પ્રતિપદા/૩. યજ્ઞેશ દવે

૩. યજ્ઞેશ દવે

કાવ્યસંગ્રહોઃ

જળની આંખે, જાતિસ્મર, અંદર ખૂલતા દરવાજા, ગંધમંજૂષા

પરિચય:

અભ્યાસે માઈક્રોબાયોલોજી અને એક્સ્પરિમેન્ટલ બાયોલોજીના વિજ્ઞાની. ઓલ ઇન્ડિયા રેડિયોના ડેપ્યુટી ડાયરેક્ટરના પદે નિવૃત્ત. સ્ફટિક-રમ્ય કલ્પનો-પુરાકલ્પનો થકી રચાયેલી અછાંદસ કવિતાના કવિ. ઊર્મિ સાથે વિસ્મય અને પ્રજ્ઞાની સેર ગૂંથતા રહી વૈશ્વિક સંદર્ભોને-ચેતનાને પ્રતિબિંબિત કરવા મથતા કવિ. ભાવકપક્ષે પણ ચપટીક સંપ્રજ્ઞતાનું મૂડીરોકાણ જરૂરી. કવિતા ઉપરાંત લલિત નિબંધો, સફર-સાહિત્ય, અનુવાદ અને બાળ સાહિત્યમાં પણ નોંધપાત્ર પ્રદાન. પ્રસંગોપાત ભાવન વિવેચનમાં પણ પ્રવર્તન. રેડિયો જેવા બીન પારંપરિક મૌખિક માધ્યમમાં પણ એમની સર્જકતાએ નવોન્મેષો દાખવ્યા છે. વ્યવસાયના ભાગ રૂપે સાહિત્ય, નૃત્ય, સંગીત, ચિત્રકળા આદિ કળા અને અન્ય જ્ઞાનવિજ્ઞાનનાં ક્ષેત્રોની અસંખ્ય વિભૂતિઓની રસપ્રદ મુલાકાતો લીધી છે. વર્તમાનપત્રમાં સર્જનાત્મક ગદ્યની છટા દાખવતું સ્તંભલેખન. એમનાં કાવ્યો ઇંગ્લિશ, હિન્દી, ઉર્દૂ, ઓરિયા અને બંગાળીમાં અનુવાદિત થયાં છે. દેશમાં વિવિધ પ્રતિષ્ઠિત મંચો પર કાવ્યપાઠ કર્યો છે.


કાવ્યો:

૧ તદ્‌ દૂરે તદ્‌ અંતિકે

કેટલું અંતર હોય છે
પડોશી બે રાજ્યો વચ્ચે
અડોઅડ બે ઘર વચ્ચે
આપણા બે હાથ વચ્ચે
કે
મારી નાભિ અને કસ્તૂરી વચ્ચે?

કહો,
કોઈ તો કહો!


વસમી નથી હોતી વિદાય...
પ્રતીક્ષા બાંધી રાખે છે.
વસમી તો હોય છે જુદાઈ
જે બધું વિખેરી નાખે છે.


કેટલી આ દૂરતા
કે
પ્રકાશ બનીને આવું
તોય પહોંચી ન શકું તારા સુધી.


હું તને સ્પર્શું છું
ને
તું થઈ જાય છે સમુદ્ર.

૨ કચ્છ : કેટલાંક સિસ્મોગ્રાફ

કેટલું સાહસ જોઈએ
ખંડેર થઈ ગયેલા ઘર તરફ આંગળી ચીંધી
એમ કહેતાં :
‘આ મારું ઘર હતું.’


ઈંટ રોડાની ભીડમાં ઠેબે ચડતો
ઢગલો થઈ ફસડાઈ પડેલી શેરીમાં
મારું ઘર શોધું છું.
આંગણામાં ઊભેલો પીપળો
દૂરથી બોલાવે છે :
‘અહીંયા બેટા... અહીંયા.’


ભયાનક ધરતીકંપમાં
ધરા ધણધણી, ધણધણ્યું બધું જ
હું જરાય કંપ્યો નહીં.
પણ કંપી ઊઠ્યો
‘આંયા ડટાણા સે મારાં માબાપ’
... બેલા નળિયા મોભ વળીનો ઢગલા થયેલા
ઘર તરફ આંગળી ચીંધતા છોકરાનો
લુખ્ખો અવાજ
અને સુક્કી આંખ જોઈ


ગામમાં ઠેર ઠેર ચિતાઓનાં તાપણાં
શિયાળાની ઠંડી ઉડાડે છે
બચેલા ડાઘુઓની...

