પન્ના નાયકની કવિતા/કોયલના આ ટહુકે ટહુકે સાંભળું તારો સાદ

૨૧. સાવ એકલું ઝાડ

કોયલના આ ટહુકે ટહુકે સાંભળું તારો સાદ,
આંબે મહોરી મંજરી કે મ્હોરી તારી યાદ,
મને સમજાતું નથી
કે કોણ મ્હોરી ઊઠ્યું?
આ ખીલ્યો છે તે કેસૂડો કે ખીલ્યાં મારાં શમણાં,
ગુલમોરના રસ્તે રસ્તે જોઉં છું પાથરણાં,
મને સમજાતું નથી
કે કોણ ફોરી ઊઠ્યું?
વનમાં ખીલી વસંત અને મનમાં જાગ્યો તું,
ફૂલના અમને ડંખ વાગતા એનું કહેને શું?
મને સમજાતું નથી
કે કોણ કોરી ગયું?
ચિત્ત ચોરી ગયું?