પન્ના નાયકની કવિતા/નિરુત્તર

૧૪. નિરુત્તર

બહુ સરસ ઘર ખરીદ્યું–ની સામે
અનેક વ્યવહારુ પ્રશ્નોઃ
એમ, કેટલાનું થયું?
કેટલા સ્ક્વૅર ફીટ?
કેટલા ઓરડા?
કેટલા બાથરૂમ,
ફૅમિલીરૂમ ખાસ્સો મોટો હશે, નહીં?
deck કરાવ્યો? summerમાં ખૂબ વપરાયને?
કાર્પેટ, wall-to-wall?
ઓહ, લાકડાની ફર્શ પર પર્શિયન ગાલીચો જ શોભે!
બે કાર ગરાજ?–remote control સાથેને?
સારું, બાવડાને જોર નહીં!
ઘરની security કેવી?

આ પ્રશ્નો અને જવાબની પાછળ
ક્યાંક એકાદ સંવેદના જન્મી
અને અવિંધ્ય મૌનની પાછળ શમી ગઈ.
કેમ, કોઈએ કેમ પૂછ્યું નહીં
કે
ઘરની આસપાસ
દીવાની હારમાળા જેવાં બીજાં મકાનો હશે કે વૃક્ષો?
વૃક્ષોની પાછળ ઝરણાં ખરાં? હરણાં?
ઘરને ફરતો બગીચો હશે?
ઋતુઋતુનાં ફૂલનો રંગ-પરિમલ કેવો હશે?
બેડરૂમની બાલ્કનીમાંથી સૂરજ-ચંદ્ર સાથે વાત થશે?
પ્રકાશને ગમે ત્યારે દોડી આવવાની છૂટ હશે?
ઘરની દીવાલોમાંથી સંગીત ઝરતું હશે?
ઘરના સભ્યો જેવા છોડવાઓ પાસે
ચંપલ ઊતારી લોન પર હા...શ બેઠાનો
અનુભવ થશે?