પુરાતન જ્યોત/૨. કાળથી ડર્યો


૨. કાળથી ડર્યો

પાપ તારાં પરકાશ જાડેજા!
ધરમ તારો સંભાળ જી;

તારી બેડલીને બૂડવા નહીં દઉં
તારી નાવડીને ડૂબવા નહીં દઉં
જાડેજા રે... એમ તોળલ કે' છે જી.'

હરણ હણ્યાં લખ ચાર તોળી રાણી!
હરણ હણ્યાં લખ ચાર જી,
વનના મોરલા મારિયા,
મેં તો વનના મોરલા મારિયા
તોળાંદે રે.. એમ જેસલ કે' છે જી.–પાપ તારાંo
 
ફોડી સરોવર પાળ તોળી રાણી
ફોડી સરોવર પાળ જી!
ગોંદરેથી ગૌધણ વાળિયાં
મેં તો ગોંદરેથી ગૌધણ વાળિયાં
તોળાંદે રે... એમ જેસલ કે' છે જી.—પાપ તારાંo

લૂંટી કુંવારી જાન તોળી રાણી!
લૂંટી કુંવારી જાન જી,
સાત વીસ મોડબંધા મારિયા
મેં તો સાત વીસ મોડબંધા મારિયા,
તોળાંદે રે... એમ જેસલ કે છે જી.—પાપ તારાંo

જતા મથેજા વાળ તોળી રાણી!
જતા મથેજા વાળ જી,
એટલા અવગણ મેં કર્યા
એટલા અવગણ મેં કર્યા
તોળાંદે રે... એમ જેસલ કે છે જી.—પાપ તારાંo

પુણ્યે પાપ ઠેલાય જાડેજા!
પુણ્યે પાપ ઠેલાય જી,
તારી બેડલી બૂડવા નહીં દઉં
તારી નાવડી ડૂબવા નહીં દઉં
જાડેજા રે... એમ તોળલ કે છે જી.—પાપ તારાંo

