પૂર્વોત્તર/મણિપુર


મણિપુર

ભોળાભાઈ પટેલ

સિલ્ચરમાં છું એટલે એક રીતે અસમમાં છું અને બીજી રીતે બંગાળમાં છું. અસમના કાછાર જિલ્લાનું આ મુખ્ય નગર છે; પણ અસમનો છેક દક્ષિણ છેડો છે. તેની પશ્ચિમે બાંગ્લાદેશ, ત્રિપુરા છે, દક્ષિણે મિઝોરમ છે. પૂર્વે મણિપુર અને પૂર્વોત્તરે નાગાલૅન્ડ છે. બરાબર અડીને ઉત્તરે મેઘાલય છે. પરંતુ સિલ્ચરમાં વ્યવહાર અને વાણિજ્યની ભાષા બંગાળી છે. અહીં બંગાળીઓની સંખ્યા અસમિયા લોકો કરતાં વધારે છે, એ તો ઠીક પણ અસમના આ ભૂભાગમાં બંગાળનું આધિપત્ય લાગે.

સિલ્ચરમાં આવતાં આવી ગયો છું. અગરતલાથી ઇમ્ફાલ-મણિપુર જવા વિમાન માર્ગ જ વધારે કિફાયત અને અનુકૂળ પડે, પરંતુ અગરતલાથી ઇમ્ફાલ વિમાની સેવાનું સીધું જોડાણ ન હોવાને કારણે સિલ્ચરમાં વિરામ લેવો પડ્યો છે, અને તેય એક રીતે ઠીક થયું છે, અહીં ફરી વાર કોણ જાણે ક્યારે અવાય?

બપોર સુધી અગરતલામાં હતો. સવારમાં ત્યાંના કેટલાક અધ્યાપકોને અને પત્રકારત્વ સાથે જોડાયેલા મિત્રોને મળવાનું થયું હતું. પ્રભાસચંદ્ર સાથે પણ નિરાંતે વાતો થઈ શકી. બાંગ્લાદેશમાંથી આવેલા આ મિત્રોને હજી એ ભૂમિ વીસરાતી નથી. અગરતલાનું સૌથી નજીકનું રેલવે સ્ટેશન તે બાંગ્લાદેશનું. સરહદના વિસ્તારમાં હજીય અવરજવર થયા કરે.

બે દિવસમાં તો મને એવું થયું કે કેટલા વખતથી આ સૌને ઓળખું છું! બપોરના નીકળ્યો ત્યારે શ્રી પ્રભાસ અને બેલાદેવી ગળગળાં થઈ ગયાં હતાં. હજી એમના આત્મીય ચહેરા નજર સામે છે. ઍરપોર્ટ પર એક શાન્ત દેખાતા સજ્જનને સિલ્ચર વિષે માહિતી પૂછતો હતો. એ કહે કે હું આ વિસ્તારનો નથી. ‘કમિંગ ફ્રોમ કચ્છ — ગુજરાત’ અરે, કચ્છમાંથી આવે છો? વાર્તાલાપ તરત ગુજરાતીમાં શરૂ થઈ ગયો. એ હતા રેડિયો ઍંજિનિયર ચૌહાણ.

અત્યારે સિલ્ચરની આ અજંતા હૉટેલમાં મારી બાજુના પલંગ પર સૂતા છે. થયું એવું કે તેઓ મિઝોરમ જતા હતા, મિઝોરમના મુખ્ય શહેર ઐઝલ. ત્યાંના રેડિયો સ્ટેશનની કામગીરી અંગે, મિઝોરમ જવાનું આ રીતે તો અવળું પડે. અગરતલાની દક્ષિણ તરફ મિઝોરમ, અને ઐઝલ તો અગરતલાની પૂર્વમાં સીધી લીટીએ જ આવે, પણ આ તો પહેલાં અગરતલાની ઉત્તરે જવાનું, પછી દક્ષિણે. અહીં રસ્તાઓની વ્યવસ્થા જ એવી છે, પર્વત શ્રેણીઓ અને નદી ખીણોને લીધે. સિલ્ચરથી હવે તેમને રોડે રોડે જવું પડશે.

ચૌહાણ બહુ ઓછું બોલે છે. એકાકી જીવ છે. આ વિસ્તારમાં ઘણા વખતથી છે. ગુજરાતમાં ગયે ઘણો વખત થયો છે. મેં કહ્યું — પરિવાર? કહે, આગળ પાછળ હું છું. દૂરનાં કેટલાંક સ્વજનો છે, ચૌહાણ હજુ અપરિણીત છે, તેમણે કહ્યું — સિલ્ચરમાં મારે પણ રોકાવું પડશે, આપણે સાથે રહીશું.

અગરતલાથી સિલ્ચર આવતાં માંડ ત્રીસ મિનિટ થઈ હશે, પણ સિલ્ચરના ઍરપોર્ટથી સિલ્ચર નગર ઘણું દૂર. ૨૫ કિલોમીટર. આખો માર્ગ ૨મણીય. વાંસનાં ઝુંડ જ્યાં ત્યાં કવિતા રચતાં લાગે, લીલા વાંસ સ્પર્શકામ્ય અને દૃશ્યરમ્ય લાગે છે! થાય કે આમ જ આ રમણીય પહાડો વચ્ચે થઈ, ક્યાંક સપાટ ખેતર વચ્ચે થઈ જતો આ માર્ગ ચાલતો જ રહે. ડાંગરનો કાપ થઈ ગયા પછીનાં ખેતરો છે, ગામમાં પેસતાં આવી નદી.

ઍર ઇન્ડિયાની ઑફિસે જરા ઊભા રહી તપાસ કરી કે આવતી કાલે સિલ્ચરથી સવારે ઊપડતા વિમાનમાં મારી ટિકિટ ઓ.કે. થાય એવી છે કે કેમ? એક મહિલાએ સહાનુભૂતિના સ્વરમાં કહ્યું — યોર ચાન્સિઝઆર નૉટ બૅડ-સવારે વહેલા આવજો. અહીંથી કોચ ઊપડશે. ટિકિટ કદાચ ઓ.કે. થઈ જશે.

આ એક ચિંતા રહી ગઈ છે. જો ટિકિટ ઓ.કે. ન થાય તો અહીંથી રેલવે-બસ માર્ગે જવાની વ્યવસ્થા વિચારી છે. શ્રી ચૌહાણને ચિંતા નથી. એમને લેવા સરકારી જીપ આવવાની છે. શહેર વચ્ચેની અજંતા હૉટેલમાં અમે ઊતર્યા છીએ.

જમવાની વાર હતી. લાઇટ જતી રહી. અડધું નગર અંધારામાં. અમે બહાર નીકળ્યા. નગરની સભ્યતા-સંસ્કૃતિમાં બંગાળી સંસ્પર્શનો આછો ખ્યાલ આવ્યો. મીણબત્તીના અજવાળામાં થોડું જમ્યા, પછી હવે વીજળી ચાલુ થઈ છે. પણ હવે સૂવાનો સમય થયો છે.

માર્ચ ૬

સવારે વહેલા તૈયાર થઈ ઍર ઇંડિયા ઑફિસે પહોંચી ગયો. ત્યાંથી કોચમાં ઍરપોર્ટ. એ જ રમ્ય માર્ગ. વસંતઋતુ બેસી ગઈ છે. પાછી, કોયલ તેની યાદ દેવડાવે ન દેવડાવે, અહીં વસંત લાગે. વસંતનો અગ્રદૂત અહીં શીમળો છે, કેસૂડો નહીં. શીમળાનો શો રંગ! એકેય પાંદડું નહીં. શરીરે, માત્ર લાલ ફૂલ. રહી રહી વાંસનાં ઝુરમુટમાં નાનાં નાનાં ઘર. બધે જ મુખ્યત્વે ટિનરૂફ છે. કદાચ વરસાદ વધારે પડતો હશે તેથી, પણ આ દિવસોમાં આકાશ અહીં સ્વચ્છ છે.

