પશ્યન્તી/કલ્યાણરાજ્યની વ્યંગકથાઓ


કલ્યાણરાજ્યની વ્યંગકથાઓ

સુરેશ જોષી

ત્યારે વડોદરામાં આવ્યાને ઝાઝો વખત થયો નહોતો. કોઈ નવી જગ્યાએ જાઉં ત્યારે સૌ પ્રથમ પુસ્તકાલય શોધી કાઢું. બાળપણ વડોદરા રાજ્યમાં ગાળેલું એટલે પુસ્તકાલયનો લાભ મળેલો. અહીંની સેન્ટ્રલ લાયબ્રેરીની ખ્યાતિ સાંભળેલી. એ પુસ્તકાલયમાં ગયો ત્યારે અકસ્માત એક કેસરી રંગના પુસ્તક પર નજર પડી. એનું નામ હતું : ‘વન્ડરફૂલ ડોગ એન્ડ અધર સ્ટોરીઝ.’ એ પુસ્તક મેં કુતૂહલથી વાંચવા લીધું. એ રીતે મને સમર્થ રશિયન વ્યંગકાર જોશેન્કોનો પરિચય થયો.

એ લખતો હતો ત્યારે જાણે પૃથ્વી પર સ્વર્ગ ઊતર્યું હોય એવો આભાસ સરકારી લેખકો ઊભો કરી રહ્યા હતા. સર્જક સરકારી ચશ્મા પહેરે તો સત્ય જોઈ શકે નહીં. પણ આખો વખત કોઈ આ ચશ્મા પહેરી રાખી શકે નહીં. જોશેન્કોએ નરી આંખે સત્ય જોયું. પણ એને વર્ણવવું શી રીતે? સ્તાલિનના એ અમલ દરમિયાન ઘણી વ્યક્તિઓ એકાએક અદૃશ્ય થઈ જતી હતી. એ ભય માથે હતો છતાં સર્જકને છાજે એવી નિર્ભીકતાથી જોશેન્કોએ વ્યંગની મદદથી સત્ય કહ્યું.

એની થોડીક વ્યંગકથાઓ યાદ આવે છે. એ કલ્યાણરાજમાં વસતા એક જણનો દાંત દુ:ખવા લાગ્યો. સરકાર જ હવે તો પ્રજાનાં ક્ષેમકુશળની કાળજી રાખતી હતી, એટલે એને હવે કશી ચિન્તા કરવાની જરૂર જ નહોતી. એ તો પહોંચ્યો ઇસ્પિતાલમાં. દાખલ થતાં જ એણે પ્રવેશદ્વાર આગળ મૂકેલ પાટિયા પર વાંચ્યું, ‘મડદાંઓને બપોરે બેથી ચાર વચ્ચે લઈ જવાં.’ એ વાંચીને એ બિચારો બે ડગલાં પાછળ રહી ગયો. પછીથી જરૂરી બે-ત્રણ ફોર્મ ભર્યાં. દાંતના દાક્તર પાસે જવાનો વારો આવ્યો. દાક્તરે તપાસ કરીને એકદમ કહી દીધું : ‘સરકારી નિયમ પ્રમાણે જો એક જ દાંત દુ:ખતો હોય તો એને માટે અમે કશું કરી શકીએ નહીં. ઓછામાં ઓછા ચાર દાંત દુ:ખતા હોય તો જ અમે કંઈક કરી શકીએ!’ બિચારો નિરાશ થઈને પાછો આવ્યો. આમ તો બીજા થોડાક દાંત કોઈક વાર હેરાન કરતા હતા જ. જે થોડાક હાલતા હતા તેને એણે વધારે હલાવ્યા. થોડા દિવસ પછી ચારેક દાંત પડાવવાની તૈયારી સાથે એ પાછો ગયો. દાક્તરે તપાસીને કહ્યું : ‘ચાર દાંત પાડી નાખી શકાય એવા છે એ સાચું, પણ સરકારી નિયમ એવો છે કે એ ચાર દાંત એક સાથે એક જ પંક્તિમાં હોવા જોઈએ.’ બીજી વાર એવી વ્યવસ્થા કરીને ગયો ત્યારે એનો એક દુ:ખતો દાંત પાડી શકાયો. પણ એક દાંત પાડવા ખાતર એને બીજા દસબાર દાંતનો ભોગ આપવો પડ્યો!

