પન્ના નાયકની કવિતા/કેવી મોટી ભૂલ કરીને...

૧૯. કેવી મોટી ભૂલ કરીને...

કેવી મોટી ભૂલ કરીને અરે, આપણે બેઠાં!
ઊંચે ઊંચે જઈ ન શકીએ નહીં ઊતરી શકીએ હેઠાં.
ઉપર બેઠો કાળ પારધી
નીચે શ્વાન સમયનો,
તીર ખેંચીને સામે ઊભો
એક શિકારી ભયનો.
કેમે કરીને વીતે ન દિવસઃ રાતે ગણવાં ઘેટાં,
કેવી મોટી ભૂલ કરીને અરે આપણે બેઠાં?
એકલતાને લણતાં લણતાં
હવે લાગતો થાક,
આંસુઓ પણ થીજી ગયાં છે
કંપે નહીં જરાક.
શબરીનાં બોર પડી રહ્યાં છે નહીં ચાખ્યાં નહીં એઠાં,
કેવી મોટી ભૂલ કરીને અરે, આપણે બેઠાં!