કલકત્તાથી વિમાન આવ્યું. તેમાં જગ્યા હતી, ટિકિટ છેવટે ઓ.કે. થઈ. આજે પણ બારી પાસે બેસી ગયો. જંગલછાયા પહાડની એક પછી એક પટ્ટીઓ પસાર થાય, પહાડો વચ્ચે આછા ધુમ્મસનું અંચલ, મેદાની નદીઓનો પહોળો શ્વેત પટ અને પાતળી જળલકીર, પહાડી નદીઓની વાંકીચૂંકી, સંતાકૂકડી રમતી સર્પિલ ગતિ. આ બધાં પર તડકોે પથરાયો હતો. મનમાં એક જુદા જ પ્રદેશમાં જવાનો રોમાંચ હતો.

હું આવતો હતો ચિત્રાંગદાના પ્રદેશમાં. થતું હતું હસ્તિનાપુરથી નીકળેલ અર્જુન ક્યાંનો ક્યાં ભમતો ભમતો, કેમ કરી આ પહાડો જંગલો વીંધી મણિપુર પહોંચ્યો હશે! ચિત્રાંગદા—અર્જુન ક્યાં જંગલોમાં રહ્યાં હશે? આ બધું જોઉં, વિચારું ત્યાં તો ઇમ્ફાલ દેખાયું. સિલ્ચરથી માત્ર ત્રીસ મિનિટમાં.

સામાન લેવા થોડીવાર રાહ જોવી પડે તેમ હતી. અગરતલાથી એક બીજા સહયાત્રી હતા. અત્યાર સુધી તેમની સાથે વાત કરી નહોતી. ચોપડીમાંથી માથું બહાર કાઢે તો ને? પણ અહીં વાત નીકળી. એ હતા ડૉ. જગન્નાથ. વિજ્ઞાનના ડૉક્ટર, ડિફેન્સ રિસર્ચમાં કામ કરેલું. થોડો વખત એક કૉલેજમાં આચાર્ય પણ રહેલા. હવે અહીં આદિવાસી વિસ્તારોમાં આર્ય સમાજના આશ્રમો સ્થાપી કામ કરવા માગે છે. એકદમ પશ્ચિમી ઢબના વેશમાં સજ્જ, પેરી મેસન વાંચતા આ સજ્જન આદિવાસી વિસ્તારમાં કામ કરશે — એ જલદી ગળે ઊતરે તેવી વાત નહોતી. પણ તે અહીં પાછલાં ઘણાં વર્ષોથી હોય એમ લાગ્યું. તેમણે ઘણી બધી અહીંની માહિતી આપી. ટૅકિસમાં સાથે નીકળ્યા. ઇમ્ફાલમાં પ્રવેશ્યા. હવે લાગ્યું કે ‘કિરાતો’ને દેશ આવ્યા છીએ. પ્રજાના ચહેરામહેરા ભિન્ન, પહેરવેશ ભિન્ન. ભાષાની તો અક્ષરે ખબર ન પડે. ઇમ્ફાલના પ્રસિદ્ધ પાઓના બજારના વિસ્તારમાં આવેલી ટૂરિસ્ટ હૉટેલમાં ડૉ. જગન્નાથ મને ઉતારી ગયા.

અત્યાર સુધીના ભ્રમણમાં ભાગ્યે જ એકાકી હતો. હવે એકદમ આ અજાણ્યા મુલકમાં એકાકી હોવાનો બોધ જાગતો હતો. અલબત્ત, અહીંની એક વ્યક્તિને ઓળખતો હતો. તે હતા ડૉ. નીલકાંત સિંઘ. અમદાવાદ આવી ગયેલા. ઉપરાંત શ્રી ઉમાશંકરભાઈએ અહીંની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના એક અધ્યાપક ડૉ. બાબુ સિંઘનેય પત્ર લખેલો. ડૉ. નીલકાંત સિંઘ ડાન્સ અકાદેમીના મંત્રી છે. તેમને ફોન જોડ્યો, પણ નિષ્ફળ. વિચાર્યું કે હું જ ડાન્સ અકાદેમીએ પહોંચી જાઉં. આમેય આપણે તો ભમવું જ છે ને! પગરિક્ષાઓ પુષ્કળ મળે. સાઇકલોનો વ્યવહાર પણ ખૂબ. સાઇકલ પર છોકરાઓ કરતાં કન્યાઓ વધારે દેખાય; આ જ કિરાતીઓ. મોંગોલ ચહેરા, ગોરા અને મોટા, નાકનું પ્રોમિનન્સ ઓછું. બરડા પર ખુલ્લા કેશ. રંગબેરંગી મણિપુરી પોશાકમાં વહી જતી લાગે. .

કાશ્મીરની સ્ત્રીઓ ગોરી ખરી, પણ એ રંગ જરા ફિક્કા લાગે. આ પકવ, ઈષત તામ્રદીપ્ત, કાશ્મીરની સ્ત્રીઓ કરતાં જરા બેઠીદડીની, વધારે પ્રફુલ્લિત. આમ જોવામાં જોવામાં ક્યારે ડી. એમ. કૉલેજ આવી ખબર ન પડી. નીલકાંત સિંઘ આવ્યા નહોતા. બે વાગ્યે આવવાના હતા. મેં મારા આગમન વિશે ચિઠ્ઠી મૂકી.

હવે? થોડુંક ચાલ્યો ત્યાં બસસ્ટૅન્ડ આવ્યું. એક કંડક્ટર જેવો માણસ જોરજોરથી બોલતો હતો, ચુકા ચાંદપુર, ચુડા ચાંદપુર! મને એકદમ ફ્લેશ થયો. ઉમાશંકર રમણીય પહાડી મથક વિશે લખ્યું હતું. હું અપ્રત્યાશિત રીતે બેસી ગયો. ચલો હવે ચુડા ચાંદપુર.

ઇમ્ફાલની પશ્ચિમે ઉત્તરદક્ષિણ એક નાતિઉચ્ચ પહાડ આડો પડ્યો છે, તેની ધારે ધારે બસ દોડવા લાગી. દેશી બસ, દેશી સર્વિસ, ખેતરો ખાલી હતાં. વચ્ચે વચ્ચે ગામ આવતાં ગયાં, તેમાં મોઇરાંગ જતું રહ્યું પછી ખબર પડી. ધીરે ધીરે સુંદર ભૂચિત્રણા ધરાવતો બંધુર પ્રદેશ શરૂ થયો. હવામાં ઠંડક હતી. ઢાળ ચઢી બસ સુડા ચાંદપુર આવી ઊભી રહી.

આ નાનકડું ગામ હતું, પહાડનાં ઢોળાવ પર વસેલું. એક માત્ર ઊભી સડક દક્ષિણ તરફ જતી હતી. અહીંથી મિઝોરમ જવાય. બપોરે સડક પર આછી અવરજવર હતી. રંગીન પરિધાનમાં એકાદ કન્યા તેના પરથી પસાર થાય ત્યારે નજરને તે ગમતી હતી. મણિપુરનું આ એક છેવાડું ગામ. થોડીવારમાં જ ગામની પ્રદક્ષિણા કરી લીધી. અહીં કોઈ મને જાણતું, ઓળખતું નથી. અજાણ્યા અને એકાકી યાત્રી તરીકે ભમવાનો એક આનંદ હતો, એટલામાં જોયું — એક બસ આવીને ઊભી છે. મોઇરાંગ થઈને ઇમ્ફાલ જતી હતી. બેસી ગયો અને મોઇરાંગ ઊતરી ગયો.

