પરકમ્મા/કૈંક ચાલ્યા ગયા!
‘કચ્છમાં જરાર નદી. લાખો ફુલાણી ત્યાં જેઠ મહિને નીકળ્યા. મેનું સરવડું આવ્યું. સૌના રેટા, દુશાલા, શાલું ઓઢેલ તે પલળી ગયાં. નદીકાંઠે તલબાવળાં ઉપર રેટા દુશાલા, શાલું સૌએ સૂકવી. લાખે જોયું : ‘વાહ, તજારાનો બાગ હોય એવી નદી લાગી છે શોભવા!’ તજારાનો એટલે અફીણના છોડવાનો બાગ. અફીણના ફૂલ લીલા, રાતાં, પીળાં, આસમાની હોય.
સાથીઓને કહે કે ‘જુવાનો. હવે લૂગડું કોઈ લેશો નહિ.’ નદીને એવી રૂડી દેખીને લાખો સૂકવેલાં શાલ રેટા મૂકીને જ સાથીઓ સાથે ચાલી નીકળ્યો.
આવળ બાવળ બોરડી ખાખર ખીજડિયાં, લાખે વન ઓઢાડિયાં પીરી પાં ભ રિ યાં. તે પૂર્વે એ જ નદીકાંઠે એક વાર રાજા ઉન્નડ જાડેજો આવેલો. ભાદરવો મહિનો : ચારણો નદીકાંઠે ભેંસડીઉં ચારે, વાસળીઉં વગાડે, દુહા લલકારે. કડ્ય કડ્ય સુધી ઝીંઝવો ઊગેલ. ‘વાહ! નદી કેવી રૂડી લાગે છે!’ રાજા ઉન્નડે એ નદીકાંઠો ચારણોને બક્ષિસ દીધો. તેની પણ પૂર્વે એક વાર હેમહડાઉ વણજારો નીકળેલો. ભેળી મોતીની ભરેલી પાંચસો પોઠ્યું. પોઠીઆ નદી ઊતરતા હતા. એમાં એક ગુણ ઊતરડાઈ ગઈ! ઝરરર! મોતી નદીમાં વેરાણાં. મોતી સાથે માછલીઉં ફડાકા મારવા મંડી. હેમહડાઉ જોઈ રહ્યો? વાહ નદી કેવી રૂડી લાગે છે! આ નદીમાં તે કાંઈ વેળુ શોભે! એલા બધી પોઠું નદીમાં ઠાલવી દ્યો. એવી શોભા કદીને હેમહડાઉ ચાલ્યો ગયો. છેલ્લા આવેલ રાજા લાખા ફુલાણીના કવિએ મલકાઈને પૂછ્યું નદી જરારને: હે જરાર! તું તો જૂની પુરાતની છે. તેને કોઈ આ ત્રણ જેવા સૌંદર્યની ખુમારીવાળા નરો સાંપડ્યા છે? ત્યારે જારર હસીને જવાબ વાળે છે— લાખા જેહડા લખ ગિયા, ઉન્નડ જે હ ડા અઠ્ઠ; હેમહડાઉ હલ ગિયો, વંજી ન કેણી વટ્ટ. હે માનવી લાખા ફુલાણી જેવા તો મેં લાખ અને ઉન્નડ જેવા આઠ રાજ જોઈ નાખ્યા છે. ને હેમહડાઉ પણ હાલ્યો ગયો, એ કયે રસ્તે ગયો તેનો ય કોઈએ ભાવ પૂછ્યો નથી. માટે ગુમાન કરો નહિ. માનવીના દિલની ફૂલગુલાબીની સામે માનવ-ગુમાનની વ્યર્થતાનું પલ્લું સમતોલ રાખનારા આ નાનકડા કથાનક પર કંઈ વિવેચનાની જરૂર નથી. વાલજી ઠક્કર ફરી પાછી ટાંચણમાં સોરઠી ઘોડીઓ— ‘જેમ વવારૂ ઘૂમટો તાણીને વઈ જાય તેમ ઘોડીની કાનસૂરીની પણ અવળ સવળ દોઢ્યું ચડી ગઈ છે.’ એ ઉપમા સંસ્કૃત સાહિત્યમાંથી નહિ મળે. એ લોકસાહિત્યની સંપત્તિ છે. ભમોદરા વાજસુર ખુમાણ, દોકડ લઈને ઘોડા પર બેસે : જેટલી ચાલ વગાડે તેટલી ચાલમાં ઘોડો પગના ઘૂઘરા બજાવે. નવાબ સાહેબ [જુનાગઢના] પાસે કરી દેખાડ્યું ‘માગો ઈનામ.’ ‘ઈનામ ન જોઈએ.’ ઘોડેસ્વારીના વિધવિધ શોખ અને ચાતુરી સાંભળ્યાં હતાં. આ પહેલવહેલું જાણ્યું. ટાંચણમાં ક્યારે પડી ગયું તે પણ ખબર નથી રહી. કોણે લખાવ્યું હશે? અનુમાન કરું છું કે અકાળા ગામના વાલજીભાઈ ઠક્કરે. અકાળા ગયેલો ૧૯૨૭માં, આસોદર ગામના ગઢવી દાદાભાઈનો સંપર્ક કરવા. પણ યજમાન મિત્ર હાથીભાઈ વાંકને કુટુંબમાં મરણું થયું, અમારું મિલન હજુ તો જમાવટ પામે તે પહેલાં વિંખાયું, લગભગ ખાલી હાથે પાછો વળ્યો. ગામથી સ્ટેશનના બે ગાઉના પંથમાં ગાડામાં ખોજા વાલજીભાઈ ઠક્કર સ્ટેશને આવવા સંગાથી બન્યા. ને એમણે એ એક જ કલાકની વાટમાં મારી ખોઈ, ચારણો પણ પાણી ભરે એવી સોરઠી વાતોથી છલકાવી દીધી. હીપા ખુમાણની વાત, બહારવટિયા ચાંપરાજવાળાની વાત, મામદ જામ મિઆણાની વાત. દરેક વાત ધડીબંધ અને કડીબંધ. સોરઠના વાતડાહ્યા માણસો એક તરફથી નિરર્થક અલંકાર-ઠઠેરા કર્યા વગર અને બીજી તરફથી સંકલના ચૂક્યા વગર, લોચા વાળ્યા વગર, ગેંગેં ફેંફેં કર્યા વગર, થોથરાયા વગર, પાસાબંધી ને સંઘેડા ઉતાર જે ગુજરાતી શૈલી કેળવતા હતા તેના નમૂના લેખે મને વાલજી ખોજાએ એ દિવસની બળદગાડીમાં સંભળાવેલી કહેણ યાદ રહી ગઈ છે. એ જુવાન હીપા ખુમાણુ અને બાપ રાવત ખુમાણની વાતમાં કેટલી સાદી ઉપમાઓ આવતી હતી! બાપ દીકરાનું દોથા જેટલું ડીલ શેરેક માટીમાંથી ઘડેલ હોય તેવા. બેય જણા મની જાતની ઘોડીઉં માથે અસવાર. ધોડીઉંનો રંગ કોરી જગન્નાથી જેવો. બેય જણા કરિયાણે જીવા ખાચરને ઘેર કારજે જતા હતા. ઘોડીએ ચડીને ઠેઠ ચૉરે ચાલ્યા આવ્યા ( કારજ પર આવનારે ગામઝાંપેથી પગે ચાલતા આવવું જોઈએ. ) ડાયરાની આંખમાં ખટક્યા. વેણની ડોઢ્ય વળતી ગઈ (અર્થાત ડાયરામાં બેઠેલ બીજા કાઠીઓ આ બેઉ મહેમાન સાથે કટાક્ષમાં બોલવા લાગ્યા.) પછી એ અસભ્યતાનું વેર વાળવા માટે એ ગામના દરબારે આ બાપદીકરાને ઘેરથી બે મા–દીકરી ઘોડીઓ પૈકીની જે મા હતી તેની ચોરી કરાવી, એ ચોરની પાછળ પડવાને માટે જુવાન પુત્ર હીપો જ્યારે તૈયાર થયો, પણ માએ દીકરાને ખાઈને જવા કહેતાં હીપો જમવા બેઠો, તે લાક્ષણિક પ્રસંગનું વાલજી ઠક્કરે વર્ણન કર્યું તેનું ટૂંકુ ટાંચણ આમ છે – મા કહે, ‘બટકું ખાતો જા.’ ખાવા બેઠો. મા કહે, ‘બચા, હવે તું વાંસે ન ચડ તો ઠીક, કારણ કે વછેરીને પેટપીડ થશે.’ કમાડ ઝાલીને બાઈ (હીપાની વહુ) ઊભેલી એ બોલીઃ ‘ફુઈ, તો પછી ગલઢેરો (પોતાનો કાઠી પતિ) આ ઘોડીએ ચડીને ગામતરાં કરી નહિ શકે.’ ‘કાં?’ કે ‘ચડીને નીકળશે એટલે કાઠીઓ મહર (મશ્કરી) કરશે કે આની માને ચોર લઈ ગયા. અને કજિયો કરશે તો કહેશે કે અમે તો આ ઘોડીને વિષે કહેતા હતા!’ વાતડાહ્યા સોરઠિયા પોતાની યુવાન કાઠીઆણીના આટલા જ શબ્દોએ હીપા ખુમાણને ખાવું પડતું મુકાવી કેવો ખડો કરી દીધો, અને એને કેવાં ભયાનક જોખમમાં ઝંપલાવવા પ્રેરણા આપી આજીવન વીર બનાવ્યો, એ આખી વાત તો વાલજીભાઈએ આપેલા ઠાવકા ચિતાર પરથી મેં સોરઠી રસધાર ભાગ પાંચમામાં (હીપો ખુમાણ) આલેખેલી પડી છે, ને એનાં પ્રુફ તો મેં પચીસ વાર વાંચ્યાં હશે. એ વાર્તા મેં જાહેરમાં સંભળાવી પણ છે વારંવાર, છતાં આજે આંખો એનાં આઠ પાનાંનાં ટાંચણ પર ફરે છે અને કબરમાં પોઢી ગયેલા ખોજા વાલજી ઠક્કરનું વ્યક્તિત્વ એ મીટ જેવા જ મેળાપની ફ્રેમ વચ્ચે મઢાઈને પ્રત્યક્ષ થાય છે. ધંધે ગામડાનો વેપારી, ન્યાતે