પન્ના નાયકની કવિતા/પંખી ખરીદવાને નીકળ્યાં રે પીંજરાં

૨૩. પંખી ખરીદવાને નીકળ્યાં રે પીંજરાં

પંખી ખરીદવાને નીકળ્યાં રે પીંજરાં
પંખી ખરીદવાને નીકળ્યાં રે લોલ.
થયાં પંખીના ટહુકાનાં ચીંથરાં રે લોલ
પંખી ખરીદવાને નીકળ્યાં રે લોલ.

પીંજરાએ પંખીને આપ્યો છે વાયદો
કે આખું આકાશ અહીં આણશું રે લોલ.
સોનાના સળિયાની પાછળ રહીને
સૂરજ ને ચંદર ને માણશું રે લોલ.
પંખીની આંખોની ઊડી ગઈ નીંદરા
પંખીના ટહુકાનાં થયાં ચીંથરાં રે લોલ.

પંખી ને પીંજરાને જોવાને કારણે
લોકોનાં ટોળાં ભેળાં થયાં.
મનમાં ને મનમાં પૂછે છે લોક
કે પંખી-પીંજરના કેવા મેળા થયા!!
પંખીની પાંખ અહીં ફફડે એવી
પછી થયા પંખીના જીવ અરે બ્હીતરા રે લોલ.
થયાં પંખીના ટહુકાનાં ચીથરાં રે લોલ.