પન્ના નાયકની કવિતા/હવે
૪૧. હવે
ફરી ફરી
દીવાનખાનાનું ફર્નિચર
ખસેડવાનું,
વસ્તુઓને પૂછી પૂછીને
એમને ફરી ફરી
ગોઠવવાની,
સોફાને અહીંથી ખસેડી ત્યાં
મૂકવાનો,
લૅમ્પને ત્યાંથી ખસેડીને અહીં
મૂકવાનો,
બારીઓના પડદા બદલી
કાઢવાના,
નવી કાર્પેટ
નંખાવવાની
અને
એ બધાંમાં એક કેન્દ્ર શોધી
એમાં મારી જાતને
ગોઠવવાની—
હવે
આ બધું મેં છોડી દીધું છે.
દીવાનખાનું
જેમ
છે
એમ
જ
બરાબર છે.
મને લાગે છે કે
હું હવે
પરિપક્વ થઈ ગઈ છું
અથવા
તો વૃદ્ધ ...