ખોજો, વયે પચાસેક વર્ષનો, મોભાદાર અને અડીખમ આ માણસ પોતે એક એમેચ્યુર શિલ્પી હતો. પણ એ અપવાદ રૂપ કોઈ નિરાળી પ્રતિભા નહિ પણ સામાન્યતાનો પ્રતિનિધિ હતો. વાતડાહ્યાપણું એ સૌરાષ્ટ્રનો એક સંસ્કાર છે. હમણાં જ એક સ્નેહીનો કાગળ હતો, લખતા હતા કે ‘કાગળ લાંબો લખું છું તેથી કદાચ કંટાળશો. પણ માણસ જેમ વયમાં વધતો જાય છે તેમ તેમ એની garrulous–વાતોડિયા પ્રકૃતિ જોર કરે છે.’ મેં સામું લખ્યું કે વાતો કરવાની, અવિરામ વાતોના તડાકા હાંકે રાખવાની ચાતુરીભરી રુચિને તો હું આપણો એક સંસ્કાર સમજું છું. જો એ સંસ્કાર આપણામાં મજબૂત ન હોત તો વડીલ ઘરઆંગણે બે બે પુત્રવધુઓને કડાવો ઝેર લાગત અને બાળકોને ડરકામણો દેખાત. અરધી જિંદગી સુધી જોયેલું જાણેલું, જે સંચિત જ્ઞાન, તેને પહેલદાર વાત–કૌશલ દ્વારા નવી પેઢીને આપતા જવું એ તો એક આશીર્વાદ છે. વાલજીભાઈ ઠક્કર જેવા તો કુટુંબે કુટુંબે હતા. ચોરે ને દાયરે નદીઓની વેકુરીમાં કે દુકાનોને ઓટે તેઓ બેસતા; નિવૃત્ત વૃદ્ધોને, પેન્શનરોને, સદાના ઓજારોને, બેકારોને, જુવાન દીકરા જેના ફાટી પડ્યા હોય તેવા હતાશ પિતાઓને, એક વાર સંપત્તિની ટોચે ચડીને પછી પટકાઈ પડેલાઓને, સમાજ જેમને ઓવાળમાં કાઢી નાખે છે તેવા સર્વને બાકીની આવરદા જીવવા જેવી કરી આપનાર આ વાતડાહ્યા વાલજી ઠક્કરો જ હતા. જૂઠીબાઈ ખોજણ વાલજીભાઈએ એક ‘જૂઠી બાઈ’ નો કિસ્સો ટપકાવ્યો છે તેનું ટાંચણ વાંચીને વિસ્મય પામું છું કે આજ સુધી એ વાર્તા મને કોઈ સંગ્રહમાં મૂકવા જેવી કેમ ન લાગી! ચરોતરની પાટણ-વાડિયણ જી’બાની શ્રી. રવિશંકર મહારાજે કહેલી વાર્તા લખી છપાવું છું તેનાં પ્રુફ આજે જ વાંચ્યાં એટલે આ ‘જૂઠીબાઈ’ના ટાંચણનું આકર્ષણ બેવડાયું છે— દેરડી જાનબાઈની. ત્યાં સવા ભગત ખોજા. બકાલાની વાડી. સાધુસંતને ખવરાવે. સદાવ્રત આપે. ઘરમાં બાઈ માનબાઈ. એને સવા ભગત નામ લઈને બોલાવે. જે રળે તે શેઠને ત્યાં જમા કરાવે. અષાઢી બીજે બધું ખલ્લાસ થાય. ઊલટું પાંચ પંદરનું નામું વધે. એક દી’ સાધુ વાડીએ આવ્યા : કહે ‘કુછ દે.’ ‘’ઘેર ચાલો.’ ‘નહિ, ઈધર દે.’ ‘દાળ અને લોટ દઉં?’ ‘ઓર ક્યા?’ છાણાંનો આડ કરી બાટી પકાવી. ‘ભગત, દો બેગૂન દે!’ ‘અરે મહારાજ! હજી તો પરમને દિ‘ રોપ કર્યા છે!’ ‘અરે જૂઠ? મેંને દેખા.’ ‘ક્યાં દેખ્યાં? બતાવો.’ ‘લઈને ગયા વાડીમાં. રીંગણાં વળગેલ દીઠાં. પગમાં પડી ગયા. ‘ભગત, માગ!’ ‘કોઈ વાંસે સદાવ્રત દેનાર નથી.’ ‘જા બેટા આવેગા. મગર ફક્કડ રખનાં.’ ભગત, માનબાઈ, ને સાધુઓ, પાંચ જણાં ભેળાં જમ્યાં. પસ્તાવો થયો. અરે નરસી મહેતે નિર્વંશ માગ્યો’તો ને મેં દીકરો માગ્યો! બાવાને ઘેર લઈ જઈને વેણ પાછું વળાવું. ઘેર જતાં રસ્તામાંથી જ સાધુ અલોપ. નવ મહિને દીકરો. છઠ્ઠીમાંથી માગાં આવતાં થયાં. નીંગાળે સગપણ કર્યું. કન્યાનું નામ જૂઠીબાઈ. દીકરાને લગનમાં માયરામાંથી વીંછી ફટકાવ્યો. માણસોએ જઈને કહ્યું– ભગત, શામજીને વીંછી કરડ્યો.’ કે‘ બાપુ, મને ઉતારતાં નથી આવડતું.’ ‘પણ ટાઢોબોળ પડી ગયો છે.’ ‘તે હું કાંઈ ઊનો થોડો કરી દેવાનો હતો!’ મુસલમાન જ્યાં મરે ત્યાં જ દફનાવો જોઈએ. પણ ભગત કહે, ‘દેરડી લઈ જાઉં.’ ગાડામાં સુવાડ્યો. ત્યાં અંદરથી કન્યા જૂઠીબાઈ પીઠી સોતી કૂદીને ગાડામાં ચડી બેઠી. આડો હાથ દીધો : ‘બેટા! નહિ.’ લાજ ઉઘાડીને બોલી, ‘બાપુ, તમે મને સાટે લીધી છે. હું તમારો દીકરો.’ દેરડી લઈ જઈને શામજીને દફનાવ્યો વાડીએ. જૂઠીબાઈએ વાડી કરવા માંડી. ગરમર રૂા. ૩૦૦ ની ઊતરી. પણ અષાઢી. બીજે કાંઈ બચત નહિ. જૂઠીબાઈ પણ સાધુસંતોને ખવરાવી દ્યે. બધા એને ભગતની દીકરી જ જાણે. ભગત જૂઠીબાઈ માટે વર ગોતવા માંડ્યા. એમાં ખાંભેથી જૂઠીબાઈને જોવા મહેમાન આવ્યા. બાઈ ઉધાડે માથે બહાર આવી. મહેમાનોને પૂછયું, ‘શું કામે આવ્યા છો?’ ‘તને જોવા.’ ‘બાપુ, હું ભગતની દીકરી નથી, હું તો ભગતની દીકરા-વહુ છું!’ મહેમાનો ચાલ્યા ગયા. પછી કોઈ આવ્યું નહિ. જૂઠીબાઈ પાંસઠ વર્ષનાં થઈને મર્યાં. દાદાભાઈ ગઢવી વાલજીભાઈ ઠક્કરના જેવું જ મીઠું સ્મરણ ગઢવી દાદાભાઈનું છે. આસોદર ગામનો એ આધેડ ચારણ હતો. ખુશામદ આવડે નહિ. બોલવે ચાલવે ચાવળાઈ નહિ, ભાષામાં અતિરેક નહિ, ખોટા મલાવા નહિ, વાતું યાદ આવી જાય એમ ઠાવકી ઢબે કહેતા જાય. પહેલો મેળાપ ઝડપી બન્યો, જમાવટ થતા પહેલાં તો જુદા પડ્યા, પોતાને ઊંડો અફસોસ રહી ગયો. અમને મેળવનાર મિત્ર હાથીભાઈની પણ મનની મનમાં રહી ગઈ. ફરી મેળવ્યા પોતાને ઘેર લુવારિયા ગામમાં. ત્રણ દિવસ સાથે રહ્યા, તેમાં તો ગઢવી દાદાભાઈ સોળે કળાએ ખીલી ઊઠ્યા. એની કથાઓમાંથી આજે પણ પ્રધાન ધ્વનિ આ રહ્યો છે – ઘરધણી માણસની ઠંડી તાકાત અને મરદાઈ : ચમરબંધીની સામે પણ સામાન્ય આમજનતાનો પ્રતિનિધિ અન્યાયનો પ્રતિકાર કરતો ઊભો રહે અને અન્ય સેંકડો મગતરાં માનવીઓની માણસાઈને જાગ્રત કરે. એવો હતો દાદાભાઈએ વર્ણવેલો આહિર ભીમો ગરણિતો. (જુઓ રસધાર ભાગ ૫) એનું વ્યક્તિત્વ એક અચ્છા નવલિકાકારની અદાથી દાદાભાઈએ નાની એવી વાર્તામાં આલેખી આપ્યું. ટાંચણમાં એના જ શબ્દો છે. મૂળ વાત એમ છે કે ભાવનગરના એક ગામ સાતપડાના છેક પાદરમાં પાલીતાણા રાજની સરહદ પહોંચતી હતી. પાલીતાણાના રાજા પ્રતાપસિંહ કેવળ ચડના માર્યા પોતાનું નવું ગામ સાતપડાના પાદર સુધી બાંધવા આવ્યા. લોકોએ વીનવ્યા કે બાપુ, બે ગામ વચ્ચે જગ્યા જ નહિ રહે તો ઢોર માલ ક્યાં બેસશે! પાદર જેવું સ્થાન જ નહિ રહે, માટે થોડે છેટે તમારા ગામનાં તોરણ બાંધો. જવાબમાં પ્રતાપસિંહે તુચ્છકાર દીધો. તોરણ બંધાવાની તૈયારી છે. પ્રતાપસિંહ પોતે હાજર થયા છે. સાતપડાનાં લોકો સ્તબ્ધ બની બેઠાં છે. મોટું અનિષ્ટ થઈ જવાને વાર નથી. પણ ગામમાં પ્રતાપસિંહની સામે બોલવાની કોઈની હામ નહોતી. બધા કપાળે હાથ દઈ બેઠા છે. એ વખતે ભીમો નામનો એક આયર– ભીમો : મોઢે પાંખા પાંખા કાતરા, એકદડિયું ડીલ, કાખમાં તરવાર, હાથમાં હોકો, ચોફાળનું આડસોડિયું ઓઢેલું, ગામમાં તો સગાવળોટે (પરગામથી) આવેલો. એ કહે કે સૌ હાલતા હો તો બોલીશ હું. હાલો સૌ. હાલ્યો મોઢા આગળ, પ્રતાપસિંહ દરબારને રામરામ કર્યાં. પછી પોતે કેવો ધીમે ધીમે દરબારને વાત સમજાવતો ગયો, દરબાર પ્રતાપસિંહ કેવા તપતા ગયા, અને સંવાદમાં ભીમાના બોલ કેવા ઉત્તરોત્તર બળ પકડતા ગયા તે દાદાભાઈ ના જ શબ્દોમાં જોઈએ – ‘બાપુ! આપને આવું તોછડું પેટ જોવે નહિ.’ ‘શત્રુંજાના બાદશાહ! હેડાનીયું આટકે ત્યારે અગની ઝરે.’ ‘પછી કોઈને તેડાવ્યાનું વેળુ નહિ રહે.‘ ’ભેંસું જ્યારે માદણામાં પડે ત્યારે ડેડકાં ઓવાળે ચડે, ખબર છે ઠાકોર?’ ‘હું તો અસૂર થયું છે ને રાત રહ્યો છું, પણ તમે રે’વા દ્યો.’ તરવાર કાઢી, તાડ જેવડો થયો ને બોલ્યો - ‘જોજો હો, ટોચો પડયો કે કાંડાં ખડ્યાં સમજજો.’ ‘દરબાર, ત્યાં જ બેઠા રે’જો. નીકર ઓખાત બગડી જશે. હું તો આયર, મરી જઈશ તો ચપટી ધૂળ ભીંજાશે, અને તમને જો આ (તરવાર) અડશે તો લાખ તાંસળી ખડખડી પડશે. આ સગી નહિ થાય. અમારું માથું તો ઘરધણી માણસનું, ચાળીનો બોકડો મર્યો તોય શું!’ દરબાર ભળકડે પાલીતાણા ભેગા થઈ ગયા, બે ત્રણ દી’ મેડીમાં જ બેસી રહ્યા, બહાર નીકળે નહિ. તે પછી દાદાભાઈએ પ્રતાપસિંહજીના મન પર પડેલી ભયમૂર્તિની છાયા વર્ણવામાં પણ એવું જ શિલ્પ-કૌશલ દાખવ્યું છે. દરબારના સાળા સમજાવે છે કે– ક્યારીએ પધારો. ભોંઠામણ શું છે?’ ‘વાળા ઠાકોર! માળો એક આયર નરપલાઈ કરી ગ્યો.’ ‘હવે સાંજે એના કાતરામાં (મૂછોમાં) ધૂળ ભરશું.’ ‘વાળા ઠાકોર, ત્યાં સાતપડે જાવા જેવું નથી. આયર કોબાડ માણસ છે. બહુ વસમો છે.’ ‘હવે દોથા જેટલો છે!’ ‘વાહ વાળા ઠાકોર! પણ જાળવો તો ઠીક.’ ‘અરે કાતરામાં ધૂળ ભરી દઉં.’ પછી સાતપડા પર ચડેલ પ્રતાપસિંહનો સાળો ભીમાને હાથે માર ખાઈને પાછો વળે છે તે વખતે સાળા બનેવી વચ્ચેનો વાર્તાલાપ પણ દાદાભાઈની રચના છે— ભાએ દરબારને સલામ કરી. દરબાર :– ગરાસીઆના પેટનો છો? નો’તું કહ્યું તને? ‘પણ શું કરું? આયર ત્રણ તાડ જેવડો થાય છે - કાઠામાં સમાતો નથી.’ ‘તે ન થાય? નો’તું કહ્યું મેં? જા, મોઢું દેખાડીશ નહિ.’ અને છેવટે, એક પરગામથી મહેમાન આવેલ આયરે પોતાના ગામની રક્ષા માટે આવું પરાક્રમ કર્યાની જાણ ભાવનગર ઠાકોર વજેસંગજીને થતાં તેમણે ભીમાને શોભતી રીતે ભાવનગર લઈ આવવા અમીરને મોકલ્યા, ત્યારે સાચો વીર કેવો પ્રસિદ્ધિનો કાયર ને શરમાળ હોય છે તે દૃષ્ટિ દાદાભાઈમાંથી જ મને ભીમાની વાર્તામાં મળી છે. અને ગામ પછી ગામને ચૉરે વીરનો લોકપરિચય કરાવતા કરાવતા ભીમાને ભાવનગર લઈ ગયા, ત્યાં કચારીમાં— મહારાજ ગાદી પાસેથી બેઠા થઈ ગયા. ચારે પલા ઝાટકીને મહારાજ ઊભા થઈ ગયા. અઢારસે પાદરના ધણી આઠ કદમ સામા આવ્યા. ભીમાએ પગે હાથ નાખતી વખતે મહારાજે બાવડું પકડી લીધું. મહારાજ જોઈ રહ્યા. અમીરને કહે — ‘મેરૂ! ચાર સાંતીની જમીન, બે વાડીના કોસ, રાજની ગાદીએ દીવો રહે ત્યાં લગી ખાય. લેખ કરી આપો.’ લાવો પેરામણી. ઘોડી લાટંલાટાં તૈયાર કરી. ‘ભીમા ગરણીઆ : વૃદ્ધ અવસ્થા છે, નોકરી કાંઈ નહિ, ખાવપીવો.’ આવા શિલ્પીઓને–આ દાદાભાઈ ઠક્કરને હું ફરીવાર કેમ ન મળ્યો, તેમને વધુ પિછાન્યા વગર કેમ આ દુનિયામાંથી જવા દીધા, એ વિચારે પસ્તાઉં છું ને જે ગુમાવ્યું તેનો શોચ કરું છું. ‘ધર રહેશે, રહેશે ધરમ; ખપ જાશે ખુરસાણ–’ ટાંચણમાં નવી એક ભાત પડે છે. અબૂધ નરની પડખે કવિતાની જાણકાર નારી દેખાય છે– તેતર દુહો લઈ ગયું! મેઘો મારૂ : થોરડી ગામનો આહીર માલધારી હતો. નજીકમાં એક નેસવાઈ (નેસડાનો વાસી) પરજીઓ ચારણ : માલવાસિયું માણસ : સ્થિતિએ દૂબળો-પોતાને તો કંઈ આવડે નહિ, પણ ઘરમાંથી ચારણીએ એક દુહો રચી આપ્યો : ચાર ગોળી સજ્જ કર, લે નેતર ને રવા; મારૂ માગાં મેઘડો સમપે ભીંસ સુવા. (અર્થ – હે મારી ચારણી! તું મહી વલોવવાની ગોળી તૈયાર કર. નેતરાં ને રવાઈ હાથમાં લે. કારણ કે હું મેધા મારૂને જાચવા જાઉં છું ને એ તત્ખેવ મને ભેંસ સમર્પી દેશે) હે ચારણ, આ કૃતિ લઈને તું મેઘા મારૂ કને પહોંચીને દુહો કંઠે રાખજે. રસ્તે જતો જતો ચારણ દુહો ગોખતો ચાલ્યો... પણ એક તેતર ભરરરર કરતું વાડમાંથી ઊડ્યું ને ચારણ દુહો ભૂલી ગયો. એને લાગ્યું કે ‘તેતર મોળો દુવો લે ગો. [તેતર મારો દુહ લઈ ગયો.] હવે? દુહા વગર દાતારને ઘેર જવું શી રીતે? પોતાના માસિયાઈને ઘેર રાત રહ્યો. ભેંસો દોવાતી હતી. પોતે પૂછ્યું, ‘દેવરાવાં?’ [દોવરાવું!] પોતાની ભેંસો નથી, છતાં દોવરાવવાનો આનંદ કેવો! શેડ્યો પડતી જાય છે ને પોતે બોલતો જાય છે: ‘વાહ પાતાળની પદમણી! વાહ નસૂંઢા (સૂંઢ વિનાના) હાથી. તોળાં વધન્ય લાં. [તારાં વારણાં લઉં.] એ આનંદમાં ચારણને ભુલાયેલો દુહો યાદ ચડી ગયો. પહોંચ્યો દાતાર પાસે. દુહો સાંભળીને મેઘો મારૂ બોલ્યો : ‘ગઢવા! આ દુહો તમારો રચેલો નહિ.’ ચારણ સાચું બોલ્યો. ‘દુહો તો ચારણ્યે કહેલો છે.’ ‘ગઢવા માગો.’ ‘માગું છું એક ભેંસ.’ ‘ના, એમ નહિ; વાંભ દ્યો, ને જેટલી ભેંસ આ ખાડુમાંથી ઊભી થાય એટલી તમારી.’ ચારણે વાંભી (સાદ પાડ્યો) ત્યાં તો વીસ ઊભી થઈ. વીસે વીસ દાતારે દઈ દીધી. ચારણીએ બીજો દુહો રચી મોકલ્યો હતો— વાદળીઓ વણાર, થાનક થોરડી તણો; કાલરની કાળા, મેઘડા મેની જીં. (અર્થ – થોરડીના સ્થાનકમાં હે વણાર આહીર, તું તો વાદળીઓ મેઘ છે, માટે હે કાળા મેઘડા! તું પણ તારા નામ મુજબ વૃષ્ટિ કર.) પશુધન : ઊર્મિધન કાવ્યપ્રશસ્તિનો સાહિત્ય-પ્રકાર તો શતકો જૂનો છે. મહારાજાઓ રીઝતા ને લાખોનાં દાન દેતા. સૌરાષ્ટ્રના નાનકડા માલધારીઓને પણ આ પ્રશસ્તિઓથી પોરસ ચડતો. પશુધનનાં દાન પણ પ્રચલિત હતાં. આ પ્રશસ્તિ, આ પોરસ ને આ દાન, એની વચ્ચેથી આ જીવનનો પ્રધાન સૂર તો એ નીકળે છે, કે પશુધન એ કેવણ પાર્થિવ સંપત્તિ નહોતી, પણ આ નિરિક્ષર અને