ચાની વેળા થઈ ગઈ હતી. ગામને ગોંદરે સડકની બાજુમાં ઝૂંપડી હૉટેલ હતી. એક બાઈમાણસ તે ચલાવતી હતી. તરડાયેલા પાયાવાળી લાકડાની પાટલી પર બેસી બે જણ ચા પીતા હતા. હું તો પગ લંબાવી નીચેની લીંપેલી સ્વચ્છ જમીન પર બેસી ગયો. એક જણે મને પૂછ્યું—કયાંથી આવો છો? મેં કહ્યું અમદાવાદથી. દેશની છેક આથમણેથી. અમદાવાદ વિષે બહુ ખબર હોય એવું લાગ્યું નહીં! મારું અભિમાન ઘવાયું. બીજાએ પૂછ્યું—આ તરફ કેમ? મેં કહ્યું-આ બધો પ્રદેશ જોવા-જાણવા. એ રાજી થયા. ખબર પડી કે અહીંની શાળામાં એક શિક્ષક છે. પછી તે મોઇરાંગ વિશેનો આખો ઇતિહાસ બોલી ગયા-તેમાં ખંબાથોઈબીની વાત કરવાનું ના ભૂલ્યા.

સમગ્ર મણિપુરના જનજનમાં વ્યાપ્ત, ત્યાંની સંસ્કૃતિમાં, સાહિત્યમાં, સંગીતમાં, નૃત્યમાં વણાઈ ગયેલી એ રોમહર્ષક, મર્માન્તક, કરુણ પ્રણયકથા છે. એ પ્રણયકથાની ઘટનાભૂમિ આ મોઇરાંગ.

એક રિક્ષા કરી હું અહીંનું પ્રસિદ્ધ સરોવર જોવા નીકળ્યો. લોકતાક સરોવર. પવન સામી દિશાનો હતો, રસ્તો ઊખડી ગયેલો હતો. સામે ઊંચી ટેકરી હતી—તે હતી સેન્દ્રા હિલ. સડકની એક બાજુએ સરોવરમાં પાણી હતું—બીજી બાજુએ પાણી સુકાઈ ગયું હતું. હિલની તળેટીમાં રિક્ષા ઊભી રહેતાં સૂસવાતા વાયરામાં જેમ જેમ ટેકરી ચઢતો ગયો તેમ તેમ દૂરસુદૂર સરોવરનો વિસ્તાર ખૂલતો ગયો. ઇમ્ફાલની ભાગોળે થઈને વહેતી ઇમ્ફાલ નદી આ સરોવરને મળે છે, પછી આ સરોવરમાંથી બહાર નીકળે છે, કાશ્મીરની જેલમ જેમ વુલર સરોવરને મળી વળી તેમાંથી બહાર નીકળે છે તેમ. આ વિસ્તારનું લોકતાક સૌથી મોટું સરોવર છે. ચોમાસામાં તો માઈલો સુધી એનાં વારિ પ્રસરી જાય છે. ટેકરી પરથી આસપાસ હિલ્લોલતાં વારિ જોવાં એ અનુભવ હતો. થોડીવાર ત્યાં ઊભો રહી ઢાળ ઊતરી ગયો.

મોઇરાંગમાં ઇન્ડિયન નેશનલ આર્મીનું એક સ્મારક છે. સુભાષચંદ્રની સેના અહીં સુધી આવી હતી, ત્યાં જઈ આવ્યો. હવે ઇમ્ફાલ જતી બસ પકડવાની હતી, નહીંતર અહીં રાત રોકાઈ જવું પડે.

સૂરજ આથમવાને ટાણે તો ઇમ્ફાલ શહેરની સડક પર ચાલી રહ્યો હતો. એમ તો હજી સાડા પાંચ જ થયા હશે. ઇમ્ફાલની પશ્ચિમે આવેલા પહાડ પર લાલ ટશરો હતી. આવે ટાણે અજાણી ભોમકા પર એકાકી ભમનારની એક વિશેષ મન:સ્થિતિ હોય છે. અહીં જાણે કોઈ ઓળખાતું નથી. તમે છો કે નથી તેની કોઈને નોંધ નથી. ગોલ્ડસ્મિથના યાત્રિકની જેમ — ‘રિમૉટ, અનફ્રેન્ડેડ, મેલંકલી, સ્લો…’ ના, સાવ એવો મૂડ નથી, ‘મેલંકલી’ તો નહીં જ, તેમ છતાં—

‘ઘર તજી ભમું હું દૂર! સ્વજનહીન ઉર ભરાઈ આવે…’

…ઇમ્ફાલની સડક પર આમ એકાકી હું જતો હતો. એક ગરનાળું ઓળંગી પાઓના બજારમાં પ્રવેશ કર્યો. ત્યાં એક પાટિયું જોયું — મણિપુરી સાહિત્ય પરિષદ. મણિપુરી તિબેટી—બર્મી ભાષા પરિવારની ભાષા છે, પણ લખાય છે બંગાળી લિપિમાં. એકાએક થયું લાવ અંદર ડોકિયું તો કરું. જેવો કાર્યાલયમાં પ્રવેશ કરે છું તો સામે ઊભા હતા નીલકાંત સિંઘ. તેમણે કહ્યું, ‘અરે, તમે? તમારી હૉટેલ પર તપાસ કરાવી, પણ તમે તો નહોતા.’ તેમની સાથે વાત પૂરી કરું ત્યાં સુધીમાં તો ધસમસતા આવી કોઈ પૂછી રહ્યું — ‘તમે તો શ્રી પટેલ નહીં?’ એ ડૉ. બાબુસિંઘ હતા, બેઠા ઘાટના, તરવરિયા. ચહેરે છોકરા જેવા લાગે. બાબુસિંઘે કહ્યું— ‘શ્રી જોશીનો પત્ર મળ્યો છે. પણ તમને ક્યાં શોધવા? સારું થયું. મળી ગયા!’ આ આકસ્મિક મિલન તો આશ્ચર્યજનક અને આનંદપ્રદ હતું. મને થયું — એકાકી, સ્વજનહીન શાનો?

ઇમ્ફાલમાં તે દિવસોમાં ઑલ મણિપુરા ડ્રામા ફેસ્ટિવલ ચાલતો હતો. રોજ એક નાટક ભજવાતું. આજે બારમો દિવસ હતો. મને નાટક જોવા આમંત્રણ આપ્યું અને સ્ટેટ કલા અકાદેમીના સેક્રેટરી શ્રી મણિહાર સિંઘ પર પત્ર લખી આપ્યો, અને સાત વાગ્યે એરિયન થિયેટર પર પહોંચી જવા કહ્યું.

આજે બધું અચાનક અણધાર્યું બનતું જતું હતું. સવારમાં છેલ્લે જતાં ટિકિટ ઓ. કે. થઈ ત્યાં અચાનક મળ્યા ડૉ. જગન્નાથ, અચાનક જ ગયો ચુડા ચાંદપુર અને મોઇરાંગ અને અચાનક જ આવી ચઢ્યો મણિપુરી સાહિત્ય પરિષદની ઑફિસે. મને તો અહીં ઑફિસ છે તેની ખબર નહોતી. અહીં અચાનક મળી ગયા શ્રી નીલકાંત અને શ્રી બાબુસિંઘ અને અચાનક જ ગોઠવાઈ ગયું મણિપુરના નાટયોત્સવમાં સમ્મિલિત થવાનું. કવિ અજ્ઞેયની પંક્તિઓ યાદ આવતી હતી :

ચલો ખોલ દો નાવ
ચુપચાપ
જિધર બહતી હૈ
બહને દો…

આજે નાવ જાણે છુટ્ટી જ મુકાઈ ગઈ હતી, પણ તે બરાબર દિશામાં જતી લાગી, અણધાર્યાની એક ‘થ્રિલ,’ એક આનંદ હતો. હૉટેલ પર આવી હાથપગમોં ધોઈ સ્વસ્થ થયો. સમય થવા આવ્યો હતો, જમીને તરત જ થિયેટરે જવા નીકળી જવું જોઈએ. જમીને નીકળી પડ્યો, રિક્ષાવાળાને પૂછ્યું તો રૂપિયો કહ્યો. નક્કી થયું કે થિયેટર નજીકમાં જ છે. એટલે ચાલતો ચાલ્યો. હજી તો સાડા છ થયા હતા, પણ અંધારું ઊતરી આવ્યું હતું. વળી લાઇટ જતી રહી હતી. ગઈકાલે સિલ્ચરમાં આ વખતે આ સ્થિતિ હતી, પૂછતો પૂછતો જતો હતો અને આ રીતે જ તો સંપર્ક થઈ શકે તેમ હતું. ત્યાં રસ્તામાં વળાંક પર જોયું. ટમટમતા દીવાઓને અજવાળે પગથી પર ભરાયેલું નાનકડું હાટ બજાર, અંધારામાં તે કાવ્યાત્મક લાગતું હતું. એક પુલ ઓળંગી થિયેટરે પહોંચ્યો.

લાઇટ ન હોવાને કારણે નાટક શરૂ થવામાં વિલંબ થાય તેમ હતું. ઑફિસમાં પેટ્રોમેક્સના અજવાળે કલા અકાદેમીના સેક્રેટરી, આસિ. સેક્રેટરી મળ્યા, કહે —‘તમારી રાહ જોતા હતા.. દિલ્હીથી સાહિત્ય અકાદેમીનો પત્ર પણ છે. તમને ક્યાં શોધવા? આ અચાનક મુલાકાતથી તેઓ પણ રાજી થઈ ગયા, વિશેષે તો આ નાટ્યોત્સવમાં હું હાજર રહ્યો તેથી.

શ્રી મણિહાર સિંઘે આ ડ્રામા ફેસ્ટિવલની વાત કરી. આ ફેસ્ટિવલમાં આખા મણિપુરની નાટક મંડળીઓ ભાગ લે છે. આ વખતે અઢાર મંડળીઓ ભાગ લઈ રહી છે. (આમ તો આખા મણિપુર રાજ્યની વસ્તી અમદાવાદ કરતાં અડધી જ.) ફેબ્રુઆરીની ૨૧મીથી આ ફેસ્ટિવલ શરૂ થયો છે. માર્ચની ૧૩મી સુધી ચાલશે. ૧૪મીથી શરૂ થશે બેલે મહોત્સવ. મને કહે—‘તમે થોડું રોકાઈ જાઓ. હોળીના દિવસો સુધી તો ખાસ. મણિપુરી નૃત્યો એટલે શું—મણિપુરના ઉત્સવ એટલે શું એ ખ્યાલમાં આવી જશે.’ આ કિરાતસંસ્કૃતિની પ્રજા ઉત્સવપ્રિય-નૃત્યપ્રિય તો હોય છે જ. હોળી એમનો મુખ્ય ઉત્સવ. હોળી વખતે આખું મણિપુર નાચતું હોય છે. રંગ ઉડાડતું હોય છે. પ્રસિદ્ધ મણિપુરી રાસલીલાનૃત્યનાં દૃશ્યો ઠેર ઠેર દેખાય છે. મણિપુરી રાસલીલાનું નૃત્ય — રવીન્દ્રનાથે મણિપુરની સીમાઓમાંથી તેને બહાર કાઢી વિશ્વપ્રતિષ્ઠા અપાવી હતી, મને ઝવેરી બહેનો યાદ આવી. અમદાવાદમાં તેમનાં આ રાસલીલાનાં નૃત્ય જોયાનું સ્મરણ છે. અઠવાડિયા પછી અહીં આવવાનું થયું હોત તો રંગ રહી જાત.

આજના નાટકનું નામ હતું ‘ઇંગાલૈ.’ નાટકમાં એવી વાત આવે છે, શ્રી મણિહાર સિંઘે મને કહ્યું, કે મણિપુરનો એક રાજકુમાર પહાડમાં વસતા એક આઓ નાગા સરદારને ત્યાં છૂપા વેશે જાય છે. નાગાઓમાં મસ્તકશિકારની પ્રથા હતી. એ સરદારે આ રાજકુમારના પિતાનું માથું કાપી લીધું હતું. રાજકુમાર પોતાના પિતાનું મસ્તક પાછું લેવા ગયો હતો. તે પકડાઈ જાય છે. બીજા નાગાઓ તેને મારી નાખવા તત્પર છે, પણ સરદાર ના પાડે છે અને પોતાને ત્યાં બંદી બનાવી રાખે છે. સરદારની છોકરી ઇંગાલૈ તેના પ્રેમમાં પડે છે. રાજકુમાર તેની સાથે લગ્ન કરવાનું વચન આપી પિતાનું સંતાડી રાખેલું મસ્તક મેળવી ઇંગાલૈને લઈને પિતાના રાજ્યમાં ભાગી જાય છે. પણ પુરોહિતો નાગકન્યા સાથે મૈતેઈ રાજકુમારનાં લગ્ન ના થઈ શકે તેમ કહે છે. રાજકુમાર ગાદી છોડવા તૈયાર થાય છે, પણ છેવટે ઇંગાલૈ, જે એક દેવીનો અવતાર હતી, અલોપ થઈ જાય છે.

નાટકના કેન્દ્રમાં એક ટ્રાઇબલ — આદિવાસી કન્યા છે, સમગ્ર નાટક મણિપુર ખીણમાં રહેતા મૈતેઈ તરીકે ઓળખાતા મેદાનવાસીઓ અને પહાડોમાં રહેતા નાગાઓના સંઘર્ષ અને પછી સૌહાર્દનું છે.

નાટકનો પરદો ઊપડ્યો — એક નાગાપ્રદેશમાં. સીનસિનેરી એવી ગોઠવી હતી કે નાગભૂમિનું આબેહૂબ દૃશ્ય જોઈ લો. તેમનું મોટું ઢોલ, તેના અવાજમાં નાગાઓની ચિચિયારીઓ અને પૂજાવિધિ. આખું દૃશ્ય ઍક્ઝોટિક.

નૃત્ય શરૂ થયું. ચાર કન્યાઓ આવી. ગોરી. કાળા વેશના કોન્ટ્રાસ્ટમાં ગોરા હાથ, પગ અને મોં સરસ લાગે. ધીરે ધીરે અન્ય પાત્રો વધતાં ગયાં. શસ્ત્રધારી ‘નાગાઓ’ આવ્યા. બધું નૃત્યના લયતાલમાં ચાલે. પછી એકાએક બાંધીને લઈ આવવામાં આવ્યો પેલો રાજકુમાર, રાજકુમારનો અભિનય ઉત્તમ, જે રીતે તે ફેંકાઈને પડ્યો પડ્યો હાંફતો રહ્યો! કમર પર એક વેંતનું વસ્ત્ર હતું માત્ર. આખું શરીર બોલે. મડદા જેવો થઈ ગયેલો. તેના ગળામાં દારૂ રેડવામાં આવ્યો. ધીમે ધીમે સ્વસ્થ થયો. નાગા સરદારની પુત્રી ઇંગાલૈના હાથનો ચાહક એક નાગ યુવક તેને ખતમ કરવા માગે છે, પણ બન્ને વચ્ચે થતા દ્વંદ્વ યુદ્ધમાં તે હારી જાય છે. સરદારની કૃપાથી છેવટે જીવતો રહેવા પામેલા રાજકુમારને ઇંગાલૈ જનાન્તિકે કહેતી જાય છે :

‘તું એક જંગલી આખલા જેવો છે. એકલો એકલો રઝળે છે. હવે હું તને મારા ઘરમાં બાંધી રાખીશ.’

