પ્રત્યંચા/ચાર વિડમ્બના


ચાર વિડમ્બના

સુરેશ જોષી

૧. કોલાબા પર સૂર્યોદય


દેખાતા ભડકા પણે પૂરવમાં ટ્રોમ્બે રિફાઇનરી-
કેરા કે પછી શું ખરે ઉદય આ થાતો હશે સૂર્યનો?
નિદ્રાથી કલુષિત નેત્ર ઘડી તો સાશંક જોઈ રહે;
ચેપી રોગ સમો શનૈ: સ્થિર પદે વિસ્તાર એનો વધે.

આખી રાતતણા પરિશ્રમ પછી મર્દાયલાં ગાત્રને
જ્યાંત્યાંથી લઈને સમેટી ઢગલો થૈને પડી માંડ જે
તેની પાંપણને વીંધે કિરણનાં તાતાં શૂળો નિર્દય;
ને એના મુખથી સરે ‘ટળ અલ્યા હેવાન’નું સ્વાગત.

કાંઠાપે ભરતીમહીં વહી જઈ ફેંકાઈ જે માછલી
તેની નિષ્પ્રભ આંખમાં ચમક શી લાવી દીધી પ્રાણની.
માર્કેટે પળતાં હલાલ પશુઓ લોહીમહીં લદ્બદ
સોનેરી નિજ ઝાંયથી મઢી કશી તેને દીધી સમ્પદ.

અંધારે જઈ ઓગળી પળ લહી મુક્તિ અનસ્તિત્વની,
તે ખોઈ ફરી ‘હું’ ફસાય કપરા આકાર કારાગૃહે.

૨. સંક્ષિપ્ત રામાયણ


કથા સુણાવું રામાયણની ભાવિક જનને કાજે,
હૃદયહૃદયમાં ગુંજી ઊઠો રઘુપતિ રાઘવ રાજે.

નગરી અયોધ્યાતણો નથી કૈં જોજનનો વિસ્તાર,
સાંકડી બે ઓરડીમાં તો યે મહિમા એનો અપરંપાર.

હું જ રામ ને હું છું રાવણ, કૌતુક ભાઈ ભારે!
લંકા યે ના દૂર નથી કૈં – આ ઉમ્બરની પારે.

બે ઓરડીની વચ્ચે વ્યાપ્યો મૌનતણો મહાસાગર,
સેતુઓ બંધાય ખરા પણ રહે નહિ કો સ્થાવર.

સીતાકેરી અગ્નિપરીક્ષા થાતી રોજ સવારે,
એ બાબતમાં આળસ કદી યે કર્યું નથી આ રામે.

રાત પડે ને દણ્ડકવનમાં પલટે આ સંસાર,
હિંસક પશુની રાતી જીભનો દેખાતો લપકાર.

‘નાનકડા આ ઘરમાં ભાઈ, દેશવટાનું શું?’
દેશવટો તો રોજ દઉં છું, રાખી અંતર એક તસુ.

લવકુશની ના ખોટ છે અમને, છે બે પુત્ર પ્રતાપી,
પરાક્રમોની કીર્તિ જેની દિશાદિશાએ વ્યાપી.
સ્ટ્રોન્શિયમ નેવું ને કેલ્શિયમ ડેફિસિયન્સી –
અદૃશ્ય એવા શત્રુ સાથે જેણે બાથ ભિડાવી.

રક્તતણા કણકણમાં જેના પળપળ ચાલે જુદ્ધ,
એની વીરતા વર્ણવવાને ઓછી પડે છે બુધ્ય.
રામાયણના કાણ્ડ ઘણા છે, સુજ્ઞ જનો સૌ જાણે;
યુદ્ધ અરણ્ય એ બે જ કાણ્ડનો અહીં તો મહિમા ભારે.

ઘરઘરમાં રાજ કરે છે રામ ને ઘરઘરમાં ત્યાગ સીતાનો
રામાયણમાં હતું બીજું શું, બોલો જય વાલ્મીકિનો.

૩. એક સંવાદ


‘નથી આવતી એકલી કદી તું વ્હાલી મારી રાધા,
સદા ય વળગેલી જ રહે છે તને પ્રાસની બાધા!’

‘પ્રાસ તણો એ ત્રાસ તને યે ક્યાં છોડે છે માધા?
પ્રેમતણા વજ્જર બંધનના ઢીલા કર્યા સૌ સાંધા!’

‘મહેરામણમાં પ્રેમતણા જે ડૂબ્યા નથી રે આઘાં
એવાં શાને ગાતાં ગીતો, જેનાં સલિલ અગાધાં?’

૪. હું નથી કવિ


હું નથી કવિ,
વેદના સ્ફુરે મને (ન કલ્પના) નવી નવી
તથાપિ ના હું વાલ્મીકિ,
જાણું છું નકી.

ચન્દ્રને હું જોઉં છું,
ને ઘરે હું નારીને ય જોઉં છું;
ને છતાં ન જોડી હું શકું
નારીચન્દ્રને,
મને!
દિવસરાતનો બધા કહે મળે છ પ્રાસ,
મેળ મેળવ્યા વિના હું કિન્તુ રે લઉં છ શ્વાસ;
ચરણો ય ચાલતાં હજુ સુધી મળ્યો ન પ્રાસ –
જાણતો હું પ્રાસ માત્ર ત્રાસ.

મહુડાનો મદિર પ્રલાપ,
કેસૂડાનો રંગીન આલાપ,
અબીલ ને ગુલાલની રચાય છે દ્વિપદી,
નથી જડી માત્રા મને એક્કે ય રે એની હજી!

આકાશનું મૌન આ વિશાળ,
કુસુમે કુસુમે ઝરી રચ્યાં કરે મોતીમાળ;
એને ગૂંથવાને હજી સ્રગ્ધરાની નથી મળી ભાળ!

હું જ માત્ર રહ્યો લઘુ,
શોધ્યા ના જડતા ગુરુ!
નથી જડ્યો એક્કેય અક્ષર,
પડઘા કો પાડી રહ્યું: નશ્વર! નશ્વર!
કશી માત્રા, કશો મેળ?
બંધ થવા આવ્યો ખેલ.

હિરોશિમા નાગાસાકી તણો માત્ર રહ્યો પ્રાસ,
શોક અને શ્લોક જોડવાની હવે નથી આશ!

મરણના યતિભંગે જીવનનો શ્લોકભંગ –
નાડીનક્ષત્રનો છન્દ?
કોઈ રચી ગયું ફંદ!
શોધ્યો જડે નહિ લય,
સર્ગબદ્ધ રચે કો પ્રલય.

કોણ એનો થવા ચાહે મહાકવિ?
હું તો નથી કવિ.