પશ્યન્તી/માફકસરની પરોક્ષતા


માફકસરની પરોક્ષતા

સુરેશ જોષી

જે આપણી સામે પ્રત્યક્ષ છે તેને આપણે માયા કે ભ્રાન્તિ કહીને કેમ નકારી કાઢવા મથીએ છીએ? પ્રત્યક્ષનો મુકાબલો કરતાં આપણે શા માટે ખચકાઈએ છીએ? ભયનું ઉદ્ગમસ્થાન પ્રત્યક્ષ જ છે. આપણને પ્રત્યક્ષથી સહીસલામત અન્તરે દૂર રાખવા ફિલસૂફી અને કળા મથ્યા કરતાં હોય એવું લાગે છે. શબ્દ વાસ્તવિકતાનો સંકેત બને છે, પછી એ વાસ્તવિકતાની અવેજીમાં કામ આપતો થઈ જાય છે. આમ જગતની પ્રત્યક્ષતાની અને આપણી વચ્ચે ભાષાનું આવરણ છે. પ્રતીકો અને સંકેતો દ્વારા આપણે માફકસરની પરોક્ષતા ઉપજાવી લઈએ છીએ.

આપણા અપરોક્ષ અનુભવના જગતને આપણે પ્લેટો અને શંકરાચાર્યના સમયથી વિકારી, અસ્થિર ગણતા આવ્યા છીએ. એ આપણા મનની સરજત છે, એનું વસ્તુલક્ષી સત્ય શંકાસ્પદ છે એવું કહેવાતું આવ્યું છે. એમાં તપાસીને તાળો મેળવી લઈ શકાય એવી હકીકતો નથી, એમાં અર્થપૂર્ણ એવી કશી ભાત દેખાતી નથી, સમજ વિશે કસોટીએ ચઢાવી શકાય એવી કશી આપણી વચ્ચે ભૂમિકા નથી, આથી કશા ધ્રુવ સત્યનો દાવો કરી શકીએ તેમ નથી. બુદ્ધિ જ એવું વસ્તુલક્ષી સત્ય આપણને સંપડાવી આપી શકે એવું માનવામાં આવે છે. માનવની કેટલી પેઢી અત્યાર સુધીમાં આવી અને ગઈ. કેટલીય વ્યક્તિઓ એમના પોતપોતાના વિલક્ષણ, સર્વથા બુદ્ધિસંગત નહિ એવા જગતમાં પોતાનાં સ્વપ્નોને સિદ્ધ કરવા મથતાં મથતાં, સંઘર્ષો અને યાતનાઓને સહી સહીને આખરે મરણશરણ થઈ ચૂકી!

જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ સમજાતું ગયું કે એક સંસ્કૃતિને બીજી સંસ્કૃતિથી જુદી પાડનારાં, માનવીને માનવીથી જુદો પાડનારાં બીજાં જુદાં જુદાં દૃષ્ટિબિન્દુઓ આખરે તો એ દૃષ્ટિબિન્દુ ધરાવનારા માનવીના ચિત્તની બહારનાં નહોતાં. વ્યક્તિના અંગત અનુભવોમાં પ્રગટ થતું જગત પણ ઓળખવા જેવી વસ્તુ છે એમ લાગવા માંડ્યું. જગતની સમજને એ ક્ષિતિજની જેમ આવરી લે છે. વસ્તુલક્ષી પૃથક્કરણના અને સમજૂતીના માર્ગમાં એ એક મોટા અન્તરાયરૂપ લેખાવા લાગ્યું.

જગત વિશેની તર્કસંગત વસ્તુલક્ષી સમજ કેળવવાનો માર્ગ અનેક વિટમ્બણાઓથી ભરેલો છે. સર્વમાન્ય એવો જગત વિશેનો સુવ્યવસ્થિત ખ્યાલ હજી સુધી ઉપજાવી શકાયો નથી. ફિલસૂફીનો ઇતિહાસ તો પરસ્પરવિરોધી એવી જગત વિશેની અનેક વિચારધારાઓથી ભરેલો છે. બર્કલે જેવા ફિલસૂફે તો કહી દીધું હતું કે જે કાંઈ પ્રત્યક્ષપણે જાણી શકીએ તે બધું આત્મલક્ષી જ હોય છે અને તે કોઈકના (કે પછી ઈશ્વરના) ચિત્તમાં જ રહ્યું હોય છે. આમ આત્મલક્ષિતાને નકારવામાં આવી તેની સામેની આ પ્રતિક્રિયાની નોંધ લીધા વિના છૂટકો નહોતો.

