પશ્યન્તી/ધર્મની અવેજીમાં કવિતા


ધર્મની અવેજીમાં કવિતા

સુરેશ જોષી

કાફકાની જેમ કદાચ બધા જ, જાત સાથે પ્રામાણિક, સર્જકોને જીવનની અન્ત વેળાએ પોતાના સર્જનને નષ્ટ કરવાની વૃત્તિ થશે. આ અનેક વિસંગતિઓ અને અરાજકતાભર્યા સંસારમાં સર્જક પોતાની તીવ્ર સંવેદનાને કારણે જે કાંઈ અનુભવે, પોતાની કળાથી સાકાર કરે તેનું મૂલ્ય કેટલું? સર્જનકર્મ અનિવાર્ય લાગે, પણ કર્યા પછી પોતાની જાત આગળ જ એ ગુનેગાર બનીને ઊભો રહે. વળી આ નિષ્ઠુર સંસાર એની રચનાને તણખલાની જેમ ફૂંક મારીને ઉડાડી મૂકે. ત્યાં અમરતાની, કીતિર્ની, અસાધારણતાના દાવાની વાતો વાહિયાત લાગે. સર્જનનો પ્રભાવ જીવન પર કેટલો? ઓડેને તો કહ્યું જ હતું કે શૅઇક્સપિયર, મિલ્ટન ને રિલ્કે આ જીવનને રજમાત્ર બદલી શક્યા નથી.

જીવનાભિમુખતાને અને સાહિત્યનિષ્ઠાને હંમેશાં સામસામે પલ્લે મૂકવામાં આવતાં દેખાય છે. રોમેન્ટિક ઉદ્રેકવાળા સર્જકો તો જીવનને વિશેની વિશદ સમજને ડહોળી નાખે છે, એક પ્રકારના વ્યામોહમાં ચિત્તને વિવશ બનાવી દે છે. મરણની રતિના ગુણગાન ગાઈને જીવન પ્રત્યેની નિષ્ઠાની હાંસી ઉડાવે છે. પોતાના વ્યક્તિ તરીકેના જીવનમાં જે નાની નાની નિર્બળતાઓ હોય છે તેને સજાવીને એઓ રોચકરૂપે રજૂ કરે છે. આથી કોઈક વાર આખી એક પેઢી વિપથગામી બને છે. આ વિપથગામી વલણ જ એક પ્રકારનો ધામિર્ક ઝનૂનવાળો સમ્પ્રદાય બની રહે છે.

સર્જકને અખિલાઈ જોડે સમ્બન્ધ હોય છે એમ કહેવું સારું લાગે છે, પણ વાસ્તવિક રીતે જોતાં એવું બનતું હોય છે ખરું? સમગ્રતાને આવરી લે એવી વિશાળ પરિમાણી ચેતનાનો કયો સર્જક દાવો કરી શકે? આથી ઘણી વાર તો ખણ્ડમાં અખિલાઈનું આરોપણ કરવાની અપ્રામાણિકતા સર્જક આચરતો જોવામાં આવે છે.

અંગ્રેજ કવિ વિલિયમ બ્લેઇકે સ્વર્ગ અને નરકનાં લગ્નની વાત કરેલી. નીત્શેએ પણ પોતાની આગવી રીતે કહેલું, ‘માનવજાતિએ હજી વધુ સારા અને વધુ દુષ્ટ બનવાનું છે.’ બ્લેઇકની પંક્તિ છે, ‘મરેલાંઓનાં હાડકાં પર હળ ચલાવીને ચાસ પાડો.’ શુભ અને અશુભને ભેગાં આવરી લઈ શકે એવી ચેતના સર્જક પાસે હોય છે ખરી?

