પુનશ્ચ/પ્રેમમાં

પ્રેમમાં

પ્રેમમાં ક્હો, તમારે ક્ષણેક્ષણે શું કરવાનું ?
જાણે કે તમે જીવ્યા જ નથી એમ મરવાનું.

‘ક્હો, તમારું નામ શું છે ?’
જો કોઈ તમને પૂછે,
ને તમે ન કહી શકો,
અનામી જ રહી શકો
એમ તમારે તો વિસ્મૃતિમાં સદા સરવાનું.

‘ક્હો, તમારું રૂપ શું છે ?’
જ્યારે જાત એમ પૂછે,
ત્યારે અરીસામાં કાય
જોતાં ઓળખ ન થાય
એમ તમારે તો શૂન્યતામાં સદા ફરવાનું.

૨૦૦૫