૩ હાથ

આ હાથ
આજે કોઈ પંખી નહીં પાડે
કોઈ ધાન નહીં વાઢે
કોઈ ઘડો નહીં ઘડે
કોઈ ચિત્ર નહીં દોરે
કોઈ સ્ક્રૂ નહીં ખોલે
કે
નહીં ખોલે કોઈ વેબસાઈટ
આ હાથ...
આજે સ્પર્શશે તને.


પગમાંથી જ સર્જાયા છે હાથ
પણ પછી,
ક્યારેય નથી રહ્યા પગની સાથ.


હાથ ઝાલે... પકડે
પગ ચાલે... છોડે.


હું સ્પર્શું છું મારા હાથને.
કાશ,
એ બીજાનો હાથ હોત.

૪ પગ

દોડી રહ્યા છે જે સદીઓથી
ખૂંદી રહ્યા જે ખંડો
આકાશમાં જેણે મૂકી છે દોટ...
તે પગ
જંપી જઈ સૂઈ જાય છે તારી સાથે.


મારા પગ
પાદપંકજ નથી
કે
નથી એ ચરણારવિંદ
પણ તો ય
એ મને ટટ્ટાર ઊભો રાખે છે
અને એ જ સાંજે મને લાવે છે
તારા ભણી.


પુરપાર દોડતાં દોડતાં
થૈ થૈ ઊભું દેખાયું એક બાળક
થંભી ગયા પગ.


સાંજે કહ્યામાં નથી હોતા મારા પગ
એક પગને જવું હોય છે ઘરભણી
તો બીજાને આકાશમાં!

૫ એકાકી

કોઈ ટકોરો નહીં
કોઈ પત્ર નહીં
કોઈ રિંગ નહીં,
કોઈ એસ. એમ. એસ. નહીં
કોઈ સ્પેઈસશીપ નહીં
કોઈ રેડિયો સિગ્નલ નહીં.
બધાં એકલાં
હું ઘરમાં
અને
આ પૃથ્વી અંતરિક્ષમાં.


આવડા મોટા આ ઘરમાં
હું સાવ એકલો નથી
સાથે છે એક કરોળિયો.


તાળું ખોલું છું
તો નજરે ચઢે છે
બૂટ, સેંડલ, ચંપલ ને સ્લીપરનો મેળાવડો
ઓહો!
કેટલાં બધાં માણસ!
ઓહ!
આ બધાં પગરખાં તો મારાં !


બે દિવસ પછી બહારગામથી
ઘરે આવ્યો
– પાનખરની મોડી સાંજે...
જોયું,
તો બગીચામાં બદામનું ઝાડ આખું
પાંદડાંનો ઢગલો થઈને પડ્યું છે...
... ઓટલે જ ઢગલો થઈ
ફસડાઈ પડ્યો.


જ્યારે
તમે બહુ ઊંચે ચડો છો,
તમે ઊતરો છો ઊંડે,
બહુ જાવ છો આગળ...
ત્યારે જ,
ત્યારે જ તમે રહી જાવ છો પાછળ
...એકલા


તમે તો ઊભા છો
રસ્તા વચ્ચે ચોકમાં.
પાછળથી હડુડુ કરતું
ટોળું આવે છે
વહી જાય છે દોડતું ધસમસતું પૂરપાટ.
તમે તો ત્યાં જ ઊભા છોઃ
રસ્તા વચ્ચે.
ચોકમાં.
... એકલા


મોડી રાતે
એ ઝરૂખામાં ગયો.
આકાશમાં એક ચાંદો જ હતો.
તેણે કહ્યું,
‘જો આટલી રાતે એકલો જાગું છું હું’
‘આટલી રાતે હું જ જાગું છું એકલો,’
ચાંદાએ કોઈ જ ફરિયાદ ન કરી.

