પરકીયા/આભરણ


આભરણ

સુરેશ જોષી

આવરણમુક્ત હતી મારી પ્રિયા, હૃદયની
જાણી વાસનાને, રણઝણ આભરણે એણે
માત્ર ઢાંક્યાં અંગ; એની કાન્તિ સમુજ્જ્વલ
ગર્વભરી મૂર બાંદી શા સોહાગે સોહે.

આંખને ઝંખવે રત્નો, ધાતુ અતિ મૂલ્યવાન
ચંચલ ઝંકાર એનો તીક્ષ્ણ અને વ્યંગપૂર્ણ
હર્ષાવેશે કરે મુગ્ધ. ઉન્મત્ત બનીને ચાહું
દ્યુતિ અને ધ્વનિ તણો સંકુલ સંશ્લેષ,

મારા અનુનય પ્રતિ બનીને સદય, શય્યા પરે
અલસ કાયાને ઢાળી, નિહાળીને કામાવેગ
સમુદ્ર શો શાન્ત અને અતલાન્ત, તરંગ ઉત્તુંગ જેના
આશ્લેષવા ચહે, વેરે સ્મિત વિજયિની.

પાળેલ વાઘણ જેમ પાલકના દૃષ્ટિપાતે સ્તબ્ધ બની જુએ
તેમ મને જોઈ રહી આંખ ઠેરવીને, કદી શૂન્યમને
કદી સ્વપ્નમગ્નભાવે; ધૃષ્ટતા ને નિર્દોષતા
એક સાથે ધારે શી નવલ મુદ્રા મોહક વેધક.

સ્વસ્થ ને વિશદ મારાં નયન નિહાળી રહે:
આયત ચરણદ્વય પ્રશસ્ત નિતમ્બ અને પૃથુલ જઘન
તૈલ જેવાં મસૃણ ચિક્કણ અને દોલાયિત જાણે હંસ
ઉદર અને સ્તન એનાં – ઉદ્યાનનો દ્રાક્ષપુંજ મમ!

ધસી આવે મારા ભણી દુષ્ટ કો સેતાન જેમ
દુર્દમ્ય પ્રભાવ એનો વિસ્તારવા ચાહે
વિશ્રબ્ધ તલ્લીન મારા હૃદયને કરી દે વિક્ષુબ્ધ
સ્ફટિકના સિંહાસને એકાન્તે આસીન – તેને કરે પદભ્રષ્ટ.

એન્તિઓપિના નિતમ્બ ને કબંધ કિશોરનો –
એકમાંથી બીજું અંગ એવું ખીલી ઊઠે જાણે
વાસનાએ પોતે નહીં ઘડ્યું હોય નવું ક્રીડનક!
બદામી ને સ્નિગ્ધ એની ત્વચા પરે દીપી ઊઠે કશી લાલી!

હોલવાઈ દીપજ્યોત મરણશરણ થઈ અન્તે!
અગ્નિશિખા માત્ર રહી દ્યુતિમાન એ વાસરકક્ષે
જ્યારે જ્યારે શિખા કૂદી દીર્ઘ શ્વાસ નાખે
ત્યારે ત્યારે અમ્બરવરણી કાયા લોહી થકી લસી ઊઠે.