કલ્યાણરાજ્યમાં શિક્ષણ વગરનું કોઈ હોય નહિ. જ્ઞાનનો પ્રકાશ તો હોવો જ જોઈએ. એક કામદારની પત્ની અભણ. કામદારની સાથે કામ કરનારી, એક યુવાન સ્ત્રી હંમેશાં ટકોર કરે : ‘તમે એને કેમ ભણાવતા નથી?’ પેલાએ જવાબ આપ્યો : ‘તું જ પ્રયત્ન કરી જો ને!’ પેલીએ બીડું ઝડપ્યું, પણ કંઈ બને નહીં. ઊલટાનો એના મનમાં વહેમ પેઠો : ‘મારા વરને ને એને કાંઈ સમ્બન્ધ તો નહીં હોય?’ પછી તો એ વહેમથી જ જોવા માંડી. એક દિવસ પતિનો કોટ ધોવા નાખતાં પહેલાં ખિસ્સાં ખાલી કરતાં એક ખિસ્સામાંથી ચબરખી નીકળી. અક્ષર કોઈ સ્ત્રીના હોય એવું એને લાગ્યું. પણ પોતાને અક્ષરજ્ઞાન તો હતું નહીં એટલે વાંચે શી રીતે? આ બાજુ શંકાનો કીડો એને કોરી ખાય. એ ચબરખીનો ભેદ તો ખૂલવો જ જોઈએ. હવે એણે પોતે પ્રયત્ન કરીને બારાખડી ઘૂંટવા માંડી. દરરોજ એકલી પડે ત્યારે પેલી ચોળાઈ જઈને ફાટવા આવેલી ચબરખી કાઢે અને અક્ષરો ગોઠવે. આખરે એક દિવસે અક્ષરો ગોઠવીને એ વાંચી શકી. એમાં લખ્યું હતું : ‘તમારાં પત્ની વાંચી શકતાં નથી એનું મને દુ:ખ છે. જો એમને અક્ષરજ્ઞાન મળે તો જ્ઞાનનું વિશાળ જગત એમની આગળ ખૂલી જાય.’

કલ્યાણરાજ્યમાં ગામડાનો ચહેરો પણ ઊજળો થઈ ગયો. ગામડે ગામડે વીજળી આવી ગઈ. એવા જ ગામડાની વાત છે. તે રાતે પહેલી વાર એ ગામમાં વીજળીના દીવા થવાના હતા. ફેક્ટરીમાંથી કામ કરીને પાછા ફરતાં એક કામદારને આ સમાચારથી ખૂબ આનન્દ થયો, એ તરંગે ચઢ્યો : ‘આજે હું ઘરે જઈશ ત્યારે અંધારામાં ઠોકર નહીં ખાવી પડશે. દાદર પરનું અર્ધું તૂટેલું પગથિયું વીજળીના પ્રકાશમાં સ્પષ્ટ દેખાશે, એટલે પડવાનો ભય રહેશે નહીં. ઘરમાં જઈને દીવાસળી ફંફોસવાની જરૂર નહીં પડે. ફાનસનો ગોળો સાફ કરવો, ઘાસતેલ પૂરવું. વાટ સરખી કરવી આ બધી ઝંઝટ નહીં. કોલસાનો ધુમાડો ખાવાની પણ જરૂર નહિ.’ આમ એ ખુશ થતો થતો ઘરે ગયો. ઘરમાં જઈને જાદુગરની અદાથી વીજળીની ચાંપ દાબી ને તરત જ ઓરડો ઝળઝળ થઈ ઊઠ્યો. ઘડીભર તો એની આંખો ઝંખવાઈ ગઈ. પછી આંખો બરાબર દેખતી થઈ ત્યારે એણે જોયું તો ભીંતના પોપડા ઊખડી ગયા હતા, ગાદલું આટલું મેલું ને ફાટેલું હશે તેનો તો એને ખ્યાલ જ નહોતો. આટલા બધા અજવાળામાંથી ગભરાઈને એક ઉંદર ભાગી જતો દેખાયો. પથારીના ગાદલા પર માંકડ દોડતા દેખાયા… એનાાથી આ સહેવાયું નહીં. એ નીચે ઊતરીને વીજળીના તાર કાપવા દોડ્યો. પણ એણે જોયું તો ઘરની માલકણ બાઈ એની પહેલાં તાર કાપી રહી હતી!