૬ મધર ઇવ – આદિ માતા

(પ્રત્યેક માનવના કોષમાં બે પ્રકારના ડી.એન.એ. હોય છે. કોષકેન્દ્રમાં રહેલું ડી.એન.એ. માતા અને પિતાના ડી.એન.એ. થી સંયોજિત થયેલું હોય છે, જ્યારે પ્રત્યેક કોષના પાવરહાઉસ સમા માઈટોકોન્ડ્રીયામાં રહેલું ડી.એન.એ. એ માતાના અંડકોષ મારફત વારસામાં મળેલું માત્ર માતાનું જ ડી.એન.એ. હોય છે. એ પ્રમાણે માઈટોકોન્ડ્રીયન ડી.એન.એ. એ આપણને માત્ર માતા તરફથી, તેને તેની માતા તરફથી, અને તેને વળી તેની માતા તરફથી મળેલું હોય છે. તેમાં પૈતૃક ડી.એન.એ.નો કોઈ હિસ્સો હોતો નથી. માનવજાતિના હજારો સેંપલના માઈટોકોન્ડ્રીયન ડી.એન.એ.એ મેપીંગ વખતે એક વાત પ્રકાશમાં આવી કે તેમાં ઘણી સમાનતા હતી, તે વાતનું તારણ એ હતું કે માનવજાતિ એ જૂજ સાત માતાના ઉર્સૂલા, ઝેનિયા, હેલેના, વેલ્ડા, તારા, કેટ્રીન અને જાસ્મીનના સન્તાનો છે. એ સપ્તમાતૃકાની માતા ‘મધર ઇવ’ કે ‘માઈટોકોન્ડ્રીયન ઇવ’ તરીકે ઓળખાઈ. બે લાખ વર્ષ પહેલાં પૂર્વ આફ્રિકામાંથી નીકળી મધ્યપૂર્વ એશિયા થઈ યુરોપ, ઉત્તર એશિયા સુધી ફેલાઈ, ત્યાંથી ઉત્તર અમેરિકા દક્ષિણ અમેરિકા સુધી એ આદિ માતાના વંશજો ફેલાયા. આજની સમસ્ત માનવજાતિ એ જૂજ નારીઓના સન્તાનો છે તેવી વિભાવના માનવકોષમાં રહેલા માઈટોકોન્ડ્રીયન ડી.એન.એ. ના મેપીંગના આધારે વિકસિત થઈ છે.

‘આદિમાતા’ની એ વિભાવના આ કાવ્યના કેન્દ્રમાં છે.)

મા

તમે મારા દેવના દીધેલ છો,
તમે મારા માગી લીધેલ છો,
તમે મારું ફૂલવસાણું છો,
આવ્યો છો તો અમર થઈને ર’યો
મંદિર જઉં ઉતાવળી ને ચડાવું ફૂલ
મા’દેવજી પરસન થયાં ને આવ્યા તમે અણમૂલ.
તમે મારા દેવના દીધેલ છો,
હલુલુલુ... હાં... હાં... હાંત
પુત્ર

ક્યાંથી સૂઉં મા?
તું કરે છે હલુલુલુ... હાં... હાં... હાંત
ને બધાં કરે છે ‘હાત્‌ હાત્‌’

મા

કોઈ ન કરે મારા દિ’કાને હાત્‌
હલુલુલુ... હાં... હાં... હાંત

પુત્ર

પહેલાં ફૂટ્યા નાના કુમળા નખ
પછી તારા દૂધથી ફૂટ્યા દાંત, દૂધિયા દાંત
ને તે ખર્યાં પછી હવે ફૂટી છે રાક્ષી
હા હા મા રા...ક્ષી
તું તો તેની હતી સાક્ષી.
પહેલી વાર મારા કસાયેલા બાવડે પણછ ખેંચી
સન્‌ન્‌ન્‌ તીર છોડ્યું હતું પંખીને પાડતું, પશુને વીંધતું
ત્યારે વરસો પછી તને જ ધાવણ વછૂટ્યું’ તું ને મા!
હવે લોહિયાળ સવાર જોઈ હબકી ગઈ?
હીણી, સાવ હીણી
બંને બાજુ અક્ષૌહિણી.
જો હવે તો રોજ રોજ ઓગણીસમા દિવસનું પરભાત
આમાં ક્યાંથી ‘દીસે અરુુણું પરભાત?’

રોજે રોજ ચડું છું જુદ્ધે
ડાઉનટાઉન, સ્ક્વેર, આર્કેડ, મૉલ, પ્લાઝા બજારમાં
રાન રાન પાન પાન સીમમાં વેરાનમાં
ન કોઈ ગન ન સુદર્શન – સાવ નિહથ્થો – કોઈ હાથો.
ઘર સુધી જ મારી હદ
ઉમરો ઓળંગતા જ સરહદ.
તારો લાખેણો જોધ રોજ રોજ ચડે છે જુદ્ધે.
રોળાય છે રોજ રોજ
રોજ રોજ શિરચ્છેદ વિચ્છેદ છેદ છેદ છેદ છેરણવેરણછેરણ
સાંજે હેમખેમ મારી ખેપ પછી તું ચૂલે મૂકે છે આંધણ
ને તોય મુઠ્ઠીભર નિરાંતવા ધાનની તો લાંઘણ.
તારી ડીંટડીએથી છૂટ્યો એ છૂટ્યો
તારો ખોળો છૂટ્યો, ઉમરો છૂટ્યો, દેશ છૂટ્યો
‘કાળજા કેરો કટકો તારો ગાંઠથી છૂટી ગ્યો.’
ભાલે ભોંકાયો
ખીલે ઠોકાયો
જીવતો ધરબાયો
ગૂંગળાયો મા ગેસચેમ્બરમાં
ને બહાર બગીચામાં જોને મા, જોને
ચિરૂટ પીતું કોઈ સાંભળે છે મુનલાઈટ સોનાટા
આ ચાંદની રાતના સન્નાટામાં

