પન્ના ત્રિવેદીની વાર્તાઓ/બેલ્લી

બેલ્લી

– ને તો ય આજે એના સમયે આવી જ. આ એ જ બેલ્લી હતી, જે કાલે રાત્રે ધોધમાર વરસાદમાં પલળતી પલળતી અહીં આવી હતી – વિખરાયેલા વાળ, સહેજ ફૂલી ગયેલા હોઠ, નિસ્તેજ આંખો, ચેપાઈ ગયેલી કાનની વાળી, જમણે પડખેથી ફાટી જઈને લટકી પડેલી કૂર્તી પહેરેલી, થથરતી બેલ્લી... કાલે રાત્રે દરવાજે વણથંભ્યા ટકોરા સંભળાતા હતા. મેં ઘડિયાળમાં જોયું. અગિયાર વાગવા આવ્યા હતા. કોણ હશે આ સમયે? અચલના સ્ટડીરૂમની બત્તી હજી ચાલુ હતી. મેં જ સચેત થઈને બારણું ઉઘાડ્યું. બહાર બેલ્લી ઊભી હતી. દરવાજો ખૂલતાં જ એ સીધી અંદર ધસી આવીને પછી નીચે બેસી પડી. કંઈ પૂછું તે પહેલાં જ તે બોલી : ‘કંઈ હૂઝ જ ના પડી, ભાભી, તે અંઈ આવી ગઈ! થોડીવાર બહાર કમ્પાઉન્ડમાં જ આ નળિયાવાળા ઝૂલા તળે બેસું? ને કહેતાં હો તો હવડે જ જતી રઉં. હેલાનું મગજ ઠેકાણે નહોતું. સાંજે ઘેર જતી’તી ને એવઇયો રસ્તે મયળો. ને ગુસ્સો આયવો તો ઊભા રસ્તે જ સટ્‌ દઈને ઠોકી મને. એક તો બે સાલ સી કંઈ કમાતો નંઈ ને ઉપરથી મારી મને.’ એણે સલવારનું એક પાયસું ઢીંચણ લગી ઊંચું કરતાં ઉમેર્યું : ‘જોને, વાળ ખેંચી છેક બહાર લગી ઢહેડીને કેવી પાડી! જંઈ જૂના પતરાંનો ભંગાર પડયો’તો તંઈ જઈને પડી. પેહી ગયું બધું ઢીંચણ મંઈ...!’ આટલા વરસાદમાં, આટલી રાતે ને આવી હાલતમાં એકલી આવેલી બેલ્લીને જોઈને હું કંપી ઊઠી. એ હજીય હાંફતી હતી. એના ગળે દુપટ્ટો નહોતો ને પગ ખુલ્લા હતા. બહારની મોટી ઓસરીમાં એને બેસાડી. હું જૂનો ટુવાલ શોધવા અંદર ગઈ. ટુવાલની સાથે એવો જ જૂનો દુપટ્ટો પણ શોધ્યો. ફ્રીજમાંથી સોફ્રામાઇસીનની ટ્યૂબ કાઢીને એને આપતાં મેં કહ્યું : ‘આ અવતાર જ એવો, બેલ્લી!’ એણે દવા હાથમાં લઈ ઢીંચણે લગાવવા માંડી, પણ મારા હોઠ પર કંઈક વિચિત્ર મલકાટ પથરાઈ ગયો – હું કંઈ એકલી નથી. બધી સ્ત્રીઓ એક પંગતે! હાથ-હથિયાર વિના મળેલી ઇજાઓ દેખાતી નથી એટલું જ. મેં બેલ્લી તરફ જોયું. હંમેશા ચમકતી રહેતી આંખો પાસે નખ્ખોરિયાનો તાજો ઘા દેખાતો હતો. હું હલી ગઈ. મને થયું કે એને કહું : આજે રાત્રે અહીં લૉબીમાં જ સૂઈ જજે, બેલ્લી... પણ પાછળ ઊભેલા અચલની નખથી ય તીક્ષ્ણ દૃષ્ટિએ મારા શબ્દોને ભીતર જ ચીરી નાખ્યા. મેં એને છત્રી આપી. અચલ હજીય પાછળ ઊભો હતો. છેવટે એને