પરકમ્મા/સ્વ. લાખાજીરાજ
’૨૨ થી ’૩ર લગીના એક દાયકાનાં સ્મરણોને સંઘરતો એ ચાકરી-ગીતનો ખાંભો વટાવું છું, સ્વ. રાજકોટપતિ લાખાજીરાજનાં સ્મરણ-પાનાંને ઝડપે વટાવવા વિચારું છું, વિચાર અટકે છે, ને ટાંચણ-પાનાં પ્રશ્ન કરે છે? ‘અમે પણ શું તારા સાહિત્યરસનાં છૂપાં પોષકો નથી બન્યાં? ’૨૬ કે ’૨૭માં તું રાજકોટ પ્રજાપ્રતિનિધિ સભામાં તાવભર્યો આવ્યો હતો, ને તેં ત્રણ દિવસ સુધી જે જોયું સાંભળ્યું તેમજ જાણ્યું હતું તેનું આ ટાંચણ શું તારા સાહિત્યરસનું વિઘાતક હતું? સો–પાંચસો વર્ષો પૂર્વેના એકાદ લોકગીત, લોકવાર્તા કે ચારણ-કાવ્યનાં ટાંચણ પર માનસી મહેલાતો ચણનારો તું, શું એ યુગપુરુષનાં તે કાળે પામેલ પ્રાણવંત દર્શનમાં ઘડી બઘડીનો અખબારી પ્રતિનિધિ જ રહી શક્યો હતો? નજીક બેસીને તેં નિહાળ્યા હતા રાજ લાખાજીને; લોકપ્રતિનિધિ પ્રમુખની બાજુમાં જ એક સાદી સુશોભનહીન ખુરશી ઉપર બેઠેલા : સર્વ લોકસભ્યોના સમોવડ સમા, સંયમવંત જવાબો દેતા, શિસ્તથી પ્રશ્નો સાંભળતા અને ઉડાઉવેડાથી અલિપ્ત; પ્રશ્ને પ્રશ્ને વિચારવા થોભતા : અને વાણીની તો વિનયમૂર્તિ : હે સાહિત્યકાર! બે સદી પૂર્વેના ઠાકોર વજેસંગ, ચારસો સાલ આગળનો અજો જામ અને તારા સમરાંગણનો વીર મુઝફ્ફર નહનૂ, એ જેટલા તારી કલ્પનામાં જીવન્ત છે તેટલા જ પ્રાણવંત આ પ્રવીણસાગરના સર્જક રાજવી-શાયર મહેરામણજીના કુલદીપક લાખાજીરાજ નહોતા શું? વાંચ – અમને ઉપર ઉપરથી તો જરા ઉકેલ!— ઠાકોર સાહેબ પોતે બહુ જ મહત્ત્વાભિલાષી. રાજકોટને બેલ્જીઅમ કે સ્વિટ્ઝરલાંડ બનાવવું. એટલે સુધી કે અહીંથી માલ બનાવી પરદેશ કાં ન ચડાવાય! વિધવાઓને માટે ગોઠવણ કરવા મ્યુનિસિપાલિટીને ખાસ સંભારી આપે. ઈન્ડસ્ટ્રી નામ પાછળ તો ઘેલા. ઠગાઈ જાય. તાતાના જેવું કારખાનું અહીં કાઢવાના કોડ. એવી અવ્યવહારુ યોજનાની પણ ધૂન…… લોભી નથી અને છે પણ. ૧. કીંડર ગાર્ટનની ૪૦ શાળા કરો. ૨. ડ્રેનેજ કરો, ભલે ૩ લાખ બેસે. ૩. પગારો સારા. સારી પેઠે સ્ટાફ. ફરતા વૈદો, ફરતા ન્યાયાધીશો, તળાવને ભર ચોમાસામાં સમરાવવું, ભલે ખર્ચ થાય એમનો સિદ્ધાંત – ‘ગ્રેટર રાજકોટ’ બનાવવું. અતિ ભલાઈ. પ્રભુના ઘરનો આત્મા, જઈને જરા રડો એટલે દયા આવી જશે. એ દયા કાયદાનો પણ ભંગ કરે.’ ‘No favouritisan : કોઈ પર પક્ષપાત નહિ. કશી શંકાશીલતા નહિ. No secrecy : ખાનગીપણું નહિ.’ ‘ખાનગી જીવન – એકાંતમય. એમનો છૂપો ઉદ્ગાર, ‘I feel miserable : પરેશાન છું.’ દુઃખી છે, રોગી છે, ગુસ્સો ચડે છે, પણ અજબ અંકુશથી દબાવે છે. ન સમજે તેને દુઃખ લાગે.’ કાગળ પર નહિ ટપકાવેલી પણ મનમાં સંઘરેલી વધુ માહિતી ઉપલા ટાંચણને અજવાળતી રહી છે : મહોલાતનો માલિક એકાકી હતો. જૂનાં રાણીજી જોડે મેળ નહિ. પ્રેમથી પરણી આણેલી પ્રિયા કલાપી–પુત્રી પ્રભુધામમાં સિધાવ્યે વર્ષો વીત્યાં હતાં. તે ઘડીથી વજ્રકછોટો વાળ્યો હતો. લોખંડી કાયામાં પૌરુષ રૂંધાઈને પીડતું હતું. પ્રકૃતિ પોતા પરનો અત્યાચાર સહન કરતી કરતી અસહ્યતાની હદે આવી ત્યારે ત્રાહિ ત્રાહિ પોકારતી ત્યારે પછી આ પુરુષનો જાતીય દુરાવેગ રાણી પર, નોકરો પર અને ખુદ દીવાન પર પણ ક્ષણિક હિંસાનું સ્વરુપ ધરી બેસતો. ક્ષણ પછી ક્ષમા માટે કરગરતા. એક ડાહ્યા લોકનેતાની કને એ અંતઃકરણ ઊઘડી પડતું. હીરાના પરખણહાર વિવેકી સ્નેહી માર્ગ સૂચવતા, ‘બાપુ, નવાં લગ્ન કરશો?’ જવાબ તૈયાર હતો : ‘ના રે ના, ત્રણ દીકરા તો છે, બીજાં સંતાનો ઉમેરાય, એટલે આ નાનકડું રાજ્ય કેટલાકને નભાવશે?’ ‘તો બાપુ, એકાત રખાત…’ ‘બોલશો મા. મારી પ્રજા પોતાના લંપટ રાજાની કેવી બૂરી અસર અનુભવશે!’ ‘અહીં નહિ, તે મુંબઈ જેટલે વેગળે…’ ‘ના, કદી નહિ. પ્રજા બગડે અથવા શરમીંદી બને.’ આવાં આવાં અણટાંક્યાંયાં સ્મરણોમાં એક તાજી જાણેલ વાત ઉમેરાય છે. કલાપી-પુત્રીનું પ્રથમ દર્શન અને મિલન મારા લોકસાહિત્યના સાહિત્યના દીક્ષા−દાતા દરબારશ્રી વાજસુરવાળાને ઘેર ગામ હડાળામાં ગોઠવાયું હતું. શિકારને બહાને જુવાન લાખાજી એક બપોરે આવી ચડ્યા. કન્યાને દીઠી, મળ્યા, જમ્યા, જમીને ઊઠ્યા એટલે એમની જ થાળી પર આવીને કલાપી−પુત્રી સ્વાભાવિક અદાથી જમવા બેસી ગયાં હતાં. એ પત્નીનો ચિરવિજોગી પતિ ત્રણ દીકરાને લઈ માસિક ચાર હજાર જેટલી નાની જીવાઈની મર્યાદા સ્વીકારી લઈ (ચોપાસ જે કાળે આંધળી ફનાગીરી પોતાના બંધુ–રાજવીઓમાં પ્રવર્તતી હતી ત્યારે) એક આદર્શ વિધૂરનું વ્રત પાળી રહ્યો હતો. ટાંચણ બોલે છે–– નવી મોટરકારો ખરીદવાના મોહ જાણ્યા નહોતા, ઈગ્લાંડ જઈ કુંવરોને પોતાનું એઠું પણ સાફ કરવાની ફરજ પડે તેવા છાત્ર–ઘરમાં મૂક્યા હતા, રાજકોટની કન્યા-સ્કાઉટ-ગાઈડ્ઝ સાથે ગયેલા પોતાના એક કુમારે એક લોક-કન્યા પ્રત્યે કંઈક અવિનય કરેલ તેની ખાતર કુમારને ઘોડો કરાવી પ્રજા–કન્યાને એના પર બેસારેલી...’ ટાંચણ-પાનામાંથી એટલી જ બાબતોને ઉઠાવી લઈને પાનાં ફેરવું છું. પત્રકાર-જીવને મારો માનવ-સંપર્ક તેમજ માનવ-લીલાની માહિતી લીલીછમ રાખી છે. એ જીવન-સામગ્રીની વિપુલ પ્રાપ્તિ જો ન થતી રહી હોત તો એકલી વાણીનો સંગ મને કંગાલ કરી મૂકત, વેદીઓ બનાવત. જૂની અને નવી બન્ને વાણીમાં આજે રમણ કરવું ગમે છે, વાક્યો અને શબ્દો વિધવિધ ધ્વનિઓ ધારણ કરી અંતરમાં અજવાળાં પાથરી રહે છે, કારણ કે માનવ–સંપર્ક તૂટ્યો નથી. માત્ર વાર્તાના વીરો અને નાટકોના નાયકોથી કામ ન ચાલ્યું હોત. જીવનના મૂંગા વીરો ને નાયકો જોવા સમજવાને મળ્યા છે. લાખાજીરાજ વિષેનાં ટાંચણ-પાનાંએ મને હાથ પકડીને રોક્યો તે બરાબર થયું છે. એ સ્મરણો પણ સાહિત્યનાં જ છે.