મા

હાય મારા પંડના પંડ, મારા દીકરા

પુત્ર

હાય તો મને લાગી છે પે’લા પહેલા પાડેલા પંખીની મા

મા
તનેય પેટ છે મારા પેટ
તારે બેઈ બાજુ વાંહા થોડા છે
તંયે તો પાશેર’કો ખાડો પૂરવા
તેં પાઇડાં પંખી ને માઈરા હૈણકા.
પણ ઈ પાપ નૈ, ઈ પાપ નૈ મારા છોરુ.
પાપનાં પોટલાં તો તેં તી’કેડે બાંઈધા
વના કારણ વન વાઇઢા, પંખી પાઇડા, જનાવર વીંઇધા
માણા થૈ માણાને માઇરા.
આજે કરું છું વચાર,
મારા પાતરમાં કપાતર પાઈકો મારો વસ્તાર
પણ, તોય તારી મા, પાપ સંધુંય મારા માથે.
હું તો બાળોતિયાંની બળેલી
પણ તું સુખી રે મારા બાપ.
મુંજાઈશ નંઈ, છાણાં વીણતી હું છું ને!

પુત્ર

તું ગાતી’તી ને
‘તમે મારા દેવના દીધેલ છો...’
મા માદેવ નંઈ તારા દેવ તો સૂરજ-ચંદર, વા, મે’ ને દે’તવા
એને હવે ક્યાં ગોતવા?
કોક કોક તો પુરાઈ ગ્યા બોટલમા કે બાકસમાં
બીજા જે, હાથમાં આઈવું ઈ લઈ લઈ ભાઈગા, ઉચાળા ભરી ગ્યા બચારા.
પછી કેથેડ્રલ, પેગોડા દેવળના ગભારામાં ખડકાણા
એકની વાંહે બીજા, બીજાની વાંહે ત્રીજા
એની વાંહેય બીજા જ બીજા
લવારા બચારા
ગારા-ફારા, લાકડા-ફાફડા, આરસ-ફારસ કે પથરા પી.વી.સી.ના
આ... આમાં
તું કોને કોને પૂજીશ મા?
એકને પૂજો તો એક રૂઠે,
પંચાયતનના પાંચને પૂજો તો પચાસ ત્રુઠે.
મા

હા બાપ
ઈ સંધાય તો મારા અજાઈણા,
ઈ તો તમે જાતે જઈણા,
મારાથી તો ઈ સંધાય અજાઈણા.

પુત્ર

ઓલા તારા દેવને ગુંજામાથી કાઢ, મા,
હું તો આ સંધાયને પૂજી પૂજીને થાક્યો.
કંઈક પગ પખાળ્યા પ. પૂ. ધ. ધુ.ના,
ધોયા હૉલી હૉલી લેગ્ઝ
ઈ સંધાય કાંય ગંધાય કાંઈ ગંધાય!
કાંઈ મેલ કાંઈ મેલ !

મા

હવે વાતું મે’લ મારા છોરા
ઈમ કે’ને સુખી તો છે ને?
માથે છાપરું તો છે ને?
રોટલો ઓટલો તો છે ને?
કોઈ કનડતું કવરાવતું તો નથી ને મારા દિ’કાને?
પુત્ર

છાપરું તો આકાશનું
એક ધડાકે ફાટી પડે છે રોજ
ઓટલા રોટલા વેરણછેરણ
આ મોંઘારતમાં ક્યાં પૂરી થાય મારી આરત
સેન્સેક્સનો આંક તો આડો આંક
ઊતરી જાય દેશદેશની છાતી સોંસરવો
હુંય ઊતરી જાઉં છું હેઠે – ફ્લેટ પરથી રોડ પર.
રખડું આથડું છું
પગલે પગલું મૂકું છું જાળવી
પગ નીચે ફૂટી જાય જો ટોટો
તો હાથેય ન આવે ફોટો.
મા, તારેય યાં સૂરજ દીવા
મારે આંય અંધારાં પીવા’
વહેંચીને ખાધું નથી મા
વેચી ખાધું છે બધું
ધરતી વેચી
વેચ્યું આકાશ
વેચ્યો દરિયો
વેચતા વેચતા વેચાવા કાઢી છે જાત
તારા સિવાય કોણ લે મા?

