પુનરપિ/2. ભાષાવટો : પશ્ચિમની દીક્ષા
એક પ્રશ્ન થાય છે — સર્જકે પરદેશ શા માટે જવું જોઈએ? તેથી તેની સર્જનપ્રવૃત્તિને કઈ રીતે વધુ પોષણ મળે છે? એનો ઉત્તર મળે છે કે સર્જનને સમૃદ્ધ કરવા સર્જકે પરદેશ જવાની જરૂર નથી. બર્નાર્ડ શોએ કહ્યું છે કે સર્જક ઘરમાં બેસીને આખી સૃષ્ટિને સૂક્ષ્મ નજરે નીરખી શકે છે. અલબત્ત, આનો વિશેષ આધાર સર્જકની સંવેદનશીલતા ઉપર છે. સર્જક જો સમાજના પ્રવાહો, આંતરપ્રવાહો અને વિરોધાભાસી પ્રવાહોની સાથે એકરૂપ થઈ શકે, તો એણે પોતાનો ઉંબરો છોડવાની જરાય જરૂર નથી. માત્ર પરદેશગમન કોઈ પણ વ્યક્તિને વધુ સારો સર્જક ન બનાવી શકે. પણ જો વ્યક્તિમાં પોતામાં કાંઈ અંદર હોય, તે વિકાસશીલ રહેવાની સતત જાગૃતિ સેવતી હોય, જો અન્યના અનુભવો અને પ્રયોગોનો તે લાભ લઈ શકતી હોય તો પરદેશગમન તેની સર્જનપ્રવૃત્તિને જરૂર પોષક નીવડી શકે અને તો તે વધુ સારો કવિ કે નાટકકાર બની શકે પણ ખરો! હું ગુજરાતમાંથી અમેરિકા ગયો તે પહેલાં જ ગુજરાતમાંના કેટલાક મિત્રોએ મારા સર્જનને સત્કાર્યું હતું. અઢાર વર્ષની નાનકડી વયે મારું પ્રથમ પુસ્તક પ્રગટ થયેલું. મને એક આશાસ્પદ છોડ તરીકે સ્વીકારવામાં આવેલો. અહીંના મિત્રોએ મને વખાણેલો. આને કારણે એક મનસ્વી અને આત્મકેન્દ્રિત યુવાન તરીકે હું અમેરિકા પહોંચ્યો. તેથી મને મારા લેખનમાં અતિવિશ્વાસ હતો, પણ ત્યાં મારાથી લખાયેલો પહેલો લેખ તરત પ્રગટ ન કરી શકાયો. તેને પ્રસિદ્ધ કરવામાં સારો એવો સમય ગયો. ત્યાં ક્ષેત્ર વિશાળ એટલે હરીફાઈ પણ તીવ્ર. મારા કહેવાનો ભાવાર્થ એ નથી કે આપણે અહીં એક ખૂણામાં છીએ કે ગુજરાત ખૂણામાં પડ્યું છે કે આપણી પ્રવૃત્તિઓ સંકુચિત છે પણ હું કહેવા એ માગું છું કે અંગ્રેજી સાહિત્યની દુનિયા અનેક ગણી વિશાળ છે. આ ભેદ હું જાણીબૂઝીને કરું છું. કારણ કે આમ તો પ્રત્યેક બિંદુમાં સૃષ્ટિ સમાયેલી છે. પશ્ચિમમાં પ્રતિષ્ઠા પામતાં ઘણો સમય લાગે છે, દરેક ક્ષેત્રમાં, દરેક વ્યક્તિને. આજે અમેરિકા એક એવો દેશ બની રહ્યો છે કે જેની સામે આખુંયે જગત જુએ છે. અને વિજ્ઞાન, કળા એ સાહિત્યમાં જગત તેની પાસે વિશેષ અપેક્ષા રાખે છે. તેમ જ દરેક મહત્ત્વાકાંક્ષીને પોતાને માટે અમેરિકામાં મોટું બજાર દેખાય છે. જોકે રશિયા હવે સ્પર્ધામાં ઝડપથી સરસાઈ કરી રહ્યું છે. પરંતુ અત્યાર સુધી અમેરિકા મોખરે રહ્યું છે અને વળી તે દેશની ભાષા આપણને સરળ પડે છે. પોલૅન્ડનો લેખક હોય તે પણ અમેરિકામાં તેની કૃતિનું ભાષાંતર કરાવવાનું ઇચ્છશે અથવા ત્યાં વસવાટ કરવાનું ઇચ્છશે. ઘણા ભારતીયોની પણ એ મહેચ્છા હોય છે અને આથી ત્યાં શું કળાક્ષેત્રે કે શું સાહિત્યક્ષેત્રે, શું રાજકારણમાં કે શું વ્યાપારમાં, તીવ્ર સ્પર્ધા અનુભવવી પડે છે. સાહિત્યક્ષેત્રે પણ આ જ અનુભવ છે. અમેરિકામાં આજે સાહિત્યનું ગદ્યસ્વરૂપ ખૂબ વિકસી રહ્યું છે. ઉત્તમ ગદ્યમાં જ પરદેશી સાહિત્યકૃતિનાં ઉત્તમ ભાષાંતરો પ્રાપ્ય બની શકે. અમેરિકામાં આજે તે પ્રવૃત્તિ પણ ચાલી રહી છે. નવલકથા, નાટક અને નિબંધો માટે આ પ્રવૃત્તિ પોષક બને છે, પણ કાવ્યમાં ભાષાંતરની પ્રવૃત્તિ કાવ્યકૃતિના પ્રાણનો સહેલાઈથી સંચાર કરી શકતી નથી, તેથી એ દિશા બહુ ખીલી નથી. અંગ્રેજીમાં કવિતાના સર્વસફળ અનુવાદો જો થયા હોય તો તે મારે મન ત્રણ : કંગિ જેઇમ્સ બાઇબલ; ઉમર ખય્યામની ‘રુબાયત’નું ફીટસ્જેરલ્ડે કરેલું ભાષાંતર; ટાગોરની ‘ગીતાંજલિ’. પણ એ ત્રણેય ભાવાનુવાદો છે, અનુવાદો નથી. રણવગડામાં એરંડો પ્રધાન. જો સામાન્યતર ઝાંખરાનું કદ સાત ફૂટ હોય તો વીસ ફૂટનો લીમડો સૌની નજરે ચડે. પણ જો સામાન્યતર ઝાડવાંનું કદ વીસ ફૂટનું હોય તો ધ્યાન ખેંચવા માટે, પ્રતિષ્ઠા માટે, ચાલીસ ફૂટની નાળિયેરી જોઈએ. જે પ્રજાનું સરેરાશ બૌદ્ધિક કદ નાનું, તે પ્રજાના કવિઓ અને નાટ્યકારોનાં કદ પણ નાનાં; સરેરાશથી બેચાર ફૂટ વધુ હોય એટલું જ! આમાં અપવાદો જરૂર હોય. પણ જે પ્રજાનું સરેરાશ સાહિત્યક કદ ઊંચું, તે પ્રજાના સર્જકોનું કદ જાજરમાન. માટે તો આપણે ગૌરવ લઈએ છીએ તેવાં પુસ્તકો અંગ્રેજીમાં ભાષાંતર થતાં ફીકાં પડી જાય છે પણ અંગ્રેજી કે રશિયન કે ફ્રેન્ચ પુસ્તકોનાં ગુજરાતી, બંગાળી કે હિંદી ભાષાંતરો પણ આપણને મુગ્ધ કરી મૂકે છે. સાહિત્યનું ક્ષેત્ર જેટલું વિશાળ અને ખેડાયેલું તેટલું કદ વધે સાહિત્યકારનું. ભાષાના મહાન ખેડાણ વચ્ચે અને મહાકાવ્યના પ્રાદુર્ભાવ વચ્ચે સંબંધ છે. વાચસ્પતિને પણ વાચા તો જોઈએ ને. એટલે તો અંગ્રેજી ભાષામાં અંગ્રેજ જે દેશોની ભાષા છે તે દેશોમાં જે-જે હિંદી સાહિત્યકારોએ નામના મેળવી છે તેઓને માટે મને સવિશેષ માન છે. અમેરિકનો માટે એક વાત કબૂલવી જોઈએ. નાતજાતના વાડા કરતાંય સાહિત્યકારોના વાડા વધુ સંકુચિત; મરાઠી માતાને પેટે જન્મેલા કાકા કાલેલકર ગુજરાતીના પ્રખર ગદ્યકાર બની શકે એ વસ્તુસ્થિતિ સ્વીકારતાં 1930ના ગાળાના આપણા પીઢ સાહિત્યકારોને વાર લાગેલી. હવે એમની મરાઠી ઉપરની જમાવટ વિષે મહારાષ્ટ્રીયનોને શંકા થાય છે. એક ગુજરાતી બંગાળીમાં કેમ ખીલી શકે? અરે, અંગ્રેજો પણ એમ માને છે કે કોઈ પરદેશી