રોમેન્ટિકો ભૂતકાળ તરફ ગતિ કરવાની આસક્તિ ધરાવે છે એમ સામાન્ય રીતે કહેવાતું હોય છે ત્યારે બ્લેઇકની આ પંક્તિનું સ્મરણ કરવું ઘટે. કદાચ એમને ભૂત કરતાં ભવિષ્યની ઝંખના વિશેષ હોય છે. પણ જેનો પગ વર્તમાનની ધરતી પર નથી તેનો આપણી સાથે શો સમ્બન્ધ? માનવીની શક્યતાઓ વિશે ઉજ્જ્વળ શબ્દોમાં ગીત ગાવાથી શું વળે? કવિ દ્રષ્ટા છે, ક્રાન્તદર્શી છે એટલાથી આપણે લોભાઈ જતા નથી. આપણે તો પ્રશ્ન પૂછીશું : એણે વર્તમાનને જોયો છે?

આમ રોમેન્ટિક અભિનિવેશ લાગણીના રંગબેરંગી ફુવારા જેવો છે એવું સૂચવવામાં આવે છે. વર્ડ્ઝવર્થની કવિતા વાંચતાં આ માન્યતાને સુધારવી પડે. કવિની ફિલસૂફી ઘણુંખરું છીછરી કે ભ્રામક હોય છે. રિલ્કેની ફિલસૂફી વાહિયાત જ લાગે. વર્ડ્ઝવર્થ બુદ્ધિને દખલગીરી કરનારી કહીને ભાંડે છે. એ બુદ્ધિ વસ્તુના આકારને વિકૃત કરે છે. પૃથક્કરણ કરનારા હત્યારાઓ જ હોય છે. આવી વર્ડ્ઝવર્થની માન્યતાઓે તે એના ઉગ્ર પૂર્વગ્રહોને જ પ્રગટ કરે છે, સત્યને નહિ.

આમ છતાં વર્ડ્ઝવર્થ વસ્તુઓ વચ્ચેની ઘનિષ્ઠતાને અનુભવીને વર્ણવે છે તે હૃદયમાં વસી જાય છે. માનવીની પ્રકૃતિ સાથેની આત્મીયતા એ વર્ણવે છે. સાર્ત્ર ‘નોશિયા’માં આ પ્રકૃતિને આપણા પરત્વે સાવ ઉદાસીન કહીને વર્ણવે છે. આપણાં સુખ-દુ:ખ સાથે એને કશી લેવાદેવા નથી. વર્ડ્ઝવર્થ પ્રકૃતિથી વિચ્છિન્ન થતા જતા માનવી વિશે ચિન્તા પ્રગટ કરે છે, સાર્ત્ર એ પરિસ્થિતિને સ્વીકારી લેવાનું કહે છે.

કોલરિજમાં આજના માનવીની ચિન્તાતુરતાનો આભાસ મળે છે. જે વિષાદ હ્યદયમાં કસક ઊભી કરતો નથી, જે શૂન્યમય મ્લાન અને વિરતિભર્યો છે, જેમાં પ્રમાદની મૂર્ચ્છા છે, જેમાં લાગણીની કશી પ્રબળતા નથી, જે બહાર આવિષ્કાર પામતો નથી, જે શબ્દમાં, નિ:શ્વાસમાં કે આંસુમાં પણ પ્રગટ થતો નથી એવા વિષાદની કોલરિજને ઝાંખી થઈ હતી. આ પછી ક્યિર્કેગાર્દે ‘ભય’ની વાત કરી. માનવીના માનવ્યને પણ સિદ્ધાન્તવ્યવસ્થાના ચોકઠામાં મૂકવાનો પ્રયત્ન કેવો તો ભયાવહ છે!

નીત્શેને મન મુખ્ય પ્રશ્ન આ જ હતો : આ સમકાલીન જીવનમાં વ્યાપેલા વિષાદમાંથી ઇતિહાસે હજી જાણ્યો નથી એવો પૂર્ણ અને સામર્થ્યવાન માનવી શી રીતે ઉત્ક્રાન્ત થશે? એનો અતિમાનવ પણ જો માનવ્યને જ ઉલ્લંઘી જતો હોય તો એનો શો અર્થ?