પુત્ર

વ્હાલી બા,

ચિંતા કરીશ નહીં, આફ્રિકા પહોંચ્યા પછી નૈરોબી રાત રોકાઈ સીધા જ નૈવાસા આવી ગયા છીએ. અત્યારે નૈવાસા સરોવરને કાંઠેથી જ પહેલવહેલો કાગળ તને જ લખું છું. મોબાઈલ અહીં ચાલતો નથી ને તારી હારે વાત ગમે તેટલી થાય તોય અધૂરી જ લાગે. અહીંયાં જમવાનું ગુજરાતી જ મળે છે. તારા હાથ જેવું તો નહીં પણ આપણા ટેસ્ટનું. દૂર છે એટલે ચિંતા કરીશ નહીં. તારો ખોળો છોડ્યો પછી તો તારા માટે તો હું પરદેશ જ ને!

મા, આવ્યો છું મારે મોસાળ
મસાઈમામાના ઢોલે તાલે ઊછળે છે મારું લોહી.
મા,
તું અહીંયા જ જન્મી’તી ને?
તું અહીંયા જ પોઢી’તી ને?
આ માટીમાં માટી
હુંય તારી માટી સાચી ખોટી પણ માટી.
આ એ જ લાલ કાંકરિયાળી જમીન, કાંટનું જંગલ, બીડ
એ જ સિંહ દીપડા ને જંગલી જરખની બીક.
હું તો આવ્યો વિમાનમાં – અરબી સમુદ્ર એક ઠેકે ઠેકીને
પણ તું તો ઠોકાતી, ઠેબાતી
ક્યાં ક્યાં આથડી, લથડી
તોય તેં મારા માટે રાખી બાધા આખડી.
તારે તો શું દેશ કે પરદેશ
તારો પગ જ્યાં પડે એ જ તારો દેશ.
અહીં રુડોલ્ફ સરોવરને કાંઠે લખલખ તારોડિયા નીચે
સીસા જેવા અંધારામાં રાની પશુઓની ભીંસ વચ્ચે મારણ જેમ હીંસતી,
કાળા ડિબાંગ આકાશમાં અચાનક ચમકેલી ચાંદીની વેલ જેવી તિરાડ પછી
આકાશનો ઘટ ફોડતી વીજળી નીચે
બ્રહ્મા, વિષ્ણુ, મહેશ
માતંગી, મેલડી, તથાગત,
અલ્લાહ, અહુર, એખનટન, ક્રાઈસ્ટ, ‘રા’ની ઓથ વગર
તું કોના આધારે જીવી મા?

આજે તારો એ ફફડાટ, એ વલવલાટ મારી નસનસમાં
મારા રોમરોમમાં એ લખલખું
એ કેમ કરી લખું?

મા
બોલ’મા દીકરા બોલ’મા
શેરડો પડે છે અંદર
ધરતી ધરૂજે છ ને પડે છ ધ્રાસ્કો
ઝાળ જોઉં છું ને પડે છે ફાળ

મારા પેટ
મારા ગભારાના દેવ,
તિયારે અંદર ને અંદર મેં ધિયાન ધઈરું’તું તારું
તને ખોળામાં ઢબૂરી આંગળિયે ઝાલી
અંધારા ખંડ ખંઈદા, ઊડતી રેતના રણ વટાઈવા
સોરાતા વાયરા વચ્ચે બરફના વેરાન વીંઈધા.
પીઠ જેવા પહાડ ઓળંગિયા
લોઢ લોઢ દરિયા ખેઇડા ને
તી કેડે મીં ખેઇડાં ખેતરને વાડીવજીફા.
સહરા વટી સાઈબીરિયા પુગી
યાંથી દરિયા ડૉળી હાલી નીકળી અલાસ્કા
નીચે ઊતરી ગઈ અંધારિયા અમેરિકામાં
પુગાય યાં સુધી હું પુગી.
હવે તું પુગ.