નાટક પરંપરાગત લાગે, આપણી જૂની ધંધાદારી રંગભૂમિ જેવી પરદાની સિનસિનેરી અને ગાયનવાદન. મણિપુરી ભાષાનો એક અક્ષરેય સમજાય નહીં, પણ સાંભળવી ગમે. પ્રસંગના અનુલક્ષમાં શું વાર્તાલાપ થતો હશે, તેનું અનુમાન કરવાની મઝા આવે. અભિનય પર જ ધ્યાન વધારે કેન્દ્રિત થાય. વચ્ચે વચ્ચે માર્મિક સંવાદ હોય તે ડૉ. સિંઘ મને તરજુમો કરી ઝડપથી કહી દે, ઇંગાલૈનું એક રુદનગીત તો ન સમજાવા છતાં હૃદય સોંસરું ઊતરી જતું લાગ્યું. અંતમાં જતાં નાટક મેલોડ્રામેટિક લાગે, ઇંગાલૈ અલોપ થઈ જાય છે એ દૃશ્ય તો માત્ર આંખને જ ચમત્કારિક ન લાગ્યું, નાકને પણ લાગ્યું કેમ કે આખું થિયેટર અગરુગંધથી ભરાઈ ગયેલું.

નાટક પૂરું થતાં મંચ પર જઈને દિગ્દર્શક અને અભિનેતાઓને મળ્યા. ઇંગાલૈનો પાઠ કરનાર કુ. સનાહનીને નમસ્કાર કરી અભિનંદન આપ્યાં. શ્રી મનિહાર સિંઘ મને હૉટેલ પર મૂકી ગયા, પાઓના બજારમાં.

હજી ઇંગાલૈનું ગીત પીછો કરી રહ્યું છે. વડ્ઝવર્થની ‘એકલ લણનારી’ જેમ, એ શું ગાતી હતી તે તો ખબર નથી પણ વેદનાનો સૂર ઘૂંટાઈ ઘૂંટાઈને હજી જાણે આવી રહ્યો છે.

માર્ચ ૭

સવારે દશ વાગ્યાની આસપાસ રાજ્ય કલા અકાદેમીની ઑફિસે જવા નીકળ્યો. ઑફિસ, શાળા, કૉલેજનો સમય. લોકોની અવરજવર વધી ગઈ હતી. યાંત્રિક વાહનો કરતાં પગરિક્ષાઓ અને સાઇકલો વધારે હતી. એવું લાગે કે ઇમ્ફાલ સાઇકલ પર વધારે ચાલે છે. પાણીમાં ફૂલો ભરેલી નાની સરખી હોડી સરતી હોય તેમ સડક ૫૨ સ્નિગ્ધ રીતે સરકી જતી સાઇકલ પર મણિપુરી કન્યાઓને રંગબેરંગી વસ્ત્રોમાં જોવી એક વિરલ અનુભવ હતો. હું જોતો ઊભો જ રહી ગયો એક બસ સ્ટૅન્ડ પાસે. ઇમ્ફાલની નારી રંગઘેલી લાગે. રંગો પણ ઘેરા અને એકદમ કોન્ટ્રાસ્ટ રચતા. ત્રણ-ચાર કન્યાઓ સાથે જતી હોય તો ઓછામાં ઓછા દસ-બાર રંગો આંખમાં અંજાઈ જાય. એક ‘ફનેક’માં જ અનેક રંગપટ્ટીઓ દેખાય, ફનેક કમર નીચે પહેરવાનું વસ્ત્ર. કમરે એક બાજુ સુંદર કલાત્મક ગાંઠ વાળીને પહેરેલું હોય. તેના વિવિધ રંગપટ્ટા. કલાત્મક બૉર્ડર. બહુધા સર્પની ભાત ઊપસતી હોય, સર્પ સાથે સેક્સભાવના વણાયેલી હોવાનું જાણકારો કહે છે. આ ફનેક ઉપર ‘ફુરિત’ — બ્લાઉઝ કહી શકાય. એનો રંગ વળી ફનેક સાથે કોન્ટ્રાસ્ટમાં હોય. ઘણી કન્યાઓએ ફનેક અને ફુરિત ઉપર ‘ઈન્નફિ’ નયનરમ્ય ચાદર નાખેલી હોય. ફનેક, ફુરિત અને ઈન્નફિ એટલે રંગરંગવાદળિયાં. આ રંગો વચ્ચેથી ગોરાં બદન ઝલક્તાં હોય, ખુલ્લા કાળા કેશ બરડા પર વીખરાયેલા હોય — બહુ જ ઓછીઓના કેશ ગૂંથેલા જોયા. ઘડીભર તો કાળી ડામરની સડક વહેતી નદી બની ગઈ અને આ કન્યાઓ તેમાં વહી જતી રંગીન જલપંખિણીઓ! આંખોમાં રંગોનાં કંઈ કેટલાંય વલયો બિંબિત થતાં ગયાં.

આ હા! સે કિ સત્ય, સે કિ માયા…
સે કિ સુવર્ણકિરણે રંજિત છાયા.

— સમય થંભી ગયો કે પછી કોઈએ જાદુઈ છડી ફેરવીને મને સ્તબ્ધ સ્થિર કરી દીધો હતો!

આખરે તે સ્થળેથી હું ચાલ્યો. અર્જુન જ્યારે મણિપુર આવ્યો ત્યારે આમ જ નગરે રસ્તે નીકળ્યો હશે. અને એણે રાજદુહિતા ચારુદર્શના ચિત્રાંગદાને—દદર્શ પૂરે તસ્મિન્ વિચરન્તી યદચ્છયા-સ્વેચ્છયા નગરમાં ભમતી જોઈ હતી ને! જોતો-વિચારતો સ્ટેટ કલા અકાદેમીએ પહોંચ્યો. અકાદેમી મણિપુરી અને અંગ્રેજીમાં અહીંનાં સાહિત્ય સંસ્કૃતિ વિશે પ્રકાશનો કરે છે. અંગ્રેજીમાં એક માસિક પ્રકટ કરે છે, જેમાં મણિપુરી સાહિત્ય વિષેના લેખ અને કવિતા. નાટક, કથા આદિના અંગ્રેજી અનુવાદ હોય છે. શ્રી મનિહાર સિંઘે મને તે પત્રિકાના કેટલાક અંક આપ્યા. મને થયું ગુજરાતી સાહિત્ય ને ગુજરાત બહાર પહોંચતું કરવું હોય તો આવું એક અંગ્રેજી ત્રિમાસિક પ્રકટ કરવું રહ્યું. વિભિન્ન ભારતીય ભાષાઓના એકત્રિત મંચ પર પ્રમાણપુર:સરનું ગુજરાતીનું પ્રતિનિધિત્વ આપણે કરી શકતા નથી.

