પશ્યન્તી/સોલ્ઝેનિત્શિન અને રશિયા : 2


સોલ્ઝેનિત્શિન અને રશિયા : 2

સુરેશ જોષી

‘ધ ઓક એન્ડ ધ કાફ’ નામની સંસ્મરણાત્મક કૃતિમાં સોલ્ઝેનિત્શિને સરમુખત્યારશાહીમાં સર્જકને વેઠવી પડતી યન્ત્રણાઓનો સાચો ચિતાર આપ્યો છે. આપણે તો અભિવ્યક્તિની સ્વતન્ત્રતા ભોગવતા હોવા છતાં આ કે તે લાભની લાલચથી અમુક પ્રતિષ્ઠાનોનું કે સાહિત્યમાં ‘વગ’ ધરાવનારા વર્ગનું દાસત્વ કરવા સ્વેચ્છાએ તૈયાર થઈ જઈએ છીએ. સોલ્ઝેનિત્શિન કહે છે કે ભૂગર્ભ આન્દોલનોમાં ક્રાન્તિકારીઓ દેખાશે, લેખકો નહિ. સત્યને તાકતા સર્જકને માટે હંમેશાં જીવન દોહ્યાલું થઈ પડે છે. એમના જેવા લેખકોને અનેક જાતની પજવણીને સહી લેવાની રહે છે. લોકો બદનક્ષી કરે, તમને દ્વન્દ્વયુદ્ધ માટે પડકારે અને તમારા કૌટુમ્બિક જીવનને શીર્ણવિશીર્ણ કરી નાખે. આથિર્ક રીતે તો તારાજી વહોરી લેવાની આવે જ. જીવનભર, કશી રાહતની આશા વિનાની, નરી ગરીબાઈને વેઠવી પડે. ટોલ્સ્ટોય જેવા સત્યને તાકનારા લેખકોને કશાંની મણા નહોતી, પણ એમને અન્તરાત્માનો ચણચણાટ વેઠવાનો આવ્યો હતો.

આથી ભૂગર્ભમાં ચાલી જઈને, જગત તરફથી મળતી માન્યતાની આસક્તિ છોડી દઈને, એનાથી દૂર ભાગતા રહીને સર્જક તરીકેનો સ્વધર્મ સાચવીને જીવવું એ કપરું તો છે જ. રશિયામાં તો દરેક સત્યનિષ્ઠ સર્જકની આ જ નિયતિ છે. ઓગણીસમી સદીના આરમ્ભમાં મરણશરણ થઈ ગયેલા લેખક એલેકઝાન્ડર રેદિશેવે, એના સમયમાં પ્રચલિત ગુલામીની પ્રથાનો વિરોધ કર્યો હતો. એના પર દેશદ્રોહનો આરોપ મૂકીને એને સાઇબિરિયા ધકેલી દેવામાં આવ્યો હતો. એના જીવનનાં અન્તિમ વર્ષોમાં એ કંઈક મહત્ત્વનું લખતો હતો, પણ તે એણે શાણપણ વાપરીને સંતાડી રાખ્યું હતું. એ એવું તો સંતાડ્યું હતું કે આજે હવે એને કોઈ શોધી શકવાનું નથી! પુશ્કિને ‘યુજિન ઓનેજીન’ના દસમા પ્રકરણમાં ખૂબીથી વાત સંકેતો દ્વારા કહી દીધી હતી તે આજે તો સૌ કોઈ જાણે છે. પ્યોત્ર શાદાયેવ ધર્મચિન્તક ફિલસૂફ હતો. એણે વર્ષો સુધી ગુહ્યા સંકેતો યોજવાની પ્રવૃત્તિ આદરી હતી તે વાત આજે ઘણા જાણતા નથી. એણે પોતાની હસ્તપ્રતનાં પાનાં છૂટાં કરીને એક એક પાનું પોતાની લાયબ્રેરીમાં જુદાં જુદાં પુસ્તકોનાં પાનાં વચ્ચે મૂકી દીધું હતું. એ જમાનામાં એ ચાલી ગયું. કેજીબીની તપાસમાં આજે એવું કશું બચી નહિ શકે. આજે તો પુસ્તકોની પીઠને તોડીને એનું એકે એક પાનું છૂટું કરીને તપાસ કરવામાં આવે છે. આજે પુસ્તકોમાં કશું સંતાડવું સહીસલામતભર્યું નથી. ઝારના તપાસનીશોની દૃષ્ટિ એટલી ભેદક અને તીક્ષ્ણ નહોતી. શાદાયેવના મરણ પછી એનું પુસ્તકાલય તો અકબન્ધ જળવાઈ રહ્યું. કોઈને ખબર ન રહી અને પેલાં સંતાડેલાં પાનાં એમ ને એમ વર્ષો સુધી પડી રહ્યાં. આપણી સદીના બીજા દાયકામાં એ બધાં પાનાં હાથ લાગ્યાં. એ બધાને ક્રમમાં ગોઠવીને શેખોવ્સ્કીએ પ્રકાશન માટે તૈયાર કર્યા. પણ શેખોવ્સ્કીને કારાગારમાં ધકેલી દેવાયો. આજે પણ એ હસ્તપ્રત પુશ્કિન ગ્રંથાલયમાં સંતાડી રાખવામાં આવી છે. એને પ્રકાશિત કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે, કારણ કે એ લખાણ ‘રિએક્શનરી’ છે.