પુત્ર

અમે તો પહોંચ્યા ચંદ્ર મંગળ નેપ્ચ્યન ને પ્લુટો
ને તોય
નીલ આર્મસ્ટ્રોંગે જોઈ’તી જે નીલી લીલી ધરતી
એ તો અમારી પહોંચની બહાર
ખંડ ખંડ જોડી ધરતી તેં મને આપી અખંડ
એ તો મારી ખંડણીથી ફરી ખંડ ખંડ.
ઘંટી દળી, કાલાં ફોલી, ટેભે ટેભે જીવતર સીવી
ભીની ભદભદતી આંખે ભીનામાંથી સુકામાં રાખ્યા તેં
ઘર જુદાં થ્યાં ત્યારે તેં જ મને આપ્યું’તું મારું ગમતું ટેબલ,
ને આપી’તી સાદડી ને ઓલી મારી ગોદડી.
તું તો ઘરમાં વીંટાઈ સંતાઈને રહી સાદડી ગોદડીનાં વીંટામાં
ને બાપે ગજવ્યું ગામ.
યજ્ઞેશ રમેશચંદ્ર, રમેશચંદ્ર રવિશંકર, રવિશંકર પ્રભુજી,
પ્રભુજી નરસિંજી, નરસિંજી કેસવજી
વધ્યો વાધ્યો એ વંશવડલો
મઘમઘ મહોર્યો એ કુળઆંબો
એ વડલા આંબાનું તું તો મા ખર્યું પાન
તારું ન રહ્યું નામોનિશાન.
જ્યારે જ્યારે તને રહ્યું ઊજળું ઓધાન
વડવાઓએ ધાર્યું તારી કોઠીમાં એમનું જ ધાન.
કોઈ વહીવંચાએ ન આલેખી તારી વહી
વહીની પરવા વગર તું તો વહી ચાલી
પેઢીએ પેઢીએ અમારી નસેનસમાં, કોષેકોષમાં.

મા
હવે તારો બાપ ઈ મારો દીકરો જ ને?
તારામાં જોઉં તારો બાપ, એ જ નાક નેણ
એ જ બોલાશ.
ને તુંય મારો બાપ જ ને!
તારા પંડમાંથી જલમું તારો વસ્તાર થઈ.
અટક પાસે અટકતો નંઈ મારા છોરા
અટક બટક તો બટકાં
ઈ અટકું તો મોટું છટકું.

પુત્ર

ભલે મા.
અટક પાસે અટકી જાય બાપ
ભટકી ભૂલી ડૂબી જાય કાંઈક કુળ
પણ મા,
તું મારા કોષેકોષમાં તગતગતી તરવરતી.
યાદ છે તારા ચળકતા અબનુસના સોટા જેવું હાડ
તારા થાનેલાએ વળગ્યો’તા બચબચ બચ્ચું થઈ.
તારું થાનેલું મારું થાનક.
સંસાર આ ભલે બહોળો
હું ઝંખુ તારો ખોળો.
બ્રહ્મા-ફમાને હું ન જાણું
ન જાણું આદમ-બાદમ કે ઈવ-ફિવ
તું નથી દિતિ કે અદિતિ
ચુપચાપ અમારા લોહીમાં સદીઓથી વહી રહી તું અદીઠી.
અમારા રક્તપીતશ્વેત વર્ણવિકાર નીચે
ઉજ્જ્વળ તારો શ્યામ વર્ણ
મા,
તારી સાત પુત્રીઓ
ઉર્સૂલા, ઝેનિયા, હેલેના, વેલ્ડા, તારા, કેટ્રીન ને જાસ્મીન
અમારી સપ્તમાતૃકા
ને મા,
જીવી સવલી, રઝિયા રોઝાલ્બા, એસ્તેર અનુરાધા તું જ
‘યા દેવી સર્વ કોષેષુ શક્તિરૂપેણ સંસ્થિતા
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ
મા

હવે આમ ગાંડા ગદોડ મા ગાંડા.
દેવીફેવી કેવી ને વાત કેવી,
હું તો તારી મા, મારી માવડી, બાપડી તારી માવડી.
જો છમકારા મારતું ધીખે છે તારું કપાળ
ધાણીફૂટ ધીખે છે તારું ડીલ

લવરીએ ચડી ગ્યો છ મારા છોરા
લે, માથે ભીનાં પોતાં મૂકું
વીંઝણો ઢાળું મારા પેટ
મારા ખોળામાં માથું રાખી સૂઈ જા જો હવે, ડાયો દિ’કો.
‘તમે મારા દેવના દીધેલ છો,
તમે મારા માગી લીધેલ છો,
તમે મારું ફૂલવસાણું છો,
આવ્યા છો તો અમર થઈને ર’યો.’

પુત્ર

ક્યાંથી સૂઉં મા?
જો ને આ જો ને, આ આ જોને, જોને.

૭. વનાં જેતાની વાતું

સ્થળ : મધ્યમ શહેરનો સોસાયટી વિસ્તાર.