*

કાઠિયાણી, બેસી જા બેલાડ્યે," કાળભૈરવ જેસલે કાઠી-ગામ પાઉંપટણની સીમ બહાર જઈને તોળલને ઘેાડી માથે પોતાની પાછળ બેસી જવા કહ્યું. "જાડેજા!” તોળલે શાંતિથી કહ્યું : "ઘોડીને નાહક માર શીદ દેવો? તમે તમારે હાંક્યે રાખો. હું પેંગડું પકડીને હાલી આવીશ.” "મરી રહીશ મરી." જેસલે વિકરાળ હાસ્ય કર્યું. "નહીં મરું. ધણી જિવાડનારો છે, જાડેજા!” “ધણી તારો! જોયો જોયો. એવી વાણીમાં મને સમજ નથી પડતી. હાલ ત્યારે, પકડ પેંગડું, ને કાઢ દોટ.” જાડેજાની રાંગમાં ભીંસાતી ઘોડીએ વેગ પકડયો, અને કાઠિયાણી તોળલ પણ પેંગડું પકડીને જેસલના જમણા પડખે સથોસાથ દોટ કાઢવા લાગી. પ્રભાતનાં કેસરવરણાં કિરણો ફૂટયાં ત્યારે નામની (નવા-નગરની) ખાડીને કાંઠે જેસલ જાડેજો, ઘોડી ને તોાળલ, ત્રણે પહોંચી ગયાં. ધકા ઉપર ભિડાઈ ને મોટો મછવો ઊભોા હતોા. કચ્છ જનારાં ઉતારુઓની કતાર લાગી ગઈ હતી. સૌએ આઘેથી આ ત્રણેને નિહાળ્યાં. "કોઈ જડસુ આદમી લાગે છે જડસુ.” ઉતારુઓમાં વાતો ચાલી : “બાયડીને દોટ કઢાવતો ઘોડીની સાથોસાથ લેતોા આવે છે.” "અને જુઓ જુઓ! બાઈને મહિના ચડતા લાગે છે.!" નજીક આવતી ત્રિપુટીમાંથી તોાળલના દેહની અવસ્થા પરખાઈ ગઈ. "ઘાતકી લાગે છે.” "બાઈ પણ બળૂકી દેખાય છે. જુઓની એની કદાવર કાયા." "ઈ જ લાગની હશે કાં તો.” ઘોડેસવાર જ્યારે તદ્દન ઢૂકડા આવ્યા ત્યારે જ એનું બુકાની-બાંધ્યું મોં કેટલું ભયાનક છે તેની ખબર પડી. ઘોલર મરચાં આંજેલી જાણે આંખો હતી. કાળી ભમ્મર દાઢી હતી. માથે કાળાં જુલફાં હતાં. જુવાની આંટો લઈ ગઈ હતી. ઘોડીએથી ઊતરીને એ સીધો વહાણ તરફ આવ્યો. તોળલ ઘોડીને પંપાળતી ઊભી. એનો દેહ પસીને નીતરતો હતો. એની છાતી હાંફતી હતી. એના ગળામાં તુળસીના પારાની માળા હતી. વસ્ત્રો ગૂઢા રંગનાં હતાં. ખલાસી લોકોએ વહાણ ઉપર ઘોડીને લઈ લેવા ગોઠવણ કરી. ચારછ જણા ઘેાડીને દોરવા લાગ્યા. જબર જાનવર હતું. ચસ દીધો નહીં ત્યારે તોળલે કહ્યું : “ભાઈઓ, દાખડો કરો મા.” અને એની દોરેલી ઘોડી આસાનીથી વહાણના વચલા ભાગમાં ઊતરી ગઈ. જેસલ દાઝે અને ઈર્ષાએ ભરી આંખે આ કાઠિયાણીના ઘોાડી ઉપરના કાબૂને જોઈ રહ્યો. પાંચસાત ગાઉ દોડતી આવેલી કાઠિયાણીનું કૌવત એની છાતીમાં ખટકતું હતું. મનમાં ને મનમાં એને થતું હતું ‘કે લાગ પડચે રાં..... મારી ગળચી સોાત દબાવી દ્યે એવી છે. ચેતતા રહેવાનું છે. જાણશે કે સોારઠિયાણીનેય મળ્યોતો માથાનો કાછેલોા.” મુસાફરો સૌ વહાણે ચડ્યા. જેસલે આગલી જગ્યા લીધી. તોળલ જરા છેટી પણ જેસલની નજીક બેઠી. બીજાં ઉતારુઓ સંકોડાઈને ચુપચાપ બેઠાં. કાઠિયાવાડ-કચ્છની વચ્ચે સફર કરતું જે વહાણ રોજેરોજ લોકોના કિલ્લોલનું ધામ બની જતું, તેમાં આજ છૂપી છૂપી ધાક પડી ગઈ. ઉતારુઓ ત્રાંસી આંખે આ અજાણી જોડલી તરફ જોતાં હતાં. સુકાન પર બેઠેલો ખારવો સૌની સામે નાક-આંગળી કરીને સાવધાન કરતો હતો. સબોસબ સઢ મોકળા થયા, ખલાસીઓએ સામસામા સંકેત-શબ્દો આજે બનતી ચુપકીદીથી સુણાવ્યા, ને વહાણ પોતાની માતાના પેટ સમી એ સમથળ ખાડીમાં રમતું સફરે ચડયું. બુકાનીદાર જેસલે બુકાની છોડી નાખી છે. એની આંગળીઓ ધીરે ધીરે પોતાની મૂછોને વળ ચડાવી અણીએ વણી રહેલ છે. એના દિલમાં ગર્વ ગહેકે છે : ‘લઈ આવ્યો છું. મેં માગી તે ત્રણે ચીજો ભગતડાએ શું મને ભલાઈએ કાઢી દીધી છે? ના, ના, જેસલ જાડેજાના તાપને નમ્યો છે ભગતડો. પણ આ સ્ત્રી! આ કાઠિયાણી શી કરામત કરી રહી છે? એના મોં સામે મીટ માંડતાં હું કેમ ખચકાઈ રહ્યો છું? એના પેટની કાંઈ ખબર નથી પડતી.” દરિયાના પેટની પણ કોઈને ગતાગમ નથી. ખાડીનાં પાણી એકાએક ઊકળી કેમ રહ્યાં છે? આ વાવડો ક્યાંથી ઊપડયો? મોજાં ફેણ પછાડીને કેમ ફૂંફાડવા લાગ્યાં? ખલાસીઓની દોટાદોટ, સઢના સંકેલા, વહાણની ડામાડોળ, કૂવાથંભની માથાધૂણ્ય, આ શું થવા બેઠું? ખાડીનો અધગાળો કપાયો હતો. સામો કિનારો ને પાછલો કિનારો, બેઉ દેખાતા બંધ પડયા. દિશાઓને માથે ધૂંધળાં વાદળાંના પડદા પડી ગયા. પવને શિકોટા દીધા. પંચમહાભૂત પાગલ બન્યાં. મોજાંની ઝાલકો વહાણના તૂતકને ધોાવા લાગી. ઉતારુઓ ભંડકમાં ઊતરી ગયાં. જહાજનું આખું માળખું હમણાં જાણે હચમચી જશે. “અરે ભાઈ નાખુદા! આ શો મામલો છે?” “ભાઈઓ, વહાણ ભેમાં છે. અલા! અલા! હે અલા!” ખલાસીઓ ‘અલા' પુકારે ત્યારે મોત સામે ઊભું સમજવું. ઉતારુઓના શ્વાસ ઊંચા ચડયા. વહાણવટીઓ વહાણમાં ભરેલો બોજ દરિયામાં વામવા (ફગાવવા) લાગ્યા. “ઉતારુઓ! ભાઈઓ! તમારા પણ માલથાલ દઈ દ્યો દરિયાલાલને! વહાણ હળવું કરો.” કડડડ! કડેડાટી બોલી. તાવલેલ માનવી પથારીમાં લોચવા લાગે તેમ વહાણ દરિયાની ધગધગતી પથારીમાં લેટવા લાગ્યું, અને કાળી કાળી વાદળીઓનાં ઘમસાણ દેખાડી કાળનાં ડમરુ બજાવતો આભ ‘ખાઉં! ખાઉં!' એમ ખાઉંકારા સંભળાવી રહ્યો. ઉતારુઓમાં ચીસાચીસ ચાલી. રસાતળની ખાઈઓ ખુલ્લી થઈ. મા છોકરાંને ગળે બાઝી પડી, પુરુષો બાયડીઓની સોડમાં લપાતા થયા. આંખ મીંચાવા લાગી. ભાઈઓ, બાઈઓ, અલા અલા પુકારો. આપણાં પાપનો બોજ, કોકના અધર્મનો ભાર, આ વહાણ ડુબાવે છે. જેસલના હાથમાંથી મૂછના દોરા છૂટી ગયા હતા. એનું મોં ફિક્કું પડયું હતું. એ આમતેમ દોડતોા હતોા. એ ખલાસીઓને પૂછતો હતો, “આ શું છે? અમને કેમ ચેતાવ્યાં નહીં, એઈ બેઈમાનો! તમે જાણો છે હું કોણ છું? હું તમારા કટકા કરી નાખીશ. તમારે મને મારી નાખવો છે શું?” "જુવાન, હવે તો અલા અલા કરો! અટાણે મારી નાખવાની વાત હોય કે દરબાર?" એવા બોલે જેસલને વધુ ઉશ્કેરાટ કરાવ્યો. પવન અને મોજાંના તમાચા જેસલના દેહ પર પડયા. એ વહાણને બાઝી પડયો. એની વીરતા એાસરી ગઈ. રોજ રોજ મોતની સાથે રમનરો જાડેજો એ વખતે પોતે પીળો પડયો. એનો ખોફ લાઈલાજ બન્યો. "મરવું પડશે? – હેં હેં? હેં? જાનથી જાશું! હેં? હેં? હેં? કોઈ રીતે નહીં બચાય? હેં- હેં-આ તો મારી નાખ્યા!” જેસલ ઉતારુઓની સામે જોવા લાગ્યો, કોઈ શરણ આપી શકે? એક જ પહોર પહેલાં ઉતારુઓએ જોયેલું વિકરાળ મોં લાચારી ધરી રહ્યું. એકાએક તેણે તોળલને શોધી. આ તોળલ! આ ઓરત! આ કેમ મોતથી ડરતી નથી? પ્રલયની સામે મોં કેમ મલકે છે એનું? “ઓય! માર્યા!” – પવન અને મોજાંની એક પ્રચંડ થપાટ, અને હલતો દાંત પડી જાય તેમ વહાણે પછડાટી ખાધી.. "વોય! કાઠિયાણી! બચાવ મને.” જેસલના મોંમાંથી કાયર શબ્દો પડ્યા. રુદન નીકળ્યું. "જેસલ જાડેજા!” તોળલ હસી; "કચ્છના મોટા જોધાર! મોત તમને ડરાવી શકે છે? જાડેજા જેસલને મોતનો ભે!” "તારે પગે પડું.” જેસલ લાચાર બન્યો. “જેસલજી, પરભુને પગે પડો. ધણીનું નામ લો.” "ઓ મારા બાપ!” ઉતારુઓમાંથી કોઈકે નામ સાંભળતાં જ ફાળ ખાધીઃ “આ તો કચ્છ અંજારનો જેસલ!” "જેસલ! અરર! જેસલિયો આ હોય? આ તો મોતથી બીવે છે.” “આવો બાયલો!” "જેસલજી,” કાઠિયાણીએ કહ્યું : “સાંભળો છો ને?” “ઓ બાપ! ઓ મા!” જેસલની જીભે બીજા બોલ નહોતા. "પીટ્યો હત્યારો આપણી ભેળે ચડવ્યો છે. એનાં પાપે વહાણ બૂડે છે. એનાં પાપે મારાં છોકરાં મરશે.” એક બાઈ એ ચીસ પાડી. "પીટ્યાનું સત્યાનાશ જજો” બીજી બાઈએ જેસલની સામે દાંત કચકચાવ્યા. "આ પાપીને કાઢો, કાઢો એને વહાણ બહાર.” ઉતારુઓએ ચીસ નાખી. “એલા નાખો એને દરિયામાં. ભલે બત્રીસો ચડે દરિયાપીરને.” લોકો ધસી આવ્યાં. "ઓય બાપા! મને નાખશો મા. તોળલદે! બચાવો મને.” જેસલ હાથ જોડવા લાગ્યો. તોળલ સૌની આડે આવી ઊભી. કહ્યું, “ઘડીક ખમો.” અને જેસલ તરફ વળી : “જેસલજી, વહાણ ઊગરશે, તોફાન હેઠું બેસશે, તમારાં કરમોનો બોજ ફગાવી નાખો દરિયામાં.” "શી રીતે તોળલદે?" "પાપ પરકાશી નાખો. ધરમને યાદ કરો. તમારો પાપબોજ ધણી પોતાની ખોઈમાં ઝીલશે.” "ધરમ! તોળલદે! મેં ધરમ કર્યું નથી. એક પણ નથી કર્યું. મેં પાપ જ કર્યા છે.” "પરકાશી નાખો જાડેજા! તમારી