પુનરપિ/ઉતાવળું શુભ


ઉતાવળું શુભ

બળવો કર્યો!
જે ધ્વજ નીચે હતો સર્યો
ફરી ઊઠતાં કરમાં ધર્યો: દુશ્મન થથર્યો.
થથર્યું પણ ના કર્મ.
શુભ કામના ઊણી પડતી
નિચોડવા ભાવિનો મર્મ.

લડવૈયાની સૂતી કતાર
આંકેલી ઇતિહાસે હાર;
મર્મે સૂતેલાં સૌ હસતાં:
કદીક હારનો વિજય થનાર.
વિધિને મન કાચું કાપ્યું.
શત્રુબળ જ્યાં વણમાપ્યું
પડઘા જેવો છે પડકાર.

તારો ખર્યો.
બળવો મર્યો
ધરણીપટ ઓઢી, દેહ સડાવી થાવા ખાત.
(વિભાવરીનો ગર્ભપાત એ નવલ પ્રભાત)
હારનાર લલાટે રેખા બનવાની વિજયીના તાત.
ઉતાવળું શુભ: ક્યારેક્યારે
વિશ્વક્રમને નકી નડ્યું.
કાળ-આંકને ગડિયે જે-જે ખડ્યું
પથ્થર પેટે જઈને પડ્યું.
ઈંટઈંટમાં મરણ જડ્યું,
અંતે તે પર કળશ ચડે,
પ્રભુની નીલમ પાની જેવા
વ્યોમે ઊંચે જઈને અડે.

તમે કર્યું તે તમે કર્યું!
અમે કર્યું તે અમને વર્યું;
એક શતકને પાછે પગલે
તમને આજે પાછું ધર્યું
તમે હતું જે કર્યું શરૂ.

કાચું કાપ્યું?
નસીબદારના ખોળે પડતું
સ્વયંભૂ જે ફળ પાક્યું.

16-8-’57
1957 બળવાની શતાબ્દી