ધરાર મોકલી દેવી પડી. પણ આટલું વીત્યું હતું તો ય આજે એ કામે આવી હતી. મેં જોયું કે નાક પાસે લોહીનો કાચો પોપડો બાઝ્યો હતો, છતાં આવતાં વેંત જ રોજની જેમ એ હસી પડી. એના ચાંદી જેવા સફેદ દાંત મારી ચામડી પર ખૂંપી ગયા. પણ મેં કહ્યું : ‘મૂઈ, આજે ય આવી? ના નો’તું કહ્યું તને? કહ્યું’તું ને, કાલે દહાડો ના આવતી? શું લૂંટાઈ જવાનું હતું એક દહાડો આરામ કરત તો? અહીં કોને નોકરીએ જવાનું છે?’ પણ જાણે એના કાન બહેરા હોય તેમ એણે છત્રીને દીવાલે ટેકવી. દુપટ્ટો કમરે ચસોચસ વીંટાળતી થોડીવારે બોલી : ‘આ તો છાશવારનું, ભાભી. એમાં ના આવવા જેવું હું છે, હેં? ને એવું ગણકારું ને, તો તો મહિનામાં વીહ દહાડા રજા લેવી પડે....’ ‘તેં હેં બેલુડી, આખી રાત પછી તું બહાર સૂઈ ગયેલી?’ ‘ના રે... બહાર સૂવે મારા દશ્મન. ખોલી મારી, રોકડી મારી તે મરજીય મારી. ઘેર જઈને એની પીઠે, ખભે એવા ઘા કર્યા કે લોહી નીતરવા લાગ્યું. પણ પડી જ રે’વા દીધો મેં તો. રસ્તે લાફો માર્યો’તો, તેય બેલ્લીને! ખાલી એ હરામખોરને જ ગુસ્સો આવે એમ? એવો ઝૂડ્યો મેંય એને, કે પગ પકડતો બરાડતેલો કે’ કે બેલ્લી, આટલી દોક છોડ મને. હવે નંઈ કરું. નંઈ કરું! ધક્કે ચઢાવી કાઢ્યો બહાર. આખી રાત બારણું ઠોકતો’તો... પણ મંઈથી વાખેલું જ રાખ્યું મેં તો. સવારે કોઈ કેતેલું મને કે દાક્તર પાસે ગયેલા તા’રે પેલ્લે તો એની પાટાપિંડી જ ના કરી. કે’ પોલીસ કેસ છે. કેટલું લોહી નીકળે છે? રિપોર્ટ કરાવવો પડશે. પેલો કે’ એવું ના કરતા, સાહેબ. મને કોઈએ માર્યું નથી. બૈરીએ માર્યું છે. દાક્તરેય હસતો’તો. ચાર ચાર ટાંકા આવ્યા છે, બોલો! ને એ, પેલ્લીવાર સવારે અછેર દૂધ લાવીને એખલીએ જ રકેબીમાં રગડા જેવી ચા રેડીને એવો સબડકો લીધો... ને કહું તારે, ભાભી, એવું જબ્બરનું બચકું ભર્યું’તું મેં કે એના હાથ પર મારા દાંત ખૂહેલા જોયા હોય તો!’ અચાનક મારી આંગળીમાં તાકાત સળવળી ઊઠી. જાણે લાંબા લાંબા નખ ઊગી નીકળ્યા. અચલના મોં પર ઠેર ઠેર એનાં નિશાન ઊપસી આવ્યાં હોય જાણે! મેં ઘરની છત તરફ જોયું. ખોલી મારી, રોકડી મારી, પણ મરજી? ને એકાએક મારા હાથ મારા પગની જેમ જ લૂલા થઈ જઈ ઢીલા પડી ગયા. પણ એ તો બેલ્લી હતી. ઓડવાસની સાંકડી ગલીઓમાંથી રાણીની અદબથી નીકળતી, સાઇકલ પર સરતી બેલ્લી..! તાવડીના