પરકીયા/પ્રાર્થના


પ્રાર્થના

સુરેશ જોષી

હું ઘવાયેલો આદમી છું,
અને હું ચાલ્યો જઈશ,
અન્તે પહોંચીશ–
(કરુણા કરો) જ્યાં માણસ સાંભળે છે
કેવળ પોતાને, એકાકી.
મારી પાસે કેવળ ઉદ્ધતાઈ અને કરુણા બચ્યાં છે.
અને માણસોના મેળા વચ્ચે હું નિર્વાસિત છું.
છતાં એમને માટે જ હું યાતના ભોગવું છું.
શું હું મારામાં પાછો ફરવાને યોગ્ય નહિ થાઉં?
મેં નિર્જન શૂન્યતાને નામોથી આબાદ કરી છે.
મેં શું હૃદય અને મનને ખણ્ડિત કરી નાખ્યા છે
શબ્દોની ગુલામી ખાતર?
મારું રાજ ભૂતાવળ પર ચાલે છે.
હે શુષ્ક પર્ણો,
અહીંથી તહીં રઝળાવાતા આત્મા…
ના, હું ધિક્કારું છું પવનને ને એના
પ્રાગૈતિહાસિક પશુ શા ચિત્કારને,
પ્રભુ, જેઓ તને પ્રાર્થે છે
તેઓ તને નામથી વિશેષ ઓળખે છે ખરા?

તેં મને જીવનની બહાર ફેંકી દીધો છે.
ને તું મને મરણની બહાર પણ ફેંકી દઈશ?
કદાચ માણસ આશા સેવવાને ય લાયક નથી.
સુકાયો, પશ્ચાત્તાપનો ઝરો પણ?
પાપનો ય શો અર્થ
જો એ પવિત્રતા તરફ દોરી નહીં જાય તો?
શરીરને તો ભાગ્યે જ યાદ રહે
કે એક વાર એ સશક્ત હતું.
જીર્ણ અને પ્રાકૃત, આત્મા.
પ્રભુ, અમારી નિર્બળતા પર નિગાહ રાખ.
અમને નિશ્ચિતતા ખપે છે.
તું હવે અમારી હાંસી સુધ્ધાં નથી ઉડાવતો?
તો અમારે માટે શોક કર, ક્રૂરતા.
હું હવે દીવાલ વચ્ચે જંપી શકતો નથી
પ્રેમ વિનાની નરી વાસનામાં.
અમને ન્યાયનો છાંટો દેખાડ.
તારો કાનૂન – એ શું?
વિદ્યુતથી મારી ગરીબડી લાગણીઓને ફટકાર,
મને મુક્ત કર અશાન્તિમાંથી
હું અવાજ વિનાના ઘુરકવાથી થાક્યો છું.