અંગ્રેજીનો નિષ્ણાત ન બની શકે — એક જોસેફ કોનરાડના અપવાદ સિવાય. આ સ્થિતિ ધીરેધીરે ઇંગ્લૅન્ડમાં તથા બીજા દેશોમાં બદલાઈ રહી છે એ ખરું. માત્ર અમેરિકી સાહિત્યે વાડો બાંધ્યો નથી. એને ચોરે સૌ કોઈ આવીને બેસી શકે, જો શક્તિ હોય તો. ઘણા દેશોના ખીચડામાંથી જેમ અમેરિકન પ્રજા એક સબળ પ્રજા તરીકે જન્મી છે, તેમ જ ઘણી ભાષાઓના સાહિત્યકારોના ખીચડામાંથી અમેરિકન સાહિત્ય એક અનોખું વ્યક્તિત્વ પ્રાપ્ત કરી ચૂક્યું છે. હું તો માનું છું કે મારી જે કંઈ નાનીસૂની સર્જનશક્તિ હતી, તેને પરદેશગમનથી પ્રોત્સાહન મળ્યું છે, વિચારફલક વિસ્તૃત અને વ્યાપક બન્યો છે. શબ્દો અને ભાવનામૂર્તિઓ વધુ ચોક્કસ બન્યા છે. અભિવ્યંજનાના નવા કીમિયા હાથ લાગ્યા છે, અને બહુ થોડું લખવાની, જે થોડું લખ્યું તેને વારંવાર લખી સચોટ બનાવવાની અને આપણે જે કંઈ લખીએ તે છાપનારા મળી જ રહેવાના છે એવા વિશ્વાસને કારણે ‘હાંક્યે રાખો’ વાળી બેદરકારીને નાથવાની વૃત્તિ વગેરે મને સાંપડ્યાં છે. ઉપલા મુદ્દાને જરા વધુ વિકસાવીએ. નામના મળ્યા પછી જે-તે લખી નાખ્યું તે ચાલે, એટલે લખ્યા જ કરવું, કેમ કે પ્રકાશકોનો અને પુસ્તકાલયોનો તોટો નથી — તેવી નીતિ આપણે ત્યાં શક્ય હશે, પણ અંગ્રેજી સાહિત્યમાં એ શક્ય નથી. બીજી ભાષાઓમાં પણ એ શક્ય નહિ હોય, પણ એ વાડ્મયો સાથે મારો પરિચય ઓછો છે જ્યાં પ્રકાશકોને પારાવાર હસ્તપ્રતો મળી રહે છે ત્યં ચાળણી બહુ બારીક હોય છે. જ્યાં માસિકો શબ્દેશબ્દે રૂપિયો મૂકે છે તે દુનિયામાં શબ્દેશબ્દ તોળાય છે. હું અમેરિકા ગયો તે પહેલાં મારી એક બાલિશ માન્યતા હતી. જો શબ્દેશબ્દે રૂપિયો (અથવા ડોલર કે અડધો ડોલર કે જે હોય તે) મુકાતો હોય — હું તંદ્રા સેવતો હતો — તો બર્નાર્ડ શો જેવા તો રોજરોજ દસ હજાર શબ્દ લખી નાખી ધનવાન થઈ શકતા હશે. એ એથીયે વધુ કમાયા હશે, પણ અગણિત શબ્દો લખીને નહિ. મારી તંદ્રા તૂટી અને જાગ્રત થયો ત્યારે જણાયું કે બહોળો પ્રચાર ધરાવતા અને મહત્ત્વના એક માસિકમાં શો જેવાનો પણ એક લેખ ત્રણ વર્ષે દેખા દે તો અજાયબીની વાત. વળી એમાં માસિકને ખપે છે તેવા — મોટે ભાગે પોતાની જરૂરિયાત પ્રમાણે એવાં માસિકો ઓર્ડર મૂકે છે — ભલભલાને હાથે લખાયેલા લેખો ઉપર પણ સંપાદકોની કાપકૂપ તો ખરી જ. લેખકની સંમતિ જરૂર માગે. હું નાનો હતો અને મારી કૃતિઓ ‘કુમાર’ જેવાં અગ્રગણ્ય માસિકોમાં છપાવી શરૂ થઈ તે કાળમાં પ્રેરણા ઉપર ખૂબ મદાર બાંધતો. એક જ બેઠકે કોઈ ચેકાચેકી કર્યા વિના કૃતિ સર્જવાની શક્તિનો મને ફંકો