પરકીયા/હેમન્ત
હેમન્ત
સુરેશ જોષી
ક્રુદ્ધ ઝંઝાવાતસમું હતું રે યૌવન મમ,
અહીં તહીં ભેદાયેલું પ્રખર સૂર્યના તેજે
વૃષ્ટિ અને વજ્રાઘાતે છિન્ન કર્યું એવું તો ઉદ્યાન
થોડાં માત્ર બચી શક્યાં રતુમડાં પાકાં ફળ.
બેસવા આવી છે મારા મનની હેમન્ત
કોદાળી પાવડો લઈ મંડી પડું હવે.
પાણીમહીં ધસી પડી જમીનનો કરવો ઉદ્ધાર,
કબરો શા ઊંડા ખાડા પડ્યા કેવા અહીં તહીં!
જે નૂતન ફૂલો જોઉં સ્વપ્નમાં હું નિરન્તર
સમુદ્રતીરના જેવી પ્લાવિત આ ભૂમિ પર
પામશે પોષણ અને બનશે શું સામર્થ્યે સભર?
વિષાદ! વિષાદ અરે! કાળતણું ખાદ્ય આ જીવન,
અદૃશ્ય એ શત્રુતણા દન્તદંશે હૃદય કોરાય,
આપણાં જ વહી જતાં શોણિતથી એ શો પુષ્ટ થાય!