પણ જ્યાં તર્ક અને બુદ્ધિ પાછાં હઠ્યાં ત્યાં નિ:શબ્દતા અને ઉદાસીનતા છવાઈ ગયાં. ફિલસૂફીમાંથી અંકુરિત થયેલી કેટલીક આદરપાત્ર વૈજ્ઞાનિક શાખાઓએ આ પ્રક્રિયાઓને વેગ આપ્યો. આ વૈજ્ઞાનિક શાખાઓએ ફિલસૂફીના અતિશયોક્તિભર્યા દાવાઓને તિલાંજલિ આપી. આ દરેક શાખાઓએ અન્વેષણ માટે પોતપોતાનું સુનિશ્ચિત મર્યાદિત ક્ષેત્ર પસંદ કરી લીધું પણ ગ્રીક ફિલસૂફોએ સ્થાપેલી પાયાની ભૂમિકા તો હજી એની એ જ રહી છે. જે વાસ્તવિક છે તે આપણા મન અને ઇન્દ્રિયો સમક્ષ બહાર ઉપસ્થિત થતું હોય છે. બધી પ્રમાણભૂત હકીકતો આ પ્રકારની જ હોય છે. અંગત વલણોને બાજુએ રાખીને જુદી જુદી ઉપપત્તિઓનું તુલનાત્મક દૃષ્ટિએ પરીક્ષણ કરવાથી જ જગત વિશેની સમજ કેળવી શકાય. એમાં અંગત રુચિ અને આત્મગ્રહોનો પરિહાર અનિવાર્ય છે. આમ હકીકતો વિશેનાં વિધાનો સ્થાપી શકાય અને પ્રકૃતિમાંની ઘટનાઓની આગાહી કરે અને નિયન્ત્રિત કરે એવા નિયમો શોધી શકાય.

આ દૃષ્ટિએ જોઈએ તો માનવવ્યક્તિ એક ભારે સંકુલ પદાર્થ બની રહે છે. યુક્લિડની જે અવકાશની વિભાવના હતી તેનાથી જુદા અવકાશમાં એ જીવે છે, વર્તમાનની ક્ષણોની ગૂંથાતી આવતી શૃંખલારૂપ સમયના પરિમાણમાં એ રહે છે. સમયનું સાચું પાસું તે વર્તમાનનું જ છે. ભૂતકાળ એક તબક્કે એ પાસું હતો, પણ હવે એ મરી પરવાર્યો છે. ભવિષ્ય પણ વર્તમાન બનીને જ એની વાસ્તવિકતાને પામે છે, પણ આ ક્ષણે તો હજી એ અનાગત છે, એક અવાસ્તવિક એવો માનસિક પ્રક્ષેપ માત્ર છે, ભૂતકાળ એના વાસ્તવિક સ્વરૂપમાં હતો તે પદાર્થોનો બનેલ હતો જેનું કોઈ પણ તટસ્થ ભાવે યોગ્ય સાધનો વડે નિરીક્ષણ કરી શકે. આપણે કુદરતી નિયમોના જ્ઞાનને આધારે તો ભૂતકાળને તેમ જ ભવિષ્યના કેટલાક અંશોને જાણી લઈ શકીએ. આમ વર્તમાન જે નિયમોથી ભૂતકાળ કે ભવિષ્ય સાથે સંકળાયેલો છે એને આપણે જાણી શકીએ, આ રીતે ભૂતકાળમાં શું બન્યું તે આપણે કહી શકીએ, ભવિષ્યની આગાહી કરી શકીએ. આથી આપણે ઇતિહાસની બહાર નીકળી જઈને, બધાં જ આત્મલક્ષી વળગણોને દૂર કરીને ઘટનાઓ શી રીતે બની તેનું બયાન આપી શકીએ. કેટલાક અમેરિકી વિજ્ઞાનીઓ એવી સ્મૃતિની કલ્પના કરે છે જે ભૂતકાળની હકીકતોની વિગતોને, વ્યક્તિગત વળગણો અને મર્યાદાઓથી મુક્ત રહીને રજૂ કરી શકે. આ સ્મૃતિ આપણી જ્ઞાનપ્રાપ્તિની પ્રક્રિયામાં એક મહત્ત્વનો ઘટક બની રહે. ફ્રેન્ચ વિદ્વાનો જેને મૂર્ત સ્વરૂપની સ્મૃતિ કહે છે તેનાથી આ જુદી છે. સ્મૃતિની આ કલ્પના એક વિક્ષુબ્ધ વ્યક્તિના જગતને લક્ષમાં લેતી નથી. મનોવિજ્ઞાની ચિકિત્સકો એવી વ્યક્તિના રોગને નર્યો આન્તરિક અને મનોગત લેખીને એવી પરિસ્થિતિ રચે જેથી અમુક ધારેલા પ્રતિભાવો એ પાડી શકે અને એ રીતે વસ્તુલક્ષી જગત સાથે એ પોતાનો મેળ પાડી શકે.