હતો. અને એ લખાયા બાદ ક્યારેય એક કાનોમાતર કે અલ્પવિરામ ફેરવવાની જરૂર ન પડી તે વાતનો વળી વધારે ફાંકો હતો. મને દહેશત છે કે આવી શક્તિનો ફાંકો હજી પણ કોઈ પુખ્ત ઉંમરના હિંદીઓ રાખે છે. પ્રેરણા જેવું સર્જનમાં બીજું કંઈ બળ નથી એ તો પુરવાર છે. અને પહેલા જોશમાં લખાયેલા પદ્યમાં કે ગદ્યમાં વસ્તુ અને શૈલીનો નૈસગિર્ક વિનિમય હોય છે. પણ તેમ છતાં સંપાદનનું મહત્ત્વ બહુ જ મોટું છે તે હું મારા આધુનિક અંગ્રેજી સાહિત્યપ્રવૃત્તિના સમાગમથી પકડી શક્યો. વાચકને મન, વિવેચકને મન તો અંત-કડીની જ, એટલે કે સર્વ પ્રયત્નોને અંતે પાકા માલની જેમ જે રજૂ થાય છે તેની જ સાથે નિસ્બત છે. લેખકે એ એક જ બેઠકે ચેકાચેકી વિના અને પાછળથી કાનોમાતર, અલ્પવિરામ ફેરવ્યા વિના કૃતિ સર્જી હોય કે એ કૃતિના અનેક પાઠ બનાવ્યા હોય એમાં કાપકૂપ કે ઉમેરણી કરી હોય, વાક્યોને અહીંતહીં રંદો માર્યો હોય, શબ્દોને અહીંતહીં સમાર્યા હોય, ફકરાઓનું કે કડીઓનું શિલ્પ સુઘટિત કર્યું હોય એ મુદ્દાની હોડ નથી. મૂલ્યાંકન થવાનું — અને થવું જ જોઈએ — અંતે છપાયેલી — પીરસેલી — પ્રત ઉપરથી. એડગર એલન પોના વિશ્વવિખ્યાત કાવ્ય Ravenનો દાખલો લો. એ એવું તો લયહિલ્લોલવાળું, એવું તો તાલબદ્ધ, એવું તો સુભગ સહજ અને રમણીય, પ્રાસાનુપ્રાસની એવી તો કથક નતિર્કાના ઝાંઝર જેવી એમાં રમઝટ, એવી તો ઉચિત ઇન્દ્રિગ્રાહ્યતા શબ્દોનો એવો તો બુલંદ સંદેશો કે એ પ્રસિદ્ધ થયું કે લોકો અને વિવેચકો આફરીન થયા અને કહેવા લાગ્યા કે આવું નૈસગિર્ક કાવ્ય પ્રેરણાના એક જ ઉમળકે, ધન્ય ઘડીએ, લખાયું હશે. અંતે પોએ ભરમ ફોડ્યો એક લાંબા નિબંધમાં અને જાહેર કર્યું કે પ્રત્યેક પ્રાસ, ધ્વનિ એણે ચેકાચેકીને અંતે, સોની સુવર્ણ તોળે એટલી ચીવટથી તોળીતોળીને મેળવ્યો હતો, કેમ કે કાવ્ય એક બનાવટી ચીજ છે. એ વાસ્તવિકતા તેમ જ કલ્પનામાંથી ચૂંટણી કરે છે, પણ એ વાસ્તવિકતાનું વૃત્તાંત નથી. બીજા શબ્દોમાં, મુગ્ધતા જીવનનું પાસુ છે, કળાનું નહિ. મુગ્ધાવસ્થામાં સુંદર સર્જન થઈ જાય, અને ભક્તકવિઓ વૃદ્ધાવસ્થામાં પણ મુગ્ધ રહી શકે. પણ અંતે તો કળા કૃત્રિમ નૈસગિર્કતા માગે છે; કેમ કે કાવ્ય, નાટક કે ઉપન્યાસના કાળખંડો જીવન જેટલા લાંબા ન હોઈ શકે અને શબ્દો જીવન જેટલા પહોળા ન હોઈ શકે. વળી રાણા પ્રતાપ રણે ચડ્યાની વાર્તા લખતાં પણ સવારમાં એમણે બાવળનું દાતણ કરેલું કે લીમડાનું, દાઢી મૂંડી કે ઠીક પણ મૂછને કેટલા વળ આપ્યા, નોકર કપડાં લાવ્યો ત્યારે એક ડાઘ રહી ગયેલો તે માટે ઠપકો આપ્યો