાંધીજી બ્રિટિશ કાપડનો બહિષ્કાર સફળતાપૂર્વક યોજી શક્યા. પરિણામે લેંકેશાયરની મિલોમાં ઘણાંઓએ નોકરી ગુમાવી, કષ્ટો ભોગવ્યાં અને કેટલાક તો ભૂખે પણ મર્યા. અનેક બ્રિટિશરોએ અને કેટલાક ભારતીય ટીકાકારોએ પણ ગાંધીજી ઉપર હિંસાનો આરોપ કર્યો. ગાંધીજીએ ભારપૂર્વક જણાવ્યું કે નીતિના કોઈ પણ ધોરણે બહિષ્કારને હિંસક કૃત્ય ન ગણાવી શકાય. લેંકેશાયર મિલોના કામદારો પ્રત્યે એમને બિલકુલ ખરાબ ભાવ નહોતો, અને એમને નુકસાન પહોંચાડવાનો એમનો કોઈ ઇરાદો નહોતો. જ્યારે એમને એમ કહેવામાં આવ્યું કે એમને આવાં પરિણામોનો ખ્યાલ આવી જવો જોઈતો હતો ત્યારે એમણે પ્રત્યુત્તર આપ્યો કે પરિણામોનો પહેલેથી ખ્યાલ આવવો અને એવો ઇરાદો રાખવો એ બન્ને વસ્તુ સરખી નથી. બીજું, બ્રિટનની જેમ ભારતને પણ પોતાના ન્યાયી અને કાયદેસરનાં હિતોનું રક્ષણ કરવાનો અધિકાર અને ફરજ છે, અને દેશના ઉદ્યોગોનો બ્રિટિશરોએ કરેલા વિનાશથી જે ભૂખમરો અને બેકારી આવી હતી એ ભારતીયો માન્ય રાખી લે એવી અપેક્ષા ન રાખી શકાય. પોતાના ઉદ્યોગોને રક્ષણ આપવામાં ભારત સ્વાર્થી નથી, માત્ર પોતાના કાયદેસરના સ્વહિતનું રક્ષણ કરે છે. છતાં બ્રિટન સાથે એવું ગર્ભિત કે સ્પષ્ટ કરારનામું હોત તો ભારત આ કાયદેસરનાં સ્વહિતોનો પણ ભોગ આપત. બે દેશો વચ્ચે જે વેપારી કરારનામાઓ ઠોકી દેવામાં આવ્યા હતા એથી કોઈ બંધન આવતું નથી. ગાંધીજીએ આવી દલીલો માત્ર આ બાબત પૂરતી જ કરી હતી એવું નથી, બીજા સંદર્ભોમાં પણ કરી છે. જો પુરુષો વેશ્યાવાડાઓમાં જવાનું બંધ કરે અને ત્યાં ભૂખમરો આવે તો એથી પુરુષો ઉપર હિંસાનો આરોપ ન લગાવી શકાય. લોકો જો વ્યાજે પૈસા ધીરનારાઓ પાસે ઉછીનું લેવાનું બંધ કરે અને એથી વ્યાજે ધંધો કરનારાઓનો ધંધો બંધ થઈ જાય અને એમને કષ્ટો ભોગવવાં પડે એથી કરીને લોકો ઉપર હિંસાનું તહોમત મૂકી શકાય નહીં. પ્રકરણના અંતભાગમાં લેખક કહે છે કે ગાંધીજી ઘણી વાર કહેતા કે લોકોએ પોતાનું જીવન કેવી રીતે ગોઠવવું એ કહેવાનું કામ એમનું નથી; દરેકે પોતે નિષ્ઠાપૂર્વક નક્કી કરવું કે કેવી ઉત્તમ રીતે એ અહિંસાનું આચરણ કરી શકે. લેખકને ગાંધીજીનો આ અભિગમ સ્વીકાર્ય નથી. જીવનની સંકુલતા એવી છે કે માત્ર નિષ્ઠા એક ધૂંધળી માર્ગદર્શક ઠરે. ગાંધી કોઈ અંગત વ્યક્તિ નહોતા; એ પોતે પણ એમ માનતા નહોતા કે પોતે ધારે તેમ જીવી શકે. ગાંધીજી પોતાના દેશવાસીઓ માટે નવો યુગધર્મ શોધી કાઢવા માટે નૈતિક પ્રયોગો અખત્યાર કરતા નૈતિક વિજ્ઞાની હતા. લેખક વખતોવખત યુગધર્મ ઉપર ભાર આપી ગાંધીજીના અંતિમ લક્ષ્યને સીમિત કરી દે છે. ગાંધીજીની મૂળ શોધ – ઝંખના સત્ને પામવાની હતી અને એમનું સારું જીવન, એમનાં સર્વ કાર્યો એથી સ્પંદિત હતાં. પણ શું જીવનની સંકુલતાને કારણે જ લોકોને પોતાની નિષ્ઠા ઉપર છોડી દેવું તે યોગ્ય નહીં? સાચું પૂછો તો ગાંધીજીની આ વાત ખૂબ આવકાર્ય ગણાવી જોઈએ. લોકોમાં એથી પહેલ કરવાનો આત્મવિશ્વાસ જાગે છે. ‘આતંકવાદીઓ સાથે સંવાદ’ પ્રકરણમાં ભારતીય આતંકવાદી આંદોલનના ઇતિહાસ સાથે એના વૈશિષ્ટ્યનું વિશ્લેષણ શરૂઆતનાં પૃષ્ઠોમાં કરવામાં આવ્યું છે. શરૂઆતમાં ભારતીય આતંકવાદની પ્રેરણા યુરોપીય રહી હતી. પાછળથી હિંદુ તત્ત્વજ્ઞાન તરફ, ખાસ કરીને વેદાંત તરફ આતંકવાદીઓએ નજર વાળી હતી. ગાંધીજીનો આતંકવાદીઓ સાથેનો સંવાદ બે સ્તર ઉપર રહ્યો હતો; એમની હિંસાની હિમાયત સાથે ગાંધીજી તદ્દન અસંમત હતા અને જે રીતે આતંકવાદીઓ હિંદુઓના ધાર્મિક અને સાંસ્કૃતિક વિચારોનું અને ખાસ કરીને ગીતાનું જે રીતે અર્થઘટન કરતા હતા એ પ્રત્યે ગાંધીજીએ પ્રશ્નો ઉઠાવ્યા. ભારતીય આતંકવાદીઓને લગતી એક રસ પડે એવી વાત લેખકે એ કહી કે વૈશ્વિક ધોરણોએ ભારતીય આતંકવાદી આંદોલન સંયમપૂર્વકનું અને ઠરેલ હતું. હિંસા એ કુદરતનો નિયમ છે એમ સ્થાપનારા સિદ્ધાંતો પ્રત્યે એમને આકર્ષણ નહોતું. હિંસા કરવાનું એમને સ્વીકાર્યું હતું. પણ ડિફેન્સિવ ઉપર રહીને. તો શું આ ભારતીયોની વિશિષ્ટતા છે? – પ્રશ્ન થાય. ‘સેક્સ, શક્તિ અને રાજકારણ’ પ્રકરણમાં લેખક ફરી દોહરાવે છે કે સમકાલીન ભારતની અવસ્થાથી ગાંધી ખૂબ પીડિત હતા. ગાંધીજીને ખાતરી હતી કે ભારતીય સંસ્કૃતિમાં જો ફરી પ્રાણ પૂરવામાં નહીં આવે અને એ લોકોમાં શક્તિ રેડવામાં નહીં આવે અને એમને પ્રવૃત્તિશીલ બનાવવામાં નહીં આવે તો ભારતનો સર્વનાશ નક્કી છે. ગાંધીજીને લાગ્યું કે આ શક્તિ નિષ્પન્ન કરવા માટે એમણે રસ્તાઓ શોધવા પડશે. આ પછી પ્રકરણમાં શક્તિ વિશેની હિંદુ સંકલ્પના અને ગાંધીજીના મન્તવ્યો વિગતે લીધાં છે. ગાંધીજીનો જાતીયતા(sexuality)ને લગતો સિદ્ધાંત એમની શક્તિની શોધ સાથે સંકળાયેલો હતો અને એમના રાજકારણના સિદ્ધાંતનો અંતર્ગત ભાગ હતો. ગાંધીજીના સેક્સ વિશેના વિચારો એકદમ પ્યૂરિટન હતા અને એમણે તો એની સામે લગભગ યુદ્ધ જાહેર કર્યું હતું. છેલ્લાં વર્ષોમાં ગાંધીજીએ પોતાના બ્રહ્મચર્યની કસોટી કરવા માટે અનેક પ્રયોગો આદર્યા જે ખૂબ વિવાદાસ્પદ રહ્યા. શરૂઆતમાં એ પોતાની સ્ત્રી-સાથીદારો સાથે જુદા પણ એક જ ખંડમાં સૂતા. પછીથી કેટલાકની સાથે પણ સૂવાનું રાખ્યું. આ પછી એમણે બીજું પગલું ભર્યું – પ્રયોગના એક ભાગ તરીકે પોતે નગ્ન બન્યાં અને નગ્ન સ્ત્રી સાથીદારો સાથે સૂવાનું યોજ્યું. લેખક કહે છે કે ગાંધીજીએ પોતાના આચરણ વિશે જે ખુલાસો કર્યો તે જુદા જુદા પ્રસંગોએ જુદી જુદી રીતે વ્યક્ત થયો છે. એ બધી અસંગતિઓ જવા દઈએ તો ગાંધીજીનો મુખ્યત્વે બચાવ આ રીતનો છે. એમનું આચરણ મોક્ષની શોધમાંનો અંતર્ગત ભાગ છે. આખું જીવન એમણે પોતાની તૃષ્ણાઓ અને ઇન્દ્રિયો ઉપર પ્રભુત્વ મેળવવા માટે યત્ન કર્યો. હવે લેખકે ગાંધીજીની વાણી જે રીતે મૂકી છે એ થોડું જોઈએ : “On ‘the lonely way to God on