પન્ના નાયકની કવિતા/આવિષ્કાર

૨૮. આવિષ્કાર

કોણ કહે છે
કે
કાળની રેતી
કશુંય સાચવતી નથી?
જરીક ઝીણી નજરે જોઈએ તો
રેતીમાં પડ્યાં છે
વિરાટ પ્રભુનાં
વામન પગલાં.
ત્રિભુવનનો સ્વામી
ચુપચાપ
આવજા કર્યા કરે છે
ને
પોતાનાં પગલાં
પગરવ વિના મૂકી જાય છે.
પ્રભુનાં પગલાં તો
અનેકવિધ
એની પાસે
જળની પગલીઓ છે
ને છે
શિખરના વિરાટ પગ.
પગ અને પગલાં વચ્ચેનો સંબંધ

દૃષ્ટિ અને નજર જેવો.
સૃષ્ટિમાં
છે એવું કોઈ સ્થળ
કે એવી કોઈ પળ
જેમાં
ઈશ્વરની કલ્પનાનો
શ્વાસ ન સંભળાતો હોય?
એક ક્ષણ ભૂલી જઈએ
કે
આ પતંગિયાં છે
કે
આ ફૂલો છે
તો
આ બધા સાચે જ
ઈશ્વરના
રંગીન આવિષ્કારો લાગે.

રાતના વડ પર ઘુવડ હોય
કે
ક્યાંક ગરુડ હોય.
ઈશ્વર તો
રુદ્ર અને રમ્ય રીતે
પ્રગટ કરી કરીને
કલાકાર જેમ કલામાં
પોતાને છુપાવી દે
એમ છુપાવે છે
અને
સર્જન-વિસર્જનની લીલામાં
લીન તલ્લીન થઈને
ફરી પાછો
આકારિત થયા કરે છે.
એ સાચું નથી
કે
જીવવા માટે
બે જણ પૂરતાં છે—
સ્ત્રી અને પુરુષ?
આંખ સામે દરિયો હોય
વહેતી હવા હોય
દૂરનો કિનારો હોય
હોડી અને હલેસાં હોય—
પછી, બીજું જોઈએ પણ શું?
જાળ નાંખીને
કદાચ આપણે બેઠાં હોઈએ
કોઈ માછલી પકડવા!
ઈશ્વર તો
લહેરાવે છે
દરિયાનાં ખેતર.

નથી માછીમાર
નથી કઠિયારો.
એ તો ઝંખે છે.
માણસો જળની જેમ વહે
સાથે રહીને
થીજી ન જાય.

મને તો લાગે છે—
ઈશ્વર હોય છે
હરણની છલાંગમાં.
એક સ્થળથી
બીજે જવા
હરણ છલાંગ મારે છે ત્યારે
વચ્ચેના અવકાશમાં
ગતિ અને સ્થિતિ બન્નેનો
એકસાથે અનુભવ થાય છે.
ઈશ્વર
અગ્નિ છે
ને
બરફ પણ.
વાણી અને મૌનના
અવકાશમાં જે વસે છે
તે
મારો પરમાત્મા.