પરમાનંદ કુંવરજી કાપડિયા

કાપડિયા પરમાનંદ કુંવરજી (૧૮-૬-૧૮૯૩, ૧૭-૪-૧૯૭૧) : ગદ્યલેખક, સંપાદક. જન્મ રાણપુરમાં. ૧૯૦૯માં મૅટ્રિક, ૧૯૧૩માં મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. થઈ ૧૯૧૬માં એલએલ.બી. કાપડ તથા ઝવેરાતનો વેપાર. ‘તરુણ જૈન’, ‘પ્રબુદ્ધ જૈન’ જેવાં સાંપ્રદાયિક જૈન સામયિકોના અને ‘પ્રબુદ્ધ જીવન’ના સંપાદક. ‘જૈન ધર્મનું હાર્દ’ (૧૯૬૭) અને ‘જૈન યુવક પ્રવૃત્તિ વિશે મારી દૃષ્ટિ’ એમનાં સાંપ્રદાયિક પુસ્તકો છે. ‘સત્ય શિવ સુંદરમ્’ (૧૯૫૪) તથા ‘ચિંતનયાત્રા’ (૧૯૭૪)નાં સમાજદર્શન, તત્ત્વચર્ચા, ઋતુવર્ણન, પ્રવાસવર્ણન અને વ્યક્તિપરિચય વિશેના લેખોમાં એમનાં પ્રકૃતિપ્રેમ, સંસ્કારગ્રાહિતા, કલાભક્તિ અને પ્રગતિશીલ વિચારણાનો પરિચય મળે છે.