જો આ દૃષ્ટિબિન્દુ સ્વીકારીએ તો જગતમાં બધું જ પૂર્વનિર્ણીત અને સ્પષ્ટ છે એમ માનવાનું રહે. અવિશદતા અને સંદિગ્ધતા જ્ઞાનપ્રાપ્તિમાં રહેલી અંગત ઊણપોનાં પરિણામ હોઈ શકે, વસ્તુલક્ષી દૃષ્ટિએ જોતાં એનું કશું સ્થાન નથી. માનવીય સ્વતન્ત્રતા અને જવાબદારીની દૃષ્ટિએ આના જે ફલિતાર્થો છે તે પરત્વે પ્રશ્નો ઊભા થતા રહ્યા છે, પણ સદીઓથી ચાલ્યા આવતા આ ઊહાપોહમાં પૂર્વનિર્ણીતતાને સ્વીકારનારાનું જ વર્ચસ્ રહેતું આવ્યું છે, જેમાં બધું જ પૂર્વનિર્ણીત હોય અને જ્યાં મુખ્ય પ્રયોજન પ્રભુત્વ સ્થાપવાનું અને નિયન્ત્રણ કરવાનું હોય ત્યાં સ્વતન્ત્રતાને આવકારવામાં નહિ આવે તે દેખીતું જ છે. એ તો કરણથી ઉત્પન્ન થયા વિનાનું કારણ છે, એ અનિર્ણીત સ્વરૂપની નિશ્ચિતતા છે. આથી ક્યાં તો સ્વતન્ત્રતાને સમૂળી નકારી કાઢો અથવા એને સંકલ્પશક્તિ પૂરતી જ મર્યાદિત રાખો.

આ દૃષ્ટિબિન્દુને સ્વીકારનારાઓએ આજના વૈજ્ઞાનિક, ટેકનોલોજીનિયન્ત્રિત અર્વાચીન સમાજમાં ઘણો લાભ ઉઠાવ્યો છે. એમણે આખી જીવનરીતિમાં ક્રાન્તિકારી પરિવર્તન લાવી દીધું છે, આપણી ભૂગોળને અને ભૂમિપ્રદેશને બદલી નાખ્યા છે. પ્રકૃતિને એમણે નાથી છે, જો એ ન બન્યું હોત તો અહીં આપણું અસ્તિત્વ જ નહિ રહ્યું હોત. આને નકારી શકાય નહિ, પણ એથી આ જ એક સત્યને પામવાનો માર્ગ છે એવી ગ્રીક માન્યતા વધુ દૃઢ બને છે. આવી માન્યતાનો પ્રભાવ આજે પણ ઘણો છે.

