પ્રતિમાઓ/નિવેદન

નિવેદન
[પહેલી આવૃત્તિ]

જગતના કેટલાય કલાકારોની કલા પોતાના મર્મવાહક (“ઇન્ટરપ્રીટર') વિના નિષ્ફળ ઊભી છે; પોતાની પિછાન કરાવનારા આશકોની એને રાહ છે. ચિત્રપટના ડિરેક્ટરોએ પોતાની વિશિષ્ટ વાણીમાં નવી એક દુનિયાનું નિર્માણ કર્યું છે. તેઓને હું સર્જકો કહું છું. તેઓની સર્જેલી આ નવ પ્રતિમાઓના ખરા મર્મને જો હું પારખી શક્યો હોઉં એમ તમને ભાસે, તો હું આમાં નવસર્જનનો જ આનંદ પામીશ. મારું કેટલું છે ને કેટલું પારકું છે એ અલગ પાડીને બતાવવું સહેલ નથી, આવશ્યક નથી, તેમ ઈષ્ટ પણ નથી. એમાં મારો પ્રાણ નિચોવાયો છે, એટલું શું મારે માટે ઓછું છે? આ વાર્તાઓના સર્જન સાથે એક નવું નામ જોડાયેલું છે કે જેને સાહિત્ય, કલા અથવા ચિત્રપટની દુનિયામાં ભાગ્યે જ કોઈ સ્થાન આપે. (વસ્તૃત: ઘણુંખરું, મારો જીવનસંબંધ આવી કોઈ ‘દ્વારકાની છાપ’ વગરના જ સ્નેહીઓમાં સંઘરાયો છે.) આ યુવાન વ્યાપારી સુહૃદે મારા જીવનની એક વિકટ રાત્રીને પહોરે એક દીવો ચેતાવ્યો: ચિત્રપટોના દર્શનમાં એણે મને ઊંડો રસ લેતો કર્યો. એક વિવેચકને છાજતી રીતે મને એણે પરદા પર ભજવાતી કથાઓના મર્મ પારખવામાં સહાય દીધી; અને છેવટે, મારાં થીજી ગયેલ આંગળાંને જીવતા મૃત્યુમાંથી ઉગારી લેવા માટે ‘કંઈક લખ! હવે કંઈક લખ!” એવું ધીરૂં ધીરું પંપાળીને આ વાર્તાઓના લેખનમાં મને પ્રવૃત્ત કર્યો. લખાઈ તૈયાર થતી વાર્તાઓને તપાસી તપાસી, જ્યાં જ્યાં અમારી બેઉની સમજમાં ફેર પડતો હતો ત્યાં ત્યાં નવસંસ્કરણ કરાવ્યું. એ નામનો ઉલ્લેખ અહીં કરું છું તે એની નિપુણતાને પ્રસિદ્ધ કરવા માટે નહીં, પણ સ્નેહના ચિરસ્મરણને સારુ. એનું નામ શ્રી નાથાલાલ દોશી છે. મુંબઈમાં એ મોટર-સ્ટોર્સની પેઢી ચલાવે છે. સૌરાષ્ટ્ર સાહિત્યમંદિરના પ્રકાશન માટે તૈયાર થયેલી આ ચોપડીને ‘ફૂલછાબ'ના સંચાલકોએ પોતાનું ભેટપુસ્તક બનાવવા માગ્યું તે તેઓનું સૌજન્ય ગણું છું. ૧-૧-૧૯૩૪

['પલકારા'ના નિવેદનમાંથી)

'પ્રતિમાઓ'ની વાર્તાઓનો આધાર નીચે લખ્યાં ચિત્રપટોનો લીધો હતોઃ જનેતાનું હૃદય 'સિન ઑફ મૅડલીન ક્લૉડૅટ’

પાછલી ગલી 'બૅકસ્ટ્રીટ'

પુત્રનો ખૂની 'ધ મૅન આઈ કિલ્ડ'

એ આવશે 'મૅડમ બટરફ્લાય'

આખરે 'ધ સીડ'

મવાલી '20,000 યર્સ ઈન સિંગ સિંગ'

આત્માનો અસૂર 'ડૉ. જેકિલ ઍન્ડ મિ. હાઈડ'

જીવનપ્રદીપ 'સિટીલાઈટ્સ’

