પન્ના નાયકની કવિતા/ફિલાડેલ્ફિયામાં ડહેલિયા અઝેલિયા

૨૨. ફિલાડેલ્ફિયામાં ડહેલિયા અઝેલિયા

ફિલાડેલ્ફિયામાં ડહેલિયા અઝેલિયા,
ગુલમોર ને રાતરાણી મળતાં નથી.
મેપલ ને બર્ચનાં ઊભાં છે ઝાડ,
મને ચંપો ચમેલી અહીં મળતાં નથી.

ડેફોડિલ, ટ્યુલિપ, ઇમ્પેશન્સ, પટુનિયા,
નવાં નવાં નામની ફૂલોની દુનિયા.
ભારતની આરતના મ્હેંકી ઊઠે મોગરા,
અહીં લાલ લાલ કેસૂડાં સળગતાં નથી.
ગુલમોર ને રાતરાણી મળતાં નથી.

પાઈન અને સ્પ્રુસ અને ડોગ્વુડનાં ઝાડ,
કેળ ને કદંબનો અહીં ક્યાં છે ઉઘાડ?
પારિજાત બોરસલી કેવડો ને ગુલછડી,
મારા મનમાંથી કેમે કરી હઠતાં નથી.
ગુલમોર ને રાતરાણી મળતાં નથી.