આમ શાદાયેવે એક નવો વિક્રમ સ્થાપ્યો છે. એનાં મરણ પછી, એકસો દસ વર્ષે એનાં લખાણ પ્રગટ થઈ શક્યાં નથી. એ પછી તો કંઈક મોકળાશ અનુભવાય એવો ગાળો આવી ગયો. રશિયન લેખકો ‘ટેબલનાં ખાનામાં જ પુરાઈ રહે’ એવું ત્યારે લખતા નહોતા. એઓ જે ધારે તે પ્રસિદ્ધ કરી શકતા હતા. એ લોકો એટલું તો મુક્તપણે લખતા હતા કે એ રાજ્ય પણ હચમચી ઊઠતું હતું. ઝાર સામે તિરસ્કાર જગાડનાર લેખકોને રશિયન સાહિત્યમાં પ્રોત્સાહન મળ્યું અને એનાથી પ્રેરાઈને આખરે ક્રાન્તિ કરવામાં આવી.

પણ ક્રાન્તિની ઉમ્મર વટાવી ચૂક્યા પછી સાહિત્ય પાછું થમ્ભી ગયું. ખુલ્લા આકાશ નીચે સૂર્યના ઉજ્જ્વળ પ્રકાશમાં એ પ્રગટપણે રહી શક્યું નહિ. ઘરની વળીમાં કે બે દીવાલ વચ્ચેની બખોલમાં એને સંતાઈ રહેવાના દિવસો આવ્યા. સોવિયેત લેખકો સમજી ગયા કે હવે બધું લખાણ સંતાડી રાખવાના દિવસો આવ્યા. પણ મરણ પહેલાં એમની કૃતિઓને પ્રકાશિત થયેલી જોવાની આશા એ લોકોએ છોડી દીધી નહોતી.

સોલ્ઝેનિત્શિનની ધરપકડ થઈ તે પહેલાં એને આ બધી વાતની પૂરેપૂરી જાણકારી નહોતી. સાહિત્યના ક્ષેત્રમાં એમનો પ્રવેશ, એક રીતે તો, આકસ્મિક જ હતો, સુનિયોજિત તો નહોતો જ. સાહિત્ય દ્વારા એમને શેની અપેક્ષા હતી તેની એમને પોતાને જ ખબર નહોતી. સાહિત્યને માટે એમણે શું કરવું જોઈએ તેની પણ એમને ઝાઝી ગતાગમ નહોતી.

વાર્તાઓ માટે નવા વિષયો શોધવાનું મુશ્કેલ લાગતું હતું. તેથી એઓ સહેજ હતાશ થયા હતા. જો કારાગારમાં જવાનું ન આવ્યું હોત તો એઓ કેવા પ્રકારના લેખક થયા હોત તેની એઓ કલ્પના પણ કરી શકતા નથી. લખવાનું એમણે ચાલુ રાખ્યું હોત એટલું જ માત્ર એમના મનમાં નક્કી હતું. છાવણીઓમાં અને કારાગારમાં બે વર્ષ ગાળી ચૂક્યા પછી તો એવા અસંખ્ય નવા વિષયો જોઈને જ હેબતાઈ ગયા! સાથે સાથે હવા અને પ્રકાશને જેટલી સાહજિકતાથી સ્વીકારવામાં આવે તેટલી જ સાહજિકતાથી એમણે એ વાત પણ સ્વીકારી લીધી કે હવે કોઈ એમનું કશું લખાણ પ્રસિદ્ધ કરવાની હામ ભીડશે નહિ, એટલું જ નહિ, એક પંક્તિમાત્ર એમના મરણને નોતરી લાવશે!

સહેજેય ખંચકાયા વિના, આન્તરિક સંઘર્ષ અનુભવ્યા વિના, એમણે સત્યને જ પ્રગટ કરવા મથનારા આધુનિક રશિયન લેખકને મળતો વારસો સ્વીકારી લીધો. ભવિષ્યની પ્રજા સત્ય જાણે તે માટે ગમે તે ભોગે લખવાનું ચાલુ રાખવું જ જોઈએ. આયુષ્ય દરમિયાન પોતાના દેશમાં એમની કૃતિઓ પ્રસિદ્ધ થાય એની આશા તો છોડી જ દેવાની રહી. એવી વાત તો સ્વપ્નમાં પણ લાવવાની નહિ. હવે સર્જન એ અહૈતુક સ્વપ્નવિહાર મટી ગયું. પોતાનું લખેલું એળે નહિ જાય એની એમને પાકી ખાતરી હતી. કોઈ કાળે તો એ દેશવાસીના હૃદયને ઢંઢોળીને જગાડશે, જેમની બુદ્ધિ જડ થઈ છે તેને આઘાત આપીને સચેત કરશે. જેઓ ચોરીછૂપીથી એ વાંચશે તેઓ એના મર્મને પામી લેશે. જીવનભર મૌન વહોરી લેવાનો એમને વસવસો નહોતો. ગુરુત્વાકર્ષણની પકડમાંથી પોતાના પગને નીચે ખેંચાતા બચાવી લેવાની જ એમની મથામણ હતી. છાવણીમાં, કારાગારમાં અને પછી હદપારીમાં એક પછી એક કૃતિઓ લખાતી ગઈ. વાર્તાઓ, નાટકો, કાવ્યો રચાતાં ગયાં. એ દરમિયાન એમના હૃદયમાં એક જ ઝંખના હતી : એ બધું કોઈની નજરે ન પડે એમ સાચવી રાખવું.

શ્રમછાવણીમાં કાગળ પર લખેલું તો સંતાડી રાખી શકાય એમ હતું જ નહિ. એક માત્ર રસ્તો હતો : બધું કણ્ઠસ્થ કરી લેવું જોઈએ. એ જ એમણે કરવા માંડ્યું. એમની સ્મરણશક્તિ વધુ ને વધુ સતેજ થતી ગઈ. એ માટે એમણે જાતજાતની તદબીરો અજમાવી જોઈ. પહેલાં બધું લખી નાંખીને ગોખી લેવા માંડ્યું. દરેક મહિને એક અઠવાડિયું તો એ બધું યાદ કરી લેવામાં જ જતું.