આનાં કેટલાંક પરિણામો પરત્વે આપણે વિચારવું જોઈએ. આ જાતની ફિલસૂફી સૌ પ્રથમ તો જીવન જીવનાર માનવીને જગતમાંથી રસ્તો ચીંધવા માટે ઉપજાવવામાં આવી હતી. પણ હવે એનું એ પ્રયોજન, વસ્તુલક્ષી દૃષ્ટિએ જોતાં, રહ્યું હોય એમ લાગતું નથી. વસ્તુલક્ષી ભૂમિકા પર સ્થપાયેલાં વિજ્ઞાનો પછી હવે માત્ર ભાષા અને તર્ક પૂરતું જ એનું ક્ષેત્ર રહ્યું છે. હવે ‘લિંગ્વિસ્ટિક્સ’ અને ‘લોજિક’ની પણ વિજ્ઞાનમાં જ ગણતરી થવા લાગી છે. હવે ફિલસૂફીને કશી નવી હકીકતો શોધવાની નથી કે કશાં નવાં સુદૃઢ બંધારણોનો આવિષ્કાર કરવાનો નથી. બધી સાચી હકીકતો વૈજ્ઞાનિક હકીકતો જ હોય છે. હવે અતિવિજ્ઞાન જેવું કશું નવું શોધવાનું રહેતું નથી. આ જગત, એ જેવું છે તે રૂપે, એનાં નિયમો બંધારણો સહિત જો આવિષ્કૃત થવાનું હોય તો તે વિજ્ઞાનની વસ્તુલક્ષી પદ્ધતિથી જ થશે. વસ્તુલક્ષી હકીકતો સાથે તાળો મેળવી આપે એવી બીજી કશી પદ્ધતિ આપણી પાસે નથી. ફિલસૂફી, કળા, સાહિત્ય કે ધર્મ પાસેથી એમનાં આગવાં જગત ઝૂંટવાઈ ગયાં છે. આથી એમને આત્મલક્ષી દૃષ્ટિએ જ જોવાનાં રહે છે. એનો માનવીની લાગણીઓ અને માન્યતાઓની અભિવ્યક્તિ લેખે આપણે આદર પણ કરીએ, પણ એનામાં કશું નવું આવિષ્કૃત કરી આપવાની શક્તિ રહી નથી એમ માનવું પડે. વિજ્ઞાનનો વિકાસ થયો તે પહેલાંના યુગમાં કદાચ એની જરૂર હશે, પણ હવે એમની ઝાઝી ઉપયોગિતા રહી નથી. ફ્રેન્ચ ફિલસૂફ રૂસોએ તો આજથી સો વર્ષ પહેલાં કહ્યું હતું, ‘એવો સમય આવશે જ્યારે કળા ભૂતકાળની વસ્તુ બની રહેશે, માનવીએ ચિન્તન કરવાનું શરૂ કર્યું તે પહેલાંની સરજત લેખે આપણે એનો આદર કરીએ, પણ હવે એ વિશે ઝાઝું કશું કરવાનું રહેતું નથી એ પણ સ્વીકારવાનું રહે.’

માનવતાવાદી અભિગમ ધરાવનારાઓને પણ જુદી જુદી માનવવિદ્યાઓની શાખાઓ વચ્ચેનાં આદાનપ્રદાનની ભૂમિકા સ્થાપવાનો માર્ગ જડતો નથી. એ પ્રકારનું આદાનપ્રદાન થતું રહે તો જ સાચી પ્રગતિ થઈ શકે. માનવવિદ્યાના ક્ષેત્રમાં તો દરેક પોતાના આગવા વિશ્વમાં રહે છે અને બીજા સાથેનો વિનિમય તો એકાદ અકસ્માત જ હોય છે. એમાં વ્યક્તિના વિવેક કરતાં ઊંચાં ધોરણોનો આશ્રય લેવાનો રહે છે. આથી અરાજકતાભર્યું અળગાપણું અને સાપેક્ષતા વાતાવરણમાં અનુભવાય છે. હજી ભૂતકાળને લીધે જ માનવવિદ્યાઓનું થોડું માન રહ્યું છે. અત્યારે તો એમને પોતાનો બચાવ શોધવાનો રહે છે, ભવિષ્ય વિશે એ કશું ઝાઝું કહી શકે નહિ. આ પરિસ્થિતિને કારણે વ્યક્તિગત અભિવ્યક્તિને પણ વસ્તુલક્ષી અને દૃઢ સ્વરૂપની બનાવવાનો ઇરાદો ધરાવનારાં સામાજિક અને ટેકનોલોજિકલ બળો સ્થિતિ સુદૃઢ કરી રહ્યાં છે. આપણે જે કાર્યો કરીએ છીએ તેના સન્દર્ભમાં જ આપણે વિશે વિચારતાં થતાં જઈએ છીએ. સ્ત્રી ગૃહિણી છે અથવા પરિચારિકા છે. પુરુષ ડોક્ટર છે કે ઇજનેર છે. રહી રહીને આપણી તપાસ ચાલે છે અને ધરમૂળના ફેરફાર થઈ જાય છે. સામૂહિક માધ્યમોથી વ્યવહારની નીતિ ઘડવામાં આવે છે. આમ છતાં આજના કલ્યાણરાજમાં દમન, યાતના અને રૂંધામણ છે. એનું કારણ શું?

9-6-80