પ્રત્યંચા/અમારું ઘર


અમારું ઘર

સુરેશ જોષી

આ છે અમારું ઘર,
જ્યાં સદા ચાલી રહી હરફર
ત્રણચાર પડછાયા તણી –

(ત્રણ ચાર? હા, કાં કે મને ક્યાં છે ખબર
કે કોણ ક્યારે અધમૂઉં
ને કોણ ક્યારે લાપતા!)

પેલે ખૂણે દેખાય છે અન્ધારમાં તમને કશું?
અન્ધારના કો’ પિંડ શું?

હા, એ જ છું હું –
(હું? અરે, શાને કહું કે એ જ છું હું?
કાતિલ ઠંડીમાં પડ્યું ઢગલો થઈ કો’ કૂતરું,
માલિક જેનું કોઈ ના એવું પડ્યું કો’ પોટલું.)

આ માટીના ગારા પરે મમતાતણા થાપા,
તેથી અહીં ભાવીતણું સર્જાય હારાપ્પા!
અવશેષ કોઈ ખોદવાના હો ભલા, સદીઓ પછી
ના ધાર તીણી રાખશો કોદાળીની એ વિનતી!
કાં કે અરે, આ માટીની યે કોઈને મમતા હતી!
ના ખોદશો તો કો’ક દિ
અન્ધારકેરા ગર્ભમાં પોષાઈ એને લાધશે દીપ્તિ નવી
નક્ષત્રકેરી મંડળીમાં પામશે પદવી –
(બસ, આટલેથી વાત બાકી રાખવી!)
ને ત્યાં ધખે જે ધૂંધવાતી આગ શી
હા, એ જ મારી પ્રેયસી.
(એ અમારી મિલની છે ચીમની
પાડી ઊઠીને ચીસ એ ક્હેતી રહે: હું જીવતી.)

આવી પડે તણખા અહીં તો દૂરથી
ને સાંકડા આ ઘરમહીં
હિરોશિમા નાગાસાકી –
ધીમે જરા પગ મૂકજો
(મૂકવા જો હોય તો)
કાં કે અમે સૌ રેડિયો-એક્ટિવ અહીં.
ભાગો જરા દૂર…

આ જુઓ ફરકી ધજા…
દોડી જતાં એન્જિન વેગે, શી મજા!
આ જાય દિલ્હી, આ કલકત્તા, ને આ ક્યહીં?
એની ખબર તો માત્ર ડ્રાયવરને ભઈ!

આ ઊપડ્યું કોમેટ,
આ ધણધણ્યું રે જેટ;
સંદેશ નક્ષત્રો સુધી પહોંચે અમારા રોજરોજ,
ત્યાંથી ય આવે સ્વપ્નની આખી અહીં શી ફોજ!

આ બે અમે–અસ્તિત્વના ભંગાર શા,
તેના પરે ખેલી રહ્યાં આ સોણલાં નમણાં કશાં!
(રે ક્યાં ગઈ સોનપરી?
ભૂલાં પડ્યાં આ સોણલાંને તું ન ખોળે લે જરી?)

થાક્યા તમે? યાદી હજી ના થૈ પૂરી,
આ તીર્થની યાત્રા હજી તો છે અધૂરી!