પૂર્વાલાપ/૨૫. વિપ્રયોગ
“આકાશે એની એ તારા :
એની એ જ્યોત્સ્નાની ધારા :
તરુણ નિશા એની એ : દારા —
ક્યાં છે એની એ?
“શું એ હાવાં નહિ જોવાની?
આંખડલી શું નહિ લ્હોવાની?
ત્યાંયે ત્યારે શું રોવાની —
દારા એની એ?”
“છે, જ્યાં છે સ્વામીની તારા!
સ્વર્ગોની જ્યોત્સ્નાની ધારાઃ
નહિ જ નિશા જ્યાં આવે, દારા —
ત્યાં છે એની એ!
“છે ત્યારે એ ત્યાં જોવાની :
આંખડલી એ ત્યાં લ્હોવાની :
સ્વામી સાથે નહિ રોવાની —
દારા એની એ!