ત્યાંથી ડાન્સ અકાદેમીમાં આવ્યો. કિશોરકિશોરીઓ પ્રાંગણમાં વૃક્ષની છાયામાં કે ઓસરીમાં બેસીને, કોઈ ગાતાં હતાં, કોઈ નૃત્યની મુદ્રાઓ એકબીજાને બતાવતાં હતાં. તેમની પરીક્ષાઓ ચાલતી હતી, તેની આ પરીક્ષા પહેલાંની મિનિટોની પૂર્વતૈયારીઓ હતી. પ્રાંગણમાં રંગબેરંગી પતંગિયાં ઊડી રહ્યાં હોય એવું લાગે. શ્રી નીલકાંત સિંઘ અહીં મળ્યા. સંસ્થાનાં આચાર્યા રાજકુમારી વિનોદિનીદેવીએ સંસ્થા બતાવી. એમણે કહ્યું — થોડા દિવસ રોકાઓ તો બતાવીએ કે મણિપુરી નૃત્ય એટલે શું?

બપોરના અહીંના એક અકાદેમી પુરસ્કાર વિજેતા કવિને મળવા જવું હતું. સમરેન્દ્ર તેમનું નામ. શિક્ષણ વિભાગમાં અધિકારી છે. શ્રી સિંઘની સાથે જ નીકળ્યા. તેમને એ તરફ જવું હતું. ઊંચાં પુરાણાં વૃક્ષ નીચે અને પુરાણી નહેરને કાંઠે અમે જતા હતા. પુરાણું ઇમ્ફાલ ફરતે પાણીની નહેર હતી. આમ તો તે પુરાઈ ગઈ હતી, પણ થોડાં વર્ષો પૂર્વે અહીં આવેલા એક ગવર્નરશ્રીએ ફરીથી નહેરમાં પાણી વહેવડાવ્યાં.શ્રી સિંઘ મને ઇમ્ફાલનો ઇતિહાસ કહેતા હતા. રસ્તામાં એક બોર્ડ ઉપર ઇમ્ફાલથી મોરેહનું અંતર બતાવ્યું હતું. કહે—આ બર્મા રોડ. આ માર્ગે ચાલ્યા જાઓ તો બર્માની સરહદ આવે. હજી તો હું ત્યાં હતો અને મન તો બર્માની સરહદે ભટકતું હતું.

મણિપુર સાથે બર્માના સંબંધો ભારત કરતાં વિશેષ રહ્યા છે. માત્ર ભાષા અને ભૂગોળનું જ નૈકટ્ય નથી, કંઈક અંશે જીવનરીતિમાં પણ સામ્ય છે. વાત થઈ છે તેમ, આ બધી પૂર્વોત્તરની પ્રજાઓમાં મોંગોલ લોહી વહે છે, પછી ભલે સંસ્કૃતીકરણની પ્રક્રિયામાં મણિપુરીઓને કે ત્રિપુરીઓને પાંડવોના વંશના કહેવામાં આવે. સાત ‘ભણિ’ એટલે કે સાત બહેનો (આસામ, અરુણાચલ, મેઘાલય, નાગાલૅન્ડ, ત્રિપુરા, મણિપુર અને મિઝોરમ)ને બર્મા, તિબેટ, ચીન સાથે કશીક વધારે સગંધતા લાગે. તેમાં જો કે, બર્મીઓએ ઘણીવાર આક્રમણકારીઓ અને અત્યાચારીઓનો ભાગ ભજવ્યો છે. આસામમાં પણ સૈકાઓ સુધી રાજ કરનાર અને હિન્દુ જીવનરીતિ અપનાવી લેનારા અહોમ શાસકે બર્માની ઉત્તરે ઇરાવતીને કિનારેથી આવેલા. તેમણે આખી પૂર્વોત્તરની સંસ્કૃતિને પ્રભાવિત કરી છે. એટલે આ સમગ્ર જનજાતિઓમાં કિરાતી સંસ્કારનું સામ્ય જોવા મળે છે.

એટલે મણિપુરનોય પ્રશ્ન એ છે કે ભારતીય ઇતિહાસધારાના મુખ્યપ્રવાહ સાથે તેનો કેટલો અનુબંધ છે. તેની એકદમ અલગ ભાષા, અલગ સંસ્કૃતિ, અલગ જીવનરીતિ રહી છે. બીજી બાજુ અઢારમી સદીથી વ્યાપક બનેલી વૈષ્ણવ ભક્તિધારાએ તેની નિયતિને ભારતીય ધર્મપરંપરા સાથે જોડી છે. તે એટલે સુધી કે કીર્તન તે બંગાળીમાં જ થાય, મણિપુરીમાં કરો તો કાગડાનો અવતાર આવે. ઇમ્ફાલ તો ગોવિંદજીનું થાનક છે, ગોવિંદજીની સ્થાપના કરનાર રાજર્ષિ ભાગ્યચંદ્રના સમયથી પ્રસિદ્ધ રાસલીલા નૃત્યનો આરંભ થયો અને હોળીનો ઉત્સવ સૌથી મોટો તહેવાર ગણાયો. ચૈતન્ય મહાપ્રભુના જન્મ સાથે તે સંકળાયેલો છે. ઇમ્ફાલમાં અનેક સ્ત્રીઓ-પુરુષોને લાંબા વૈષ્ણવતિલકો સાથે જોઈ શકો.

વળી મણિપુરના મેદાનમાં વસતા આ વૈષ્ણવ સાથે ચારેતરફ આવેલા પહાડોમાં વસતી નાગ, કુકી, મિઝો જેવી જુદી જુદી આદિવાસી જાતિઓ છે. મેદાનવાસીઓ — ‘મૈતેઈ’ અને પર્વતવાસીઓના સંઘર્ષ મણિપુરના ઇતિહાસમાં જાણીતા છે. મણિપુરની પૂર્વસીમા બર્માને અડકે છે, તો દક્ષિણસીમા મિઝોરમને અને ઉત્તરસીમા નાગાલૅન્ડને અડકે છે. મણિપુરની સીમાઓમાં ઘણાં નાગ ગામો છે, મિઝો ગામો છે એટલે ઘણા પ્રશ્નો છે. આવી તે નાની મોટી પોતીકી જીવનરીતિ ધરાવતી ઓગણત્રીસ જેટલી આદિવાસી જાતિઓ છે. તેમાંની કેટલીકનો સંપર્ક ઇમ્ફાલ જેવાં શહેર સાથે જોવા મળે, કેટલીકનો માત્ર સંઘર્ષ જોવા મળે. આ જાતિઓમાં આધુનિકીકરણની પ્રક્રિયા ઝડપથી થઈ રહી છે, તેમ છતાં તેમના પરંપરાગત ઉત્સવ અને નૃત્યો હજી જીવંત સ્થિતિમાં છે — મણિપુરનાં લાઈ હરાઓબા નૃત્ય, ખંબાથોઈબી નૃત્ય, રાસલીલા નૃત્યની સાથે કાબુઈ નાગાનૃત્ય, માઓ મરામ નૃત્ય, તાંખુલ નાગા નૃત્ય, થડૌ કુકી નૃત્ય વગેરે. ડાન્સ અકાદેમીમાં આ બધાં નૃત્યોની તાલીમ આપવામાં આવે છે. એકેય એવી મણિપુરી કન્યા નહીં હોય જેને થોડુંઘણું પણ નાચતાં કે ગાતાં ન આવડે.