એક રશિયાવાસી યુરોપના પ્રવાસે ગયો. જર્મનીમાં જઈને જોયું તો બધું જ સ્વચ્છ. રસ્તા તો એટલા સ્વચ્છ કે એના પર સૂઈ જવાનું મન થાય. પણ સૌથી સ્વચ્છ, તો ત્યાંના સંડાસ. ખાસ્સા પહોળા, આરામથી બેસી શકાય. ફૂલદાનીમાં ફૂલ, વાંચવા માટેનાં સચિત્ર ચોપાનિયાં, મનને પ્રફુલ્લિત કરી દે એવું વાતાવરણ. એ તો સંડાસમાં જઈને બેઠો. આરામથી કામ પતાવીને બારણું ઉઘાડવા ગયો, પણ બારણું ખૂલે જ નહીં. ખૂબ જોર કર્યું પણ બારણું કાંઈ મચક આપે તો ને! પછી તો એણે ખૂબ ઠોકાઠોક કરી, ઘાંટા પાડ્યા, ત્યારે બહારથી કોઈએ કહ્યું : ‘અમે તમને બહારથી કશી મદદ કરી શકીએ એમ નથી.’ ત્યાં વળી કોઈકને એકાએક કંઈક યાદ આવ્યું એટલે પૂછ્યું : ‘ભાઈ, તમે કામ પતાવ્યા પછી ઉપરની સાંકળ ખેંચી છે ખરી? એણે તો એના સ્વભાવ પ્રમાણે સાંકળ ખેંચેલી જ નહીં! એણે સાંકળ ખેંચી કે તરત બારણું ખૂલી ગયું. એને સ્વચ્છતાનું રહસ્ય સમજાઈ ગયું.

હવે પેલા ‘વન્ડરફુલ ડોગ’ની વાત. હવે તો સરકાર પાસે ગુનો પકડી પાડનારા કેળવેલા કૂતરા છે. ચોર ગમે તેવી ચાલાકી વાપરે તો કૂતરા સૂંઘીને પકડી પાડે. કલ્યાણરાજ્યમાં પણ ચોરી નહીં થાય એવું થોડું જ છે? એક ગામમાં ચોરી થઈ. અધિકારી ચોર પકડનારા કૂતરા લઈને ગયા. જેના પર શક હતો તે બધાને બોલાવીને ઊભા રાખ્યા. દમદાટી આપીને કહ્યું, ‘ગુનો જલદી કબૂલ કરી દો નહીં તો આ કૂતરાઓ તમને પકડી પાડશે.’ પણ કોઈ હાલ્યુંચાલ્યું નહીં. આખરે કૂતરા છોડ્યા. કૂતરાઓ સૂંઘે ને આગળ જાય. બધાને એ સૂંઘી વળ્યા. આખરે એ પોલીસ અધિકારીને સૂંઘવા લાગ્યા ને સૂંઘતાની સાથે જ એના પર કૂદ્યા. પછી તપાસ કરી તો એ પોલીસ અધિકારી જ ચોર નીકળ્યો!

વ્યંગ અને હાસ્ય જોશેન્કોનું મોટું શસ્ત્ર હતું. પણ આતતાયીઓ હાસ્યને સહી શકતા નથી. જોશેન્કો એકાએક અલોપ થઈ ગયો.

6-7-75