પન્ના નાયકની કવિતા/મને થોડું થોડું આવડે છે

૪૫. મને થોડું થોડું આવડે છે. . .



ફૂલોની આંખોમાં આંખ પરોવતાં
આવડે છે.
તડકાથી ભીંતોને રંગતાં
આવડે છે,
મુશળધાર ચાંદનીમાં રાતરાણીના રાગને દાદ દેતાં
આવડે છે,
વૃક્ષની બરછટ ત્વચાને મુલાયમ સ્પર્શ દેતાં
આવડે છે,
સવારના પવનની પ્રાર્થનાનો મંત્રોચ્ચાર સાંભળતાં
આવડે છે,
અંધકારને સપનું માની જીવી લેતાં
આવડે છે,
અંધકારમાં ટમટમતા તારાને ફરી ફરી ગણતાં
આવડે છે,
વરસાદના દિવસો માટે ચપટી તડકો સંઘરતાં
આવડે છે.
બે મોજાં વચ્ચેના શૂન્ય સમયને મુઠ્ઠીમાં ભરી લેતાં
આવડે છે,
ચપટાં થઈ ગયેલાં ગીતોને નવેસરથી જન્માવતાં
આવડે છે,
બા-બાપાજીની મીઠી સ્મૃતિનાં બારણાં ઉઘાડતાં
આવડે છે,
મોંઘેરી મૈત્રીનું ગૌરવ અને જતન કરતાં
આવડે છે,
કોઈ હોમલેસને આંખથીય પ્રશ્ન પૂછ્યા વિના અન્નજળ આપતાં
આવડે છે,
ફાંસીએ ચડનાર કોઈ ખૂની માટે મૂક પ્રાર્થના કરતાં
આવડે છે.

પણ હજી કેટલુંય આવડવાનું બાકી...