પન્ના નાયકની કવિતા/પાગલપન

૪૬. પાગલપન

કોયલના ટહુકા જેવો ઊગ્યો છે વસંતનો ચંદ્ર.
હું આવી રૂપાળી રાતમાં નીકળી પડી છું પાગલ થઈને.
જીવવાની મારી પાસે મબલક સગવડો છે
અને
અઢળક સપનાંઓ છે.
પવનને હું ઝંઝાવાત કરી શકું છું
અને
સમુદ્રને ઉછાળી શકું છું
સિતારાઓની સુગંધ સુધી.
હું મારા મનની મોસમને
પૂરેપૂરી માણું છું
અને
કોઈને પણ ન પિછાણવાની
મારી લાપરવાહી મારા ખભે નાખીને ચાલતી હોઉં છું.
એકાંત જ મને મારા તરફ લઈ જતું હોય છે
અને મને મારાથી દૂર કરતું હોય છે.
વિશ્વ આટલું સુંદર હશે
એવું
મેં શાણપણમાં તો કદીયે અનુભવ્યું નથી
એટલે જ
મને મારું પાગલપન ગમે છે.