કે નહિ, ખાવા બેઠા ત્યારે ધ્યાન બીજે હતું કે મહારાજને સુંદર શાક માટે શાબાશી આપી વગેરે વગેરે હજારો નાનીમોટી ઘટનાઓ પા દિવસમાં બનતી હોય છે. તે બધાની વિગત મહાભારત નવલકથામાં પણ નથી આપી શકાતી. જે કથાવસ્તુ ઉપસાવવું છે તેને જરૂરી વિગતો વીણી લઈએ ત્યારેય વાસ્તવિકતા આવી જાય, પણ નૈસગિર્કતા કૃત્રિમ રહેવાની. મોસ્કો આર્ટ થિયેટરની આ વાત છે. (મને આજનાં રશિયન નાટકો જોઈને થયુંકે સીનસીનેરીમાં તાદૃશતા લાવવા તેઓ એટલો તો પૈસો અને ઇલ્મ ખર્ચે છે કે નટનટીઓની ભજવણી ફિક્કી પડી જાય છે.) બાળક રડે છે એવો એક બનાવ હતો. આપણે તો સમજીએ કે કોઈ પણ રડતું બાળક આ ચિતાર માટે કુદરતી ઉમેદવાર ગણાય. પણ એ રંગભૂમિના મહાન સંચાલકે પાંચસો બાળકોને રડતાં સાંભળ્યાં તેમાંથી એક બાળક જોઈતું હતું તેવું સ્વાભાવિક રુદન કરતું મળ્યું — કૃત્રિમ નૈસગિર્કતા! અમેરિકન લેખકો પાસેથી હું એક બીજું શીખ્યો. મારું લખાણ કોઈ સુધારી ન શકે, મને કોઈ સલાહ-સૂચના ન આપી શકે એવાં બૂંગાં ફેંકવામાં લેખકની પરિપક્વતા દેખાતી નથી. હા, દરેક સલાહ-સૂચના સ્વીકારવાની કદીયે જરૂર નથી હોતી; વાત છે વૃત્તિની. શાહજહાંની વાત છે. એક મોટા મૌલવીએ એને હસ્તપ્રતમાં એક શબ્દનો સુધારો સૂચવ્યો. શાહજહાંએ મૌલવીના દેખતાં એ શબ્દ નીચે એક નાની લીટી કરી. મૌલવીના ગયા પછી એ લીટી ભૂંસી નાખી કેમકે તેને મન એ શબ્દ યથાર્થ હતો. પણ પોતાની કૃતિની અંત્યાવસ્થા સર્વસંપન્ન બને એવી લેખકની તમન્ના અને પોતાના પ્રકાશનમાં ક્યાંય ઊણપ ન રહે તેવા પ્રકાશકના ઉમંગનો વિવાહ થયો અને જન્મી સંપાદનની પ્રથા. સારી પ્રકાશનસંસ્થાઓ અને મૂલ્યવાન માસિકો બાહોશ સંપાદકોને નોકરીએ રાખીને મોટો ખરચ કરે છે. પ્રત્યેક લેખકને એક સંપાદક મળે છે. (જોકે એક સંપાદક પાસે ઘણા લેખકો હોય છે અને બન્ને વચ્ચે વિચારોનો વિનિમય થાય છે અને સુધારાવધારા, કાપકૂપ અને ઉમેરાની ચર્ચા થાય છે.) પોતાની મહાન નવલકથાઓના એક નિષ્ણાત સંપાદક ઉપર થોમસ વુલ્ફે ખાસી એવી એક ચોપડી લખી છે — The Story of a Novel. આવી આપલેમાં હજી પણ કેટલાક ગુજરાતી લેખકો અંત્યગમન (શ્રેષ્ઠ વર્ણની સ્ત્રીનો કનિષ્ટ વર્ણના પુરુષ સાથેનો સંબંધ — ‘સાર્થ જોડણીકોશ’) જોતા હશે; હોય, કેમ કે આપણે ત્યાં આવા સંપાદકો ક્યાં છે? અને છતાં શ્રી બચુભાઈ રાવત જેવા સમર્થ પ્રકાશક અને સંપાદકે કેડી પાડીને એક કવિપેઢીને પ્રોત્સાહન આપ્યું જ છે. એમની કવિબેઠકો (અને એવા હવે સ્થળેસ્થળે થતા પ્રયત્નો) પશ્ચિમની સાલોન પ્રથાની યાદ આપે છે. સાહિત્યસેવીઓ એકબીજાને મળે, એકબીજાની કૃતિઓની ચર્ચા કરે ત્યારે એકબીજાની સર્જનપ્રવૃત્તિ તીવ્ર બને છે. આવા સાલોન્સની ભારતમાં તો ખાસ જરૂર છે, કેમ કે અહીં એટલી બધી ક્લબો કે કોફીભવનો નથી કે જ્યાં ભેગા થઈ, ઓછે ખરચે, લેખકો એકબીજાની હૂંફ મેળવે કે એકબીજાને અકળામણ કરાવે. પશ્ચિમના સાહિત્ય વ્યસાયીઓના સત્સંગથી વળી એક ઓર વાત મને સમજાઈ. કર્તા એટલે આપોઆપ વિવેચક નહિ, તેમ જ વિદ્વાન એટલે આપોઆપ સર્જક નહિ. મોટે ભાગે તો બેની નાત જુદી. ન્યૂયોર્કના ગોલ્ડન હોર્ન નામના એક રેસ્ટોરાંમાં એક વખત વિલિયમ સોરોયન સાથે જમવાનું થયું. વાતમાંથી વાત નીકળી રોબર્ટ ઈ. શેરવુડની. આવો સમર્થ નાટકકાર, મેં ટકોર કરી, પણ ભાષણ કરી શકતો નથી. બોલવા જાય છે ત્યારે એની દલીલો પણ પામર લાગે છે. But, સોરોયન વચ્ચે જ બોલી ઊઠ્યા, intelligence is not the stock in trade of an artist. It is intuition. કર્તા પોતાની કૃતિ સમજાવી ન શકે એવો અણઘડ હોઈ શકે. ચિત્રકાર પોતે શું કરવા માગે છે તે કોઈ વિવેચક તેને કહે ત્યારે તેને ખબર પડે. આ વાત ગુજરાતી સાહિત્યને ગળે હજી બહુ ઊતરી નથી. સાક્ષરતા ગુજરાતી સાહિત્યની ગળથૂથીમાં છે. ગુજરાતમાં સાહિત્યપ્રવૃત્તિ મોટે ભાગે નાગરોએ શરૂ કરેલી એટલે એ અમલદારવર્ગે સહજ એવો વિદ્યાભ્યાસ તે સર્જનનો પાયો એમ ગણાઈ ગયું. એટલે આપણે ત્યાં સર્જકો વિદ્વાન પંડિતો પણ છે અને વિદ્વાન પંડિતો સર્જકો પણ છે. સાક્ષર, literary bureaucrat, અભ્યાસી, માસિક-તંત્રી કે પરિષદ-મંત્રી સાહિત્યપ્રવૃત્તિને મોખરે રહ્યો છે. જે માત્ર સર્જક છે અને જેને વિદ્વત્તાપૂર્ણ વ્યાખ્યા દેતાં નથી આવડતું, તે પાછલે પાટલે બેસવાનો. એક રીતે જોતાં ગુજરાતી સાહિત્ય હજી પણ સર્જક-પ્રધાન કરતાં સાક્ષર-પ્રધાન વધારે છે. આ પરિસ્થિતિ મને તો ખૂબ સાલે, કેમકે જીવનમાં ક્યારેય મેં પંગિળનો અભ્યાસ નથી કર્યો — જોકે છંદો સારા પ્રમાણમાં અજમાવ્યા છે, અને શ્રી ઉમાશંકર જોશી અને શ્રી બચુભાઈ રાવતને માનું તો સફળતાથી અજમાવ્યા છે. ખરું કહો તો હજી પણ મને યતિ કે માત્રા ગણતાં આવડતું નથી. છંદમાં કે ગીતમાં હું કાન ઉપર જ નભ્યો છું. ગીતમાં કાઠિયાવાડની ધરણીની ગળથૂથી કામ આવી. સાહિત્યનાં ભાગ્ય ક્યારેક-ક્યારેક ઊઘડે છે કે જ્યારે ઓજસવંતો સર્જક સાથોસાથ ઉચ્ચ શ્રેણીનો વિવેચક હોય. ગુજરાતી વાઙ્મયના થોડાએક દાખલાઓમાંથી બે ઉદાહરણો અહીં બસ થશે. પ્રો. બળવંતરાય ઠાકોર અને શ્રી ઉમાશંકર જોશી. A Passage To India જેવી એક આદર્શ નવલકથા લખનાર ઈ. એમ. ફોર્સ્ટરે