તળા જેવા રંગની આ બેલ્લી ગલીનું નાકું વટાવી છેક બહાર નીકળી જઈને દેખાતી બંધ ના થઈ જાય ત્યાં સુધી આખા વાસની મરદ-આંખો પહોળી થઈ રહેતી. એની ચંચળ ને ચકોર આંખો ઊભાં ઊભાં જ પાડી દેતી ને ગાલે પડતાં ઊંડાં ખંજનમાં પડવા લોક જાતભાતના ઉપાયો કર્યા કરતા. જો કે એવી બાજનજરોનેય બેલ્લીની શિકારી આંખો ક્ષણમાં જ પકડી પાડતી. કોઈ આડુંઅવળું બોલ્યું નથી કે બેલ્લી એના પર થૂંકી નથી! પંચમહાલની કોઈ સાંકડી ગલીમાં એ જુવાન થઈ હતી. ઘરની પડખે કડિયાકામની મજૂરીએ આવતા પોતાનાથી ત્રણ વરસ નાના એવા રશીદની મારકણી આંખો આગળ એની આંખો હારી ગઈ ને નાસી જઈને શહેરના ઓડવાસની અજાણી ગલીમાં રશીદ સાથે ઘર માંડી દીધું. એના આખા ઘરે પાછી લાવવા બધા જ ઉધામા કરી જોયા પણ એ તો રશીદ નામના થડને મક્કમતાથી વળગી જ રહી. અહીં આવીને તેણે નિકાહ પઢ્યા ને એમાં વહેંચાયેલી ખારેક પણ મોજથી ખાધી. નિકાહ પહેલાં જ એણે રશીદને કહી દીધું હતું : ‘હું કંઈ હલિમા કે રશીદા થઈને નંઈ રઉં, બેલ્લી જ રે’વાની. ને ચાંલ્લાના પત્તાંય લાવવાની. તારા અલ્લા-મૌલવી તો મારાય સાંઈ-જલા...’ બાપને ઘેર મોટો વસ્તાર, તો ય મજૂરીએ જતા મોટા ભાઈઓને લીધે બે પાંદડે થઈ રહેવાતું હતું. પણ એના આવ્યા પછી રશીદે મજૂરીએ જવાનું છોડી દીધું. ત્યારે બેલ્લીએ પાંચ ઘરનાં કામ બાંધી લીધાં. એક સાંજે એ કામ માગવા આવી હતી ત્યારે જ મેં એને ચોખ્ખેચોખ્ખું કહ્યું હતું : ‘જો બેલ્લી, વૈષ્ણવનું ઘર છે આ. ને તું કંઈ....’ એણે જમણો હાથ બંને કાનની બૂટને અડાડતાં વચ્ચેથી જ કહ્યું : ‘ના રે ના. એવું તે કંઈ હોય, ભાભી? બેલ્લી નામ છે મારું. માંસ-મચ્છી હરામ છે. ઊલટું કોઈ વાત કરે તો બી ઊબકા આવે મને તો.’ કેટલી ચાલાકીથી સફેદ જૂઠ ઑકતી હતી તે? બેલ્લીનો ધણી એને મનાવવા છેક અહીં લાગી ના આવ્યો હોત તો ખબર પણ ના પડત કે મૂઈ મુસલમાનને પરણી છે. પણ રશીદને જોયો હોય તો! ઊજળો વાન, ભરાવદાર કદ-કાઠી ને મોં પર નર્યું ભોળપણ. આ કાળી ક્યાંથી ભટકાઈ પડી એને? વળતા રશીદને છેક લગી મેં છાનુંછપનું જોયા કર્યું. બીજા દિવસે બેલ્લીને મેં ઝાલી ત્યારે એના મોં પર જુઠ્ઠાણું પકડાઈ જવાના ડરની એક પણ લકીર નહોતી! બલ્કે ગળે મોટો ચોટિયો ભરી એટલી જ સફેદાઈથી કહ્યું : ‘હી... હી... હોવ, ભાભી! જૂઠ તો બોલી પણ સાંઈ કસમ, પેલ્લે પેલ્લે રશીદ હંગાથે લેતેલી બધું... પણ જ્યારથી સાંઈબાબાના ગુરુવાર ચાલુ કર્યા છે, હરામ છે બધું ત્યારથી.’ હું સમસમી ગયેલી : ધીટ્‌ સાલી...! પણ શહેરમાં કામવાળી મળવી ને તેય બેલ્લી જેવી, એ ખરેખર કપરું હતું. અચલ તો મોટા ભાગે બિઝનેસ ટૂરમાં ફરતો રહે છે. જો કે એ ઘેર હોય – ના હોય બધું સરખું છે. આવડો મોટો બંગલો ને ઉપરથી લંગડાતા પગ, સદાનું માંદલું-હાંફતું-ખાંસતું રહેતું શરીર... બેલ્લી વગર આરો જ નહોતો. એનું કામ ખૂબ ચોખ્ખું હતું પણ એથીય મોટી વાત તો એ હતી કે એની ચમકતી આંખો સોના-રૂપિયાની ચમકને જોઈને જરાય અંજાતી નહોતી. બાંધેલા ઘરોમાં ચા-નાસ્તાની કે કોઈ ગળી વાનગીની એને જરાય પડી નહોતી. ઊલટું, સાંજે ઘેર જઈને ગરમાગરમ બનાવીને ટૅશથી ખાતી. પોતાની ખોલીને જરૂરી સામાનથી સજાવી દીધા પછી મહિનાભરની મોટા ભાગની આવક મોજશોખમાં વાપરી નાખતી. કોઈ બચતની સૂફિયાણી સલાહ આપે તો એ આંખો ઉલાળતી કહેતી : ‘કલ કિસને દેખા?’ બંગલાવાળીઓએ આપેલાં સારાં કપડાં બીજા જ દિવસે ઠઠાડી કામે આવી ધમકતી. ને કોઈ કહે : ‘બેલ્લી, આટલાં સારાં કપડાં વાર-તહેવાર માટે રહેવા દેતી હોય તો?’ તો બેલ્લી રોફ જમાવતાં કહેતી : ‘ઘાલી રાખીનેય શું કરવાનું? મરી જઈશ તો કોણ પહેરવાનું? બોલો, જોઈએ તમારે પાછાં? ને પંદર-વીસ દિવસે એનો હાથ ભ્રમર પર ફરવા માંડતો : ‘દેખો ને ભાભી, આ આઇ-બ્રો કેવી વધી પડી છે! પાર્લરમાં જવાનો ટાઇમ બી નથી મળતો.’ પછી વાળને આગળ લાવતી કહેશે : ‘ને આ વાળ? ઓ મા, કેવા ફાટી ગયા છે? કપાવવાના થયા છે. તઇણ મહિના થઈ ગયા કપાવ્યે....’ મેં ઘડિયાળમાં જોયું. બપોરનો દોઢ થવા આવ્યો હતો. ખરા બપોરેય બેલ્લી ગાતી ગાતી કામ કરતી હતી. હું એને તાકી રહી. ભીતર બળતરા થતી હતી. એ જ ક્ષણે એનું ધ્યાન મારા તરફ ગયું. એ હસી. બીજી જ ક્ષણે એણે કહ્યુંઃ ‘કાલે મોડું થઈ જશે આવતાં. એક બંગલાવાળીએ એના વરને કહીને વકીલ રોક્યો છે. તે કાલે કોરટે જવાનું છે, તલ્લાક હારું.’ જાણે બજારમાંથી કોઈ મીઠી કેસર કેરી ખરીદવા જવાની હોય એટલી સહજતાથી એ કહેતી હતી. ‘તલ્લાક?’ ‘હા... તે લઈ જ લેવા જોયે ને? બધું સહન થાય, પણ આવી રોજ રોજની મારઝૂડ... મારા રોટલા ખાઈને મારા પર જ જોર? એવાને શું ગૂમડે ચોપડવાનો?’ પણ અંદર બળતરા વધી પડી. મેં આકાશ તરફ જોયું. ખરા બપોરેય આકાશ ડહોળાયેલું લાગ્યું. જામેલા બિઝનેસ સાથે એક લંગડી છોકરીનો હાથ મા-બાપે અતિ નિકટના મિત્રના દીકરા અચલને સોંપી દીધો હતો. જો એ બંને કાર-અકસ્માતમાં માર્યાં ન ગયાં હોત તો પગની સાથે ગુલાબી સપનાંઓને પણ લૂલાં થતાં જોયાં હોત એમણે. અચલ માટે હું સમાધાનની લાચારીનું પરિણામ હતી. પડોશમાં રહેતી બિંદુએ હજી ગયા અઠવાડિયે જ ચેતવતાં કહેલું મને : ‘શ્યામા, તને શું લાગે છે, અચલ માત્ર બિઝનેસ ટૂર પર જ જાય છે? એ તો સારું છે મારા કરણને એની ઑફિસમાં છાશવારે કામ પડે છે તે રજેરજની બાતમી મળતી રહે છે... બાકી શું કહું તને? એના લફરાં ને હલકટાઈ તું જાણે તો ડૂબી મરવાનું જ મન થાય તને.’ એ વિશે મને થોડી થોડી ખબર હતી. પણ મેં બેલ્લીને જેવું કહ્યું-કર્યું તેવું હું એકવાર પણ કેમ ના કરી શકી? મેં મારા લંગડા પગ ભણી જોયું. એકદમ ખાંસી ચઢી. બેલ્લીએ દોડીને પાણી આપ્યું. હું એકીટશે આકાશને જોઈ રહી. ભૂરા ભૂરા આકાશમાં ક્યાંક ક્યાંક દેખાતા સફેદ સફેદ વાદળ કાળા ધબ્બા જેવાં લાગતાં હતાં. તો બેલ્લીને છૂટકારો મળી જવાનો... અંધારાનાં વાદળ ભીતર જવા લાગ્યાં, પણ બીજી જ ક્ષણે એમાં નીલા રંગનું એક પંખી ઊડ્યું : હા તો... લૂલા પગેય બાંધી રાખ્યો છે હજીય... બાકી મજાલ છે એની? મારી દેખતાં કોઈ બીજીની વાત પણ કરે! ને પગ હોય તો ય શું વળી ગયું? કૉર્ટે ટાંટિયો મૂકવો પડ્યોને છેવટે? પરસેવાના બદલે રોમેરોમમાં અત્તરબિંદુ ફૂટી નીકળ્યાં. મેં બેલ્લીને કહ્યું : ‘મોડે મોડેય આવજે ખરી હોં, બેલ્લી! તને તો ખબર છે, તું ના આવે તો અટકી જ પડે બધું...’ ‘હોવ ભાભી. ફિકર ના કરતાં. ખબર છે, એટલે જ તો ખાલી તમારા ઘેર જ આવવાની છું. બીજી બંગલાવાળીઓને તો કહી દીધું મેં, કે મન્નત પૂરી કરવા દરગાહે જવાની છું. છૂટ્ટી જ કરીશ...’ ‘બેલુડી, મન્નતના નામે જૂઠું બોલી પાપમાં પડાય કે?’ ‘હોવ ભાભી... તમેય શું? ખોટું થોડું જ કહેવાય કંઈ? નિભાવવાથી છૂટકારો મળે એ મન્નત પૂરી થયાથી કમ છે કંઈ?’ જાણે બેલ્લીએ તમાચો મારી દીધો હોય એમ હું હેબતાઈ ગઈ. ભીતર કોઈ અજાણી આગ ભભૂકી ઊઠી. એ આગમાં મારો માખણ જેવો વાન બળીને કાળો પડવા લાગ્યો. આજેય એવું જ હસતી હતી, જેવું એ નિકાહના દિવસે હસતી હતી. પણ બીજા દિવસે એણે રજા પાડી. મેં મનોમન એને ખૂબ ગાળો ભાંડી. ત્રીજા દિવસે એ આવી ત્યારે હંમેશની જેમ કપડાંની થેલીમાં રશીદનાં મેલાં લૂગડાં ધોવા સાથે લઈને આવી. મારા અવાજે એને ચોંકાવી દીધી – ‘છૂટું તો થઈ ગયું ને?’ ‘હોવ ભાભી. આપણી તરફે તો થઈ ગયું. પણ એ તો કૉરર્ટનું કંઈ ગણકારતો જ નંઈ. કહે છે, મેં કંઈ ઓછું ત્રણ વખત તલ્લાક તલ્લાક તલ્લાક કીધું છે તને? એ તો શાદી માને છે પણ આપણા મંઈ તો કૉરટમાં સહી થઈ ગઈ એટલે હું તો હવે મારે રસ્તે, બંગલાવાળીના ધણીએ એને બોલાવીને ધમકાયો’તો. તે સહી કરી આલી પણ પીટ્યો તલ્લાક બોલવાનું ના કે’છે. પણ મેં તો થોડો સામાન આપી એને કાઢી મેલ્યો. હવે જોેડે રહેવાય કંઈ? પણ કપડાં આલી જશે રોજ... હશે, બાપડાને કોણ ધોઈ આલવાનું? કૉરટે જઈ આયા પછી કાલે સાંજેય લડવા બાઝ્‌્યો’તો એ તો...! પણ સવારે ચા-ખારી તો એ લારીએ હંગાથે જ ખાવાના. નંઈ તેં પૈસા કોણ આલે એને? જંઈ લગી નોકરીએ ના ચડે તંઈ લગી તો આલું...!’ ‘તુંય વિચિત્ર મૂઇ છે!’ હું ગર્જી ઊઠી. પણ એણે તો હસતાં હસતાં વાત જ બદલી નાખી. ‘ભાભી, હેલા કમરક લાવો તો રાખજો હોં... ખાટ્ટાં ખાટ્ટાં... લીલાંકચ્ચ જોઈને... બહુ દહાડા થઈ ગયા ખાધે. ને પછી તો આવેય નંઈ પાછાં...’ પણ આખી રાત ઊંઘ જ ના આવી. ખબર નંઈ, પણ બેલ્લીનો કાળો રંગ મારા આખા શરીરના ઊજળા રંગને ઢાંકવા લાગ્યો. અશક્તિ એટલી વધી પડી કે તબિયત લથડી પડી ને છેવટે બે દિવસ હૉસ્પિટલમાં રહેવું પડ્યું. પણ ત્યાંય જે સાંજે બિંદુ મળવા આવી તે રાત્રે ઊંઘ જ નહોતી આવી. બિંદુએ કહ્યું : ‘શ્યામા, જલદી ઠીક થઈને ઘેર આવી જા. તને ખબર છે, બેલ્લી મારે ત્યાં કામે આવી હતી ત્યારે શું કહેતી હતી? કહેતી’તી પેલ્લે દા’ડે ઝાડૂ-પોછો મારતી’તી શ્યામાભાભીને તંઈ... તા’રે સાહેબ આયા ને કે’ કે બેલ્લી, લાલ રંગનો ડ્રેસ સારો લાગે છે તને! મને કહે મેં તો ઉશેટીને ફેંકી જ દીધો એ લાલ રંગનો ડ્રેસ... ને બીજા દા’ડે તો ભાભી, મને કહે કે’ બેલ્લી, થોડાંક એકસ્ટ્રા રૂપિયા રાખ, જોઈતા હોય તો! ને બપોરે આડું પડવું હોય તો પડજે. હું હૉસ્પિટલથી સીધો ઘેર જ આવવાનો છું. પછી બોલો ભાભી, તે દા’ડે રાત્રે ઘેર નાહી જવું પડેલું ને આજે વળી કંઈથી દયા આઈ ગઈ? ના રે બાપ, આ જમાનામાં હગા બાપનોય ભરોસો નંઈ ને! મેં તો કઈ દીધું એને... ઘરની અંદરનું કામ નંઈ થાય... કપડાં-વાસણ કરી આલીશ બહારની ચોકડીમાં... મારા મડદાલ શરીરમાં સળવળાટ થયો. જલદી ઘેર જવાની ઝંખના પડખું ફરવા લાગી. સવાર થતાં પહેલાંની હું જાગતી હતી. આજે રજા મળવાની હતી. અચલ દવાખાનાની બહાર આરસના થાંભલાને અઢેલીને ઊભો હતો. એની આંખમાં મારા પાછા ફરવાનો કોઈ આનંદ નહોતો. મારો ચહેરો ફિક્કો પડી ગયો, રૂની પૂણી જેવો. બેલ્લી આવી. તેણે કપડાંની થેલી ખૂણામાં મૂકી, બહાર વાતાવરણ થોડું ઠંડું હતું. તે બોલી : ‘ભાભી, એવું લાગતું હતું કે જાણે ઘર ભૂતિયો બંગલો ના હોય? બાપ! સારું થયું તમે આવી ગયાં. આજે ચા નંઈ, ઉકાળો પીવડાવું તમને...’ કહી એ સીધી રસોડામાં પેઠી. હું ઊકળી ગઈ. ખલમાં દસ્તાથી એ મરી વાટતી હતી. મને એ દસ્તો એના માથામાં મારવાનું મન થઈ આવ્યું. તારામાં એવું છે શું કે તું ઓડવાસના મરદો ને અચલને એક હરોળમાં બેસાડે છે, નપાવટ! પણ બીજી જ પળે થયું, મરદ તો હતો આખરે... બેલ્લીએ ઉકાળો આપ્યો. ને કંઈક એકદમ યાદ આવ્યું. તેણે કપડાંની થેલીમાંથી એક કમરક કાઢ્યું. એ હસી પડી. ‘ભાભી, બહુ મન થયું’તું... તમે તો દવાખાને હતાં. તકલીફ થોડી જ અલાય કંઈ? બિંદુભાભીએ કીધું તો બજાર ગયાં ત્યારે કમરક ભરેલી એક લારી જોઈ તે લઈ આવ્યાં. એક મિનિટ... હું અંદરથી મીઠું લઈ આવું.’ એ રકાબીમાં થોડું મીઠું લઈને મારી પાસે નીચે જ બેસી પડી. અચલ ક્યારે આવીને ઊભો રહ્યો, મને ખબર જ ના રહી. મેં એના તરફ જોયું. એની ચોર નજર બેલ્લી પર ફરતી હતી. મેં ઉકાળાનો ઘૂંટડો ભર્યો. એટલો ગરમ નહોતો તો ય જીભ દાઝી ગઈ હોય એવું લાગ્યું. કોઈ દિવસ નહીં ને આજે અચલે એક બુશકોટ લાવીને બેલ્લી ભણી તુમાખીથી ફેંક્યો. કહ્યું : ‘લે રશીદને પહેરાવજે.’ બેલ્લી હસી પડી. તેણે બુશકોટ હાથમાં લઈ અચલ ભણી પાછો ફેંકતા કહ્યું : ‘ટૂંકો પડે, સાહેબ.’ ને ઉમેર્યું, ‘પણ તમે કે’તા હોવ તો આ માપની નવી જ ટી-શર્ટ પડી છે મારી પાસે. મૉલ મેં સે લીધેલી. રશીદને ટૂંકી પડી. તે એ લોકો તો પાછી લે નંઈ હવે. તમને થઈ રે’શે... નવી જ છે...’ ને બેલ્લીએ કમરકને જોરથી એક મોટું બચકું ભર્યું. રસના થોડા છાંટા ઊડ્યા. એણે રકાબીમાંના મીઠામાં બોળ્યું, ને મોજથી મોંમાં મૂક્યું. કમરકની ખટાશથી એની આંખો મીંચાઈ જતી હતી પણ એની બધી જ ખટાશ જાણે અચલના મોંમાં ભરાઈ ગઈ હોય એમ તેનું મોં બગડી ગયું!!