which I have set out’, he needed to examine most minutely all his innermost thoughts and impulses, including those too deep for consciousness. The sexual impulses might escape detection by introspection but not the intense and merciless light of practice. Like small children, desires were unable to resist temptations. The best way to flash them out of their hiding places was to offer them a chance of gratification. He had therefore decided to subject himself to the ‘Severest test’ of sleeping naked with naked women and to ascertain for himself whether he had reached that stage of ‘absolute purity’ where not only did he not feel the sexual urge himself but others did not feel it in his presence either.’ ગાંધીજી પોતાના પ્રયોગનાં પરિણામોથી ખુશ હતા. એમણે મનુ ગાંધીને લખ્યું, ‘મેં સફળતાપૂર્વક ૧૧ વ્રતો લીધાં હતાં તે પૂરાં કર્યાં છે. છેલ્લાં સાઠ વર્ષના મારા યત્નની આ પરિસીમા છે. મને લાગે છે કે ઈશ્વર અને સત્યની નજીક હું પહોંચ્યો છું.” લેખક જણાવે છે કે ગાંધીજીના પ્રયોગો અદ્વૈતના ધોરણે વધુ પડતા સાહસિક અને ક્રિયાશીલ ગણાય અને તંત્રના સિદ્ધાંતે રૂઢિવાદી ગણાય. હિંદુ પરંપરા સાથે એનું કંઈક મળતાપણું હોવાને કારણે એને પ્રમાણમાં સાંસ્કૃતિક કાયદેસરતા મળી હતી, અને ખ્રિસ્તીઓ અને મુસ્લિમોથી ભિન્ન હિંદુઓ એથી મૂંઝાયા નહોતા કે વીફર્યા નહોતા. જોકે ગૂંચવાયા જરૂર હતા અને ક્ષુબ્ધ બન્યા હતા. ગાંધીજીના પ્રયોગો હિંદુ ધાર્મિક પરંપરાની બહાર હોવાનું તો વિચારી શકાય એમ પણ નહોતું. લેખકને અહીં ખાસ અભિનંદન ઘટે છે. ગાંધીજીના જીવનની આ અત્યંત નાજુક વિવાદાસ્પદ વસ્તુ એમણે દૃષ્ટિપૂર્વક અને સમજણથી રજૂ કરી છે. આ પ્રકરણના છેવટના ભાગમાં લેખક એવું પ્રતિપાદન કરે છે કે ગાંધીજીનો પોતાની ખૂબ નજીક સ્ત્રી-સાથીદારો સાથે કૃષ્ણ-ગોપીઓનો સંબંધ હતો. ગાંધીજી બરાબર જાણતા હતા કે સ્ત્રી-સાથીદારો એમનું સાન્નિધ્ય ઝંખતી અને એમની સંભાળ રાખવાનું અને સેવા કરવાનું એમને ખૂબ ગમતું. એ એમને આવકારતા, પણ ખૂબ નજીક જતી તો કૃષ્ણ ગોપીઓનો પ્રેમ જેમ ઊર્ધ્વીકરણ કરતા એમ ગાંધીજી એમના સંબંધનું રૂપાંતર કરી જુદા જ સ્તર ઉપર મૂકી દેતા. લેખકે આ હકીકત ક્યાંથી મેળવી અથવા કઈ હકીકતનું અર્થઘટન કર્યું છે એ ખબર નથી પડતી. પણ ખાસ્સું ફારફેચ્ડ લાગે છે. જો કે એટલું કહેવું જોઈએ કે ગાંધીજીનો સામાન્ય પ્યૂરિટિનક અભિગમ હોવા છતાં રાજકીય સ્તરે ગાંધીજીની ક્રિયાશીલતા રામ કરતા કૃષ્ણના પરિમાણની વધારે દીસી છે. અસ્પૃશ્યતા ઉપરના પ્રકરણમાં ડૉ. ભીખુભાઈ પારેખ જણાવે છે કે ગાંધીજીના સામાજિક સુધારક તરીકેનાં કાર્યો પર ઉદ્દામવાદીઓ અને રૂઢિવાદીઓ બન્ને તૂટી