મારે મન ઉપન્યાસકળાનું જગતનું સર્વોત્તમ પૃથક્કરણ કર્યું છે એમને જ Aspects of the Novelમાં. પણ મોટા ભાગના સર્જકો પોતે શું કહેવા માગતા હોય છે તે પણ સમજાવી શકતા નથી. જગતના સર્વશ્રેષ્ઠ સર્જકો વિદ્વત્તાથી વેગળા હતા અને છે. અને એટલું પણ કહેવું જોઈએ કે દુનિયાના સાહિત્યના કોહિનૂરો તો અવિદ્વાન સર્જકોએ ઝગમગતા કર્યા છે. મને એક ઊંડેરો વહેમ છે કે કળાને કળશ તો તેઓએ જ ચઢાવ્યો છે કે જેઓએ વિદ્વત્તા સાથે નિસબત નહોતી રાખી. એ તો હતા મસ્ત અલગારીઓ. પણ વિવેચન આજકાલ વધારે ને વધારે જોર કરી રહ્યું છે, એટલે કેટલા સર્જકો તેનાથી અલિપ્ત રહેશે તે કહેવું મુશ્કેલ છે. ટાઇપરાઇટરની શોધ થયા પછી અંગ્રેજી ગદ્યનું શિલ્પ અને સ્વરૂપ વધારે સપ્રમાણ બન્યાં છે. ફકરાઓનાં કદ વધુ મોહક થયાં છે. નકામાં વાક્યોની સંખ્યા ઘટી છે, કેમકે જે બીબાંમાં ગોઠવાયું છે તેનો ઉઠાવ તરત જ આંખે ચડે. કહેવાય છે કે જો ડીકન્સના જમાનામાં ટાઈપરાઈટર હોત તો કદાચ એ હતો એના કરતાં મહાન નવલકથાકાર ન થાત, પણ તેના ગદ્યનો આકાર વધારે સચોટ જરૂર થાત અને કેટલાંક નાહકનાં લંબાણો દૂર થાત. ટાઇપરઈટર ઉપર લખવાનું શીખ્યા બાદ, અથવા તો પોતાનું લખાણ ટાઈપ થયેલું જોઈ જવાનું શરૂ કર્યા બાદ, ગદ્યની ઇમારત વધુ સંગીન બને છે. પદ્ય ઉપર પણ ટાઇપરાઇટરે જન્માવેલી આ ચણતરકળાએ ઓછી અસર નથી પાડી. ઈ.ઈ. કમંગ્ઝિ જેવા કવિઓમાં શબ્દો વચ્ચે, લીટીઓ વચ્ચે, ફકરાઓ વચ્ચે જગ્યા છોડીને અવકાશ દેખાડવાનો કીમિયો — અને સૌંદર્યને અવકાશમાં જ જડાય ને? — અણે નાનામોટા ટાઇપ વાપવાની તરકીબ કાવ્યોચિત પદાવલિ અર્થાત્ પોએટિક ડિક્શનનાં અંગો બની ગયાં છે. પશ્ચિમના કેટલાક વિદ્વાનોનું મંતવ્ય છે કે હિન્દુ મગજ સ્યાદ્વાદી (dialectical) છે, જ્યારે ગ્રીકોત્તર પશ્ચિમી મગજ ન્યાયશાસ્ત્રને અનુસરે છે. એમાં થોડું તથ્ય ખરું. એટલે જ્યારે આધુનિક પશ્ચિમી કવિતા વૈવિધ્યની શોધમાં વાદ-પ્રતિવાદ-સંવાદ-સમન્વયની સાંકળ જેવા સ્યાદ્વાદને આણે છે ત્યારે, આજની ભારતીય કવિતા ‘આ અને તે’ની અવગણના કરીને, ‘આ-નહિ-તે-તે’-માનસની આરસી જેવા ન્યાયવાદનો અહીંતહીં ઉપયોગ કેમ ન કરે — વૈવિધ્યની શોધમાં? જો પશ્ચિમી કવિતાને પહોળાઈની જરૂર પડે તો ભરતીય કવિતાને ચોકસાઈની નક્કરતાની જરૂર ઊભી થાય જ. આમ પશ્ચિમની વાઙ્મય-વખારમાં બેસીબેસીને હું એમાંથી કેટલું પચાવી ગયો કે જીરવી શક્યો તે કહેવું મારે માટે મુશ્કેલ છે. ન ખાવાનું પણ ઓહિયાં કરી ગયો હોઈશ! જે-જે સૂક્ષ્મદેહી દીક્ષાઓ મળી છે તેની યાદી આપવી