કવિઓ વાસ્તવિકતાને કશીક જાદુઈ મોહિનીમાં પલટી નાખવા મથે છે. એવો જાદુ પ્રતીકથી સિદ્ધ થઈ જશે એવી પ્રતીકવાદી કવિઓની માન્યતા હતી. બોદ્લેરને અર્વાચીનતાનો જનક ગણવામાં આવે છે. કદર્ય જીવનમાંથી તેણે કાવ્યકુસુમોને પ્રફુલ્લિત કર્યાં. નગરજીવનનો પણ એ પ્રથમ કવિ. શહેરને એણે બહારથી જોઈને વર્ણવ્યું નથી. એનું નગર ભવ્ય સ્મારકોનું નગર નથી, એ તો કીડીના રાફડા જેવું છે. એમાં એકબીજાથી સાવ અજાણ્યાં, ચહેરા વિનાનાં, માનવીઓ વસે છે. પોતાનાથી અનુભવાતું પોતાનું અળગાપણું અને એમાંથી ઊપજતો વિષાદ તે એની કવિતાનો મુખ્ય સૂર છે. એમાં વિદ્રોહનાં બીજ છે જેની વાત પાછળથી આલ્બેર કેમ્યૂએ કરી છે, આ જગતમાં એને વાસ્તવિકતાની ભાળ લાગતી નથી; અસ્તિત્વના કોઈ, હજી સુધી પ્રચ્છન્ન, એવા ખણ્ડમાંથી એને નિપજાવી લેવાની રહેશે. કવિતા તે માત્ર શ્લોકો રચ્યે જવાની કળા નથી, પણ અસ્તિત્વના વધુ સાચા અને વધુ અને વધુ વાસ્તવિક વિશ્વને સર્જવાને માટેનાં સાધનોની શોધ છે. આથી જ ધર્મની અવેજીમાં એ સ્થાન પામી શકે.

ઘણાને મન બોદલેર જેવા કવિઓ ઘર છોડીને ભાગી ગયેલા વંઠી ગયેલા છોકરા જેવા છે. સાચી વાત તો એ છે કે એમને ઘર જેવું કશું આશ્રયસ્થાન જડ્યું જ નહોતું. એમણે જે માનવસન્દર્ભનું નિરૂપણ કરેલું તે કાંઈ એમનો સર્જેલો નહોતો. એ માનવસન્દર્ભ વચ્ચે એઓ આવી પડ્યા હતા અને પોતાના વિઘાતકરૂપે એમણે અનુભવ્યો હતો. એમાં કદર્યને માટેની પ્રીતિ હતી એવું તો કોઈ જડ પૂર્વગ્રહયુક્ત માનવી જ કહી શકે. આ રસકીય વિકૃતિ હતી એમ પણ નહિ કહેવાય : આ તો એક સો ટકા સાચા વિદ્રોહનું નિરૂપણ છે. રેંબો જેવા કવિઓએ તો એનું મૂલ્ય પોતાનું જીવન સમર્પી દઈને ચૂકવી આપ્યું. આ કવિઓ પોતાની જાતને લાડ લડાવનારા, વિકૃત રુચિ ધરાવનારા માર્ગભ્રષ્ટ લોકો હતા એમ કહેવું ભારે અનુદાર લેખાશે. એમનેય સમગ્ર માનવસન્દર્ભ જોડે સમ્બન્ધ હતો.

કવિ કોઈ અસાધારણ વિશિષ્ટ આત્મા છે, એમ કહેવાની જરૂર નથી. આપણી નિર્બળતાઓનો એનામાં અતિરેક થયો હોય એમ પણ સંભવે. માનના ક્ષેત્રની, પ્રેમના ક્ષેત્રની બહાર એને રાખીએ તે જ ઠીક. આપણી જેમ એ પણ એની નિયતિને ભોગવી રહ્યો હોય છે. એવાં બે-ચાર અણગમતાં વલણો માટે એને સચ્ચરિત્ર લોકોએ શૂળીએ ચઢાવીને ધન્ય થવાની જરૂર નથી.