પશ્યન્તી/સોલ્ઝેનિત્શિન અને રશિયા : 3


સોલ્ઝેનિત્શિન અને રશિયા : 3

સુરેશ જોષી

સોલ્ઝેનિત્શિન માટે બીજો પ્રશ્ન ઊભો થયો : મુસદ્દાઓની નકલોનો નાશ કર્યા પછી આખરી લખાણને શી રીતે સાચવી રાખવું? આ સમ્બન્ધે કેટલાંક મળેલાં સૂચનો તથા બહારથી આકસ્મિક આવી મળેલી મદદને કારણે ઉપાય સૂઝ્યો : લખાણને સંતાડવાની જગ્યાઓ બખોલ પાડીને તૈયાર કરવી. આ કાર્યમાં એઓ ધીમે ધીમે નિષ્ણાત થઈ ગયા. એ જગ્યા એવી હોવી જોઈએ કે કોઈ ત્યાંથી લખાણની ચોરી કરે નહિ કે વખતોવખત થતી પોલિસની તપાસમાં એ પકડાઈ જાય નહિ. નિશાળમાં શિક્ષણનું કામ, શાળાસંચાલનનું વહીવટીકામ તથા જાતે રાંધવાનું અને બીજું ઘરકામ (છૂપી રીતે લખવું હોય તો પરિણીત જીવન પરવડે નહિ!) આ બધાંમાં ઘણો સમય નીકળી જતો. ભૂગર્ભમાં લેખનપ્રવૃત્તિ કરવી તે જ ઘણું અઘરું હતું, તેમાં વળી એને લખીને સંતાડવાની કળા પણ શીખવાની રહી.

એક કામ બીજું કામ શીખવાડે : હસ્તપ્રતોની માઇક્રોફિલ્મ ઉતારવાનું જાતે શીખી લેવું પડ્યું. સંજોગો એવા કે વીજળીનો ગોળો તો હોય જ નહિ ને સૂર્ય આખો દિવસ પ્રકાશે, એક ક્ષણ પૂરતો પણ વાદળથી ઢંકાય નહિ. એ માઇક્રોફિલ્મને ચોપડીનાં પૂઠાંની અંદર સંતાડીને અમેરિકા વસતાં એલેકઝાન્ડ્રા ટોલ્સ્ટોયને મોકલવામાં આવતી. બીજા કોઈને એઓ પશ્ચિમમાં ઓળખતા નહોતા. કોઈ પ્રકાશકનો પણ એમને પરિચય નહોતો. પણ ટોલ્સ્ટોયની દીકરી મદદ કરવાની ના તો નહિ જ પાડે એવી એમને ખાતરી હતી.

ભૂગર્ભમાં સંતાઈને પ્રવૃત્તિ કરનારા કે યુદ્ધની આગલી હરોળમાં રહેનારા વિશે એમણે ઘણી વાતો કિશોરાવસ્થામાં વાંચેલી. આટલી બધી હિમ્મત એ લોકોમાં શી રીતે આવતી હશે એવો ત્યારે પ્રશ્ન હતો. એટલું બધું વેઠવાની એમનામાં શક્તિ હશે કે કેમ એવો વિચાર એમને ઘણી વાર આવતો. ત્રીસીના ગાળામાં મારિયા એરિક રેમાર્કની નવલકથા ‘ઓલ ક્વાયેટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટ’ વાંચેલી ત્યારે આવા જ વિચારો આવેલા. પણ એ બધું જ્યારે એમને કરવાનું આવ્યું ત્યારે લાગ્યું કે એ એટલું કપરું નહોતું. પછી ધીમે ધીમે એવી વિકટ પરિસ્થિતિ પણ કોઠે પડતી જાય, પછી એમ લાગવા માંડે કે લેખકો એને વધારે ભયંકર બનાવીને વર્ણવતા હોય છે.

