પરકીયા/હું જો હોત


હું જો હોત

સુરેશ જોષી

હું જો હોત વનહંસ,
વનહંસી હોત જો તું;
કોઈ એક દિગન્તે જલસિડિ નદીને કાંઠે.
ધાનનાં ખેતરોની પાસે,
ઊંચા ને પાતળા બરુ વચ્ચે
એક એકાન્ત માળામાં;
તો આજે આ ફાગણની રાતે,
સરુની શાખા પાછળ ચન્દ્રને ઊગતો જોઈને
આપણે નીચાણવાળા ભાગના જળની ગન્ધ છોડીને
આકાશના રૂપેરી ધાન વચ્ચે અંગને વહાવી દીધાં હોત–
તારી પાંખમાં મારું પીંછું, મારી પાંખમાં તારા રક્તનું સ્પન્દન–
નીલ આકાશે ધાનનાં ખેતરનાં સોનેરી ફૂલો જેવા સહસ્ર તારા,
શિરીષવનના હરિયાળા રોમશ માળામાં
સોનાના ઇંડા જેવો
ફાગણનો ચન્દ્ર.
કદાચ ગોળી છૂટવાનો અવાજ:
આપણો તિર્યક્ ગતિસ્રોત,
આપણી પાંખોના પિસ્ટનનો ઉલ્લાસ,
આપણા કણ્ઠે ઉત્તરની હવાનું ગીત.
કદાચ ફરી વાર ગોળી છૂટવાનો અવાજ;
આપણી સ્તબ્ધતા,
આપણી શાન્તિ.
આજના જીવનનું આ ટુકડો ટુકડો મૃત્યુ ના રહ્યું હોત;
ના રહ્યાં હોત આજના જીવનના અરમાનોની ટુકડો ટુકડો વ્યર્થતા અને અન્ધકાર.

હું જો વનહંસ હોત,
વનહંસી હોત જો તું;
કોઈ એક દિગન્તે જલસિડિ નદીને કાંઠે
ધાનનાં ખેતરો પાસે.