પડતા અને ગાંધીજી એથી ટેવાઈ ગયા હતા. પણ જે રીતે અસ્પૃશ્યતાનો પ્રશ્ન લઈ એમના ઉપર હુમલો કરવામાં આવતો એમાં તો નઠોરતાની કોઈ હદ નહોતી. ગાંધીજી હિંદુ સામાજિક વ્યવસ્થાનો વિધ્વંસ કરે છે એમ કહી સનાતનીઓ સખત ટીકા કરતા તો આંબેડકર ગાંધીજી અસ્પૃશ્યોને થોડાક નામના કન્સેશન આપી હિંદુ સમાજવ્યવસ્થાને ટકાવી રાખે છે એવો એમના ઉપર આક્ષેપ કરતા. અસ્પૃશ્યતા હિંદુ સામાજિક વ્યવસ્થાનો અંતર્ગત ભાગ છે. ઘણી સદીઓથી એ ચાલી આવી છે, અને એનું મૂળ ધૂંધળું અને વિવાદાસ્પદ છે. અસ્પૃશ્યતાના આ લાંબા ઇતિહાસમાં કોઈ ને કોઈ ટીકાકારો હમેશાં રહ્યા છે. રામાનુજે એને સખત વખોડી કાઢી છે. એ જ્ઞાતિપ્રથા અને કર્મના સિદ્ધાંતમાં માનતા, પણ આગ્રહપૂર્વક કહેતા કે અસ્પૃશ્યતાને કોઈ ધાર્મિક પાયો નથી. અસ્પૃશ્યો માટે એમણે ઘણાં મંદિરો ખુલ્લાં મૂક્યાં, ભક્તિઆંદોલને પણ અસ્પૃશ્યતાને નકારી કાઢી. તાંત્રિકોએ વળી એથી આગળ જઈ જ્ઞાતિપ્રથાનો જ વિરોધ કર્યો. વૈષ્ણવી આગેવાન રામાનંદ અને સુધારાવાદી ચળવળો ચલાવનારા કબીર અને નાનકે જ્ઞાતિપ્રથાને નકારી અને અસ્પૃશ્યતા સામે ઝુંબેશ ચલાવી. પણ ૧૯મી સદીની શરૂઆતમાં હિંદુ સુધારકોએ અસ્પૃશ્યતાના પ્રશ્નમાં ઘણો ઓછો રસ લીધો. એમણે પોતાનું બધું ધ્યાન ઉચ્ચવર્ણીય પ્રશ્નો જેવા કે સતીપ્રથા, બાળલગ્ન, વિધવા-પુનર્વિવાહ અને પરદેશગમન ઉપર કેન્દ્રિત કર્યું. ૧૯મી સદીના પાછલા ભાગમાં કે વીસમી સદીની શરૂઆતમાં ફરી એના ટીકાકારો ઊભા થયા. આની પાછળ રાજકીય કારણો લેખકે ગણાવ્યાં છે. ખાસ તો એ કારણ હતું કે હિંદુઓ જો અસ્પૃશ્યોને ન સ્વીકારે તો બ્રિટિશ સરકાર સમક્ષ એમનું સ્થાન ટકી શકે એમ નહોતું. દયાનન્દ સરસ્વતીએ અસ્પૃશ્યતાને કોઈ શાસ્ત્રીય અનુમોદન છે એ વાતને નકારી. વિવેકાનંદે હિંદુઓની રોગિષ્ટને સ્પર્શ ન કરવાની વૃત્તિને વખોડી કાઢી. રામકૃષ્ણ મિશને એની સામે ઝુંબેશ ચલાવી. તિલકે કહ્યું, ‘જો ભગવાન અસ્પૃશ્યતાને નિભાવે તો હું એને ભગવાન તરીકે માનીશ નહીં.’ જ્યારે ગાંધીજી ભારતીય રાજકીય તખ્તા ઉપર આવ્યા ત્યારે લગભગ બે દાયકાથી અસ્પૃશ્યતા વિરુદ્ધ ઝુંબેશ ચાલતી હતી. ગાંધીજી તરત જ એનું રાજકીય મહત્ત્વ જોઈ શક્યા. એમણે રાષ્ટ્રીય કાર્યસૂચિ ઉપર અસ્પૃશ્યતા વિરુદ્ધની ઝુંબેશને એકદમ અગ્રસ્થાન આપ્યું અને એમાં કદી ન જોયેલી ગતિ આવી. ગાંધીજી અસ્પૃશ્યતાને નાપસંદ તો ઘણા વખતથી કરતા આવ્યા હતા, પણ દક્ષિણ આફ્રિકામાં પહેલીવાર જાહેરમાં અસ્પૃશ્યતાનો વિરોધ કર્યો. ગાંધીજી જ્યારે ભારતમાં આઝાદીની ચળવળના નેતા બન્યા ત્યારે એમણે જોયું કે બ્રિટિશ નીતિ ભાગલા પાડી શાસન કરવાની હતી. એટલે એમણે અસ્પૃશ્યતા વિરુદ્ધ એ દલીલ કરી કે એ રાષ્ટ્રીય એકતાની વચ્ચે આવે છે, અને ભારતીય આઝાદીની નેમને નુકસાન કરે છે. પછીથી ગાંધીજીને લાગવા માંડ્યું કે રાજકીય દલીલોની રૂઢિવાદી હિંદુઓ ઉપર ખૂબ મર્યાદિત અસર પડતી હતી. ગાંધીજીને હિંદુઓ રાજકીય કારણોસર નહીં, પણ સન્નિષ્ઠ હૃદયપલટાને કારણે અસ્પૃશ્યતાની નાબૂદી માટે સમ્મત થાય એમ જોઈતું હતું. એમને એમ પણ લાગ્યું કે અસ્પૃશ્યતા હિંદુ ધર્મનો અંતર્ગત ભાગ નહોતી. આ કારણોએ એમણે સનાતનીઓ સાથે ચર્ચા-વિચારણા કરવાનું નક્કી કર્યું. ગાંધીજી અને સનાતનીઓ વચ્ચેની ચર્ચા અને વાદવિવાદમાં અહીં આપણે નહીં જઈએ. પણ ગાંધીજી વર્ણવ્યવસ્થાને શા માટે સમર્થન આપતા એ ક્ષમતાપૂર્વક લેખકે આપણી સમક્ષ રજૂ કર્યું છે. લાંબા વખત સુધી બીજા રાષ્ટ્રીય આગેવાનોની જેમ ગાંધીજી અસ્પૃશ્યતા અને જ્ઞાતિપ્રથા વચ્ચે અંતર્ગત સંબંધ જોઈ શક્યા નહીં. ગાંધીજી માટે અસ્પૃશ્યતા જ્ઞાતિપ્રથાનો અંતર્ગત ભાગ ન્હોતો, પણ સડો હતો અને એ નાબૂદ કરી શકાય એમ હતો. અનેક કારણોસર ગાંધીજી જ્ઞાતિપ્રથાનો બચાવ કરતા. વારસાગત રોજગારની ભાવના એમને મન જ્ઞાતિપ્રથાની પ્રાણસમી હતી. વારસાગત રોજગાર સ્પર્ધાને અને વર્ગવિગ્રહને નાબૂદ કરતી હતી. વારસાગત ધંધો શીખવો સહેલો હોવાને કારણે લોકોની શક્તિ અને સમય બન્ને બચતાં હતાં અને એક પ્રકારનું પારંપરિક કુશળતાનું ભંડોળ ઊભું થતું હતું. એ સંયમ અને સ્વ-શિસ્તની શક્તિ વધારનારી હતી. જ્ઞાતિ સ્વ-શાસિત સામાજિક એકમ હતી અને કાયદા, કારોબારી, ન્યાય અને બીજાં અર્ધસરકારી કામો પણ એ કરતી, અને એના સભ્યોની શૈક્ષણિક, સામાજિક અને કલ્યાણકારી જરૂરિયાતોનું પણ ધ્યાન રાખતી. એ રીતે રાજ્યની સત્તા અને એની દરમિયાનગીરી એ ઘટાડતી હતી; સ્વ-શાસન અને લોકશાહીની ભાવનાને એ પોષતી હતી. ઇતિહાસે બતાવ્યું કે પરદેશી શાસનકાળમાં અને રાજકીય અસ્થિરતાના સમયમાં પણ જ્ઞાતિપ્રથાને કારણે દેશ તદ્દન વિચ્છિન્ન થતો અટક્યો હતો; ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરા પણ જાળવી રાખી શકાઈ હતી. પણ પછી ગાંધીજીને વધુ ને વધુ લાગવા માંડ્યું કે સૈદ્ધાન્તિક રીતે ભલે વર્ણ-પ્રથા સારી હોય પણ એની વર્તમાન સ્થિતિ સ્વીકાર્ય બને એમ નહોતી. એ ખૂબ અક્કડ - રિજિય બની ગઈ હતી. વર્ણમાં ઉચ્ચ-નીચનો ક્રમ ન હોવો જોઈએ; બધા વર્ગોને સમાન ગણવા જોઈએ, અને કોઈ પણ વર્ણને ગંદો ન ગણવો જોઈએ. ગાંધીજીના પ્રતિભાવનું એક બીજું રસપ્રદ પાસું લેખકે બતાવ્યું છે. ગાંધીજીને શાસ્ત્રોના પાંડિત્યભર્યાં અભ્યાસ માટે, ધાર્મિક વિધિઓ અને કર્મકાન્ડ માટે તિરસ્કાર સિવાય બીજું કશું નહોતું. એટલે ગાંધીજીની સમાજની કલ્પનામાં બ્રાહ્મણોના અલગ અસ્તિત્વ માટે કોઈ જગ્યા રહેતી નથી. એ હિંસાને નાપસંદ કરતા હતા એટલે પોલીસ અને લશ્કરની જગ્યા સત્યાગ્રહમાં તાલીમ પામેલા નાગરિકોએ લેવી એમ એ માનતા. આથી ક્ષત્રિયોનો અલગ વર્ગ ગાયબ થઈ ગયો. બધા જ પોતાની રોજી રળે અને કોઈએ દાન ઉપર નમવું નહીં એ એમની માન્યતાથી બધા વૈશ્ય બની ગયા અને એ વર્ગ પણ રહ્યો નહીં. એમણે આગ્રહ રાખ્યો કે દરેકે શ્રમ કરવો જોઈએ – શ્રમના ગૌરવને એમણે મહત્ત્વનું સ્થાન આપ્યું એટલે શૂદ્રનો અલાયદો વર્ગ પણ રહ્યો નહીં. ગાંધીજીએ એવી ક્રાંતિકારી રીતે પારંપરિક રોજગારોને વ્યાખ્યાયિત કર્યા કે જૂની વર્ણવ્યવસ્થાનો કોઈ અર્થ જ રહ્યો નહીં. ૧૯૨૦થી ગાંધીજીએ અસ્પૃશ્યતા વિરુદ્ધ પદ્ધતિસરની ઝુંબેશ ચલાવી અને જ્યારે જ્યારે પ્રસંગો ઊભા થયા ત્યારે એને વખોડી કાઢ્યા વગર રહ્યા નહીં. ઉચ્ચવર્ણીય હિંદુઓનું એક નાનું પણ પ્રતિબદ્ધ જૂથ ઊભું કર્યું જે મિશનરી ભાવનાથી કામ કરવા માટે દેશના જુદા જુદા ભાગોમાં વહેંચાઈ ગયું. એમની નેતાગીરી નીચે ૧૯૨૦ની કૉંગ્રેસની બેઠકે અસ્પૃશ્યોને મંદિરોમાં દાખલ કરવાની માંગ કરતો ઠરાવ પસાર કર્યો. રાષ્ટ્રીય શાળાઓ અને કૉલેજો જે અસહકારની ચળવળ દરમિયાન સ્થપાઈ હતી – બધાંને અસ્પૃશ્યોને પ્રવેશ આપવાનું અને સક્રિયપણે અસ્પૃશ્યતા વિરુદ્ધ ઝુંબેશ ચલાવવાનું ફરજિયાત હતું. એમણે અસ્પૃશ્યોને હરિજન કહેવાનું શરૂ કર્યું. કેટલાકને એ પેટ્રનાઇઝિંગ લાગ્યું પણ આંબેડકર સમેત બીજા બધાને બીજા નામના જે વિકલ્પો હતા એમાં સૌથી વધુ સારું લાગ્યું. ગાંધીજીએ કેટલોક વિરોધ છતાં હરિજન સ્ત્રીને પોતાના આશ્રમમાં રાખી. એ પોતે સંડાસ સાફ કરતા અને આશ્રમવાસીઓને એ કરવાનું રહેતું. ભંગીવાસમાં એ રહેવા જતા અને જીવનના પાછલા ભાગમાં એ જ લગ્નોમાં જતા જેમાં લગ્ન-જોડીમાંથી એક હરિજન હોય. ૧૯૩૨ની સાલમાં બ્રિટિશ સરકારે હરિજનોને અલગ મતદાર મંડળ આપવાનું નક્કી કર્યું. ગાંધીજીએ ૨૦મી સપ્ટેમ્બર, ૧૯૩૨ને દિવસે એની સામે આમરણાંત ઉપવાસ શરૂ કર્યા. એમણે એમના નિવેદનમાં સ્પષ્ટ કર્યું કે મુખ્યત્વે ઉપવાસ અલગ મતદાર મંડળ સામે નથી, પણ સ્વયં અસ્પૃશ્યતાના આચરણ સામે છે. આ ઉપવાસ છ દિવસ ચાલ્યા અને એની ઘણી મોટી અસર પડી. ગાંધીજીએ અખિલ ભારતીય અસ્પૃશ્યતાવિરોધી સંઘ સ્થાપ્યો. એના વ્યવસ્થાપક મંડળના ૯ સભ્યોમાં ત્રણ હરિજન સભ્યો હતા. આંબેડકરને રાષ્ટ્રવ્યાપી આંદોલન શરૂ કરવું હતું. આંબેડકરની દરખાસ્ત ન સ્વીકારાઈ ત્યારે ત્રણેય હરિજન સભ્યોએ રાજીનામું આપ્યું. ગાંધીજીએ પછી આનું નામ બદલી હરિજન સેવક સંઘ રાખ્યું. હરિજનોને ન લેવાનો નિર્ણય કર્યો, અને રચનાત્મક કાર્ય ઉપર વધારે ભાર મૂકવામાં આવ્યો. અસ્પૃશ્યતાના નિવારણમાં કોઈ પણ ભારતીય આગેવાન કરતાં ગાંધીજીના કાર્યનું પ્રમાણ ઘણું મોટું છે. સનાતનીઓએ ગાંધીજીને જ્યારે પોતાના સૌથી વધુ ખતરનાક દુશ્મન ગણ્યા ત્યારે એ સાચા હતા; ગાંધીજીની પ્રતિબદ્ધતા અને એમના પ્રચંડ પ્રદાન પ્રત્યે સાશંક રહેવામાં આંબેડકર ખોટા હતા. પત્ર ગાંધીજીના પ્રદાનની મર્યાદાઓ હતી. અસ્પૃશ્યતાનો બૌદ્ધિક અને નૈતિક પાયો એમણે જો કે હચમચાવી નાખ્યો, પણ સામાજિક, આર્થિક અને રાજકીય મૂળને એ હલાવી શક્યા નહીં. અસ્પૃશ્યતા એમના જીવન દરમિયાન રહી, અને ભારતીય