જૈફ વયે પહોંચેલા સફાઈ કામદાર વના જેતા અને તેના મુકાદમ વચ્ચેની વાતચીત.

વના જેતા
હાજર સાયેબ, પાય લાગણ’મા’બાપ.

કેમ સાવ છેવાડે રઈ ગ્યો?
આપડે જ સેવાડે રઈ પસે કોઈ સેવાડાવાળીની ચંત્યા તો નંઈ.
સાસુ ને સાઈબ?

વના જેતા
સર્વોદય સોસાયટી શેરી નંબર-૪નો રોડ બરોબર વાઈળો છે’ને?
ડેપુટી કાલે રાઉન્ડ મારવાના છે. ફરિયાદ નો આવવી જોઈ સઈમજો?
વાળીઝૂડીને ચોખ્ખો સણાક – ચામર ચોક જેવો મા’બાપ.
અંબામાને પગલાં પાડવાનું મન થાવું જોવે.

એલા તારાં છોકરાંવ કેટલાં?
ઈ ભણશે કે ઈ’યે ઢૈડો કરશે તારી જેમ?
તણ છોકરાંવ. બે દેવે દીધા દીકરા ને એક માતાજીએ દીધી દીકરી.
ભણવાનું તો સાઈબ...
ભણે નરસી મે’તો, ભણે શિવાણંદ ને ભણે મારો દાસી જીવણ.
અમે તે શું ભણી સાઈબ.
બે-ચાર સોપડી વાંસી છોરાં રોજી રળશે ધરમની.
ને હુંય ક્યાં દાડા, વૈતરાં કે ઢૈડા કરું છું સાઈબ
રાજીનો રોટલો રળું છું રામે દીધો.

વના જેતા, તારે કાંઈ ટુકડો જમીન ખેતર ખોઈડા ખરા?
અલખનો ઓટલો સેને સાઈબ, ને રાતે ઉપર નવલખ ચંદરવો
ઈ આખેઆખો મારો જને બાપ.

તારી કાંઈ બાપકમાઈ ખરી કે નંઈ?
આ દખ જ બાપીકું ક્યો’તો બાપીકુ
ને પોતીકું ક્યો’તો પોતીકુ
આ દખનું જ અમને ભારી સખ. ઈના ભારી હેવા
ઈના વગર સોરવે જ નંઈ, ઈના વન્યા ટુકડો હેઠે નો ઊતરે.

વના જેતા અનામતની તને કાંઈ ખબર્ય?
દર બે-પાંચ વરહે મતે ય લઈ’ગ્યા પોટલી મોઢે
ને અનામતે ય ક્યારના ઢઈડી ગ્યા પોટલા મોઢે
અમે ઈની રમત મમતમાં ક્યાં પડિયે સાઈબ.

તું પરમાટી [1] ખાશ વના જેતા?
પરમાટી તો સુ સાઈબ અળસિયાની જેમ
માટી ય ખાવી પડે.
જલમ જલમના પુન કે જેવા તેવા તોય જીવતર મઈળા મનેખના.
ઈ ને કાંઈ રોળી નખાય? જતન તો કરવું પડેને બાપ.
ગમે તેવું તો ય મનેખનું ખોળિયું સાઈબ.
અંદરનો રામ રાજી રે’વો જોવે.
ને પરમાટી સાઈબ,
ખોટું નંઈ બોલું મા’બાપ, ઉપરવાળો પુગે મને;
ગામને પાદર ઢોરાં ઢોલતા ગીધડાં ઉડાડી
ચામડા ચીઈરાં છ લાલપીળા લાબરા લીરા જેવા.
પણ, હવે પેધેલા લોંઠકા આ ગીધડા વહારે અમે હામ તો ભીડી હકી.
અમારું ગજું નંઈ સાહેબ.

વના જેતા, તું ભજન તો કરતો હઈસ, ખરું કે નંઈ?
અમારે તો બાપ, ભોજન ઓછા ને વજન વધારે.
ઈ’નાથી કાંઈ વધારે છે સાઈબ?
ગામમાં બોલાવી જાય સંધાય.
ભોજન તો અમે ક્યાં દંઈ, કિમ દંઈ?
પણ ભજનની ના નંઈ.
લોક ક’યે ‘ભગત જાતે હલકા પણ હલક ભારી’
સુંદડીના, પિયાલાના નોખાનોખા ભજન ગાંઉ અસલના.
પણ સા’નો (ચાનો) પિયાલો તો ભેગો જ રાખું સાઈબ.
સા કાંઈ થોડી ખોબામાં પિવાય સ?
લોક ભલે બોલે
પણ મરઘાંથી નંઈ, નરઘાંથી પેટ ભરાય સાઈબ.
નરઘું બોલે ને પેટમાં ટાઢક વળી જાય.
સાતે’ય કોઠે દીવા બાપ.