આમ છાવણીના દિવસો પૂરા થયા અને હદપારીના દિવસો શરૂ થયા. હદપારીની શરૂઆતમાં જ એઓ કેન્સરનો ભોગ બન્યા. ઓગણીસસો ત્રેપનમાં એમને લાગ્યું કે હવે એઓ થોડાક મહિના જ માત્ર કાઢી શકશે. પછી તો દાક્તરોએ પણ કહી દીધું કે બહુ બહુ તો ત્રણેક અઠવાડિયાં જ એઓ ખેંચી શકશે. આમ કવિતાની હજારો પંક્તિઓ અને બીજું બધું પોતે રચેલું સાહિત્ય જીવનના અન્ત સાથે નષ્ટ થવાની ભીતિ એમને ઘેરી વળી. એમના જીવનનો આ ગાળો સૌથી કપરો હતો. સ્વતન્ત્રતાના ઉમ્બર પર પગ મૂકતાં જ મરણને ભેટવાનો વારો આવ્યો. જીવનને સાર્થક બનાવનાર બધું સાહિત્ય પણ પોતાની જ સાથે ખતમ થાય તે જોવાનું રહ્યું! સોવિયેત ટપાલખાતાની આકરી સેન્સરશિપને કારણે મદદ માટે ક્યાંય ધા નાખવાનું પણ અશક્ય બની રહ્યું. કોઈ જલદી જલદી એમની પાસે પહોંચી જાય, એમનું કણ્ઠસ્થ સાહિત્ય ઉતારી લે અને બચાવી લે એવી એમની ઉગ્ર ઝંખના હતી. કોઈ અજાણ્યાને તો આ માટે કરગરવાનો કશો અર્થ નહોતો. મિત્રો તો બધા શ્રમ છાવણીઓમાં જ હતા. મા મરી પરવારી હતી, પત્ની બીજાને પરણી ચૂકી હતી.

છેલ્લાં જે અઠવાડિયાં બચ્યાં હતાં તે દરમિયાન નિશાળમાં શિક્ષક તરીકેનું કામ તો કરવાનું જ હતું. પણ સાંજે અને રાતે રોગને કારણે થતા દર્દને લીધે જાગતા રહેવું પડતું. એ દરમિયાન જે કણ્ઠસ્થ હતું તે બધું કાગળ પર ઉતારી લેવાનો મરણિયો પ્રયાસ એમણે કર્યો. એ કાગળોના વીંટા વાળી દીધા અને એને ભૂંગળીઓમાં મૂકી દઈને શેમ્પેઇનની બાટલીઓમાં સંતાડી દીધા. એ બાટલી બાગમાં દાટી દીધી. આટલું કર્યા પછી નવા બેસતા વર્ષને અને મરણને આવકારવા એઓ તાશકંદ ગયા.

પણ ચમત્કાર થયો. કેન્સરની પ્રાણઘાતક ગાંઠ હોવા છતાં એઓ બચી ગયા. એમને મતે એ દૈવી ચમત્કાર જ હતો. એનો બીજો કશો ખુલાસો આપી શકાય એમ છે જ નહિ. ‘આ પછીનું મને મળેલું આયુષ્ય મારું નથી, એ એક ઉદાત્ત હેતુને સમપિર્ત થઈ ચૂક્યું છે.’ એવું એમણે કહ્યું છે. એ વસન્ત ઋતુમાં એમને નવા જીવનની બક્ષિસ મળી તે એમણે અનેરા હર્ષોન્માદથી સ્વીકારી. તેમ છતાં એમને એવું તો લાગતું જ હતું કે વધુમાં વધુ બીજાં બે એક વર્ષ ખેંચી કાઢી શકાશે. આ દરમિયાન એમણે ‘ધ રિપબ્લિક ઓફ લેબર’ નામનું પુસ્તક લખ્યું. એને એમણે કણ્ઠસ્થ કર્યું નહિ. ગોખતા જઈને ધીમે ધીમે પોતાને જ હાથે ક્રમશ: હસ્તપ્રતને ચાવતા જવાની યાતનામાંથી એઓ પહેલી વાર છૂટ્યા. પુસ્તકને છેડે ‘સમાપ્ત’ લખવાની આનન્દની ક્ષણ પહેલી વાર આવી. આખી કૃતિ પહેલી વાર પહેલેથી તે છેલ્લે સુધી પોતે જોઈ શક્યા. એને ફરી ફરી સુધારીને મઠારી. ફરીથી એની નકલ કરી. આ બધું કરવાનો આનન્દ કાંઈ જેવો તેવો નહોતો.

4-1-82