સ્વતંત્રતાનાં ચાલીસ વર્ષ પછી હજી પણ છે. લેખકનું આ વિધાન આપણને આશ્ચર્યમાં નાખી દે છે. આઝાદી પછી ચાલીસ વર્ષ અસ્પૃશ્યતા રહી એને માટે ગાંધીજી જવાબદાર હતા? જવાહરલાલ નહેરુ લોકપ્રિયતાના પ્રચંડ મોજા ઉપર વડા પ્રધાન તરીકે સત્તા ઉપર આવ્યા હતા. મંદિરોના બધા દરવાજા હરિજનો માટે ખુલ્લા મુકાવવાની તાકાત એ ધરાવતા હતા; કૂવાઓનું પાણી સવર્ણો અને હરિજનો માટે એકસરખું ઉપલબ્ધ કરાવી શક્યા હોત. પણ એમને રશિયાના ભારે ઉદ્યોગોના રાષ્ટ્રીયકરણે કેટલા મોહિત કર્યા હતા એટલી હરિજન સમસ્યા મહત્ત્વની લાગી નહોતી. મધુ લિમયેએ બહુ વેધકપણે એમના પુસ્તક (મહાત્મા ગાંધી ઍન્ડ જવાહરલાલ નહેરુ)માં નહેરુના આ પ્રશ્ન પ્રત્યેના અભિગમની છણાવટ કરી છે. નહેરુ આઝાદી માટે અધીરા હતા. એમને ગાંધીજીનું હરિજન પ્રશ્નોમાં વ્યસ્ત રહેવાનું સમજાતું નહોતું. એમના માર્ક્સવાદી અભિગમને કારણે એ એમ સમજતા હતા કે મૂડીવાદી વર્ગ ખતમ થવા સાથે આ પ્રશ્નોનો ઉકેલ આવી જશે. સમાજવાદીઓ અને સામ્યવાદીઓનો પણ અલબત્ત આવો જ અભિગમ હતો. આપણા દેશની વિશિષ્ટ જ્ઞાતિ-પ્રથા, પરિસ્થિતિ એમની ગણનામાં નહોતી. ગાંધીજીની ઊંડી સમજણ સામે એમનો અભિગમ છીછરો હતો. આ પુસ્તક છેલ્લા પ્રકરણનો ‘આત્મકથાનું ભારતીયકરણ’નો અનુવાદ હવે પછી આપવાનું નક્કી કર્યું છે. અહીં એમાંથી મુદ્દાઓ લીધા નથી. લેખની શરૂઆતમાં કહ્યું તેમ ડૉ. ભીખુભાઈ પારેખનો આ ઘણો આગળ પડતો (મેજર) ગ્રંથ છે – અતિ મહત્ત્વનો સંદર્ભ-ગ્રંથ છે. લગભગ બધું જ ગાંધીસાહિત્ય અને બીજા સંદર્ભગ્રંથો તપાસી જોઈ વળી અસંખ્ય માહિતીઓ આપી એમનું અર્થઘટન કર્યું છે. બધાં અર્થઘટનો સાથે આપણે સમ્મત ન થઈએ, પણ ઘણા પ્રશ્નો સમજપૂર્વક સાચા પરિપ્રેક્ષ્યમાં જોવાયા છે એથી એ પ્રશ્નોની આપણી વિશદતા વધી છે. ડૉ. દાંતવાળા કહે છે એમ ગાંધીજી એ કંઈ પંડિત નહોતા; એમણે સામાન્ય માનવીની ભાષામાં વાત કરી છે. એથી કહેવાનું થાય કે એમની પાસે ઇતિહાસકારની શિસ્તની અપેક્ષા રાખવી એ આપણા ગાંધીજી પ્રત્યેના દ્વિધાત્મક વલણનું પ્રતિબિંબ છે. એક બાજુ સાચી રીતે આપણે એમને પૂર્ણ માનવી તરીકે સ્વીકારવાનો ઇન્કાર કરીએ છીએ. બીજી બાજુ એ સર્વશક્તિમાન હોય, એમણે આપણી વિદ્યાશાખાના બધા જ પ્રશ્નો હલ કરવા જોઈએ એવો એક અભાન ભાવ આપણા મનમાં હોય છે. ડૉ. ભીખુભાઈ પારેખ પણ આ દોષમાંથી બચ્યા નથી. ગાંધીજી એક એવી વિરલ વ્યક્તિ હતા કે જે વસ્તુ એમના વિચારમાં આવતી અને આચારમાં મૂક્યા વિના જંપતા નહીં, મન-વચન-કાયાની એમનામાં એકતા હતી. સત્ય કહો – ઈશ્વર કર્યો એ એમનો પરમ આરાધનાનો વિષય હતો અને એમના સર્વ કાર્યો એથી સ્પંદિત થયા હતા. એમના આવા વ્યક્તિત્વે દેશવાસીઓ ઉપરાંત વિશ્વના બહુજન લોકોને કંપાયમાન કર્યા હતા; એનો પડઘો આજે પણ આજે પણ એટનબરોની ગાંધી ઉપરની ફિલ્મને જે પ્રતિસાદ મળ્યો એમાં જોઈ શકાય