ભૂગર્ભમાં કામ કરનારાઓ વિશે પણ એવું જ બનતું હોય છે. કોઈ ભોંયરામાં જઈને લાલ ફાનસને અજવાળે કાળો બુરખો પહેરીને પોતાના લોહીથી લખીને આતંકવાદીની પ્રવૃત્તિમાં જોડાવાની વાત આપણને ડરાવે એવી છે. પણ કુટુમ્બજીવનમાંથી જે લાંબા વખતથી દૂર ફેંકાઈ ગયો છે; સુદૃઢ જીવનની રચના કરવા માટે જેની પાસે નક્કર પાયા જેવું કશું નથી, જેની પાસે પોતાના આન્તરિક જીવન સિવાયનું કશું બચ્યું નથી તે તો આવશ્યકતાનો માર્યો સંતાવાની જગ્યા, બહાર સમ્પર્કો સ્થાપવાની, સાંકેતિક ભાષા ઉપજાવવાની, લોકોને નવાં નામો પાડીને ઓળખવાની ને એવી ઘણી બધી કળા આપમેળે શીખતો જાય. આખરે એને પોતાને આટલા લાંબા સમય સુધી ભૂગર્ભ પ્રવૃત્તિ કરતાં કરતાં સલામત રહ્યા બદલ આશ્ચર્ય થાય. રાજકીય કારણોસર ભૂગર્ભમાં જવાનું તો પ્રચલિત હતું, પણ સાહિત્યિક કારણોસર ભૂગર્ભમાં જવાનો આ નવો જ અનુભવ હતો!

વર્ષો વીતતા ગયાં. હદપારીનો ગાળો પણ પૂરો થયો. પછી સોલ્ઝેનિત્શિન મધ્ય રશિયા ગયા, પરણ્યા અને સામાજિક જીવનમાં સ્થિર થયા. એ જીવન સામાન્ય સુખસગવડવાળું હતું, પણ સરકાર સાથે ઉત્તરોત્તર સમાધાન કર્યે જવાની પરિસ્થિતિ ઊભી થતી જાય. પણ આ દરમિયાન એઓ એમના શિક્ષક તરીકેના જીવનથી ટેવાઈ ગયા હતા અને લખવાની ભૂગર્ભ પ્રવૃત્તિ પણ ચાલુ જ રહી હતી. કેટલીક સમસ્યાઓ ઊભી તો થતી જ હતી : લખાણના કયા મુસદ્દાને આખરી ગણવો, લખાણ ક્યારે પૂરું કરવું, કેટલી નકલ કરવી, કેવું ટાઇપરાઇટર વાપરવું, નકલો ક્યાં સંતાડી રાખવી – આ બધાંનો તો વિચાર કરવાનો રહેતો જ હતો. કૃતિ પૂરી કર્યા પછી નિરાંતે આનન્દપૂર્વક એને જોઈને સન્તોષ અનુભવનાર સર્જકના કરતાં એમની સ્થિતિ જુદી જ હતી. એમને તો આ બધું રુદ્ધ શ્વાસે કરવું પડતું; ઘણીબધી ગણતરી કરવી પડતી, તાત્કાલિક નિર્ણયો લેવા પડતા. ધીમે ધીમે લખાણ વધતું જતું ને એને ક્યાં, કેવી રીતે સંતાડીને મોકલવું તેની ચિન્તા સતત રહ્યા કરતી. લખાણનું કદ મોટી સમસ્યા ઊભી કરતું હતું.

એઓ લખાણ બહુ જ ઝીણા અક્ષરે લખતા. એમની આંખો હજી સાબૂત હતી. લખવા માટે ખૂબ પાતળા કાગળ વાપરવા પાડતા. કાચા મુસદ્દાઓનો તરત જ નિકાલ કરી નાખવામાં આવતો; બે પંક્તિ વચ્ચે ઓછામાં ઓછી જગ્યા રાખીને કાગળની બંને બાજુએ ટાઇપ કરવામાં આવતું. માઇક્રોફિલ્મ તૈયાર થાય એટલે મૂળ નકલનો બાળીને નાશ કરવામાં આવતો. નાશ કરવા અગ્નિ સિવાય બીજા કશાના પર વિશ્વાસ રાખી શકાય એમ હતું નહિ. આ જ રીતે એમની નવલકથા ‘ધ ફર્સ્ટ સર્કલ’ તેમ જ ‘વન-ડે’ લખાઈ હતી. ‘ટેન્કસ નો ધ ટ્રુથ’ ફિલ્મની વાર્તા પણ એ જ રીતે લખાઈ હતી. આ સમ્બન્ધમાં એમણે લખ્યું છે : ‘મારી મૂળ ફિલ્મ સ્ક્રીપ્ટનો મેં નાશ કર્યો ત્યારે હું ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડ્યો હતો. એ અમુક વિશિષ્ટ સંજોગોમાં રચાઈ હતી. પણ એક સાંજે ચિન્તાતુર બનીને મેં એને બાળી નાખી. મારા ઓરડાને ગરમ રાખવા માટે ચૂલો હતો, એટલે એ કામ અઘરું નહોતું. જો ઓરડાને ગરમ રાખવાની વીજળીની વ્યવસ્થા હોત તો એ અઘરું થઈ પડત.’