વના જેતા,
સચરાચર મેં વઈર્‌હો’તો ઓણકો
બારે મેઘ ખાંગા થ્યા’તા, સીમ ખેતર લે‘રાણા’ તા યાદ છે?
કિમ ભુલાય સાઈબ
લથબથ ભીંજાણો’તો સાઈબ, બારે બાર મે’માં ભીંજાણો તો ભરપૂર.
ખેતરમાં મોતીડા જેવી બાજરી ધરપીને ધાવી’તી દૂધમલ ડૂંડાને
જોયું’તું સીમમાં.
પસે તો મેં’ભેગો મોલ ક્યાં ઊડી ગ્યો ઈ ખબર નંઈ.
પસે તો રાડા જોયા’તા રાડા–સુક્કાભઠ્ઠ
તો ય અમે રાડારોળ નો’કરી કે નો પાડી રાડું.

વના જેતા, આ તારા માથે ધોળા ભાળું તો ગાંધીબાપુનું કાંઈ
ઓહાણ[2] ખરું?
ધોળા તો બાપ આ તડકાના. સાંયો નંઈ ને ઈમાં.
હા, બાપુ થઈ ગ્યા કો’ક મા’તમા – પોતડી પેરતા ખાલી.
ઓલા સોકમાં ઈમનું પૂતળું – લાગે’કે લાકડી લઈ મંડશે હાલવા.
લાકડી તો જોયે સાઈબ.
મા’તમાનો સોક સોખ્ખો રાખું
વે’લી સવારે સાનામાના નવરાવી યે દઉં
મારી ડ્યુટીમાં નંઈને તોય.
ખોટું નંઈ કંઉ સાઈબ
સૂતરની આંટી જોઈ ઈમ થાય કો દોરો એક ખેંચી
મારું પે’રણ સાંધી લઉં
પણ પસે મા’તમાને પોતડીમાં જોઉં ને થાય
‘ફટ ભૂંડા.’

ને બાબાસાહેબને ઓળખે ને?
સાઈબ, ઈ યે કો’ક બાબા થઈ ગ્યા.
કયે છે કે બાપુની જીમ ઈ યે અમારું બઉ રાખતા
આ બાબા તે અત્તારના બાબા જેવા નંઈ સાઈબ
તયે તો બધા કે’તા હઈશે ને બાબસાયબ! બાબાસાયબ!

વના જેતા
ખબર છે આ નવખંડ ધરતીમાં માછલાથી માંડી બુદ્ધ સુધી
એણે અવતાર ધઈરો સે ખાલી આ ભરતખંડમાં?
મને તો ઈની કાંઈ ખબર્ય નંઈ સાઈબ.
એટલી ખબર્ય કે
    ઉપરવાળો હાજરાહજૂર છે સંધે ય, અજવાળે છે સંધુય.
વના જેતા,
બઉ મજા આવી તારી હારે વાતું કરવાની.
વાતુંનું તો એવું ને માબાપ કે મજો જ આવે
કરવાવાળું જોવે.
હું તો વાતું કરું સકલા હારે, ઝાડવા હારે
આભલા હારે કે માયલા હારે.
વાતું તો ખૂટે જ નંઈ સાઈબ.
સખદખના સિમાડા હોય સાઈબ, સાચું ક નંઈ?
વાતુંના તે હોય?
ઈ તો મે’રામણ, લેરાય!

વના જેતા
મોડું થાય છે મને. તારી વાતું તો સાંજ પાડી દેસે.
કાલ પાછા ડેપુટી...
લે સરખો બોળી આંયાં દઈ દે અંગૂઠો ને ગણી લે બરોબર.
પાછો આવીસ નિરાંતે. અત્તાર મોડું થાય છે.
લે, દઈ દે અંગૂઠો.
લો દઈ દઉં સાઈબ
તમે ઈવડા ઈ મા’તમા થોડા સો કે સંચોડો માગી લેહો.
આ આંગળિયું ભેળો અંગૂઠો સે તાં લગણ
વાંધો નથ સાઈબ.
ને, ગણવાની તો વાત નો’ કરો સાઈબ.
તમે ય ઉપરવાળાની સાખે જ ગઈણા હશે ને સાઈબ.
લો, તારે રામેરામ સાઈબ, રામેરામ.



  1. માંસ – આમિષ આહાર
  2. સ્મૃતિ-યાદ