પશ્યન્તી/શબ્દોની માયા


શબ્દોની માયા

સુરેશ જોષી

કોઈક કહે છે, ‘બોલવાનો શો અર્થ? બોલવાથી શું વળે?’ પણ મને પ્રશ્ન થાય છે, ‘આપણે બોલતા ક્યારેય અટકીએ છીએ ખરા? આપણું હૃદય દરેક ધબકારે બોલતું હોય છે, આંખના પલકારા પણ બોલે છે. શ્વાસ ચાલે છે ત્યાં સુધી બોલવાનો લય તૂટતો નથી.’ આથી બોલવું તો ખરું જ. ભાષાથી જ તો આપણી પછીની પેઢી આપણને ઓળખશે. કદાચ બોલતાં અસલ મુદ્દો જરા ઢાંકીને બોલવાની, સામાવાળો તરત કળી ન જાય એ રીતે બોલવાની, થોડુંક સંગોપન કરવાની, રીત શીખી લેવી પડશે, પણ એ તો કવિતામાં ક્યાં નથી બનતું? કવિ જાણીજોઈને ભાષાની રચના એવી રીતે કરે છે જેથી અર્થબોધ આડે અંતરાય ઊભા થાય છે. આથી વાચકને અર્થ સુધી પહોંચવાને માટે જે ઉદ્યમ કરવાનો રહે છે, તે જ એનો ચેતોવિસ્તાર સાધી આપે છે. આથી જ રસાનુભવ પ્રાપ્ત થાય છે.

અન્તરાય ઊભા કરવા તેય સહેલી વાત નથી. જે અન્તરાયોને ટાળીને જ ચાલતો રહ્યો હોય તેને અન્તરાયોનો શો પરિચય હોય? હું વિચારું છું તો એમ લાગે છે કે જીવનમાં જે વ્યક્તિ અન્તરાયરૂપ બની તે જ આખરે તો ઉપકારક બની. કસોટીએ ચઢવાનું આવે જ નહિ તો જાતની પરખ કરવાનો પ્રસંગ ઊભો થાય જ નહિ. તો પછી જાતની ઓળખ પણ ઝાંખી થતી જાય; ધીમે ધીમે આપણને આપણામાંથી ગેરહાજર રહેવાની ટેવ પડી જાય.

ઘણા કવિઓને હું સાંભળું છું. કોઈક વાર કોઈ કવિ એકાદ શબ્દ એવો આપી દે છે કે એની જોડે હું ગૂંચવાતો જાઉં છું. એ ગૂંચ ઉકેલવા જતાં હું પોતે ઉખેળાતો જાઉં છું. જે કવિની વાણી સીધી સરસરાટ ઊતરી જાય છે તેનું આગમન કશાં ચિહ્ન મૂકી જતું નથી. ઘણી વાર બહારથી સરળ લાગતી વાણી હૃદયમાં ઊતર્યા પછી નવું પોત પ્રકાશે છે, પણ હૃદય સુધી આપણે કેટલી વાણીને પહોંચવા દઈએ છીએ? જગત વતી બોલનારો, જગતને બોલીને મૂર્ત કરી આપનારો, કવિ નથી મળતો તો આપણી પકડમાંથી કેટલું મોટું જગત ઝૂંટવાઈ જાય છે! જગતમાં રહીએ છીએ તેથી જ જગત આપણું થઈ ચૂક્યું છે, એવું ભોળપણ સો ટકા સાચું જીવવા ઇચ્છનારને નહિ પરવડે.

મને એવો અનુભવ થતો રહ્યો છે કે દૃશ્યમાન જગતને કોઈ કાળ નથી. કાલિદાસ વાંચું છું તો એણે જોયેલી બલાકાપંક્તિ અને કુટજકુસુમો અને એણે બતાવેલાં એ પુષ્પો અને પંખીઓ વચ્ચે એક સેતુ રચાઈ જાય છે. આવા દરેક રચાતા સેતુથી જગત વધુ ને વધુ અખણ્ડ અને વિશાળ બનતું જાય છે. એક વાર જગતને વિસ્તારવાની આ પ્રવૃત્તિ શરૂ કર્યા પછી હૃદયને કૃપણ બનવા દેવાનું કોને ગમે? અનન્ત અને અસીમનો બીજો કોઈ અર્થ નથી. જો આપણે અવળી દિશા લઈને ચાલીએ તો જ સીમા સાથે માથું ભટકાય. કાફકા એની એક લાક્ષણિક દૃષ્ટાન્તકથામાં આ જ વાત સચોટ રીતે કહે છે : સામે સીડી જોઈ એટલે કુતૂહલ થયું – ઉપર ચઢીને જોઈએ તો ખરા કે ત્યાં શું છે? પછી તો એક પછી એક પગથિયું ચઢતો જ ગયો. એક પગથિયા પછી બીજું પગથિયું આવે, એટલે એ ચઢીને આગળ વધવું જ પડે. ત્યારે સમજાયું કે આગળ વધ્યે જવું એ જ આગળ વધવાનું લક્ષ્ય. એથી બીજા કશા ફળની પ્રાપ્તિ એમાં હોતી નથી. આ ‘ઉન્નતિ’ એ બીજી કશી ઉન્નતિનું સાધન બની રહેતી નથી.

ભાષાનું પણ એવું જ છે. ગમ્ભીર બનીને, ઘણાબધા વિચારોને પહોળા પાથરીને હું ભાષાનો વેપલો માંડી બેસું છું. પણ કોઈ વાર એવી ક્ષણો આવે છે જ્યારે નિરર્થક વાતો જ ચગતી હોય છે. બોલી ચૂક્યા પછી શું બન્યું તેનું સરવૈયું કાઢવાનું રહેતું નથી. સુખ કેવળ શબ્દો વડે આપણે હળવા થતા જઈએ છીએ તેનું જ હોય છે. ‘અમર વાણી’ એ મારે મન તો વદતોવ્યાઘાત જ છે. અમરતાની વાત માનવીને ખોટે પાયે ચઢાવવા માટેની જ છે. ખીલીને કરમાઈ જતાં ફૂલોની સૃષ્ટિમાં અમરતાનો ડાઘ છે? કોઈ ફૂલ અમરતાનો ભાર શી રીતે વહી શકવાનું હતું? આકાશ શૂન્યવત્ છે, પણ એની રમણીયતા એમાં જે ક્ષણિકની લીલા ચાલે છે તેને કારણે છે. સ્મરણ એ શાપ છે; એથી જે વીતી ચૂક્યું, સરી ગયું તેને સાચવી રાખવાનો લોભ થાય છે. પણ આપણે જાણીએ છીએ કે સ્મરણ કશું યથાવત્ જાળવી રાખી શકતું નથી. જો એ જે વીતી ચૂક્યું છે તેને એના એ જ રૂપે સાચવતું હોય તો એ પુનરાવર્તનનો આપણને કંટાળો આવવા માંડ્યો હોત. સ્મરણમાં રસ છે, કારણ કે એ નિમિત્તે થોડું નવીન આપણામાં, ભૂતકાળને ખસેડીને, પ્રવેશી જાય છે…

આઉલ સેવાન કહે છે, ‘બોલો, પણ હા અને નાને અવિચ્છિન્ન રાખીને બોલો.’ ભાષામાં આ બે છૂટા પડે છે ને જગત શતધા છિન્નવિચ્છિન્ન થઈ જાય છે. પછી આપણી બે આંખો જગતની વહેંચણી કરી નાખે છે. એક હોઠ હા બોલે કે તરત જ બીજો હોઠ ના બોલે છે. આમ વિરોધ ઊભો થાય છે, સંઘર્ષ થાય છે, ઉગ્રતા વધે છે. સંમતિનું સ્થાન સંદેહ અને પ્રશ્ન લે છે. આથી જ તો કહ્યું ને કે શબ્દ જેવું શસ્ત્ર નથી. તમે બોલો કે તરત જ જે અખણ્ડ હતું તેના બે ભાગ થઈ જાય; હૃદય છેદાઈ જાય. વેદનાનો જુવાળ બધે ફરી વળે, ઘણુંબધું લુપ્ત થઈ જાય. આથી એવો શબ્દ બોલવો જેથી બળતરા ન થાય, કશું છેદાય નહિ, શબ્દ બોલતાંની સાથે જાણે ઘટાદાર વૃક્ષ ઊભું થઈ જાય. શીળી છાયા વિસ્તરે; દુ:ખનો મધ્યાહ્ન તપતો હોય ત્યારે પણ છાયાનો આશ્રય મળી રહે.

હું શબ્દો સાંભળ્યે જવા એને મોટી સાધના ગણું છું. પાસેનો લીમડો ‘મને સાંભળો’ એમ કહીને કશું બોલતો નથી. ચંપાની કળી ખીલે છે ત્યારે ‘શ્રુણ્વન્તુ અમૃતસ્ય પુત્રા:’ કહીને કોઈ ઋષિની અદાથી કશો સંદેશ આપતી નથી. છતાં એના ન અડવાનો શબ્દ હું કાન માંડીને સાંભળું છું. વાદળ ખસતાં સૂર્ય બહાર આવે છે ને તડકાનો જે ધોધ વહી આવે છે તેને પણ હું સાંભળું છું. નિશાળિયાઓનાં પગલાંમાં ક્રીડાની ઉત્સુકતાનો ધ્વનિ છે તે પણ કાને પડે છે. પથ્થરોને મુખે થતો શાન્તિપાઠ પણ હું સાંભળું છું.