છે. ગાંધીજી માટે બ્રહ્મચર્ય એ એમની એક અનિવાર્ય જરૂરિયાત હતી. આપણે એ જ રીતે જાતીયતાને જોવી એવું અભિપ્રેત નથી. દરેકે પોતાના પ્રશ્નો પોતાની રીતે જ હલ કરવાના હોય છે. છતાં આડકતરી રીતે એક પ્રભાવકારી નિષ્ઠાભર્યું વ્યક્તિત્વ આપણું પ્રેરક બળ બની રહેતું હોય છે. ગાંધીજીને અક્ષરશઃ નહીં, પણ હૃદયથી પિછાનવાની વાત છે. ઇકોનોમિક અને પોલિટિકલ વીકલીમાં આ પુસ્તકની સમીક્ષા શ્રી પ્રકાશચન્દ્ર ઉપાધ્યાયે માર્ક્સવાદી અભિગમથી કરી છે. નવાઈ તો એ વાતની થાય છે કે શ્રી ભીખુભાઈ એનો જવાબ આપવામાં ઘણાં સંરક્ષણાત્મક – ડિફેન્સિવ બની ગયા છે. એક જગ્યાએ તો એ એમ કહે છે કે એમણે ગાંધીને યુગપુરુષ તરીકે ગણ્યા નથી; ગાંધીજીએ પોતે પોતાને યુગપુરુષ તરીકે જોયા છે. હા, પુસ્તકમાં ગાંધીજી પોતાને યુગપુરુષ તરીકે જોતાં એવું બેચાર જગ્યાએ શ્રી ભીખુભાઈએ કહ્યું છે, જેનો જવાબ અન્યત્ર મેં લેખમાં આપ્યો છે. પણ પોતે એમને યુગપુરુષ ગણતા નહોતા એ એકદમ માર્ક્સવાદી હુમલા સામે સ્વબચાવમાં કહ્યું હોય એમ પ્રતીત થયા વગર રહેતું નથી. છેવટે આપરે વિનોબા ભાવેના અવતરણથી આ લેખ સમાપ્ત કરીશું. વિનોબા કહે છે, ‘અનાદિ કાળથી આજપર્યંત અનેક મહાપુરુષો અહીં અવતર્યા છે, અને અહીંના જીવનને ઓછુંવત્તુંં સમૃદ્ધ કરતા ગયા છે. એ મહાપુરુષોની પરંપરાની છેલ્લી કડી ગણાય તેવા અને હવે પછી આવનારા મહાપુરુષોની શ્રેણીમાં પ્રથમ ગણાય તેવા ગાંધીજી હતા. ભૂતકાળમાં મહાપુરુષોએ આપણને જે કંઈ આપ્યું તેનો સાર આપણે ગાંધીજીમાં પામ્યા; અને ભવિષ્યમાં જે અસંખ્ય મહાપુરુષો આવવાના છે એમનાં બીજ પણ ગાંધીજીમાં પામ્યા. પાછલા પ્રયત્નોનું ફળ મળ્યું અને આગલી આશાઓનું બીજ મળ્યું... દરેક મહાપુરુષને વિશે આવું કહી શકાતું નથી. દરેકની પોતપોતાની વિશેષતા તો હોય જ; પરંતુ મહાપુરુષોમાં પણ પુરાતન પરંપરાનું ફળ અને નૂતન પરંપરાનું બીજ જેમના જીવનમાં એકત્ર થઈ ગયું હોય, એવા તો વિરલ જ હોય છે. એવા વિરલ મહાપુરુષો પૈકી ગાંધીજી એક હતા... ગાંધીજી એક સત્પુરુષ હતા એ તો બધા માને છે; પણ સત્પુરુષ હોવા ઉપરાંત તેઓ એક નવા વિચારના પ્રવર્તક પણ હતા. એમણે એક નવો જીવનવિચાર આપ્યો. આવો નવો વિચાર બધા સત્પુરુષોની મારફત પ્રગટ નથી થતો... સામાન્ય ધર્મપ્રચાર અને ક્રાંતિ એ બે જુદી જુદી વસ્તુ છે. સામાન્ય ધર્મનો બોધ તો ઋષિઓ અને સંતો હમેશાં આપતા રહે છે, પણ જ્યારે જમાનાની માંગ અને સંતોના ઉપદેશનો સંયોગ થાય છે, ત્યારે ક્રાંતિ થાય છે. સર્વસામાન્ય ધર્મનો પ્રચાર એ એક વાત છે, અને જમાનાને શાની જરૂર છે એ પારખી તેની સાથે ધર્મ-વિચાર જોડી દેવો એ બીજી વાત છે. અંદરના ધર્મ-વિચારનું બળ ને બહારની પરિસ્થિતિનું બળ, એ બેને જોડી બતાવે છે તે માત્ર ધર્મ-પુરુષ કે સત્પુરુષ રહેતો નથી પણ યુગપુરુષ બની જાય છે. ગાંધી આવા એક યુગપુરુષ હતા.’

[મે, ૧૯૯૦