પન્ના નાયકની કવિતા/કવિતા
૩૧. કવિતા
મને બરાબર યાદ છે.
રવિવારની બપોરે સવા
ત્રણ વાગ્યે
એ આવી.
સાવ અચાનક
મારા પલંગ પર
પડેલી વારતાનાં
વેરવિખેર પાનાંને
અને
ટેલિફોનની ઘંટડીને અવગણી
બેસી ગઈ મારી સામે જોતી
મારા ચિત્તનો કબજો લઈ
અને
ફરી વળી ધસમસતી
મારી શિરા શિરામાં.
મેં પેન ઉપાડી
કોરા કાગળ પર શાહીનું ટપકું પાડ્યું
ત્યાં તો
એ
છટકી ગઈ
મારા શબ્દોને આકાર આપું તે પહેલાં.