બેડલી નહીં બૂડવા દઉં. ઇતબાર આવે છે? બોલો બોલો જેસલજી, પોતાની જીભે જ કબૂલી નાખો. વહાણમાંથી ભાર હળવો કરો. જુઓ, બીજા બધાંએ પોતાનાં પોટલાં વામી દીધાં. તમે તમારાં પોટલાં વામી દ્યો પાણીમાં.” "ઓહ – ઓહ – તોળલદે, મેં વનના મોરલા માર્યા છે, લખોમુખ હરણાં માર્યા છે. નિરપરાધી જીવડાંની હત્યા કરી છે.” "બસ! હજી હજી પરકાશો. હોડી નહીં બૂડવા દઉં. તમે જીવશો. જીવવું વહાલું લાગે છે ને જેસલ! તમે જેના જાન લીધા છે એનેયે એવું જ વહાલું હશે. એને યાદ કરો. એની માફી માગો જાડેજા. બેડલી નહીં બૂડવા દઉં.” "તોળી રાણી! વોય – વોય – ભેંકાર કામાં કર્યા છે મેં. મેં સરોવરની પાળો ફાડી છે. લોકનાં મોંમાંથી પાણી પડાવ્યાં છે. ને મેં ગોંદરે ગોંદરેથી ગાયો લુંટી છે, હાંકી છે, તગડી છે, મારી છે, દૂઝણી ને ગાભણી ગાયને મેં તગડી છે.” “એનાં વાછરું કેવાં ભાંભરતાં રિયાં હશે જેસલજી!” “ઓ મા! ઓહ!” "પરકાશો, પાપને હૈયામાંથી ઠાલવી નાખો. જુઓ, જુઓ જાડેજા, વાવડો કમતી થયેલ છે. મોજાની થપાટો મોળી પડી છે. હાં જેસલજી હરમત રાખો. પાપ પરકાશો! બેડીને હું નહીં બૂડવા દઉં.” "તોળી રાણી! હવે તો ન કહેવાય તેવી વાતું યાદ આવે છે. મેં – મેં શું કર્યું છે કહું? મેં કુંવારી જાનો લુંટી છે, મેં ઘરેણાં માટે મોડબંધા વરરાજાઓને ઝાટકે માર્યા છે.” "પરણવા જાતા’તા તેને?” "હા, હા, કોડભર્યા જાતા'તા તેમને. અને કેટલાને? ગણાવું! સાત વીસુંને – એક સો ઉપર ચાળીસને— ઓહ મારી મા!” જેસલે આંખ મીંચીને ઉપર હાથ દાબી દીધા. “જુઓ જાડેજા. પાણીના પછાડા શમી જતા જાય છે. આભમાં ઉઘાડ થઈ રહેલ છે. તમારે પ્રતાપે દ્રશ્યું નિર્મળ બનતી આવે છે. હજુય હોય એટલાં કબૂલ કરી નાખો. હોડીને નહીં ડૂબવા દઉં.” "તોળી રાણી! શું શું કબૂલું? મનેય સાંભરતાં નથી. મેં કેટલાં પાપ કર્યા છે કહીં દઉં? માનવીને માથે જેટલા મોવાળા છે, એટલાં પાપ મારે માથે છે. ગણ્યા ગણાય નહીં તોળલદે! મને બચાવો.” “રંગ છે જેસલજી! આખી જ પાપ-પોટલી હૈયેથી ઉતારી નાખી તમે. હવે વહાણને નહીં ડૂબવા દઉં. જુઓ, નજર કરો, વહાણ સમથળ બન્યું છે. ને નીરખીને હસો, કે મુસાફરો બધાં કેવાં રાજી રાજી થયાં! તમે એટલાં બધાને જિવાડ્યાં. તમે જ જિવાડ્યાં હો જેસલજી! જુઓ આ નાનાં છોકરાં હસે છે. જુઓ સૌ તમને દુઆ દે છે. જુઓ, મરણ કેવું ભેંકાર છે! અને જીવન કેવું મીઠું! જેમ બીજાને તેમ જ તમનેય તે, ખરું જેસલજી!” જેસલ બીજું કાંઈ ન બોલી શક્યો. એનું માથું તોળલનાં ચરણોમાં નમીને સ્થિર થઈ ગયું.