પણ મણિપુરના બુદ્ધિજીવીઓ માટે આજે એકજાતની ‘આઇડેન્ટિટી ક્રાઇસિસ’ છે. તેમને લાગે છે કે ભારતીય સાંસ્કૃતિક પરંપરા સાથે તેમનો સંબંધ સહજ સ્વાભાવિક નથી, અને આપણેય ભારતવર્ષનો ઇતિહાસ જ્યારે ભણીએ છીએ ત્યારે ઈ.સ.ના પહેલા સૈકાથી ચાલતા આવેલા આ રાજ્ય વિષે કશું ભણીએ છીએ? હજુ હમણાં સુધી ભારતવર્ષનો ઇતિહાસ એટલે ઉત્તર ભારતને ઇતિહાસ હતો. હવે દક્ષિણનો સમાવેશ થાય છે પણ આ પૂર્વોત્તરનો? કદાય અંગ્રેજોએ મણિપુરને ન જીતી લીધું હોત તો એને ભારતનો ભૂભાગ ગણાતાં વાર લાગી હોત. મણિપુરમાં વૈષ્ણવ ભક્તિધારાએ ભારત સાથેનો અનુબંધ જોડવાની બાબતમાં ઘણું મોટું કામ કર્યું છે, પણ અળગાપણાની લાગણી તમને અનુભવવા મળે. તેમાં વળી અહીંથી વિશેષે મારવાડમાંથી વ્યાપાર અર્થે ગયેલી પ્રજાએ એક જાતની ખાઈ ઊભી કરી છે.

નીલકાન્ત સિંધ શ્રી અરવિંદોપાસક છે. મણિપુરીના પ્રસિદ્ધ કવિ છે. પણ ઓછાબોલા. તેમણે પ્રાચીન મણિપુરના ઇતિહાસ વિષે, મણિપુરીની ભાતીગળ સંસ્કૃતિ વિષે વાતો કરી. એક સ્થળે તેઓ રિક્ષામાંથી ઊતરી ગયા. હું કવિ સમરેન્દ્રને મળવા આગળ ચાલ્યો. ઇમ્ફાલ નદીનો પુલ પાર કરી પેલી મેર ગયો. પણ ત્યાં શિક્ષણ વિભાગ જડ્યો નહીં. ફરી પુલ પર આવ્યો. નદીકિનારે એક ઊંચું ભીમકાય પુરાણું વૃક્ષ કપાઈ રહ્યું હતું. વૃક્ષ કપાતું હું જોઈ શકતો નથી. આ વૃક્ષ તો કંઈ કેટલાંય વર્ષોથી આ નદીમાં પોતાનો પડછાયો જોતું ઊભું હશે—કાલે એ નહીં હોય.

શ્રી સમરેન્દ્ર પહેલી નજરે તો કવિ ન લાગે. ઑફિસમાં જઈને મેં કહ્યું કે મારે શ્રી સમરેન્દ્ર સિંઘને મળવું છે, તો એક દુર્બળ સરકારી મુખમુદ્રા ધરાવતી વ્યક્તિ આગળ આવી અને મને બાજુની રૂમમાં લઈ ગઈ. એ જ કવિ સમરેન્દ્ર. કહે — શું કામ છે? એમને મન હું કોઈ ઑફિસના કામકાજે આવ્યું છું. મેં કહ્યું — હું ‘કવિ’ સમરેન્દ્રને મળવા આવ્યો છું. પછી તો કવિ ધીમે ધીમે ઊઘડતા ગયા. તેમના કાવ્યસંગ્રહ ‘મમાડ લેકાય થમ્બાલ શાતલે’ (કમળ ખીલ્યું છે પેલી મેરને ગામ)ને અકાદેમી પુરસ્કાર મળેલો. રોમાન્ટિક લાગતું શીર્ષક એક લોકગીતની પંક્તિ છે, પણ એ શીર્ષક કાવ્ય વ્યંગ્યાત્મક-સેટિરિકલ છે એમ કવિએ કહ્યું. આ કવિ અને વ્યંગ્ય?

અહીંથી મારે જવું હતું ટૂરિસ્ટ ઑફિસમાં. કવિએ પોતાની ઑફિસની બહાર આવી માર્ગ બતાવ્યો. પણ હું ટૂરિસ્ટ ઑફિસમાં પહોંચું તે પહેલાં સાઇકલ લઈને દોડતા આવ્યા. કહે — ‘મેં તમને ‘ટૂરિસ્ટ ઑફિસ’ એવું બૉર્ડ લગાવેલું જોવા કહ્યું હતું. પછી યાદ આવ્યું હતું ‘ટૂરિસ્ટ ઇન્ફર્મેશન સેન્ટર’ એવું નામ છે. તમે ભુલાવામાં પડશો ધારી પાછળ દોડ્યો.’ મને આ કવિ માટે માન થયું.

આ ઑફિસનો પ્રથમ અનુભવ સારો ન થયો, ક્લાર્ક કહે — અમારી પાસે મણિપુર વિષે કોઈ સાહિત્ય નથી. પિક્ચર-પોસ્ટકાર્ડ પણ ખલાસ થઈ ગયાં છે. ટૂરિસ્ટ ગાઇડ જેવું પણ અત્યારે નથી. હું વિમાસતો ઊભો હતો ત્યાં કવિ અંદરથી ઑફિસરને બોલાવી લાવ્યા. તેઓ મને તેમની ઑફિસમાં લઈ ગયા. પછી પૂછ્યું :

‘ક્યાંથી આવો છો?’

‘અમદાવાદથી.’

‘અમદાવાદથી? ખરેખર?’ —એ અડધા ઊભા થયા જેવા થઈ ગયા.

મેં કહ્યું — ‘હા, ત્યાંથી કેમ?’

એકદમ રાજી થઈ જઈ કહે—અરે, મારો દીકરો ત્યાં ભણે છે, અમદાવાદની એલ. ડી. એન્જિનિયરિંગ કૉલેજમાં.’

મેં કહ્યું, ‘એમ? એ કૉલેજ તો મારા ઘરની પાસે જ છે.. મારો દીકરો પણ ત્યાં જ ભણે છે. હું અહીંથી ગયા પછી તરત જ એની ભાળ કાઢીશ. મારે ઘેર બોલાવીશ. એને કંઈ મુશ્કેલી હશે તો… એનું નામ?’ ‘જી. અનિલ શર્મા, અને મારું નામ નીલમણિ શર્મા.’ એક પિતાના હૃદયને હું સમજી શકતો હતો. તેમણે ખૂબ આગતાસ્વાગતા કરી. પણ મારે જલદીથી હવે જવું હતું — સ્ત્રીઓના બજારમાં — લક્ષ્મીબજારમાં, સાંજ પડતાં એ હાટ ઊઠી જાય તે પહેલાં.

કવિ સમરેન્દ્ર સાઇકલ દોરતા દોરતા સાથે ચાલ્યા. છેક માર્ગ બતાવી પછી બોલ્યા— ‘બાર્ગેઈન કરજો.’ સાઇકલ પર બેસી જતા એ દુર્બળ કવિને હું જોઈ રહ્યો..

લક્ષ્મીબજાર સ્ત્રીઓથી સંચાલિત છે. હારબંધ હાટ છે. મોટે ભાગે પ્રૌઢ વયની વૈષ્ણવ સ્ત્રીઓ દુકાન ચલાવતી હોય છે. બપોરે શરૂ થાય, સાંજે હાટ ઊઠી જાય. હાથવણાટનાં વસ્ત્ર, હસ્ત ઉદ્યોગની ચીજો અને રોજના વપરાશની વસ્તુઓ મત્સ્યશાકાદિ મળે. બજારમાં આંટા લગાવ્યા પછી હાથવણાટનું વસ્ત્ર ખરીદવાનું વિચાર્યું. મેં એક સ્થળે પસંદગીનું વસ્ત્ર બતાવી ભાવ પૂછ્યો. સંકેતથી, હસીને તે મહિલાએ પાચેય આંગળીઓ ત્રણવાર ઊંચકી, અર્થાત્ પંદર રૂપિયા. એને અંગ્રેજી હિન્દી સમજાય નહીં, આપણને મણિપુરી સમજાય નહીં. મેં એની ભાષામાં જ જવાબ આપ્યો—પાંચેય આંગળી બે વાર ઊંચકી. તેણે માથું હલાવ્યું, પાંચેય આંગળી બેવાર ઊંચકી પછી માત્ર ત્રણ આંગળીઓ. મેં આંગળીઓથી અગિયાર સૂચવ્યા પછી તેણે બાર સૂચવ્યા. ત્યાં બાજુની દુકાનદાર મહિલા ખડખડાટ હસી પડી. હું ચકિત બની જોઈ રહ્યો. આપણી મજાક હતી, બીજું શું! જેની પાસેથી વસ્ત્ર લેતો હતો તેના હોઠ પર પણ આછું સ્મિત હતું. ભલે, હસો. મેં બાર રૂપિયામાં વસ્ત્ર ખરીદ્યું પણ છેતરાયો હોઈશ એવું લાગે છે. મણિપુરી નારીનું આ બીજું રૂપ જોયું.