સંસ્કૃતિથી વેગળાં માનવીઓનું ઉચ્ચ લલિતોર્મિધન હતું. આ પશુધનનાં કાવ્યલાલન વડે એમની લાગણીઓ પુષ્ટ રહેતી ને સંસ્કાર પકડતી. એ ભેંસો કે ઘોડાં સમર્પતા, પણ ફિદા થઈને. એકાદ મેં કરેલો દુહો પણ ભૂલી જનાર ચારણને માટે ભેંસ એ એક જીવતું કાવ્ય હતું. એ મૂંગા પશુને દર્શન અને પ્રાપ્તિએ કવિતા પણ દૂઝણાંની પેઠે જ ‘પ્રાસવો’ મૂકતી, એટલે દૂધ મોકળાં મૂકતી. એટલે કાવ્યપ્રશસ્તિ દાતારની નહિ પણ એ પશુની બનતી. આ રહ્યું મારાં ટાંચણમાં એવા એક પશુદાન કામેલા ચારણનું રચેલું ભેંસ વિશેનું કાવ્ય— ટેકા લેહન્તી આધોલાં બીચ, પ્હાડકાં ડગાતી ટુંક ઝાડકાં ઉખેળે મૂળ ટાલ્લાસે જોરાણ; હાડકાં ગોળ હીં જેનાં, થાક્યા હંસ જેમ હાલે ખાણકી છકેલ તેમ ગજી હે ખોરાણ. ૧ અંગવાળા બાબ ઓ તો ગજાળા સરીખા ઓપે, મીણ ગોળા જસા દેહ, શોભતી મોં-નાળ, શીંગવાળા ઢાળા જાણે આંટાળા વિશેષ શોભે, માપ મેં સાંકળાં ભલ્લી દીપતી માથાળ. ૨ કુંભી જસા મોદા તેમ ચાર તસુ ગૂડી કહાં, થંભ દેવળારા જસા પાહોવાળા ગોક, ગોળા જ્યું ધડારા ભાગ, હડાળા રૂપાળા ગણાં, દૂધાળાં ભરેલાં હાડ પાતળાંગી ડોક. ૩
રોડવેલ પાસા ઢાળા, અંગવાળા ઘાટ રૂડા, તેમ ચોડા પીઠ ભાગ દીપતા તમામ; નખોડા એહવા બાબ નેતર’ચા પૂછ નામી, દેખે અંબોડાળી ગ્રાગ દેવે સેસ દામ. ૪ પીંગળારા વ્રાક તેમ કાળા નાગ જસી પોતે, ડુવાળાં આંચળા વાળાં વેંતકાં દેખાય, પટાળા રામેવ વાળા, દાનહીં ભોપાળા પેખે, બબે હી ગોવાળા દોવા વાળા બદલાય. ૫ ઘંબોડા શેકડા વાળી, ચલ્લે દૂધવાળી ધારા, હિલોળી ભરે છે ઝબોળી હંમેશ, ઠણંકે સિંહ જ્યું ગોળી દધિકું વરોળી દેખો, ભલેરી ઘીઆળી વીકાનંદા વાળી ભેંસ. ૬ સિંહ તણા પ્રાણ લેવે, બાણ સાંધે ચડી ચોટ, નવે ખંડે ગઢે કોટે વખણાય નામ; કંટાળા-ભોપાળ રામ નોળ એડી બાબે કમી જોરાળા સમાપી એડી આહીરાંકા જામ. ૭ અર્થ ૧. માથાના ઠેલા દઈને પહાડનાં શિખરો ડગમગાવતી, ઝાડનાં મૂળ ઉખેડતી આ જોરાવર ભેંસ, જેનાં હાડકાં ગોળાકારે છે, જે થાકેલા હંસ માફક મલપતી ગતિએ ચાલે છે, ખાણ ખાઈને મદોન્મત્ત બને છે. ૨. શરીરનાં લક્ષણો તો હાથીનાં લક્ષણો સમાં છે. મીણના ગોળા જેવો મુલાયમ દેહ છે, મોઢાની નાળ્ય શોભે છે, શીંગો ખૂબ આંટા લઈ ગયેલ છે, ડોક (સાંકળ) પણ માપમાં છે. ૩. પથ્થરની કુંભી જેવી પગની ખરીઓ છે, ઘૂંટણ ચાર તસુ પહોળી કહું છું (કહાં). પગ દેવળના સ્થંભ જેવા છે. ધડાનો ભાગ ગોળા જેવો છે, છાતીનો હડો રૂપાળો છે. હાડ દૂધે ભરેલ છે. ડોક પાતળી છે. ૪. અંગોના ઘાટ હાથીદાંતના પાસા જેવા સરખા છે. પીઠભાગ પહોળો છે, ખોડખાંપણ વિનાનાં (નખોડા) એવાં લક્ષણોવાળી ને અંબોડાવાળી (આંટા લઈ ગયેલ શીંગડાવાળી) ભેંસને દેખી ગરાક (ગ્રાગ) હજાર (સેસ=સહસ્ત્ર) રૂપિયા આપવા ઈચ્છે. ૫. વેંત વેંતનાં તો આંચળ છે. પટાધર રામ નામના દાતારનાં આવાં દાન સર્વ રાજવીઓ જોઈ રહે. બબે ગોવાળ તો એને દોવા બદલવા પડે. ૬. દોતાં દૂધની ગાજતી ધારાઓ વહે છે, હાંડા ને હાંડા ભરાય છે. એનાં વલોણાંની ગોળી તો સિંહ શી ગર્જના કરે છે. વીકાનો નંદ (પુત્ર) એવી ભલી ભેંસ સમર્પે છે. ૭. સિંહના પ્રાણ લેનારી, વાણ્ય (ચીસ) પાડીને સિંહ સામી દોટ કાઢનારી એવી ભેંસ વખણાય છે. એવી દરેક લક્ષણે કર્મી (ક્રમી) ભેંસ કંટાળા ગામનો દરબાર રામ નોળ આપે છે. રાજાને બોલતો કર્યો ભેંસને વાંભ (સાદ) દઈને બોલાવી ખડી કરવાનાં જેમ કાવ્ય, દાતારનું દિલ કોળાવવાને જેમ કાવ્ય, તેમ અબોલ માનવીને પણ બોલતાં કરવાને કાવ્ય કામ લાગતું. આ કાવ્ય–કરામતનો નીચલો પ્રસંગ ટાંચણમાંથી નીકળે છે. ગોંડળાના રાજવી સંગ્રામજી બહુ મૂંગા રહેતા. કેમેય ન બોલે. હમીર ધાધલે પોતાની છ આંગળીવાળી હથેળીની અંજળી વીશ અફીણની લેવરાવી તો પણ ન બોલેલ. એને બાણીદાસ કવિએ આ ગીત કહીને બોલાવ્યા— સધ જબરા બોલ જોગંદર સગમલ! કે કે સાધ્યો કંક કળા? પલટણ દલી સતારા પૂણા [કે) ગઢ જૂનાનો થિયો ગળા? – ૧
(આવું) જબરું વ્રત લીધું કિમ જાડા? ભડ સાચું કહેજો સતભાણ, દેવાહરા! કવ્યાં અથ દેવા (કે ના) રાજાનું ટલ્લા લેવા જદુરાણ? – ૨
બનરાં પંખી પઢાવ્યાં બોલે, દલમાં દૂજા નકે દગા, કુંભા તણ પ્રાક્રમ અંગ કેવાં (કેના) સિધ જોગારો ખેલા સગા? – ૩
દેવળ તેય પડછંદા દેવે, કહીએ તેવું તે જ કહે, મેપત બોલો ખૂબ મજાથી [તો] રાજસભાને મોજ રહે – ૪
કરડા તણી ધર લેવા કાજે [તું તે] નવ સોરાઠાં સામો નાથ? આબુ ટોંકથી ઘોંકથી આવ્યો [કે તું] રે’વાશી કાશી સમરાથ? - ૫
સૂબો જબર, જબર મનસૂબા, ઘાટ સમજણે ઠાઠ ઘણા, સગમલ અસ્થ કવ્યાં જગ સઘરે તું બોલ્યાથી ભાણ તણા! - ૬ મૂંગા રહેવાનું કારણ તો ઠાકોર સયામજીને ચાય તે હો, પણ ચારણે એને વ્યંગમાં ઠપકો દીધો : હે સંગ્રામજી! હે જબરા જોગંદર સિદ્ધ! બોલ તો ખરો, કે તું શી શી વિદ્યાની સાધના કરી રહ્યો છે? તું તે શું દિલ્હી, સતારા કે પૂનાનો રાજપલટો વિચારી રહ્યો છે? કે શું તને જુનાગઢનું રાજ્ય જીતી લેવાનો સ્વાદ લાગ્યો છે? આવું મૌનવ્રત શીદ લીધું છે? કે શું કવિઓને કોઈ પહેરામણી કરવાનું વિચારે છે? મોટા રાજાઓ સાથે અફળાવાની ઈચ્છા કરછ? અરે વનનાં પંખીડાં પણ દિલમાં કશો દગો રાખ્યા વગર આપણા બોલાવ્યાં બોલે છે, તો તું મનુષ્ય કેમ ચૂપ છે? અરે નિર્જીવ દેવળ પણ આપણા અવાજની સામે પડઘા આપે છે, ને જેવું કહીએ તેવું સામે કહે છે, તો તું શું એ કરતાં પણ પ્રાણહીન છો? હે મહીપતિ! બોલતા રહો, તો રાજસભાને પણ મોજ રહે. નહિ તો કહી દો કે તું શું કોઈ કરડા રાજાની ધરતી જીતવા મનસૂબો કરી રહેલ છો? કે શું તું કોઈ આબુશિખરથી કે કાશીથી ઊતરેલો મહાયોગી છો? નવાઈ નથી કે સોરઠિયો ઠાકોર પોતાને આરોપવામાં આવેલ આવાં બુલંદ બિરુદો અને ઉપમાઓના હાર્દમાં છુપાયેલ હાંસીનો માર્યો મૂંગો મટી ગયો હોય. બાકી કવિએ તો ઉપાલંભ અને પરિહાસ દેવામાં કાંઈ બાકી નથી રાખી. પંખીઓ અને પથ્થરોથી પણ રાજા જેવા રાજાને વધુ જડ કહી દીધો.