આ પૈકીની કેટલીક સાવધાની રાખવાનું પાછળથી બિનજરૂરી લાગ્યું હતું, પણ ઈશ્વર મહેનતુને જ મદદ કરે છે. ‘કે.જી.બી. એકાએક મારા ઘર પર જ છાપો મારે તે બહુ સમ્ભવિત નહોતું; કારણ કે મારા જેવા, શ્રમછાવણીમાં રહી આવેલા તો અસંખ્ય લોકો હતા. પણ પેલી કહેવત છે ને, ‘લક્કડખોદ જંગલમાં છુપાઈ તો શકે, પણ એની ચાંચ એને છતો કરી દે.’ આ કહેવતમાંની ચેતવણી હું સમજીને તે પ્રમાણે વર્તતો હતો.’

એમણે આખું જીવન આ ધ્યાનમાં રાખીને જ ગોઠવવું પડ્યું હતું. એઓ જ્યાં રહેતા હતા ત્યાં એમણે કોઈ જોડે મૈત્રી કેળવી નહોતી. કોઈને એઓ ઘરે આવવાને નિમન્ત્રણ આપતા નહોતા કે કોઈનું નિમન્ત્રણ સ્વીકારતા નહોતા. એવું કરે તો પછી એમને કશાંને માટે સહેજેય સમય નહોતો એવું બહાનું ટકી રહે નહિ. કોઈ ઘરમાં આવીને એકાદ કાપલી જોઈ જાય કે કોઈને સંતાડવાની જગ્યાની ભાળ મળી જાય તે કોઈ રીતેય એમને પરવડે એવું નહોતું. એમનાં પત્ની પણ આ બધા નિયમોનું આકરું પાલન કરતાં હતાં. સાથે કામ કરનારાઓને પણ એઓ પોતાના શોખ વિશે ખાસ કશું જાણવા દેતા નહિ. એમની આગળ તો પોતે સાહિત્ય ને એવી તેવી વાતો પરત્વે સાવ ઉદાસીન છે એવું જ બતાવતા. ઓગણીસસો પિસતાળીસમાં એમની ધરપકડ થઈ ત્યારે રાજ્યની વિરુદ્ધની સાહિત્યિક પ્રવૃત્તિઓ ચલાવવાનો એમના પર આરોપ મૂકવામાં આવ્યો હતો. આથી સાવધ રહેવું જરૂરી હતું, કારણ કે કદાચ કે.જી.બી.ની નજર એમના પર સદા મંડાયેલી જ હતી. એમને મૂરખ, મિથ્યાભિમાની, તોછડા અને લોભી સરકારી અધિકારીઓ સાથે પ્રસંગ પડતા હતા. યોગ્ય કારણસર એમને પડકારીને જરૂરી કારવાઈ કરવાનું પણ શક્ય હતું. પણ એ એમને માટે શક્ય નહોતું. એમણે તો આદર્શ સોવિયેત નાગરિક હોવાનો દેખાડો કરીને જ જીવવાનું હતું. બધી જ દાદાગીરી અને મૂર્ખામી સહી લેવાની હતી.

રશિયન ભાષામાં કહેવત છે કે જે ભૂંડ નીચે મોઢે ચરે છે તે ઊંડાં મૂળ ખાઈ શકે છે. પણ એમ કરવું સોલ્ઝેનિત્શિનને માટે સહેલું નહોતું. એઓ જાણે હજી શ્રમછાવણીમાં જ હતા એવી રીતે જીવતા હતા. એમનો આ સામેનો રોષ એઓ જે લખી રહ્યા હતા તેમાં ઠાલવી શકાય એમ હતું, પણ કવિતામાં એવું કરીએ તો કવિતાને અન્યાય થાય. કાવ્યનું ગૌરવ કરવા માટે એવા બધા લાગણીના ઊભરાથી બચીને તટસ્થ રહેવું જરૂરી હતું. વર્તમાન નહિ પણ શાશ્વતીને સર્જકે નજર સામે રાખવાની હોય છે. ગમે તે સ્થિતિમાં પોતાનું લખવાનું કામ કર્યે જવાની હવે એમને ટેવ પડી ગઈ હતી. એમને સમય બહુ ઓેછો મળતો, મનને ખરેખર ઝાઝી શાન્તિ નહોતી મળતી. એવા સંજોગોમાં સમૃદ્ધ અને એશઆરામ માણનારા લેખકો રેડિયો પરથી શ્રમિકોને પોતાની શક્તિ કેન્દ્રિત કરીને વધારેમાં વધારે કામ શી રીતે કરવું તેની સૂચના આપતા તે સાંભળીને એમને હસવું આવતું. મનોવિનોદ માટે ફાંફાં માર્યા વગર, ગમે તે સ્થિતિમાં લખ્યે જવું એ જ એમને મન સૌથી મહત્ત્વની વાત હતી.

