પૂર્વાલાપ/૨૧. રતિને પ્રાર્થના


૨૧. રતિને પ્રાર્થના


રસમય બન્યો કૈં કૈં ક્રીડા પ્રદર્શનથી પ્રિયે!
વિવશ કરવા, સ્પર્શે સ્પર્શે સગર્વ મથી પ્રિયે!
નવલ મધુર હાસ્યે હૈયું દ્રવી શરણે ગયું,
રતિ વિરમવું દેવી! હાવાં બચાવ બહુ થયું.

મૃદુ મદભર્યાં ગાત્રો તારાં તજી ન શકું કદા,
વિરલ કચથી આચ્છાદીને પ્રસન્ન રહું સદા;
નયન નમણાં, ગ્રીવા ધોળી, લલાટ સુહામણું,
અવિરત ફરી ચુંબી ચુંબી કૃતાર્થ નહિ ગણું!

અધિક સુખના કાર્યે આજે નિયોગ ઠરે જરા,
વિતત કરવી પક્ષો કાન્તે! પ્રવાસ પરે જરા!
ઉડુગણ હજી ભાસે વ્યોમે સવાર પડે નહિ,
ત્યમ વિચરવું વેગેથી ત્યાં વિમોહમયી મહીં!

નિજ સદનમાં શય્યા મધ્યે નિહાળીશ મિત્રને,
ચપલ દૃગથી જોશે શોધી સમાગમ-ચિત્રને;
પ્રહર પણ આજે વીતે તેજ એક જ અંતનો,
જનનદિન છે આજે તારા પ્રિયે! બલવંતનો!

સ્ફુરિત કરજે સ્વપ્નું આવું સખી! હળવે રહી —
સહૃદ પળતો રાત્રિમાં જ્યાં પરિક્રમણે વહી!
વિમલ કુસુમો વર્ષે હર્ષે સુમિશ્રિત વિસ્મયે,
ત્વરિત નીરખે ત્યાં બાલા બે રસાલ નવી વયે,

લલિત નમનેથી ‘આયુષ્યમાન્’ થવા વરદાન દે,
‘જય જય’ તણાં મીઠે કંઠે વળી વચનો વદે;
કરી અભિનયે અંગોની કૈં સુકોમલતા છતી,
જલધિજલના તારાઓમાં પડી ઊતરી જતી.

સ્વન મધુરતા વાદ્યે જેવી પ્રશાન્ત થતાં વધે;
પરિમત જતાં આઘે અંગો મહીં પ્રસરે બધે;
સહજ હળવે તેવી રીતે પ્રબોધ થવો ઘટે,
અસર સુખની ઊંડી જેથી નહિ સહસા માટે!

રવિકિરણને રંગી લેજે મનોહર રંગમાં!
મૃદુ પવનનાં મોજાં દેજે સુશીતલ સંગમાં!
વિજય સરખો દર્શાવીને મહોત્સવ સૃષ્ટિએ!
પ્રણય ઠરતો જોજે હર્ષ -પ્રકાશિત દૃષ્ટિએ!

નજર જ પડે તેવામાં જો કદી પ્રતિમા ભણી,
તરત બદલી દેવી તારે પ્રભા નયનો તણી;
વદન હમણાં સામે જાણે હસી અભિનન્દશે,
પ્રકટિત થતાં સ્નેહ સ્નેહી સખા અભિનન્દશે.

શુચિ હૃદયનાં સૌહાર્દોની સખી! અધિદેવતા!
પ્રણયમન આ વિશ્વે બોલે! તને સહુ સેવતા!
રતિરસ બધે રેલાવીને ફરી વળજે પ્રિયે!
સદય રહીને ક્યારે ક્યારે મને મળજે પ્રિયે!

નોંધ: