પન્ના નાયકની કવિતા/એકલી બેઠી બેઠી

૧. એકલી બેઠી બેઠી

 
મારા ઓરડાની વધતી જતી એકલતામાં
મૃત્યુની નિઃશબ્દ નીરવતા પ્રવેશે, એ પહેલાં :
દીવાલોમાં ચોરસ બની બેઠેલા મારા જીવને
વાક્યના પૂર્ણવિરામ જેવો ગોળ કરી લઉં,
પુસ્તકોના ઢગલામાં પડેલા મારા અસ્તવ્યસ્ત દિવસોમાંથી
થોડાક એકઠા કરી લઉં,
એણે જે કપમાં ચા પીધી હતી એ જ કપની કોર જોયા કરું,
ફૂલછોડના આ કૂંડામાં હમણાં જ પાણી રેડ્યું છે એટલે
એમાં આકાશ ઊતરી આવ્યું છે,
તો એને જરા આંગળી અડકાડી લઉં,
કેટલા બધા પત્રો છે એમાંથી કયો વાંચું?
સ્વદેશ વસતી મારી એંશી વર્ષની માને
આંસુવાળો કાગળ મોકલું
ભલેને પહોંચતાં પહેલાં એ સુકાઈ જાય!
ટેબલ પર પડેલી મારી કવિતાની અધૂરી પંક્તિઓ જોઈ
મૃત્યુના દૂત! તું પાછો તો નહીં ફરી જાય ને?
ના, ના, જો આ મારી વહાલી કાળી બિલ્લી—
તાસકમાં નાખેલું બધું જ દૂધ ચપચપ ચાટી જાય છે.
જાણે તાસકમાં કંઈ હતું જ નહીં
એમ જ
હે મૃત્યુના દૂત, તું મને અહીંથી લઈ જજે
મારા શેષ અસ્તિત્વનું કોઈ પાતળામાં પાતળું પડ
અહીં નહીં રહેવું જોઈએ
—જાણે હું જન્મી’તી જ ક્યાં?