પરિભ્રમણ ખંડ 2/ધનુર્માસ

ધનુર્માસ

ખીસર (મકરસંક્રાંતિ) આડે જે એક મહિનો રહે ને ધનુર્માસ કહે. અરધો માગશર અને અરધો પોષ મળીને ધનુર્માસ થાય. મોટી બાઈઓ ધનુર્માસ ના’ય.

ચાંદરડાં છતે ના’ય
દી ઊગ્યા મોર્ય ખાય
ભર્યે ભાણે ખાય.

ગામને પાદર તળાવ હોય તેમાંથી વ્રત કરનારીઓ એ’કેક. એ’કેક ખોબો વેળુ ઉપાડીને પાળ ઉપર નાખી આવે. એ’કેક ખોબો ગાળ કાઢે તેને એ’કેક નવાણ ગળાવ્યા જેટલું પુણ્ય થાય.

હજારો સ્ત્રીઓ અક્કેક ખોબા લાગટ ત્રીસ દહાડા સુધી ગાળ ઉલેચ્યા જ કરે. એટલે ગામનું તળાવ બુરાઈ ન જાય. ઘેર આવી નવાં અનાજ પાક્યાં હોય તેની ખીચડી રાંધે. રાંધીને એક ટાણું ખાય.

હાથે તાપ કરીને તાપે નહિ.
તાપ કરે તો પાપ લાગે.
તપાડે તેને પુણ્ય થાય.