હદપારીમાંથી મુક્તિ મેળવ્યા પછી નાની નાની વાતથી એમનું મન અકળાઈ ઊઠતું. રેડિયાનો ઘોંઘાટ, લોકો વાતોના તડાકા મારે તેનો અવાજ આ બધું એમને અકળાવી મૂકતું. બારી આગળથી સતત લોરીઓનો પસાર થવાનો અવાજ આવ્યા કરતો. આ દરમિયાન જ ફિલ્મ માટે સિનેરિયો લખવાની કળા એમણે સિદ્ધ કરી. એમને માત્ર એક કે બે કલાકના મુક્ત સમયની આવશ્યકતા હતી. ઈશ્વરનો પાડ કે એમની સર્જકશક્તિમાં ઓટ આવી નહોતી કે એઓ આવા પ્રતિકૂળ સંજોગોમાં હતાશાને વશ થયા નહોતા.

આ બાર વર્ષ દરમિયાન એમનું મન, આ સર્જનપ્રવૃત્તિને કારણે, હંમેશાં આનન્દમાં રહેતું એમ કહી શકાય. એ દરમિયાન સરકારી સાહિત્યિક પ્રતિષ્ઠાનો તરફથી દળદાર સામયિકો, પાકાં પૂઠાંની નવલકથાઓ, સંખ્યાબંધ સંકલનો બહાર પડ્યે જતાં હતાં. લેખકોને સરકાર પારિતોષિકોની વહેંચણી પણ કર્યે જતી હતી. આ બધું હંમેશાં એમને અવાસ્તવિક લાગ્યા કરતું હતું. એ બધાંને પહોંચી વળવા એઓ ખોટી શક્તિ બરબાદ કરતા નહોતા. એવા સંજોગોમાં શક્તિશાળી સર્જક બહાર ન જ આવે એવું તો નહોતું, પણ એ તરત જ તન્ત્રનો ભોગ બનીને કેવળ સરકારની સાહિત્યિક નીતિનો સમર્થક બની જતો. એ બધાંથી અકળાઈ ઊઠવાનો પણ કશો અર્થ નહોતો. પણ બધું વન્ધ્ય ભૂમિમાં ધાન્ય ઉગાડવા જેવું હતું. એમાં કશું પરિણતિને પામે એવી શક્યતા નહોતી. જે સત્ય એ લેખકોને નજર સામે સ્પષ્ટ દેખાતું હતું તેને દબાવી દેવું પડતું હતું. સત્યથી દૂર રહેવાનું જાણે એમણે વ્રત લીધું હતું.

એમને એક બીજી વાતની પણ પ્રતીતિ હતી કે એમના જેવા હઠીલા, અડગ બીજા ઘણા લેખકો હતા, જેઓ એમની જેમ જ ભૂગર્ભમાં સર્જનપ્રવૃત્તિ ચલાવી રહ્યા હતા. એ બધા આત્મપ્રતિષ્ઠા જાળવીને, અંતરાત્માના અવાજને વશ વર્તીને સર્જનકર્મ આગળ ધપાવી રહ્યા હતા. એ લોકો જે સત્યને પ્રગટ કરવા માટે આટલું મોટું જોખમ ખેડી રહ્યા હતા તે સત્ય કાંઈ કારાગારો, દેહાતદણ્ડની શિક્ષાઓ, શ્રમછાવણીઓ કે હદપારીના બનાવો પૂરતું જ મર્યાદિત નહોતું; પણ એની સામે આંખમીંચામણા કરવાનું પરવડે તેમ નહોતું. આ બધા ભૂગર્ભના લેખકો શ્વાસ રૂંધતા વાતાવરણમાં લખી રહ્યા હતા. એઓ એકબીજાને મળી શકતા નહોતા. એ બધાને મનમાં આશા તો છે જ કે સમય આવશે ત્યારે આ એકલવાયાપણાના ઊંડાણમાંથી એઓ બધા બહાર આવશે. કદાચ એઓ અને એમનું લખાણ મરણ પછી જ પ્રગટ થાય એમ બને. તેમ છતાં મિત્રો એમના અક્ષરદેહને સાચવી રાખશે એવી તેમને શ્રદ્ધા છે જ. એ સાહિત્યથી માનવતા જાગે ને માનવ્યનું ગૌરવ ગમે તે ભોગે સાચવવા કટિબદ્ધ થાય તો એમને ન્યાય થાય.

11-1-82