પન્ના નાયકની કવિતા/પ્રતિબિંબ

૨. પ્રતિબિંબ

અરીસાઓથી મઢેલા
મારા ઘરમાં
કેમહું જોઈ શકતી નથી
મારું જ પ્રતિબિંબ?
દરેક અરીસો
કંઈ કહેવા માગે છે
પણ
સાંભળવા ઊભી રહું છું ત્યારે
પ્રતિબિંબ હલી જાય છે
અને જોઉં છું માત્ર
આંખોના પડદા પાછળનો
અંધકાર.
હું આંખો ચોળું છું.
અંધકારના ઓળાઓમાં
જોઉં છું મને
સાવ ઉઘાડી
અને ત્યારેય
મારું નગ્ન સ્વરૂપ જોઈ
આંખો
ઉઘાડી રહી શકતી નથી.