પરકીયા/એકોક્તિ


એકોક્તિ

સુરેશ જોષી

તું તો છો હેમન્તતણું નભ પ્રિયે, વિશદ ગુલાબી;
મારે ઉરે સાગર શા વિષાદની છોળ છલકાતી.
ઓસરી એ જાય ત્યારે મૂકી જાય મુજ રુષ્ટ હોઠે
ચચરતા ક્ષારતણો કેવળ દાહક અંશ!

વૃથા પસારતા તારા કર આ મૂચ્છિર્ત વક્ષ,
એ તો પ્રિયે, નખક્ષતે દન્તક્ષતે નારીઓનાં થયું છે આહત!
શોધવા મથીશ નહિ મારું તું હૃદય,
ભક્ષી ગયા એને વન્ય શ્વાપદો નિર્દય.

ઉદ્દણ્ડ ટોળાંએ કર્યો અપવિત્ર હૃદયપ્રાસાદ –
પીંખે વાળ, કરે હત્યા – પાશવી ઉન્માદ!
સૌરભ કો અલૌકિક ઘેરી વળે નગ્ન તારી ગ્રીવા.

હે સુન્દર, માનવના આત્મા પરે શાપ તું નિષ્ઠુર,
ઉત્સવ શાં ઝંખવતાં પ્રજ્વલિત નેત્રો તારાં ક્રૂર
શ્વાપદોએ છાંડ્યાં ચીંથરાંને છોને કરે ભસ્મ!