ઇમ્ફાલની વૉર સેમિટરી તરફ જવા નીકળ્યો. રસ્તે એક કેસૂડો ખીલી ઊઠ્યો હતો. નગર બહાર આવતાં જ ઇમ્ફાલની સુંદર સિચ્યુએશનનો ખ્યાલ આવ્યો. દક્ષિણ સિવાયની દિશાઓમાં રમ્ય લાગતા પહાડ તડકામાં ઊભા હતા. અહીં નિર્જનતા હતી. પવનમાં જાણે વિલાપ કરતા ઊંચા વાંસની વાડ વટાવી કબ્રસ્તાનમાં પ્રવેશ કર્યો. દરવાજે લખ્યું હતું :

ઇમ્ફાલ વૉર સેમિટરી : ૧૯૩૯-૧૯૪૫

બીજા વિશ્વયુદ્ધવેળાએ જાપાન સાથેની લડાઈમાં અહીં હણાયેલા પરદેશી સૈનિકોના અવશેષો પર હારબંધ એકસરખી કબરો છે, હરિયાળા ઘાસ અને ઉગાડેલાં ફૂલો વચ્ચે. કબરો પર એ મૃત સૈનિકોનાં નામ, તેમની વય અને મૃત્યુલેખ વાંચતા જઈએ અને પગ ઉપર મણીકા મૂક્યાનો અનુભવ થાય. કોઈની વય ૨૪, કોઈની ૨૫ અને કોઈની તો માત્ર ૧૯. મોટે ભાગે ૧૯થી ૩૦ વર્ષના. એમની કબરો પરના મૃત્યુલેખોય હૃદયવિદારક :

એક તરુણની કબર પર :

‘Always remembered by your loving wife—’

બીજી એક કબર પર :

‘Peacefully sleeping free from pain

In God’s own Time we shall meet again.’

બાવીસ વર્ષના એક લાડકવાયાની કબર પર:

‘Nothing but memories as we linger on

Thinking of you Dear Mum and Dad.’

સત્તાવીશ વર્ષના જુવાનની કબર પર:

To the world, He was only one

But to me, He was the world.’

ક્યાંક કોક અનામી દેહના અવશેષ પર–

A Soldier of the 1939-1945 War.

‘Known unto God.’

કોનો હશે એ લાડકવાયો? તો એક સ્થળે માત્ર આટલા શબ્દો—

‘So long, son.’

એક વીસ વર્ષના તરુણને માટે શબ્દો હતા :

‘No one stood near to wish you good bye.’

અને આ—

‘Tread softly

My darling sleeps here…’.

હા, હળવેથી ચાલીશ. સાંજના તડકામાં અને ક્યાંક વૃક્ષોની લાંબી થતી જતી છાયાઓમાં કબરો ચૂપ છે. વસંત છે અને છતાં પાંદડાં ખરી રહ્યાં છે. ધીમે પગલે હું પાછો વળી ગયો.

ફરી મુખ્ય સડક પર. અહીંથી હવે ગોવિંદજીને મંદિરે જઈને શાતા વળશે. ગોવિંદજીનું મંદિર એટલે મણિપુરનું હૃદયકેન્દ્ર, સૂર્યાસ્તની આરતી વેળાએ પહોંચવું જોઈએ. પુરાણા ઇમ્ફાલને માર્ગે પણ રિક્ષા ઉત્તર-દક્ષિણ માર્ગે ચાલતી હતી, સુંદર સાંજ હતી. સૂરજ લાલ થતો જતો હતો. ગોવિંદજીનું મંદિર ઠીક ઠીક દૂર હતું. ધીરે ધીરે ઓછી અવરજવરનો માર્ગ શરૂ થયો. પછી એક વિશાળ ખુલ્લી જગ્યા આવી. આ ગોવિંદજીનું પ્રવેશદ્વાર.

જેવો મંદિરમાં પ્રવેશું છું કે સંધ્યા-આરતીના ઘંટ બજી ઊઠ્યા. મનમાં—દેહમાં રોમાંચ વ્યાપી ગયો, મંદિરમાં જરાય ભીડ ન મળે. મને, નાથદ્વારામાં ભીંસી નાખતી ભીડ વચ્ચે શ્રીનાથજીની અલપઝલપ ઝાંખી કરી હતી તે, યાદ આવ્યું. આ શ્રીનાથજીનું બીજું રૂપ ગોવિંદજી. પુરીમાં તેમના જગન્નાથજી રૂપને જોયું હતું. દ્વારકામાં વળી તેમનું દ્વારકાધીશજીનું રૂપ. ગોવિંદજીના મંદિરની અડોઅડ વિશાળ મંડપ હતો. ત્યાં શાન્ત સ્વરે મૃદંગસહ સંકીર્તન થઈ ૨હ્યું હતું. આપોઆપ પ્રાર્થના થઈ જાય એવું વાતાવરણ હતું. સાંજ ઢળી, હું ઉતારે આવી ગયો. આજે પણ નાટક જોવાનું હતું.

આજનું નાટક ઐતિહાસિક હતું. મણિપુર પર બર્મીઓનાં આક્રમણ અને અત્યાચાર અને તેના પ્રતિકારની ઘટનાઓ કેન્દ્રમાં હતી. નાટકનું નામ હતું : ‘ચહિ તપેત્ ખુન્તાકપા’ (પાયમાલીનાં સાત વર્ષ). નાટકમાં ત્રાસનાં ઘણાં દૃશ્યો હતાં. સીનસિનેરીનો ઉપયોગ પણ હતો. ભજવણી સારી હતી. આ બંને દિવસનાં નાટક જોતાં ત્રણ ત્રણ કલાક મણિપુરી સાંભળવા મળી. ભાષા સમજાય નહીં, ભાષાનું માધુર્ય અનુભવાય.

આવતી કાલે કોહિમા પહોંચી જવું પડશે. શ્રી કિશોર જાદવનો કલા અકાદેમી પર ટ્રંકકૉલ દ્વારા સંદેશો આવ્યો હતો. તેમણે ત્યાં કાલે ‘થિંકર્સ ફૉરમ’ના ઉપક્રમે સાંજે વાર્તાલાપ ગોઠવ્યો છે. હૉટેલના મૅનેજરે કોહિમા જતી બસની ટિકિટ લાવી રાખવાનું વચન આપ્યું હતું, પણ તે ટિકિટ મેળવી શક્યા નથી. તેમણે આશ્વાસન આપ્યું છે કે ડેપો પર જતાં ટિકિટ મળી જશે. આ હૉટેલમાં ઊતરેલા બીજા એક બંગાળી સજ્જન શ્રી ચક્રવર્તીને પણ ડિમાપુર જવાનું છે. વહેલી સવારે સાથે જવા નીકળીશું.