મારી નિદ્રાની ફળદ્રુપ ભૂમિમાં ધ્વનિનાં કણસલાં લહેરાય છે. એની મીઠી ખુશ્બોનો મને છાક ચઢે છે. સવારે શ્વાસમાં એની સુગન્ધ ભળેલી હોય છે. એ સમૃદ્ધિના ભારથી મારા શબ્દો સહેજ લચી પડે છે. મારા શબ્દોની આ ભંગિ જોઈને સાંભળનાર અચરજ પામે છે. પણ જે આ આબોહવાનો જીવ નથી તેને આ વાત શી રીતે સમજાવવી? શબ્દ સરખો પોષાયેલો નથી હોતો તો ફોતરાંની જેમ સહેજ ઝાપટ વાગતાં જ ઊડી જાય છે. ચિત્તની ક્ષિતિજો સુધી વિસ્તરેલી લહેરાતા શબ્દોની પંક્તિઓને જોઉં છું ત્યારે આમાંના થોડા હું જુદા ગાંઠે બાંધી લઉં એવી વૃત્તિ થતી નથી. કવિ સાથેની આત્મીયતા એ સહેલી વાત નથી. એમાં ઘણી અનાસક્તિની અપેક્ષા રહે છે. જેને ‘મારું મારું’ કહીને વળગી રહેતા હતા તેને અનેક યુગના કવિઓની વાણીમાં એકાકાર કરી દેવાને તત્પર રહેવું પડે છે.

વાહનોના ઘોંઘાટવાળા રસ્તેથી જનકોલાહલ વચ્ચેથી પસાર થતાં એકાએક ફુવારાનો શબ્દ, આકાશભણી ઉચ્ચારાયેલી લયબદ્ધ પ્રાર્થના જેવો, સંભળાય છે. ઘડીભર થંભીને એ શબ્દ સાંભળી લઉં છું. ઘણી વાર બેધ્યાનપણે રસ્તેથી ચાલી જતો હોઉં છું ત્યાં એકાએક રસ્તા પરના આંબાની મંજરીની સુગન્ધનાં સમ્બોધનો મારી પાછળ દોડે છે. મને મારા બેધ્યાનપણા બદલ શરમ આવે છે. આંખ પર વિશ્વાસ મૂકીને ચાલવાથી કોઈક વાર ભારે ખોટ જાય છે.

કોઈક વાર ઘરમાં સાવ એકલો જ હોઉં છું. થોડી વાર સુધી તો ઘરમાં વિસ્તરેલી શાન્તિનો ધ્વનિ સાંભળતો બેસી રહું છું પછી કાન દઈને સાંભળું છું. તો રસોડામાંનો એકધારો ટપકતો નળ સંભળાય છે. એ ટપકવામાં સંસ્કૃત છન્દના જેવી લયબદ્ધતા છે. એની પંક્તિઓ સમથળ વહ્યો જાય છે, ક્યાંય યતિભંગ થતો નથી. ક્યાંકથી ઉંદરના ચાલી રહેલા ષડયન્ત્રના અવાજો સંભળાય છે. ચકલાચકલીનો કલહ કર્કશ અવાજથી વાતાવરણને કલુષિત કરે છે. વાંચવા લીધેલી ડિટેક્ટિવ નવલકથામાંથી પિસ્તોલમાંથી ગોળી છૂટવાનો અવાજ સંભળાય છે. આમ થોડી જ વારમાં અવાજોની વસતીથી હું ઘેરાઈ જાઉં છું.

નિદ્રાના પાતળા પડને ભેદીને કોઈક વાર વિદાય લઈ ગયેલા વડીલોના શબ્દો મારા સુધી આવી પહોંચે છે : મધરાતે દાદાનો રેંટિયો એકધારું ગુંજે છે; જેનો ચહેરો ઓળખાતો નથી એવું કોઈક મારું બાળપણનું હુલામણું નામ બોલે છે. એકાએક કેટલાં બધાં વર્ષોનો ભાર મારા પરથી ઊતરી જાય છે. ખિસ્સામાં લખોટી રણકે છે, આંગળીને ટેરવે કાચા મરવાની વાસ છે. આજુબાજુની વનસૃષ્ટિની વાણીની ધારા ચારે બાજુ છલકાઈ ઊઠે છે.

આ બધું જગત હજી મારી દ્વારા અભિવ્યક્ત થવા ઝંખી રહ્યું છે. એથી જ તો મૌન સેવવાની વાત મને પરવડે એમ નથી. આદિવાસી નારીના ગળામાંના ચળકતા અલંકાર, સાંજની નિ:સ્તબ્ધતા વચ્ચે કોઈનો એકાએક સંભળાતો શબ્દ, અરે, છેક પાસેના ફૂલ પરથી ઊડી ગયેલું પતંગિયું. આ બધું શબ્દો મૂકી જાય છે. આ બધું ઉકેલી બતાવવાનું બાકી છે. આથી જ તો કોઈક વાર મારામાં જ ઊંડે ઊતરીને હું આ શબ્દરાજિ વચ્ચે વિહર્યા કરું છું. એથી હું મૌન સેવતો હોઉં એવો આભાસ ઉત્પન્ન થાય છે. પણ એ એક ભ્રાન્તિ છે. શબ્દોની માયા જ મારે માટે તો જગતને એક એવું સત્ય બનાવી દે છે જેને વારે વારે ઉચ્ચારવાનું ગમે છે.

28-1-80