મુશ્કેલ છે, પૃથક્કરણની વાત બાજુએ રાખીએ તોય. પણ ત્યાંની એકઠી કરેલી કેટલીક સ્થૂળ સામગ્રીની આ યાદીમાં એકબે વધારે વતરણાં ઉમેરું. અંગ્રેજી ભાષા એટલે બનાવેલી ભાષા; સંસ્કૃત, લૅટિન, જર્મન કે ગુજરાતી જેવી ઊગેલી ભાષા નહિ. વળી તે એક Agglomerate ભાષા એટલે કે અહીંતહીંથી ભેગો કરેલો શબ્દોનો ઢગલો છે. અને પ્રાસાનુપ્રાસની શક્તિમાં એ મોળી હોવાથી પ્રાસની શોધમાં મળી આવતા આડકતરા વિચારોને વાપરવાનો કવિનો લોભ એ ખાળે છે. તેથી તેની ઉપયુક્તતા સર્વ ભાષાઓમાં અનેરી છે એ સ્વીકારાયું છે. એવી એકલક્ષી અને મોટા ભાગના એકાર્થી શબ્દોવાળી એ ભાષા, ચંદ અલફાઝને સચમુચ ચંદ બનાવનારી, બે શબ્દો બોલનારને એક શબ્દ કહેવાની કળાસૂઝ આપનારી, શબ્દોની કરકસર શીખવનારી છે. એનો આત્મા સચોટ કે terse છે. આ મંત્ર મને કેટલો કામ આવ્યો છે તે તો વાચકો અને વિવેચકો જ કહી શકે. પણ કુતૂહલ પેદા કરવા એક પાસો અહીં નાખું. આ સંગ્રહમાંનાં બે કાવ્યો પહેલાં મેં અંગ્રેજીમાં લખેલાં અને પછી નવેસરથી ગુજરાતીમાં આલેખ્યાં છે. અને એક કાવ્ય ગુજરાતી અને અંગ્રેજીમાં સાથેસાથે લખ્યું છે. ક્યારેક ગુજરાતીમાં પહેલાં તો ક્યારેક અંગ્રેજીમાં પહેલાં (કેટલાંક ગુજરાતી કાવ્યોને અંગ્રેજીમાં ફેરવ્યાં છે તે વાતને અહીં નિસબત નથી). પણ આમાંનો એક પણ અખતરો ભાષાંતર ન કહી શકાય. એટલે આવું અંતિમ અને અગત્યના મુદ્દા ઉપર. પરભાષામાં કવિતા કરવી એ લગભગ અજેય દુર્ગ લેવા જેવું છે. વાઙ્મયનાં અનેક અંગોને પરભાષા દ્વારા પોતાનાં કરનારો પણ કવિતા કરતી વખતે માતૃભાષા તરફ વળે છે. એમાં પીછેહઠ નથી; અણીને વખતે આવતી માતૃભાષાની માદક યાદ છે માતૃભાષાને એ ભાગેડુ દીકરાની નમ્રતમ અંજલિ છે. બંગાળના સુપ્રસિદ્ધ કવિ માઈકલ મધુસૂદન દત્તે અંગ્રેજી કાવ્યસાહિત્યમાં પણ નામના મેળવેલી, કેમકે અંગ્રેજી એમની સાવકી માતૃભાષા હતી. પણ અંતે તો એ બંગાળી ભાષા તરફ પાછા વળ્યા. ‘બંગાળી’ ઉપરના એમના બંગાળી કાવ્યના શ્રી ઉમાનાથ ભટ્ટાચાર્યે કરેલા અંગ્રેજી તરજુમામાંથી કેટલાક વેદનાભર્યા ઉદ્ગારો અહીં ટાંકું:
Then spoke in a dream the diety of thy race, —
My child! thy mother’s treasury abounds in gems;
Why then strayest thou here, a miserable tramp?
Go back, thou ignorant boy! go back home!
Her orders I obeyed, content; in time I found
A mine blazing with gems; that’s my mother-tongue.
અને તેથી જ તો એક ગેરહાજરના એકરાર સમું નામ આ કાવ્યસંગ્રહને આપ્યું છે — ‘પુનરપિ.’