હાસ્ય: પહેલું અને છેલ્લું

'ધ ક્રાઉડ'

[બીજી આવૃત્તિ]

આ વાર્તાસંગ્રહની નવી આવૃત્તિ થતી જોવા હું ઘણા સમયથી ઉત્સુક હતો. ચિત્રપટના પરદા પરની વાર્તાઓ લેખે આ વાર્તાઓ એક માર્ગદર્શક સ્થંભ (ખાંભા)નું મહત્ત્વ ધરાવે છે, તે ઉપરાંત આપણા લઘુકથાઓના લલિત સાહિત્યમાં પણ એ નિઃશંક સ્થાન મેળવી શકેલી છે. આવી જ બીજી વાર્તાઓનો મારો સંગ્રહ ‘પલકારા' નામે પ્રકટ થયેલ છે, તે જિજ્ઞાસુઓએ જોઈ જવા જેવો છે. રાણપુર: ૨૫-૫-'૪૨

[ત્રીજી આવૃત્તિ]

આ ચિત્રપટ-કથાઓ ત્રીજી આવૃત્તિમાં પ્રવેશ કરે છે તે વાચક જનતાની પ્રસન્નતા બતાવે છે. મારી કૃતિઓનાં પ્રેમી જનોનો હું ઉપકાર માનું તેટલો ઓછો છે. અમદાવાદઃ ૧૯૪૬

પ્રતિમાઓ

ચિત્રપટની કલાને હાનિકારક લેખનાર વર્ગ ઘણો મોટો છે. એથીય વધુ મોટો સમૂહ ચિત્રપટનો પ્રેમી છે. યુરોપી ચિત્રપટોએ જગતના નામાંકિત કથાસાહિત્યને પોતાની ‘પ્રકાશ અને પ્રતિધ્વનિ'ની જીભ પર ચડાવી લીધું છે. આમ સાહિત્ય અને ચિત્રપટની કલાનો જ્યાં હસ્તમેળાપ થઈ રહેલ છે ત્યાંથી પકડેલી આ કથાઓ છે. આ વાર્તાઓમાં તો કેવળ ચિત્રપટોમાં જે જોયું તેનું જ ઝીલણ છે : કોઈ વિરાટની આંખના વેગવંતા પલકારા દરમિયાન એની કાળી પાંપણો વચ્ચે મારાથી જે કંઈ પકડી લેવાયું, તેને મેં સ્મરણ-મંદિરમાં સુવાડી લીધું. પવનવેગીલી એ. તેજપગલીઓની આછી આછી મુદ્રા મેં મારા ચિત્તપ્રદેશ પર અંકાઈ જવા દીધી. ને પછી મેં મારા અંતઃકરણની આરપાર ચાલ્યા ગયેલાં એ અતિથિઓની અખંડ સ્મરણ-સાંકળી વેરણછેરણ અંકોડામાંથી ઊભી કરી. 'પ્રતિમાઓ'ની નવ અને ‘પલકારા'ની છ મળીને એ પંદરેય કથાઓનાં પાત્રોને પડદા ઉપર ઝડપી નજરે જોઈ લીધા પછી મેં કોણ જાણે કેટલી કેટલી વાર એક પછી એક મારી પાસે તેડાવ્યાં હશે : સ્વપ્નમાં ને જાગૃતિમાં, મિત્રો જોડેના વાર્તાલાપમાં અને એકાંતમાં, હસતાં હસતાં અને અશ્રુભેર, એ મારા પ્રિયજનો બન્યાં, તેઓનાં ગુપ્ત આવાસોનાં બારણાં મારે સારુ ઊઘડી ગયાં તે પછી જ તેઓની આ પિછાન આપવાનું મારે માટે શક્ય બન્યું. આ પિછાનને, આ તેમના હાર્દ-ઉકેલને, આ પૃથક્કરણને સાહિત્યના સમીક્ષક મૌલિક નહિ માને. મેં એને સર્જ્યા નથી. પણ સર્જવામાં જો પ્રસવ-વેદના રહેલી છે, તો ઉછેરવામાં, સમજવામાં ને ચાહવામાંય ક્યાં ઓછી વેદના ૨હેલી છે! .... એમાં મારો પ્રાણ નિચોવાયો છે. [પ્રતિમાઓ” અને પલકારાનાં નિવેદનોમાં]