પુનશ્ચ/તમારું ઘર

તમારું ઘર

તમારું ઘર એ ઘર નથી,
એ ખડક પર નથી;
તમે એને રેત પર રચ્યું,
જુઓ ! ક્યારનું એ કેટકેટલા ભારથી લચ્યું;
– ધનનો ભાર, સત્તાનો ભાર ને કીર્તિનો ભાર,
એ તમારી સૌ મહેચ્છાઓનો ભાર, જેનો નથી પાર –
એથીયે વધુ તો તમારું મન ભૂતની જેમ ભમે,
ઘરનો ખૂણેખૂણો એના ભારથી નમે;
ભલે તમે એની ચારે બાજુ કોટકિલ્લા બાંધો,
જાણે દેવોનું જ ધામ હોય એવા નામ સાથે એને સાંધો;
પણ અચાનક ભૂકંપની લપટથી
કે ઓચિંતી કો ઝંઝાની ઝપટથી
ક્યારેક કડડભૂસ થશે
ત્યારે ક્હો, આ તમારું ઘર ક્યાં હશે ?
આરંભથી જ તમારું ઘર ઘર ન’તું,
એ ખડક પર ન’તું.

૨૦૦૬