પૂર્વાલાપ/૩૩. મિત્રને આમંત્રણ
તપની શાને, મૂરખ! તાપે સુકલ ઘાસમાં રે!
ગુરુબાની ગંભીર સરોવર શીતલ પાસમાં રે!
સ્નેહી છે માટે સમજાવું :
નહિ આ જડ પાણીનું ન્હાવું :
જ્ઞાનસ્વરનું ગાવું આતમ વાસમાં રે!
દોલત ને કીરત બે મીઠી,
ઝરણી તેં માયાની દીઠી;
મોહાધીન પડયો તું વ્યર્થ પ્રવાસમાં રે!
જ્ઞાન સમી શાંતિ ના તેમાં :
ભોળા રે! ભરમાયો શેમાં?
શું બેઠો દૃગ ખોઈ અવિદ્યાધ્યાસમાં રે!
ચાલ, સખે! હાવાં તો સાથે :
બોલાવ્યા બંનેને નાથે!
હેતે ગ્રહશે હાથે નિર્મલ હાસમાં રે!